‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા

Harkisan Mehta Pila Rumalni Ganth Gujarti Novel Book Review Chirag Thakkar

શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતાં તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાના તાણાવાણાથી ગૂંથાયેલી હોય? અને તમને એમ કહેવામાં આવે કે આવા ‘બોલ્ડ’ વિષય પર ઈ.સ. 1968માં નવલકથા લખાયેલી હતી અને એ નવલક્થામાં ઓગણીસમી સદીની શરૂઆતના સમયનું આલેખન છે, તો તમે માનશો? એ નવલકથા એટલે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને એ સાહસિક નવલકથાકાર એ બીજા કોઈ નહિ પણ શ્રી હરકિસન મહેતા.

સુરેશ દલાલે એક વાર કહ્યું હતું કે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ એ ગુજરાતી સાહિત્યના બે લોચન સમા નવલક્થાકાર છે. આ બંને નવલકથાકારો પાસે વાચકની નાડ પારખવાની અદ્દભુત સૂઝ છે. નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. જોકે બંનેની શૈલીમાં એક પાયાનો તફાવત છે જે કોઈની પણ આંખે ઊડીને વળગે અને તે છે તેમણે વાપરેલી ભાષા. સાતમા ધોરણમાં ભણતા કિશોર માટે અશ્વિની ભટ્ટને વાંચવા દુષ્કર તો નહિ પણ મુશ્કેલ જરૂર છે જ્યારે એ જ કિશોર હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. અશ્વિની ભટ્ટ પાસે પોતાનો એક આગવો શબ્દકોષ છે અને યોગ્ય જગ્યાએ જરૂરિયાત અનુસાર ગુજરાતી ભાષા સિવાયના શબ્દો વાપરતા તેઓ બિલકુલ અચકાતા નહીં. જ્યારે હરકિસન મહેતા મોટાભાગે લોકકોષ વડે જ કામ ચલાવી લેતા અને છતાં પણ પોતાની વાતને તેઓ બખૂબી રજૂ કરી દેતા.

આજ કારણે અશ્વિની ભટ્ટથી પહેલાં હરકિસન મહેતાની લેખનીનો પરિચય થયો હતો. પહેલાં તેમની નવલકથા ‘ભેદ-ભરમ’ વાંચી અને ત્યાર બાદ એક પછી એક બધી જ નવલકથાઓ વાંચી નાખી. તેમની તમામ નવલકથાઓમાં સૌથી વધુ ગમે ‘જડ-ચેતન’ કારણ કે તેના જેવી પ્રણયકથા આજ સુધી બહુ જ ઓછી લખાઇ છે. અદ્ભુત! (પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ અને ભગવતીકુમાર શર્માની ‘અસૂર્યલોક’ પણ એટલી જ ગમે છે.) બીજા ક્રમે આવે ‘લય-પ્રલય’ અને ‘વંશ વારસ’. બાળપણમાં આર. એલ. સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઈલેન્ડ’નો અનુવાદ વાંચ્યો ત્યારથી દરિયાઇ કથાઓનું આકર્ષણ હતું. ત્યાર બાદ ગુણવંતરાય આચાર્યના ઘણા પુસ્તકો વાંચ્યા. એ પુરાતન સમયની કથાઓ જેટલી જ આધુનિક સમયમાં સર્જાયેલી ‘લય-પ્રલય’ પણ સ્પર્શી ગઈ અને પ્રિન્ટ મિડિયાનું આકર્ષણ (તથા ઇરવિંગ વૉલેસની ‘ધી ઑલમાઈટી’નો ઉપયોગ) ‘વંશ વારસ’ પ્રતિ આકર્ષિત રાખે છે. ત્રીજા ક્રમે પણ બે નવલકથાઓ મૂકું છું કારણ કે બંનેમાં ઘણી સામ્યતાઓ છે. બંનેના નાયક ખરેખર પ્રતિનાયક છે, બંને કાલ્પનિક નહિ પરંતુ સાચા પાત્રો છે અને બંને નવલકથાઓ ત્રણ ભાગમાં વહેચાયેલી છેઃ ‘જગ્ગાડાકુનાં વેરનાં વળામણાં’ અને ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’.

ઇ.સ. 1968માં ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં લખાયેલી ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ આજે પાંચ દાયકા બાદ પણ આટલી લોકપ્રિય છે તેની નવાઈ નથી લાગતી? તેના મહત્વનાં કારણ બેઃ પહેલું કારણ એ વિષયવસ્તુ, બીજું કારણ તેની રજૂઆત. આ નવલકથા વાંચ્યા બાદ મારા જેવા ઘણા લોકોને પહેલી વાર ખબર પડી હશે કે ખરેખર ‘ઠગ’ શબ્દનો સાચો મતલબ શું થાય અને ધર્મના નામે એક સમયે આવું પણ ચાલતું હતું. માટે આવા વિષય પ્રત્યે વાચક આકર્ષાય તે તો સ્વાભાવિક છે પણ એકલી વિષયવસ્તુ રસપ્રદ હોવી પૂરતી નથી તેની રજૂઆત પણ રસપ્રદ હોવી જોઈએ અને એ રજૂઆત ખરેખર રસપ્રદ છે.

Harkisan Mehta Pila Rumalni Ganth Gujarti Novel Book Review Chirag Thakkar
આદરણીય શ્રી હરકિસન મહેતા

વાચકોના સદનસીબે હરકિસન મહેતાના હાથમાં કર્નલ ફિલિપ મેડોઝ ટેલર રચિત ‘કન્ફેશન્સ ઑફ ઠગ’ પુસ્તક આવ્યું અને તેના પરથી આ નવલકથા તેમણે લખી છે તે વાતનો સ્વીકાર તેમણે પ્રસ્તાવનામાં જ કર્યો છે. પ્રસ્તાવનામાં તેઓ એમ પણ કહે છે કે તેમનો આ નવલકથા લખવાનો પ્રયાસ “એ માત્ર જીવનકથા કે ઇતિહાસકથા નહીં હોય. સત્યઘટનાને આધારે કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો પ્રયાસ છે.” અને તેમણે ખરેખર પોતાના આગવા કલ્પનોને આ કથામાં ભેળવીને એક રોચક નવલકથાનું સર્જન કર્યું છે.

પાત્રાલેખન એ હરકિસન મહેતાની કલમનું જમા પાસું છે. માની શકાય તેવાં, જીવંત લાગે તેવાં પાત્રો સર્જવામાં તેઓ પોતાના તમામ કસબનો ઉપયોગ કરતાં. તેમની પ્રથમ નવલક્થાની જેમ આ બીજી નવલકથામાં પણ એક પ્રતિનાયક (એન્ટિ હિરો)ને વાચક્ગણમાં પ્રિય બનાવવાનું સાહસ તેમણે કરવાનું હતું. પણ આ સાહસ પહેલાં કરતાં ઘણું વધારે અઘરું હતું કારણ કે પ્રથમ નવલક્થાનો નાયક જગ્ગાડાકુ તો તે સમયે જીવંત હતો અને પાછલા જીવનમાં આવેલા પલટાથી તે પોતે પણ ખૂબ લોકપ્રિય હતો, માટે તે વાચકોને પસંદ પડે તેમ રજૂ કરવો અઘરો નહોતો. જ્યારે અમીરઅલી અને તેનો ઠગીનો ધંધો બંને લોકોમાં અજાણ્યા હતા. અપરિચય હોય ત્યાં પહેલા ભય જન્મે અને જો ચૂક થઈ ગઈ તો એ ભયમાંથી પ્રીતિ ન જ થાય. છતાં લેખકે આ જોખમ લીધું અને તબક્કાવાર તેને પાર પાડ્યું.

નવલકથાની શરૂઆતમાં ઠગના ધંધાનું અને અમીરઅલીના વિવશ બાળપણનું આલેખન આપણાં મનમાં તેના માટે સહાનુભૂતિ જન્માવે કરે છે. સેનાપતિ બનવાની તેની ઘેલછા તથા ગુલુ અને હાથી વાળો પ્રસંગ આપણાં મનમાં તેની બહાદુરી અંકિત કરી જાય છે. ઠગની દીક્ષા લેવાની આગલી રાત્રે તેણે અનુભવેલું મનોમંથન કારકિર્દીની પસંદગીમાં મૂંઝાતા યુવાન જેવું જ છે. તે પહેલો શિકાર કરે છે ત્યાં સુધી તેનામાં આ ધંધાથી દૂર ભાગવાની ભાવના હોય છે માટે અહીં સુધી અમીરઅલીનું પાત્ર વાચકોની સહાનુભૂતિને પાત્ર છે. પણ એકવાર ઠગ બન્યા બાદ લેખક માટે કપરા ચઢાણ શરૂ થાય છે. સદનસીબે પોતાની પહેલી જ સફરમાં અમીરઅલી અદ્ભુત પરાક્રમો દાખવે છે અને બે સ્ત્રીઓનો પ્રેમ પણ પ્રાપ્ત કરે છે. માટે તેની બહાદુરી અને શૃંગારિકતામાં તેના ઘાતકીપણાની અસર ભૂંસાઈ જાય છે અને વાચકો તેને નાયક તરીકે સ્વીકારી શકે છે. અફલા અને બદ્રીનાથના પાત્રો થકી તે એક વફાદાર મિત્ર તરીકે રજૂ થતો હોઈ વાચકોનો વિશ્વાસ પણ મેળવે છે. પિતા અને પુત્રનું મૃત્યું તેને ફરી એક વાર સહાનુભૂતિને પાત્ર બનાવી દે છે. આ વખતે તે સહાનુભૂતિમાં કરૂણાની છાયા પણ હોય છે.

જીવનના દરેક પડાવે તે મનોમંથન અનુભવતો રહે છે. જ્યારે-જ્યારે તે ઠગના વ્યવસાયથી દૂર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે-ત્યારે તેના જીવનમાં એવું કંઈક બની જાય છે કે તે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલા ખાતો-ખાતો પાછો ઠગના વ્યવસાય તરફ ધકેલાય છે. જ્યારે તે ચિતુ પિંઢારાના લશ્કરમાં જોડાય છે ત્યારે વાચકો માની લે છે કે હવે અમીરઅલી ઠગ મટી ગયો. પણ ગફુરખાનની અસહ્ય ક્રૂરતા અને અમીરઅલીનું ઋજુ હ્રદય તેને ફરી એક વાર ઠગ બનાવી દે છે. આ સમયે આપણને, એટલે કે વાચકોને, એમ થાય છે કે ખરેખર અમીરઅલી કરતા પણ મોટો ઠગ છે તેનું નસીબ જે તેને બાળપણથી જ ઠગતું આવ્યું છે. દરેક પગલે તેને સફળતા અપાવી એમ અહેસાસ કરાવે છે કે નસીબ તેની સાથે જ છે પણ હકીકતમાં તે અમીરની ઇચ્છાઓથી વિપરીત દિશામાં જ જતું હોય છે. તેની મૈત્રી માટે અફલો જ્યારે પોતે પણ ઠગ બનવા તૈયાર થાય છે ત્યારે અમીર ફરી વાચકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવી લે છે. પણ જ્યારે એજ અફલો અમીરની ક્રૂરતાથી રિસાઈને જતો રહે છે અને પુત્ર પામવાની ઘેલછામાં અમીર પોતાના હાથે જ પોતાની બહેનનું ગળું ભીંસી નાખે છે ત્યારે એ પાછો અપ્રિય થઈ જાય છે. અને વાચકોના મનમાં તેના પ્રત્યે જન્મેલી ધૃણા અમીરઅલી પકડાઈ જાય છે ત્યાં સુધી વધતે-ઓછે અંશે જળવાઈ રહે છે.

બરાબર આજ સમયે, પ્રકરણ 73માં, આ કથાના બીજા મહત્વનાં પાત્ર વિલિયમ સ્લીમનનો પ્રવેશ થાય છે અને એ આખું પ્રકરણ ભારતીય માનસમાં ધર્મના નામે રૂઢ થયેલી અંધશ્રદ્ધાઓ અને પરંપરાઓ પર લખાયેલું છે. માત્ર ધર્મને ખાતર હસતા મુખે સ્વેચ્છાએ ચિતાએ ચડી જતી સ્ત્રીને જોઈને સ્લીમન વિચારે છે કે “આને અંધશ્રદ્ધાની જડતા કહેવાય કે શ્રદ્ધાનું બળ?” એજ સમયે વાચકો પણ એમ વિચારવા લાગે છે કે અમીરઅલી જે કંઈ કરે છે તેની પાછળ પણ આજ કારણ હશે? અને ફરી પાછી અમીર પ્રત્યેની ધૃણા ધીમે-ધીમે ઘટતી જાય છે.

જેલમાંથી મળેલા અણધાર્યા છૂટકારા બાદ ફરી એક વાર અમીરઅલી કથાનો અને વાચકોનો નાયક બનતો જાય છે. એ વખતે અમીર અને સ્લીમન વચ્ચેની ઉંદર-બિલાડીની રમત પણ વાચકનો રસ જાળવી રાખે છે. સ્લીમનના હાથમાં ઝડપાઈ ગયા બાદ જ્યારે અમીર ખરેખર પોતાની હકીકત જાણે છે ત્યારે કથામાં શેક્સપિયરના ‘ઓથેલો’ જેવી કરૂણા ઉત્પન્ન થાય છે. કૅટેસ્ટ્રોફી સુધી પહોંચીને અમીરનું પાત્ર પસ્તાવાની આગમાં પાછું પ્રીતિપાત્ર બને છે. આ દરમિયાન આવેલા તમામ ચડાવ-ઉતાર એટલા સચોટ રીતે રજૂ થયા છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ અમીરઅલીના મનની વ્યથાને સમજી શકે છે. અને આ સરળ, સબળ અને સચોટ રજૂઆત જ હરકિસન મહેતાની કલમની લોકપ્રિયતાનું સૌથી મહત્વનું કારણ છે.

આ કથાનાં મહત્વનાં પાત્રોમાં માત્ર સ્લીમનનું પાત્ર જ એક માત્ર એવું પાત્ર છે કે જેનાં પ્રત્યે વાચકોને હંમેશા આદર અને પ્રેમ જળવાઈ રહે છે. અંગ્રેજ હોવા છતાં તે એક કર્મનિષ્ઠ અને સહ્રદયી પાત્ર તરીકે રજૂ થયો છે. માટે આઝાદીના માત્ર બે દસક બાદ લખાયેલી આ નવલકથા, કે જ્યારે આઝાદીની લડતમાં ભાગ લેનારા અસંખ્ય સૈનિકો હજુ હયાત હતા, ત્યારે પણ એક અંગ્રેજ પાત્રને આદર અને સ્નેહ મળી શક્યો તે પણ કંઈ નાની સિદ્ધી ન કહેવાય.

નવલકથામાં સ્ત્રી પાત્રો છે તો ઘણાં પણ શિરિન, રોશન અને અઝીમાને બાદ કરતા બધા જ થોડાક સમય પૂરતા જ આવે છે, અને લગભગ બધાનો અંત કરૂણ જ છે. છતાં તેઓ પોતાની છાપ છોડીને જાય છે. અમીરની બાળપણની પ્રેયસી ગુલુ કે જોહરાની સાવકી મા કે સબ્ઝીખાનની બાંદી કરીમા કથાપ્રવાહમાં આવે છે માત્ર થોડાક સમય માટે જ પણ પોતાની લાક્ષણિકતાઓ બખૂબી દર્શાવી જાય છે. કથાના અંતભાગમાં પસ્તાવાની આગમાં જલતો અમીર એક સમયે એમ પણ વિચારે છે કે તે પોતાના જીવનમાં આવેલી બે માતાઓથી લઇને પોતાની પુત્રી સુધીની કોઇ પણ સ્ત્રીને તે ન્યાય કરી શક્યો નથી ત્યારે આપણે તેની સાથે સહમત થવું પડે છે.

પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ અમીરઅલીની જીવનકથા સાથે-સાથે કલ્પનાના ઘણા રંગ પણ ઉમેરેલા દેખાય છે. અફલાના પિતાનું મિલન કે જોહરા સાથેનું પુનર્મિલન કે સબ્ઝીખાનની બાંદીની પાછળ સરફરોઝખાનનું ફકીર બની જવું નાટકીય અને કાલ્પનિક લાગે છે પણ આ ઘટનાઓ દ્વારા લેખકે અલગ-અલગ પ્રસંગો અને વિભિન્ન લાગણીપ્રવાહોને સારી રીતે રજૂ કરી શકવાનો કસબ દર્શાવ્યો છે. અમીર-જોહરાની પ્રણયકથા આપણને જગ્ગા અને વીરોની પ્રણયકથાની યાદ પણ અપાવી દે છે. સાથે-સાથે જ જગ્ગાના જીવનમાં આવેલા જેલર મહેતાસાહેબની સરખામણી જાણે-અજાણે સ્લીમન સાથે થઈ જાય છે.

પાત્રાલેખનની સાથોસાથ વાર્તા રજૂ કરવાની તેમની શૈલી પણ ચોટદાર છે. મધુરી કોટક ‘સર્જન-વિસર્જન’ નામના પુસ્તકમાં (સંપાદનઃ સૌરભ શાહ) લખે છે કે “(વજુ) કોટકે મૅગેઝિન શરૂ કરતાં પહેલાં ફિલ્મો લખેલી. ફિલ્મોમાં એક પછી એક દ્રશ્યરૂપે વાર્તા કહેવાની હોય. એ પ્રકારનું લખવામાં કોટકને સારી ફાવટ આવી ગયા બાદ તેમણે નવલક્થામાં પણ એ જ શૈલી જાળવી રાખી….એ જ શૈલી હરકિસનભાઈએ અપનાવી. છ વર્ષ સુધી કોટક સાથે કામ કરીને, એમનાં લખાણો વાંચીને તથા એમની સાથે કલાકોના કલાકો સુધીની ચર્ચાઓ દ્વારા એમણે કોટકની શૈલી બરાબર પચાવી હતી અને એના આધારે પોતાની એક આગવી શૈલી વિકસાવી હતી.” (પેજ નં. 41) તેમની આ શૈલીને કારણે કથાનક ક્યારેય નિરસ લાગતું નથી અને આટલી મોટી નવલક્થા પણ એક રસપ્રદ ચલચિત્રની જેમ જ આંખ સામેથી પસાર થતી રહે છે.

કથા નાયક મુસ્લિમ હોવાથી ઉર્દૂ ભાષા છૂટથી વાપરવાનો અવકાશ હતો. ઉપરાંત, તે ભાષાના અઢળક શબ્દો ગુજરાતી-હિન્દીમાં સ્વીકૃત બન્યા છે માટે લેખક એ ભાષાના વધારે શબ્દો વાપરી શક્યા હોત પણ તેમણે પોતાની આગવી શૈલી મુજબ એ બાબતમાં સંયમ જાળવ્યો છે. પેદર, જનાના સવારી, દિલરૂબા, કાફિર, વાલિદ એવા બહુ જ ઓછા શબ્દો તેમણે વાપર્યા છે. સાથે જ નાયક ઠગ હોવાથી ઠગોમાં વપરાતી રામસી ભાષા પણ તેઓ વાપરી શક્યા હોત પણ એ ભાષાના પણ બિલ, મંજેહ, લુઘા, સોથા, ભૂત્તોત, થિબાવ, પિલાવ, બનીજ, તપોની જેવા જરૂર પૂરતાં જ શબ્દો વાપર્યા છે. માટે ભાષાનો લેખક પર કાબુ નથી પણ લેખકનો ભાષા પર કાબુ છે તેમ આપણે જરૂર કહી શકીએ. અને તેમ છતાંય જ્યારે-જ્યારે નવલકથામાં હૈદરાબાદ, અમરાવતી કે મુંબઈ જેવા અલગ-અલગ માહોલ કે પ્રેમ, મૃત્યું, મિલન, વિદાઈ જેવા વિવિધ સંવેગો રજૂ કરવાના આવ્યા છે ત્યારે લેખકે કોઈ જ કચાશ રાખી નથી. બદ્રીનાથની કથામાંથી વિદાય સાવ જ અણધારી લાગે છે જ્યારે અફલાની વિદાય વસમી લાગે છે, તો સરફરોઝખાનની વિદાય નાટ્યાત્મક અને ઇસ્માઈલમિયાની ‘પોએટિક જસ્ટિસ’ જેવી. આ દરેક વખતે લેખકે બહુ ઝીણું કાંત્યા વગર પણ વિદાયના વિવિધ રંગો દર્શાવી આપ્યા છે.

અમીરના પિતા ઈસ્માઈલમિયાની હાજરીમાં બંધાયેલ પીળા રૂમાલની ગાંઠ જ્યારે અમીરની પુત્રી માસૂમાની હાજરીમાં ખૂલે છે ત્યારે વાચકો એક ઊંડો ઉચ્છવાસ જરૂર છોડે છેઃ એ કથા પૂરી થયાનો રાજીપો છે કે અમીરની વિદાયનો નિસાસો, એ તમે જ આ નવલકથા વાંચીને નક્કી કરજો.

12 thoughts on “‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા

 1. કલામ સાહેબનું વ્યકિતત્વ વૈજ્ઞાનિક અને સંતનું મિશ્રણ છે. સરળતા અને સાદગીથી શોભાયમાન. હરકિસન મહેતા અને તેમની નવલકથા વિશે પણ સરસ લખાણ છે

  Like

 2. સામાન્ય રીતે અમુક ઉન્નતભ્રુ લોકો જેને હલકી નજરે જુએ છે તેવી હરકિસન મહેતાની નવલકથાઓને તો કોઇ અધ્યાપકીય વિવેચક હાથ લગાડે જ નહિં. પણ તેં એના પરત્વે લેશ માત્ર ઉણો ભાવ રાખ્યા વગર લખ્યું અને જે લખ્યું તેને જસ્ટીફાઇડ કરતાં એના આંતરિકને પણ રજુ કર્યું. બહુ ગમ્યું.અભિનંદન

  Like

 3. I always eager to read the books of Mr. Harkishan Mehta.
  I read
  જોગ સંજોગ
  પીળા રૂમાલની ગાંઠ
  ભેદ ભરમ
  જોગ સંજોગ…..

  Please send me his other novels as pdf by mail or whatsapp if possible

  Like

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s