ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા

Dhruv-Bhatt-Gujarati-Novel-Karnlok-Book-Review-Chirag-Thakkar-Jay

[8 મે, 2021 ના દિવસે ધ્રુવ ભટ્ટે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે]

કર્ણ અને કુંતી – ભારતીય સમાજના અનાથ બાળક અને મજબૂર માતાનાં પ્રતીક. પણ કર્ણના જીવનનું કારુણ્ય તેની અનાથતાથી પણ ઘણું વધારે છે જે દિશામાં આપણે વિચાર નથી કરતા. પરંતુ શ્રી ધ્રુવ ભટ્ટ જુદી માટીમાંથી ઘડાયેલા માનવ છે, એવું તમે તેમનું કોઈ પણ પુસ્તક વાંચીને કહી શકશો. માટે સામાન્ય માનવીના જીવનમાં પણ કર્ણના જીવનનું કારુણ્ય રહેલું છે તેમ ધુવ ભટ્ટની ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ વાંચીને અનુભવી શકાય છે.

Dhruv Bhatt Gujarati Novel Karnlok Book Review Chirag Thakkar Jay
ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ના લેખક ધ્રુવ ભટ્ટ જીવનસાથી સાથે
(તસવીરઃ મેઘા જોષી)

સામાન્યતઃ પોતાના લેખન માટે ધ્રુવ ભટ્ટ લખાણ શબ્દ વાપરે છે, પણ ‘કર્ણલોક’ને નવલકથા ગણવામાં આવી છે. તેમ છતાં વાંચતાં-વાંચતાં પ્રતિત તો એમ જ થાય કે ધ્રુવ ભટ્ટ તો એ જ છે, જે આપણને તેમના અન્ય પુસ્તકોમાં જોવા મળે છે. તેમની આગવી શૈલી મુજબ તેમણે પુસ્તક અર્પણ કર્યું છે ‘માનવજાતની પ્રથમ માતાને’. પ્રસ્તાવના પણ માત્ર એક જ લીટીની છેઃ ‘આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવાનું નથી.’ સાચી વાત છે. પુસ્તકમાં જ તેમણે ઘણું બધું કહ્યું છે, પછી પ્રસ્તાવનામાં કહેવાની શું જરૂર હોય? જોકે પ્રસ્તાવનાનાં પાના પર જમીનમાં ખૂંપી ગયેલાં રથનાં પૈડાનું રેખાંકન પ્રતિકાત્મક છે. આ નવલકથા 24 પ્રકરણ અને 252 પાનામાં આલેખાયેલી છે. ધ્રુવ ભટ્ટ આમ પણ લાંબુ નહી, ઊંડુ લખે છે અને ઘણીવાર તમારે વાચન અટકાવીને જે વાંચ્યું તેની પર બે ક્ષણ વિચારવું પડે છે માટે આ નવલકથાનું કદ વધારે તો લાગતું જ નથી.

Continue reading “ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા”

ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay

પુસ્તકની શરૂઆતમાં જ વાંચ્યુંઃ “અર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણને” અને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે આ કોઈ બીબાંઢાળ પુસ્તક નથી.

પછી ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે…મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધુ આપણી પર જ છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.

પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા છે પણ તે ખૂબ જ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પાના નંબર 25 પર નાયક કહે છે કે “આ નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.” ત્યારે આપણને આ નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે.

શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, “ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.” (પાના નં. 21) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, “હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.” (પાના નં. 32) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે, “આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.” (પાના નં. 28)

Continue reading “ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’”