બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા

Booker-Prize-2022-Noble-Prize-1913-Translators-Honour-Chirag-Thakkar-Jay

ગઈકાલે જાહેર થયેલા બુકર પ્રાઇઝના વિજેતા છે હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ના લેખિકા ગીતાંજલી શ્રી. આ પહેલાં પણ ભારતીય કે ભારતીય મૂળના લેખકોને આ સન્માન મળ્યું છે પરંતુ એ તમામનું સર્જન અંગ્રેજી ભાષામાં જ હતું. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મૂળ હિન્દીમાં લખાયેલી નવલકથાના ડેઇઝી રોકવેલ દ્વારા કરવામાં આવેલા હિન્દીથી અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’ને આ ઇનામ મળ્યું છે. એ વાત પણ નોંધપાત્ર છે કે બુકર પ્રાઇઝની ધનરાશિ લેખક અને અનુવાદકમાં સમાન હિસ્સે વહેંચાય છે.

આમ તો ભારતનું પ્રથમ નોબલ પ્રાઈઝ પણ 1913માં રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ના બંગાળીથી અંગ્રેજી અનુવાદ ‘Song Offerings’ને જ મળ્યું હતું. એ અનુવાદ જોકે ગુરુદેવે પોતે જ કર્યો હતો પણ હતો તો એ અનુવાદ જ.

અનુવાદ અને અનુવાદકોનો મહિમા

તેમ છતાં આપણે અનુવાદ અને અનુવાદકોનો યોગ્ય મહિમા કર્યો નથી. એ સંદર્ભે ગઈકાલે ‘લલ્લનટોપ શો’ પર થયેલી આ વાત પણ જોવા અને વિચારવા જેવી છે. જુઓ નીચેના વીડિયોમાંઃ

Continue reading “બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા”

અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં શ્રી રમણ સોની વતી અપાયેલું અધ્યક્ષીય વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. શ્રી રમણ સોનીએ તેમાં પ્રારંભે અનુવાદ એટલે શું અને અનુવાદનાં વિવિધ રૂપો અંગે ભૂમિકા બાંધી છે. એ પછી તેમણે અનુવાદકના પક્ષેથી અનુવાદની કળા અને તે અંગેના જરૂરી ગુણોની વાત કરી છે. પછી તેમણે વાચક પક્ષેથી સજ્જ ભાવક અને અનુવાદની સફળતા-નિષ્ફળતાની વાત કરી છે. અંતે તેમણે પરિષદને સુપ્ત અવસ્થામાં સરી પડેલા તેમના ‘અનુવાદ કેન્દ્ર’ને જાગૃત કરવાની ટકોર કરી છે. બેઠકમાં તેઓ સ્વયં હાજર નહોતા રહી શક્યા માટે તેમનું આ વક્તવ્ય અન્ય કોઈ દ્વારા વાંચવામાં આવ્યું હતું.)

ભૂમિકા

પ્રમુખશ્રી, સાથી વક્તા-મિત્રો તથા સુજ્ઞ સાહિત્યરસિકો. આ બેઠકના આરંભે, અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી ક૨વી છે – અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.

પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.

translation-translator-reader-raman-soni-chirag-thakkar-jay
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.

અનુવાદના રૂપો

તૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વૉયના ઈ મી૨’ના અંગ્રેજીમાં ‘વૉર ઍન્ડ પીસ’ નામે ઘણા અનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ’નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી… અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે – બે ભાષાઓ વચ્ચેના નાનાસ૨ખા અવકાશમાં આકાર લેતો સંવાદ’ 1 એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે’, એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ’ કહેવાથી ઉમેરાય છે – એ છે મૂળ કૃતિનાં સ્પર્શ અને સૂર. કેમકે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે. પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમજ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત ૫૨ ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તા૨માં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ-વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.

Continue reading “અનુવાદ, અનુવાદક અને વાચક – ૨મણ સોની”