ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?

Gujarati-Translated-Books-More-Expensive-Than-English-Chirag-Thakkar-Jay

અનુવાદક તરીકે જ્યારે લોકોને મળવાનું થાય ત્યારે અમુક પ્રશ્નો તો કાયમ પૂછાતાં હોય છે. જેમ કે,

આનો જવાબ તો એકદમ સરળ અને સમજી શકાય તેવો છે, માત્ર સમજવાની તૈયારી હોવી જોઇએ. મૂળ પ્રશ્ન અર્થશાસ્ત્રનો જ છે. અંગ્રેજી પુસ્તકનાં પ્રકાશનને ગુજરાતી પુસ્તકનાં પ્રકાશન સાથે સરખાવવાથી આ વાત એકદમ સરળતાથી સમજી શકાશે.

અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન

અંગ્રેજી વિશ્વ ભાષા છે, સમગ્ર જગતને જોડતી કડી છે. માટે અંગ્રેજી વાંચી શકતો વર્ગ ઘણો જ વિશાળ છે. આ બહોળા વાચકવર્ગને કારણે,

  • પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ બહુ મોટા પાયે શક્ય બને છે.
  • લેખકને રોયલ્ટી સ્વરૂપે મોટી રકમ ચૂકવવામાં આવે, તો પણ પુસ્તકની નકલદીઠ તે રકમ ઓછી જ રહે છે.
  • પુસ્તકો પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ બે સ્વરૂપે છાપવાં શક્ય બને છે અને કિન્ડલ જેવા પ્લેટફોર્મ પર ઇ-બુક સ્વરૂપે પણ વેચી શકાય છે.

ઉદાહરણ તરીકે આપણે ભારતના લોકપ્રિય લેખકો અમીશ અને અશ્વિન સાંઘીના પુસ્તકો લઈએ.

અમીશ ત્રિપાઠી

અમીશને આપણે શિવકથન નવલકથાત્રયી (‘મેલુહાના અમર્ત્યો‘, ‘નાગવંશનું રહસ્ય‘ અને ‘વાયુપુત્રોના શપથ’) તેમજ રામ ચંદ્ર શ્રેણી (‘રામઃ ઇક્ષ્વાકુના વંશજ‘, ‘સીતાઃ મિથિલાની વીરાંગના‘ અને ‘રાવણઃ આર્યાવર્તનો અરિ‘)ના સર્જક તરીકે સારી રીતે જાણીએ છીએ.

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Raavan Enemy of Aaryavart

શિવકથન નવલકથાત્રયીના પ્રકાશન પછી પ્રકાશકે અમીશને આગામી શ્રેણી માટે એડવાન્સમાં રૂ. 5 કરોડ ચૂકવ્યા હતા. (ગુજરાતી લેખકો માટે તો આવો આંકડો હાર્ટ-અટેક લાવી દે!) તેની સામે પુસ્તકોની નકલો કેટલી છપાઈ એ હિસાબ માંડીએ.

‘રાવણઃ આર્યાવર્તનો અરિ’ના ટાઇટલ પેજ પર ઉલ્લેખ છેઃ ‘5 Million Copies in Print’. એટલે કે તેની પ્રથમ આવૃત્તિની જ 50 લાખ નકલો છપાઈ છે. એ પછી કેટલી છપાઈ હશે, તે આપણે નથી જાણતાં પણ રામ ચંદ્ર શ્રેણીનો ત્રીજો ભાગ હોવાને કારણે એટલું તો આપણે એકદમ સરળતાથી કલ્પી શકીએ કે પહેલા અને બીજા ભાગની ઓછામાં ઓછી એટલી નકલો તો વેચાઈ જ હશે. તોજ પ્રકાશક 50 લાખ નકલો છાપવાનું સાહસ કરે. એટલે ત્રણે ભાગની કુલ દોઢ કરોડ નકલો સામે વળતર ચૂકવાયું 5 કરોડ. એટલે કે નકલ દીઠ સાડા ત્રણ રૂપિયાથી ઓછું.

અશ્વિન સાંઘી

અશ્વિન સાંઘીને આપણે ભારત શ્રેણી (‘ધ રોઝેબલ લાઇન‘, ‘ચાણક્ય મંત્ર‘ અને અન્ય પુસ્તકો), જેમ્સ પેટરસન સાથે સર્જેલી પ્રાઇવેટ શ્રેણી તેમજ 13 Steps શ્રેણીના સર્જક તરીકે ઓળખીએ છીએ.

Chirag Thakkar Jay - Translation - Ashwin Sanghi - Chankya's Chant

અશ્વિન સાંઘીની પણ તમામ નવલકથાઓની 10 લાખ કરતાં વધારે નકલો તો છપાઈ જ છે. જોકે તેમને ચૂકવાયેલી રોયલ્ટીના આંકડા આપણે નથી જાણતાં એટલે એ અંગે માત્ર ધારણાથી જ કામ ચલાવવું પડે. પણ એ લેખકને પણ જો કરોડમાં જ ચૂકવણી થઈ હોય, તો પણ નકલદીઠ તે રકમ પાંચ રૂપિયાથી વધારે હોય નહીં.

પ્રકાશનના અન્ય ખર્ચ

લેખનની ચૂકવણી ઉપરાંત પ્રકાશનમાં પણ લાખો નકલો હોવાને કારણે પ્રકાશકોને તમામ પ્રકારની કાચી સામગ્રી (કાગળ, કલર વગેરે) પ્રમાણમાં સસ્તી પડે છે.

ઉપરાંત, પેપરબેક (કાચાં પૂંઠાંની) આવૃત્તિઓ તો એકદમ સસ્તા પીળા કાગળ પર છપાય છે, જેનાથી કિંમત ઘણી ઘટી શકે છે. રસિકજનો અને પુસ્તકનો સંગ્રહ કરનારા લોકો માટે હાર્ડ બાઉન્ડ (પાકાં પૂંઠાની) આવૃત્તિઓ પણ છપાય છે. અને કિન્ડલ ઈ-બુક જેવી ડિજિટલ આવૃત્તિઓ તો ખરી જ!

ગુજરાતી પુસ્તકનું પ્રકાશન

આની સામે આપણે એજ પુસ્તકનાં ગુજરાતી અનુવાદનો ખર્ચ ગણીએ. કુલ ગુજરાતીઓની સંખ્યા 7 કરોડની આસપાસ મૂકી શકાય પણ તેમાંથી પુસ્તકો ખરીદીને વાંચનારો વર્ગ તો અત્યંત નાનો છે. કદાચ તે આપણી વસતીનો 1% વર્ગ પણ નથી. માટે ગુજરાતી પુસ્તકોની 500, 750, 1000 કે 1250 નકલો છપાય છે. અને જો કોઈ પુસ્તકની 5000 નકલ છપાય, તો તે લેખકને બેસ્ટ સેલર લેખક ગણવો પડે છે. આપણે હિસાબ પણ એ બેસ્ટ સેલરનો જ લગાવીએ.

અંગ્રેજીથી ગુજરાતી અનુવાદના પ્રકાશનનો ખર્ચ નીચે મુજબ હોય છેઃ

  • સૌ પ્રથમ, લેખક પાસેથી અનુવાદના હક લેવા માટે ચૂકવવું પડતું વળતર
  • પછી અનુવાદકને અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ કરવા માટે ચૂકવવું પડતું વળતર
  • ઉપરાંત કાગળ, છાપકામ, બાઇન્ડિંગના જે ખર્ચ આવે, તે તો ખરા જ.
  • અહીં વિશેષતઃ એ નોંધવું રહ્યું કે આપણે ત્યાં પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ અલગ અલગ પ્રકારે એક જ પુસ્તકનું પ્રકાશન કરવાનું ચલણ નહીંવત્ છે. પહેલાં મોટાભાગનાં પુસ્તકો હાર્ડબાઉન્ડમાં જ આવતાં અને હવે પેપરબેકથી થોડાંક જાડાં કવર સાથે આવે છે. તેમાં પીળો નહીં પરંતુ ઉત્તમ ગુણવત્તા વાળો સફેદ કાગળ જ વાપરવામાં આવે છે. જે પીળા કાગળ કરતાં સારો એવો મોંઘો હોય છે.

હવે એક ઉદાહરણ

ઉદાહરણ તરીકે અમીશની રામ ચંદ્ર શ્રેણીની જ વાત કરીએ. જે લેખકે એ પુસ્તકનાં પ્રકાશન પહેલાં 5 કરોડ લીધા હોય, તે અનુવાદના હક સાવ સસ્તામાં તો આપશે નહીં. માની લો કે તે હક અમીશ માત્ર 5 લાખમાં જ આપે છે. (આને મારી ધારણા માનવી, હકીકત નહીં. પણ આ ધારણાની આસપાસમાં જ ક્યાંક હકીકત પણ રહેલી હશે એમ માનવું તાર્કિક જણાય છે.) એની સામે પ્રકાશક 5000 નકલ પણ છાપે. હવે 5 લાખ ભાગ્યા 5 હજાર કરો! શું જવાબ આવ્યો? 100 રૂપિયા પૂરા. ક્યાં સાડા ત્રણ રૂપિયા અને ક્યાં પૂરા 100 રૂપિયા. આમ નકલદીઠ લેખકને ચૂકવાતી રોયલ્ટી જ ઘણી વધારે હોય છે.

એ ઉપરાંત ઉત્તમ ગુણવત્તાનો કાગળ પણ પુસ્તકનો ભાવ વધારવામાં કારણભૂત હોય છે.

અને આપણાં ગુજરાતી પુસ્તકો મોટોભાગે ડિજિટલ સ્વરૂપે પણ પ્રકાશિત થતાં હોતાં નથી કારણ કે આપણે સમાજસેવાનાં નામ હેઠળ ગુજરાતી પુસ્તકોની પાયરસી કરવામાં જરા પણ ખચકાટ અનુભવતા નથી.

સરવાળે…

આ બધાનો સરવાળો કરો. બજાર નાનું, ખર્ચ વધારે અને ગુણવત્તાની દ્રષ્ટિએ જરા પણ કચાશ રાખવાની નહીં. તો પુસ્તકની કિંમત વધશે કે નહીં? અને આ ગણિત તો આપણે ભારતમાં વસતા ભારતીય લેખકોના સંદર્ભે કર્યું છે. જેમ અશ્વિની ભટ્ટે એલિસ્ટર મેકલિનના અનુવાદો આપ્યા હતા, એવું કામ તો આનાથી પણ વધારે ખર્ચાળ નીવડતું હોય છે કારણ કે ત્યાં ડોલર અને પાઉન્ડમાં ચૂકવણી કરવી પડતી હોય છે.

આપણને ગુજરાતીઓને હંમેશા સસ્તું અને સારું જ ખપતું હોય છે પણ દરેક વખતે એમ શક્ય બનતું નથી, અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ કરેલાં પુસ્તકમાં તો નહીં જ.

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s