તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

Tamil Movie 96 - A Lovestory of 90s

દરેક જનરેશન એટલે કે પેઢીની એક તાસીર હોય છે, ખાસિયત હોય છે, લાક્ષણિકતા હોય છે. તે ઘડાતી હોય છે તે સમયના પ્રવાહો ઝીલવાથી અને તેમાં જોડાવાથી. કોઈ પેઢી બીજી પેઢીથી સારી કે ખરાબ નથી હોતી, તેમ છતાં દરેક પેઢીને પોતાનો સમય, પોતાની પેઢી જ સર્વોત્તમ લાગતી હોય છે. અને એમાં ખોટું પણ શું છે? ચાલો, વાત કરીએ 90ના દસકમાં કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં આવેલી એ પેઢીની, એટલે કે 90ના દસકની પેઢીની, જે જન્મી હતી 80ના દસકમાં અને અત્યારે પોતાની ચાલીસીમાં છે. હું પણ એમાંનો જ એક.

90ના દસકાનો માહોલ ઘણો અલગ હતો. બાળકો સાઈકલ પર સ્કૂલે જવામાં ગર્વ અનુભવતા હતા, મિત્રો સાથે અને મિત્રો માટે રખડપટ્ટી કરવામાં થાકતા નહોતા, મા-બાપ તેમને ઘરની અંદર રાખવા માટે સતત મથતાં રહેતાં, ટીવીમાં જોડીને રમી શકાય તેવી વિડિયો ગેમ તેમનું સપનું હતું, લેન્ડલાઈન ફોન ઘરની લક્ઝરી હતી, ઉનાળામાં રાત્રે પચાસ પૈસા કે રૂપિયાનો બરફ લાવીને પાણી ઠંડુ કરીને પીવામાં તેમને આનંદ આવતો હતો અને મૂક-અવ્યક્ત-ઉત્કટ પ્રેમ એ પેઢીની આગવી લાક્ષણિકતા હતી.

એ પેઢી DDLJના મદમાં મસ્ત થનારી પેઢી હતી. તેઓ પ્રેમ કરતા પણ હતા અને તેને વ્યક્ત પણ નહોતા કરતા. તેમને પ્રેમલગ્ન કરવા પણ હતા અને મા-બાપને મનાવવા પણ હતા. તેમને પરિવાર માટે જીવવું પણ હતું અને કોઈના પર મરવું પણ હતું. ટૂંકમાં, એ Future Impossibe Tesneમાં જીવનારી પેઢી હતી. તેઓ કિનારા સુધી વહાણ લાવીને પાછા મધદરિયે જતા રહેનારા હતા.

ચારુ ગુપ્ત અને પ્રેમ કુમાર પણ સંભવતઃ આ પેઢીના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ. માટે જ તેમણે એક અદ્ભુત સ્ક્રીપ્ટ લખી, સ્વયં પ્રેમ કુમારે જ તેને ડિરેક્ટ કરી અને વિજય સેતુપતિ તેમજ ત્રિશા ક્રિષ્નનના ઊડીને આંખે વળગે તેવા સંકોચશીલ, બારીક અભિનય સાથે એક ફિલ્મ બનાવી જેનું નામ છે ’96’. (મૂળે 2018માં તમિળમાં બનેલી આ ફિલ્મ 2019માં હિન્દીમાં પણ ડબ થઈ છે.)

’96’ ફિલ્મનું હિન્દી ટ્રેલર!

આ ફિલ્મની વાર્તા એ પેઢીની જ વાર્તા છે. શાળાજીવનમાં શરૂ થયેલો અવ્યક્ત પ્રેમ ક્યાં અને કેવી રીતે પહોંચ્યો તેની વાર્તા તેમાં ઓછામાં ઓછા સંવાદો અને ઓછામાં ઓછા મેલોડ્રામા થકી દર્શાવાઈ છે. જે પણ વ્યક્ત થયું છે તેમાંથી વધુ તો માત્ર આંખો અને હાવભાવથી જ વ્યક્ત થયું છે અને છતાં આપણે વાર્તા સમજી જઈએ છીએ કારણ કે આપણે તો એ વાર્તા જીવી ગયા છીએ.

Continue reading “તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી”