પ્રતિક્રિયાઓનો વરસાદ
પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો વાળા મારા લેખના જવાબમાં પ્રતિક્રિયાઓનો વરસાદ વરસી ગયો. બ્લોગ પર કોમેન્ટ સ્વરૂપે તેમજ અંગત ઇમેલ અને વિવિધ સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ મેસેજ સ્વરૂપે પણ. એ બદલ આપ સૌનો આભાર. આનાથી વધારે આનંદની ક્ષણ તો કઈ હોઈ શકે?
આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રતિક્રિયાઓ રહી. પ્રથમ પ્રકારની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં કામ કરનારાઓ મિત્રોની. તેમણે પોતાની સહમતિ દર્શાવી અને અંગત અનુભવો પણ વહેંચ્યા.
બીજા પ્રકારની પ્રતિક્રિયા આવી યુવામિત્રો તરફથી. તેમણે અલગ અલગ રીતે એમ પૂછ્યું છે કે “શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?” આજે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
અનુવાદ કોણ કરી શકે?
અનુવાદ કોણ કરી શકે? અનુવાદક બનવા માટે શું કરવું જોઈએ? ક્વોલિફિકેશન્સ? કોર્સ? કોઇ ડાઉનસાઇડ? તકો?
આ પ્રશ્નોનો ટૂંકો જવાબઃ કોઈ પણ બે ભાષાઓનું (Source Language & Target Language) પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ અનુવાદ કરી શકે છે. એના માટે અન્ય કોઈ જ વિશેષ લાયકાતની જરૂરિયાત નથી.
આ પ્રશ્નોનો સવિસ્તાર જવાબ હવે આપું.
અનુવાદ કોણ કરી શકે?
અનુવાદને કારકિર્દી તરીકે અપનાવવા માટે અને તેમાં સફળ થવા માટે આટલી શરતોનું પાલન કરવું આવશ્યક છે.
શરત નંબર 1
સૌ પ્રથમ શરત તો એ કે જેને શબ્દો અને ભાષામાં રમવું ગમતું હોય, માત્ર તે જ વ્યક્તિ અનુવાદને કારકિર્દી તરીકે અપનાવી શકે છે. હા, ક્યારેક કામ પડ્યું અને બે-ચાર પાનાનો અનુવાદ કરવો હોય, તો એના માટે આ મુદ્દો જરૂરી નથી. પણ જો તમારે સતત એ કામમાં જ રચ્યા-પચ્યા રહેવું હોય, તો એમાં તમને વિશેષ રસ હોય એ પ્રથમ શરત.
શરત નંબર 2
બીજું, તમને બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જે ભાષામાંથી અનુવાદ કરવાનો છે (Source Language) અને જે ભાષામાં અનુવાદ કરવાનો છે (Target Language) એ બે ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. જુઓ, એ જ્ઞાન ન હોય, તો કેવા લોચા પડે એનું એક નાનકડું ઉદાહરણ.
ઉદાહરણ 1
દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ટ્રિલોજી ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ શ્રેણીની પહેલી ફિલ્મની પહેલી બે મિનિટમાં જ અંગ્રેજીમાં આવો એક સંવાદ આવે છેઃ

“…The Dark Lord Sauron forged in secret a master ring…”
તેના સબટાઇટલ્સનો અનુવાદ કરનાર અનુવાદક મિત્રએ હિન્દી અનુવાદ આ મુજબ કર્યો છેઃ
“…डार्क लोर्ड सोरोन ने गुप्त रुप से असली रिंग की एक नकल बनाई…“
અહીંયા ‘forge’ શબ્દનો અર્થ ‘ઘડવું’ કરવાનો છે પણ એમણે તેનો બીજો અર્થ ‘નકલ’ કર્યો છે. (ફિલ્મની હિંદી આવૃત્તિની પહેલી 2 મિનિટમાં જ એ આવશે.) માટે જેણે એ ફિલ્મ માત્ર હિંદીમાં જ જોઇ હોય, તે તો એવા જ ભ્રમમાં રહે કે આવી બે વીંટીઓ હશે, પણ એવું વાસ્તવમાં નથી. અહીંયા આખું કોળું જ શાકમાં જતું રહ્યું છે.
ઉદાહરણ 2
બીજું એક નાનકડું ઉદાહરણ. યુનેસ્કો દ્વારા ભારતના હેરિટેજ સ્થળો વિષે બાળકો માટે અંગ્રેજીમાં સચિત્ર પુસ્તિકાઓ કરવામાં આવી છે. ગુજરાતીમાં તેનો અનુવાદ કરનાર સન્નારીએ ‘Illustrated Books’નો અનુવાદ ‘ઉદાહરણ સાથેનાં પુસ્તકો’ કર્યો હતો! ઉપરાંત, તેઓ પોતે ભારતીય જ છે, ભારતમાં જ રહે છે પરંતુ ‘Descent of Ganges’નો અનુવાદ તેમણે ‘ગંગાના ઢોળાવો’ કર્યો હતો. ગંગા નદીના અવતરણની કથાથી તો તેઓ પરિચિત હશે જ પરંતુ ભાષાની અપૂરતી સમજને કારણે આવું બન્યું હશે, એમ માનવું રહ્યું.
આવાં તો અઢળક ઉદાહરણો છે પણ આટલાં પૂરતાં છે.
શરત નંબર 3
ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા છે એટલે એ બંને ભાષા જે સંસ્કૃતિઓ સાથે વણાયેલી હોય, તે સંસ્કૃતિની પણ પૂરતી માહિતી હોવી આવશ્યક છે. સાહિત્યનાં પુસ્તકોનાં અનુવાદ માટે તો તેને અનિવાર્ય માનવી જ રહી.
જેમ કે, મારા ગુરુઓમાંના એક અને અત્યંત સન્માનનીય એવા એક નિવૃત્ત સજ્જન સાહિત્યના રસિકજન છે. તેમણે સરકારી નોકરી કરતાં કરતાં ઘણા સારા અનુવાદ આપ્યા છે. અત્યારે નિવૃત્તિ પછી સાહિત્યમાં જ ગળાડૂબ રહેતા એ સજ્જનની અંગ્રેજી અને ગુજરાતી ભાષાની સમજ અંગે તો કોઈ આંગળી ચીંધી જ ન શકે. પણ એમની પાશ્ચાત્ય સંસ્કૃતિની સમજ કાચી રહી ગઈ હશે. એટલે એક ટૂંકી અંગ્રેજી વાર્તાના અનુવાદમાં તેમણે ‘sunday school’નો અનુવાદ ‘રવિવારની શાળા’ તરીકે જ કર્યો. અનુવાદ છપાઈ ગયાને પણ વર્ષો થઈ ગયા પણ આ સમજફેર કોઈના ધ્યાનમાં આવ્યો નથી. ભારતમાં, અને વિશેષતઃ ગુજરાતમાં, દેરાસરો કે સ્વામિનારાયણ મંદિરોમાં બાળકો માટે વિશેષ વર્ગો ચાલતા હોય છે જેમાં તેમને જે તે ધર્મની વિશેષ સમજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખ્રિસ્તિ બહુમતી ધરાવતા દેશોના ચર્ચમાં પણ એવા જ હેતુસર રવિવારે બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જ્યાં તેમને મનોરંજનની ઓથે ધર્મરસના ઘૂંટ ભરાવવામાં આવે છે. એટલે ‘sunday school’નો અનુવાદ એ સંદર્ભમાં કરવામાં આવે તો તે વાર્તાતત્વ માટે ઉપકારક બની રહે પણ એમ બન્યું નથી. એટલે જે તે સંસ્કૃતિઓનું જ્ઞાન પણ મહત્વનું બની રહે છે.
શરત નંબર 4
છેલ્લી અને ઉપરની ત્રણેય શરતો કરતા પણ મહત્વની શરત એ કે ‘મજૂરી’ (drudgery) કરવાની તૈયારી હોવી જોઈએ. તમારે ખાડા નથી ખોદવાના છતાં કાળી મજૂરી તો કરવાની જ છે.
જો તમારે 300 પાનાનું એક પુસ્તક પ્રકાશકને 1 મહિનામાં અનૂદિત કરી આપવાનું હોય, તો દરરોજ 10 પાના એટલે કે અંદાજે 3000 શબ્દો સાથે બથોડા ભરવા પડે. એટલે કે દરરોજ સરેરાશ 4થી 8 કલાક સતત કામ કરવું પડે. તેમાં તમને કોઈ જ કંપની નહીં આપે. (વાસ્તવમાં કોઈ કંપની આપવા આવે તો પણ તેમને ના પાડવી પડે કારણ કે આ કામમાં એકાગ્ર થઈ જવું જરૂરી છે.) એકલા બેઠાં બેઠાં, મૂળ પુસ્તકના એક એક વાક્યને વાંચીને, શબ્દકોષોના ઢગલા ઉથલાવીને, કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠા બેઠા આંગળીઓ દુઃખી જાય કે આંખો બળવા માંડે ત્યાં સુધી ટાઇપ કરે રાખવું પડે છે. (જી હા, પ્રકાશકો અને વિદેશના ક્લાયન્ટ ફરજિયાત સોફ્ટ કૉપી જ માંગે છે એટલે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના પ્રાથમિક જ્ઞાનને પણ આ શરતમાં ઉમેરી લેવું.)
અને માત્ર એકવાર અનુવાદ મોકલી આપ્યાથી કામ પતી નથી જતું. તેના પછીના તબક્કામાં પણ તમારે બે-ત્રણ વાર એજ વસ્તુઓ વાંચવી પડે છે જેથી અનુવાદ, ટાઇપિંગ, પ્રૂફ રીડિંગ કે પેજ સેટિંગ દરમિયાન રહી ગયેલી કચાશ દૂર થઈ શકે.
કોઈ કોર્સ ખરા?
છે ને. આપણા દેશમાં શેના કોર્સ નથી હોતા? પણ આદરણીય શાહબુદ્દીન રાઠોડે આપેલા ઉદાહરણ અનુસાર, તરવા માટેનું પુસ્તક વાંચીને તરવા પડે એ માણસ અને તેનું જ્ઞાન બંને એક સાથે તળિયે પહોંચી જાય છે. જેમ તરવા માટે પાણીમાં પડવું પડે એમ અનુવાદ શીખવા માટે અનુવાદ કરવો જ પડે. એ પ્રક્રિયામાંથી વારંવાર પસાર થયા પછી જ તેમાં નિપુણતા આવે છે.
હા, સારી જગ્યાએ અનુભવી ગુરુજનોના માર્ગદર્શન હેઠળ અનુવાદની પ્રક્રિયા શરૂ થાય, તો ઘણા પ્રશ્નોના જવાબ મળી શકે છે માટે કોર્સ કરવો લાભદાયક ખરો પણ એ અનિવાર્ય ન કહેવાય.
એક નુકસાન પણ નોંધી લેવું
અનુવાદ શારીરિક કરતા માનસિક શ્રમ વધારે માંગી લે છે એટલે એ ક્ષેત્રમાં આવનારે સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવધાની રાખવી પડતી હોય છે. સતત બેસી રહેવાથી કમર અને મણકાનો દુખાવો થવો તેમજ પુસ્તક અને કોમ્પ્યુટર સ્ક્રીન સામે વારંવાર નજર ફેરવતા રહેવાથી સ્પોન્ડિલાઇટિસ (ગરદનના મણકાનો દુખાવો) થવો એ એકદમ સામાન્ય વસ્તુઓ છે. જોકે, તદ્દન ઓછા ખર્ચે વિશેષ વ્યવસ્થાઓ કરીને તેનાથી બચી શકાય છે.
પરંતુ વધતા કોલેસ્ટ્રોલ અને ચરબીનું શું કરવું? એના માટે તો તમારે ડાયેટમાં ધ્યાન રાખવું જ પડે છે અને દૈનિક ધોરણે અમુક કસરતો પણ કરવી પડે છે.
આ ક્ષેત્રમાં તકો ક્યાં રહેલી છે?
સૌથી છેલ્લી વાત આ ક્ષેત્રમાં રહેલી તકોની. ટૂંકમાં કહું, તો આ ક્ષેત્રમાં અઢળક તકો રહેલી છે. વિશ્વ હવે વાસ્તવમાં એક ગ્લોબલ વિલેજ બની ગયું છે, એવા સમયમાં તો તકો સાચે જ વધી છે.
પ્રિન્ટ મીડિયા
- સૌ પ્રથમ, જેનાથી તમે બધા જ પરિચિત છો, એ પ્રિન્ટ મીડિયાની વાત કરીએ. તો ફિક્શન અને નોન-ફિક્શન પુસ્તકોનાં અનુવાદ તો સતત થતા જ રહે છે. એ કામ સતત ચાલુ રહે છે અને નજીકના ભવિષ્યમાં તો અટકવાનું નથી.
- દૈનિક વર્તમાનપત્રોને પણ ફુલ ટાઇમ અનુવાદકો રાખવા જ પડે છે.
- શૈક્ષણિક પુસ્તકોનું પણ એવું જ વિશાળ બજાર છે અને તેમાં પણ અનુવાદકોની માંગ સતત રહે છે. ઉપરાંત તેમાં તો જે તે વિષયના નિષ્ણાંતોની પણ માંગ રહે છે. જેમ કે એન્જીનિયરિંગનાં પુસ્તકો, કાયદાનાં પુસ્તકો, સરકારી પરીક્ષાને લગતાં પુસ્તકો વગેરે.
- કાયદાની ભાષા જાણનારા અનુવાદકોને આવકારવા વકીલો અને અદાલતો તત્પર હોય છે.
- મેડિકલ ટર્મિનોલોજી જાણનારા માટે પણ આ ક્ષેત્રમાં અઢળક મલાઇદાર તકો રહેલી છે.
- અને હા, સરકારી ક્ષેત્રમાં તેમજ મોટા કોર્પોરેટ હાઉસિઝમાં પણ અનુવાદકોને નોકરીએ રાખવામાં આવતા હોય છે.
ઇલેકટ્રોનિક એન્ડ ડિજિટલ મીડિયા
- ન્યૂઝ ચેનલોમાં ફુલ ટાઇમ અનુવાદકો રખાતા હોય છે.
- ફિલ્મો અને સીરિયલોના સબટાઇટલ્સ અને ડબિંગ માટે અનુવાદકો અનિવાર્ય છે.
- વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન્સમાં સારું કન્ટેન્ટ લાવવા માટે પણ અનુવાદકો રાખવામાં આવે છે.
- તમે જાણીતી મોબાઇલ એપ્લિકેશન્સમાં UIની ભાષા બદલવાના વિકલ્પ જોયા જ હશે. જેમ કે, તમે ફેસબુક એપ ગુજરાતીમાં પણ વાપરી શકો છો. એને લોકલાઇઝેશન કહેવાય છે. વેબસાઇટ અને એપ્લિકેશનના લોકલાઇઝેશનમાં પણ ડેવલોપમેન્ટ સ્તરે અનુવાદકોની જરૂર પડતી હોય છે.
વિદેશનાં કામ
ટેક્નોલોજીની મદદથી તમે વિદેશથી પણ કામ સરળતાથી મેળવી શકો છો. એટલે ઉપર જણાવેલી તમામ તકો તમને વિવિધ ઓનલાઇન વર્કપ્લેસિસની મદદથી પણ મળી શકશે.
અને આ યાદીમાં હજું પણ અમુક વસ્તુઓ ઉમેરી શકાય તેમ છે. પણ અત્યારે તો આને પૂરતું માનીએ.
અંતમાં
અને હા, પેલો 10,000 hours વાળો નિયમ યાદ રાખવાનું ભૂલતા નહીં. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે તમારે દસ હજાર કલાક (ભારતીય ગણતરી મુજબ કહીએ, તો 5 વર્ષ) આપવા પડતા હોય છે. જરૂરી નથી કે બધાને એટલો જ સમય લાગે. કોઇને વધારે તો કોઇને ઓછો સમય જોઇએ પણ રાતોરાત તમે એટલા સક્ષમ તો નહીં જ બની શકો કે માત્ર અનુવાદના આધારે તમારું ઘર ચલાવી શકો. એટલે ધીરજ અને ખંતને તમારા ભાથામાં અવશ્ય રાખવા.
તો, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
As usual very good article.
LikeLiked by 1 person
આભાર મિહિરભાઈ!
LikeLike
Very nice 👌👌👌
LikeLike
આભાર.
LikeLike