પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

Gujarati To English Translation Chirag Thakkar Jay

પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!

કાયમ પૂછાતો પ્રશ્ન

Gujarati To English Translation Chirag Thakkar Jay

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.

ભારતદેશનું બહુભાષીય પોત

ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની ચલણી નોટ પર 15 ભાષા છાપવી પડે છે. વસતીની સરખામણીએ વિશ્વના બીજા સૌથી વિશાળ રાષ્ટ્રને એકસૂત્રે બાંધે એવી સ્વીકૃતિ કોઈ એક ભારતીય ભાષાને મળી નથી. દક્ષિણ ભારતમાં હિન્દી સ્વીકાર્ય નથી અને બાકીના ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓને ‘જલેબી જેવી’ કહીને ઉતારી પાડવાનું ચલણ છે.

સર્વસ્વીકૃત ભાષા તરીકે અંગ્રેજીને દક્ષિણ ભારતમાં ઘણી વહેલી સ્વીકારાઇ હતી. તેમ કરવાથી તેમની માતૃભાષાઓ અને સંસ્કૃતિનો વિનાશ થયો નથી. આપણે ગુજરાતમાં માતૃભાષા અને સંસ્કૃતિના વિનાશની ભળતી વાતો કરીને અંગ્રેજીનો સ્વીકાર બહુ મોડો કર્યો છે. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના શિક્ષણનો મુદ્દો ઉખેળતા વાત આડા પાટે ફંટાઈ જશે, એટલે એ બાજુએ રાખીને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે, તેની જ વાત કરીએ.

અંગ્રેજી એટલે કૌશલ્ય નહીં પરંતુ ચલણી નાણું

2006માં હું વિદેશ ગયો ત્યાં સુધી ગુજરાતમાં અભ્યાસમાં ગુજરાતી માધ્યમનું જ પ્રભુત્વ હતું અને અંગ્રેજી વિષયના ઉત્તમ શિક્ષકોની ખોટ ત્યારે પણ હતી (અને આજે તો ઘણી વધારે છે). એટલે એ સમયે જે ગણી-ગાંઠી અંગ્રેજી માધ્યમની શાળાઓ હતી, તેમાં દક્ષિણ ભારતના શિક્ષકોનું વર્ચસ્વ રહેતું હતું અને હજું પણ તેમની માંગ તો વધારે જ છે. આમ પુરવઠા કરતાં માંગ વધારે હોવાથી જે પણ ગુજરાતી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં કુશળ બને, તેમને અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે તક મળી રહેતી હતી અને આજે પણ મળી રહે છે. એટલે સારું અંગ્રેજી જાણતા લોકો શિક્ષણના વ્યવસાય કરતાં ઘણું વધારે રળી આપતી જગ્યાઓએ ગોઠવાય, એ સ્વાભાવિક છે. શિક્ષક કે અધ્યાપક તરીકેની કારકિર્દી તેમને ઓછી ફળદાયી અને વધુ જવાબદારીવાળી લાગતી હોય છે. આમ, ગુજરાતમાં અંગ્રેજીના તજજ્ઞોની અછતને કારણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન સીધું જ વધારે આવક સાથે જોડાઇ ગયું છે.

ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ

અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ કરનારા અનુવાદકો તો તેમ છતાં ગુજરાતમાં મળી રહે છે પરંતુ જ્યારે ગુજરાતીથી અંગ્રેજી અનુવાદની વાત આવે, ત્યારે એવા માણસોની જ જરૂર પડે કે જેમનું અંગ્રેજી પર પણ ગુજરાતી જેટલું જ પ્રભુત્વ હોય. અને એવું પ્રભુત્વ ધરાવનારા લોકો નવરા તો બેઠા હોય નહીં. એ લોકો કોઇને કોઇ સારી જગ્યાએ સારા પદ પર બેઠા હોય કે વ્યવસ્થિત આવક ધરાવતા હોય, એ નક્કી માનવું. એમને તમે ચણા-મમરાના ભાવે અનુવાદનું કામ કરવાનું કહો, તો એ નથી જ કરવાના. અને શું કામ કરે?

પ્રાચીન માન્યતાઓનું ભારણ

હવે જ્યારે હું એમ પ્રશ્ન પૂછું કે ‘શું કામ કરે?’ ત્યારે ઘણા લોકોના મનમાં એમ જવાબ ઉગશે કે સાહિત્યની સેવા કરવા માટે. અને એવો જવાબ ઉગવા પાછળનું કારણ છે પેલી પ્રાચીન અને પારંપરિક માન્યતાઓ જેમાં વૈદ્ય, ગુરુ અને કલાકાર પોતાની આવડત વેચે, તે યોગ્ય મનાતું નહીં. ત્યારથી આપણે એ ત્રણેય વ્યવસાયોને સામાજિક સેવા ગણી લીધા છે અને તેમાં વળતરની અપેક્ષા રાખનારને કનિષ્ઠ માનવામાં આવે છે.

એટલે જ જો કોઇ MD ડૉકટર 30 થી 32 વર્ષની ઉંમર સુધી તમામ અગવડો વેઠીને ભણે અને પછી પોતાના કન્સલ્ટેશન માટે ₹ 500 લે, તો બધા કહેતા હોય છે કે ‘બે મિનિટ જોવાના ₹ 500 લઈ લીધા’. અત્યારે શાળાની ફી અને શિક્ષકના પગાર પર એટલે જ વિવાદ થઇ રહ્યા છે. બાકી ગુરુકુળમાં ‘વિનામૂલ્યે’ શિક્ષણ આપનારા ગુરુઓ આખાં રાજ્યો કે અંગૂઠાઓ ગુરુદક્ષિણા સ્વરૂપે ક્યાં નહોતા લેતા? તમામ ઉત્તમ કલાકારો પણ પ્રાચીન સમયમાં રાજ્યાશ્રય પામતા અને તેમને જીવનનિર્વાહની ચિંતા નહોતી રહેતી, એટલે તેઓ પોતાની કલા વેચતા નહોતા. હવે કલાકારો માટે રાજ્યાશ્રયનો વિકલ્પ નથી, તો એ લોકો પોતાનો જીવનનિર્વાહ ક્યાંથી કરશે?

અનુવાદ એટલે પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ

હા, એ કલાકારોએ પોતાની કલાની અવેજીમાં રૂપિયા લેવા જ પડશે અને જો અન્ય જગ્યાએ ઓછી મહેનતમાં વધારે વળતર મળતું હોય, તો કોઇ અનુવાદ જેવા પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ માંગી લેતા કામમાં શા માટે જોડાય? સાહિત્ય માટે પ્રીતિ હોવી આવશ્યક છે પરંતુ જેને પોતાના પરિવારનો નિર્વાહ કરવાનો છે, તે મા સરસ્વતીના ખોળે મસ્તક મૂકીને કેટલો સમય ટકી શકશે? આજના સમયમાં તે ખૂબ અઘરું છે. હા, અમુક અધ્યાપકો, શિક્ષકો અને રસિક જીવો પોતપોતાની રીતે આ કામ કરે છે ખરા, પણ એ લોકો છે કેટલા? ગુજરાતી સાહિત્યમાં અસંખ્ય ઉત્તમ પુસ્તકો છે અને તે તમામને અંગ્રેજી અને અન્ય ભાષામાં લઇ જવા હોય, તો એ ભગીરથ કાર્ય માટે તો એ સંખ્યા તદ્દન નગણ્ય છે.

અંગત અનુભવો

હવે અમુક અંગત અનુભવો વર્ણવું છું. અંગ્રેજી ભાષા આવડતી હોય અને શબ્દસેવી હોય તેમને ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાંથી કામ મળી રહે છે અને તે કામની આવક પણ ડોલરમાં હોય છે. તેનાથી સારી રીતે જીવનનિર્વાહ થઇ શકે છે. સામા પક્ષે ગુજરાતીથી અંગ્રેજી અનુવાદના કામમાં કેવા અનુભવ થતા હોય છે, જાણો છો?

ચણા-મમરાનો ભાવ

અહીં ગુજરાતમાં એક વડીલ લેખક શ્રીએ મને તેમની લઘુનવલના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ સોંપ્યું. તેમની એ લઘુનવલની ઓછામાં ઓછી 15 આવૃત્તિ તો થઇ જ છે. અર્થાત્ લેખક શ્રી પોતે તો તેમાંથી ઘણું રળ્યા છે. પણ અનુવાદ માટે તેમણે જે ભાવ સૂચવ્યો, એ ભાવમાં તો અત્યારે કોઇ હિન્દીથી ગુજરાતી અનુવાદ માટે પણ માત્ર મજબૂરીથી જ તૈયાર થાય. એટલે મારે એ કામનો પરાણે અસ્વીકાર કરવો પડ્યો. પાછલા 4 વર્ષથી એ પુસ્તકના અંગ્રેજી અનુવાદના પ્રયત્નો થતા રહે છે, પણ હજું કોઈ તૈયાર નથી થયું. ક્યાંથી થાય અને કેમ થાય?

બીજો અનુભવ

અનુવાદક તરીકે ઘણી વાર સાહિત્ય સિવાયના ક્ષેત્રમાં પણ સંકળાવાનું બને છે. એક વાર ગુજરાતના સર્વાધિક લોકપ્રિય યુવા કવિઓમાંના એકના સંદર્ભથી મારી પર ફોન આવ્યો. એ કવિ મારા અત્યંત પ્રિય મિત્ર એટલે તેમના નામનું માન રાખીને હું જે તે વ્યક્તિને મળવા ગયો. એ વ્યક્તિનું કામ બધાને વાસ્તુશાસ્ત્રને લગતી સલાહ આપવાનું હતું, અને તેમની ઓછામાં ઓછી ફી ₹ 51,000 હતી. તેમને કામ સર્વોત્તમ જોઇતું હતું, તેમના પોતાના કામની જેમ જ! પણ તેમને મારો ભાવ વધારે લાગ્યો, બોલો.

ચોક્કસ અનુવાદનો હઠાગ્રહ

બીજો મુદ્દો છે જે તે લેખકના હઠાગ્રહનો. અનુવાદ એટલે અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં ભરવાની કલા. થોડીક સુગંધ તો ઘટવાની જ. ઉપરાંત, એક જ લખાણનો જો દસ અલગ અલગ અનુવાદકો અનુવાદ કરે, તો દસેય ડ્રાફ્ટ અલગ અલગ જ હોવાના, એ તો કોઇ પણ સમજી શકે એવી વાત છે. પણ જો એ લખાણ કોઇ એવા માણસનું હોય, જેમણે ભણીને જ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હોય, તો આ વાત મોટાભાગે તેમનાં સમજણ ક્ષેત્રની બહાર હોય છે.

અમદાવાદના પ્રખ્યાત આંખના ડૉકટરોમાંના એકના આંખને લગતા પુસ્તકના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ આવી પડ્યું. કર્યું પણ ખરું. પણ એમને એમ કે એમને ડૉકટરની ડીગ્રી મળી ગઇ માટે એ અંગ્રેજીના પણ વિશેષજ્ઞ થઇ ગયા. એક જગ્યાએ ગુજરાતીમાં વાક્ય હતું ‘જીવનના વિવિધ ક્ષેત્રનાં લોકો’, જેનું અંગ્રેજી મેં એમ કર્યું ‘People from all walks of life’ જે તેમને સદંતર ખોટું લાગ્યું. એમના મતે ‘People from different fields of life’ જ સાચું કહેવાય. મારાથી સમજાવાય એટલું સમજાવ્યું પણ એમનો ચંચૂપાત એટલો વધી ગયો કે મારે એ કામ છોડવું જ પડ્યું.

આમ તો ઘણા ડૉકટર મારા અંગત મિત્રો છે અને મને પોતાને તમામ ડૉકટરો માટે અહોભાવ જ છે, તેમ છતાં વિવિધ ડૉકટરોના અલગ અલગ કામમાં વારંવાર આમ જ બનતું અનુભવ્યા પછી મેં એ દિશાના દ્વાર તો બંધ જ કરી નાખ્યા. એકવાર ગુજરાતના એક IAS અધિકારી સાથે પણ એમ જ બન્યું. ગુજરાતી તેમની પ્રથમ, દ્વિતીય કે તૃતીય ભાષા પણ નહીં. તેમ છતાં અંગ્રેજીથી ગુજરાતી અનુવાદમાં તેમનો ચંચૂપાત એટલો બધો કે કામ પૂરુ કર્યાં પછી મેં મારું નામ પાછું ખેંચી લીધું હતું.

મારી તો એ તમામ ગુણીજનોને એક જ વિનંતી છે કે જો તેમને એમ લાગતું હોય કે તેઓ પોતે જ જે તે ભાષા સારી જાણે છે, તો સમયના અભાવનું બહાનું કાઢ્યા વિના તેમણે એ કામ જાતે જ કરવું જોઇએ.

પ્રિય મફતિયાઓ

આપણે કોઇ રેસ્ટોરામાં જઇને એમ નથી કહેતા કે ‘એક ડીશ મફતમાં ચાખવા આપો. ભાવશે તો બીજાના પૈસા ચૂકવીશું.’ આપણને શંકા હોય, તો આપણે સાવ નાનકડો ઓર્ડર આપીને સ્વાદની ખાત્રી કરી લઈએ છીએ, પણ મફત તો નથી જ માંગતા. પણ સાહિત્યના ક્ષેત્રમાં એ અત્યંત સામાન્ય ઘટના છે. ‘તમે પહેલા પાંચ પેજ કરો, પછી જોઇએ!’, ‘ફર્સ્ટ ચેપ્ટર આપો પછી ભાવ ડિસાઇડ કરીશું…’, ‘અરે યાર એક જ પાનું છે!’ આ અને આવા સંવાદો હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1000 પાના તો વિનામૂલ્યે જ અનૂદિત કર્યા હશે. એટલે અનુવાદના ક્ષેત્રમાં શરૂઆત કરનારા મિત્રોમાંથી ઘણાને તો આ પ્રિય મફતિયાઓએ જ ભગાડી મૂક્યા છે.

પ્રાદેશિક પ્રકાશકોની મર્યાદા

અમુક વાર અમુક પ્રકાશકો પણ ખેલ પાડી દેતા હોય છે. કોઇ નવોદિત લેખક કે કવિને પોતાનું પુસ્તક પ્રકાશિત કરાવવું હોય, તો પહેલા તેમની પાસે એક-બે પુસ્તકોનો અનુવાદ કરાવશે. પછી તેમનું પુસ્તક પ્રકાશિત કરી આપશે જેની અમુક નકલો તો એ લેખકે કે કવિએ ફરજીયાત ખરીદવાની! (Vanity Publishing) બોલો, આમ કે આમ, ગુટલીઓ કે ભી દામ! આમાં અમારા જેવા ફુલ-ટાઇમ અનુવાદ કરનારાનો વારો ક્યાંથી આવે?

જોકે ગુજરાતના પ્રકાશકો માટે પણ ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ કરાવવો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પ્રકાશનની પ્રક્રિયામાં અનુવાદકની સાથે સાથે મૂળ લેખક, તેની પાસેથી અનુવાદના અધિકારો પ્રાપ્ત કરવા માટેના વકીલ અને/અથવા મધ્યસ્થી, સંપાદક, પ્રૂફ રીડર, ડિઝાઇનર, પ્રિન્ટર અને બાઇન્ડર સાથે લમણાં લેવાનાં. આ બધું કર્યાં પછી પણ તેમના દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો ગુજરાત બહાર વેચવાં અઘરાં થઇ પડે છે. (અને ગુજરાતમાં તો આમ પણ પુસ્તકો વેચવાં અઘરાં જ છે!) પ્રાદેશિક પ્રકાશનગૃહો અને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રકાશનગૃહોનું રાજકારણ આખો અલગ મુદ્દો છે, પણ એ કારણે ગુજરાતી પ્રકાશકો અંગ્રેજીમાં પુસ્તક પ્રકાશનનું સાહસ નથી કરતા. જે વસ્તુ વેચાય જ નહીં, તેનું ઉત્પાદન કરીને શું કરવાનું?

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ

હવે બાકી રહી સાહિત્યિક સંસ્થાઓ. એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીમાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ માટે એક સમિતિ બની હતી (જેમાં હું પણ એક અદનો સભ્ય હતો) પણ તેમાં એક મીટિંગથી આગળ કશું થયું નહીં. (જોકે અત્યારે તેમનું જ એક અંગ્રેજીથી ગુજરાતી અનુવાદનું કામ હું કરી રહ્યો છું, પણ એ પૂરું થવાનું શુભ મૂર્હૂત હજું આવ્યું નથી એ માટે હું એમનો ક્ષમાપ્રાર્થી છું.) ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એક સમયે અનુવાદ કલાને લગતા વર્ગો ચાલતા હતા, ત્યારે આવું કંઇક કામ થશે એવી આશા બંધાઇ હતી. પરંતુ હવે તો ત્યાં પણ આ દિશામાં નોંધપાત્ર કામ કરવાની ધગશ કોઇને હોય, એમ જણાતું નથી. દિલ્હી વાળી અકાદમી સ્થાનિક સંસ્થાઓની સહાય અને/અથવા માર્ગદર્શન વિના શું કરી શકે? અને ગુજરાતની અન્ય સાહિત્યિક સંસ્થાઓની તો પહોંચ કેટલી?

અંતે…

આવી પરિસ્થિતિમાં અનુવાદકોનો જીવનનિર્વાહ ઘણો અઘરો થઇ જાય છે. એટલે તમને ગુજરાતમાં કોઇ પણ સંસ્થામાં નોકરિયાત તરીકે જોડાયા વિના ફુલ ટાઇમ અનુવાદનું કામ કરનારા આંગળીના વેઢે નહીં પણ ટેરવે ગણાય એટલાં જ મળશે. બાકી બધા માટે અનુવાદ પાર્ટ ટાઇમ કે શોખ કે વધારાની આવક જ છે.

ભારતનું પ્રથમ નોબલ પારિતોષિક લાવનાર રવિન્દ્રનાથ ટાગોરનાં ‘ગીતાંજલિ’નો અંગ્રેજીમાં અનુવાદ જ ન થયો હોત તો? આમ પણ સમાજ જેને પોષે છે, એજ વસ્તુ સમાજને મળે છે. જો ગુજરાતી સાહિત્યને વૈશ્વિક ઓળખ પામવા વિશ્વભાષામાં અવતરવું હશે, તો એ સેતુ બાંધનાર અનુવાદકોને ગુજરાતી સમાજે જ પોષવા પડશે અને તેમની ક્ષમતા અનુસાર વળતર પણ આપવું પડશે. માત્ર પ્રશ્નો પૂછવાથી કે ફરિયાદ કરતા રહેવાથી તો આજ સુધી શું સિદ્ધ થયું છે?

12 thoughts on “પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

  1. કોઈ પણ એક ભાષાથી બીજી ભાષામાં અનુવાદ થાય ત્યારે રચના એ અનુવાદિત ભાષાની જ રચના લાગવી જોઇએ. અને તેમ છતાં મૂળ રચનાનું હાર્દ પુરેપુરૂં સચવાવું પણ જોઈએ. ઘણી ગુજરાતી રચનાઓનું ‘ગુજરાતી’ બહુ જ સ્વાભાવિક હોય છે. હવે ગુજરાતી જેની મૂળ ભાષા હોય તે જ એ ‘ગુજરાતી’ને સમજી શકે. પણ મોટા ભાગે બને છે તેમ અંગ્રેજી તેની મૂળ ભાષા ન હોય એટલે અંગ્રેજી શબ્દોનાં ભંડૉલની મર્યાદા નડવા લાગે તેમ પણ બને.

    આ સિવાય તમે અનુવાદનાં પ્રકાશનની જે સ્થિતિ કહી છે તે તો મહત્ત્વની ખરી જ. જ્યાં સુધી અનુવાદ પ્રકાશિત ન થાય,- ભલે ડિજિટલ માધ્યમ પર જ થાય – અને અંગ્રેજી વાંચકો તે વાંચે નહીં ત્યાં સુધી અનુવાદ ખરેખર કેવો થયો છે તે તો ખબર જ ન પડે !

    Like

    1. સાચી વાત છે. પ્રકાશિત થતાં નથી કારણ કે અનૂદિત થતાં નથી. અનૂદિત થતાં નથી કારણ કે સારા અનુવાદકો મળતા નથી. સારા અનુવાદકો આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા હોતા નથી કારણ કે સારું અંગ્રેજી જાણનારાને બીજે વધારે સારું વળતર મળી રહે છે. વાત આખી ત્યાં જ આવીને ઊભી રહે છે. આપની વિગતવાર કોમેન્ટ માટે આભાર.

      Like

  2. બહુ જ વાસ્તવદર્શી અને માહિતીપ્રદ લેખ છે, હિસ્સેદારી માટે આભારી છું, આપણે એ વિષે થોડી એવી વાત કરીએ કે જે આ લેખમાં આવરી નથી લેવાઇ, કદાચ એ આ લેખમાં અપ્રસ્તુત પણ છે પણ સર્વગ્રાહી ચિત્ર મેળવવા માટે એ કરવી જરૂરી પણ છે. /મારી ઇંડો-અમેરિકન ડોક્યુનોવેલ ‘પુષ્પદાહ;નો અંંગ્રેજી અનુવાદ-હાર્ડ અને ઇ બુક બેઉ- એકાદ સપ્તાહમાં Flowers in Flame આવી જશે.
    મને એકાદવાર 95580 62711 ઉપર ફોન કરવા વિનંતી, મને અનુકુળ સમય સવારના 11 થી 2 અને સાંજે સાડાપાંચથી મોડી રાતના એક બે સુધી./ કુશળ હશો.-આપનો-રજનીકુમાર

    Like

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s