મારા વિષે

ઘેટાંના ટોળામાં ઘૂસી ગયેલા ગધેડાની જેમ માંડ-માંડ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પસાર કરીને મેં અંગ્રેજી સાહિત્યમાં આનંદપૂર્વક એમ.એ. કર્યું. આઠ વર્ષ સુધી અંગ્રેજી અને ગણિત ભણાવ્યા પછી કિસ્મત મને ઇંગ્લેન્ડ ઘસડી ગઈ.

Chirag Thakkar Jay Abhinn in front of the Globe Theatre of William Shakespeare ચિરાગ ઠક્કર જય અભિન્ન વિલિયમ શેક્સપિયરનો ગ્લોબ થિયેટરની બહાર 2011
શેક્સપિયરના ‘ગ્લોબ થિયેટર’ બહાર, લંડન, 2011

લંડનમાં વીતાવેલાં સાત વર્ષ દરમિયાન પત્રકારત્વનો અભ્યાસ કર્યો, ભણાવ્યું પણ ખરું અને અનુભવ સમૃદ્ધિ તેમજ પુત્રી સાથે પાછો ફર્યોં ત્યારે નિર્ધાર એવો જ હતો કે શબ્દોના સથવારે જ જીવવું છે.

સર્જનાત્મક પ્રવૃત્તિ તો બાળપણથી ચાલુ જ હતી પણ લંડનથી પાછા ફર્યાંના પ્રથમ વર્ષમાં જ એટલું સમજાઇ ગયું કે સર્જનાત્મક લેખન માટે જે ‘પુરસ્કાર’ આપવામાં આવે છે, તેનાથી ઘર ચલાવવું શક્ય નથી. (ટૂંકમાં, હજું પનો ટૂંકો પડે છે!)

છેવટે સુકાન સહેજ ફેરવીને અનુવાદની દિશા પકડી. 2001માં A. K. Ramanujan ની કવિતા ‘Small Scale Reflections on a Great House!’નો ‘એક મોટા ઘરની નાની-નાની વાતો’ નામે અનુવાદ કર્યો હતો. ઇંગ્લેન્ડના નિવાસ દરમિયાન મને ગમી ગયેલી અમુક વાર્તાઓ મારા મિત્રો સુધી પહોંચે એ માટે અમુક અનુવાદો કર્યા હતા. ફેસબુક પર થયેલા પરિચય થકી શ્રી સુમન શાહે પણ તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો હતો. તે પ્રકાશિત નહોતી થઈ શકી પણ અનુવાદ આવડે છે એવો આત્મવિશ્વાસ અવશ્ય કેળવાયો હતો. માટે 2013માં અનુવાદ માટે ‘નવભારત સાહિત્ય મંદિર’નો અપ્રોચ કર્યોં. સંપાદક આદિત્ય વાસુએ પ્રથમ અનુવાદ જોઇને જ કહ્યું કે અશ્વિની ભટ્ટને આદર્શ માનતા લાગો છો જે તદ્દન સાચું અનુમાન હતું! એમ પ્રથમ અનુવાદ ‘ચાણક્ય મંત્ર’ પ્રકાશિત થયો.

અત્યારે ફિક્શન, નોન-ફિક્શન તેમજ બાળવાર્તાના થઇને કુલ 100થી વધારે અનૂદિત પુસ્તકો થયાં છે જેની કુલ 2,00,000 નકલો છપાઇ હશે. (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમિલ) તેમાં ભારતના બેસ્ટ સેલિંગ લેખકો અમીશ, અશ્વિન સાંઘી, આનંદ નીલકંટન, દેવદત્ત પટનાયક, શોભા ડે, રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ, રોબર્ટ ટી. કિયોસાકી, દેવેન્દ્ર પટેલ જેવા આદરણીય શબ્દસેવીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. સાથે સાથે 20થી વધારે પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે.

ઉત્તરાયણ, અમદાવાદ, 2021

ધોરણ 8માં પહેલી નવલકથા લખી હતી. પછી અઢળક વાંચી. અત્યારે બીજી ધીમે-ધીમે લખાઇ રહી છે. એક ફિલ્મની વાર્તા લખી પણ એનું કામ આગળ વધ્યું નહીં. હવે બીજી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર છે. એક પ્રેરણાત્મક પુસ્તક ‘કિરણે કિરણે વિશ્વાસ’ પણ પ્રકાશિત થયું છે. માતૃભાષાના સેવક તરીકે ‘માતૃભાષા અભિયાન’ સાથે પણ સક્રિયપણે સંકળાયેલો છું અને તેના નેજા હેઠળ જ મારા વિસ્તારમાં ‘પુસ્તક પરબ’ નામે માસિક શેરી પુસ્તકાલય પણ ચલાવું છું. ટૂંકા ગાળા માટે ‘માતૃભાષા અભિયાન’ના મુખપત્રનું પણ સંપાદન કર્યું હતું. ટેકનોલોજીમાં ઊંડો રસ હોવાથી ટેકનિકલ કન્ટેન્ટ રાઇટર તરીકે પણ કામ કર્યું છે અને 2008થી આ બ્લોગ પણ ચલાવું છું.

કલાપીના ‘સુખમય સ્વપ્ન’માં એક પંક્તિ આવે છેઃ ‘જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.’ મારું પણ એવું જ છે. હંમેશા પુસ્તકો સાથે રાખવાં અને સમય મળે એટલે વાંચતા રહેવું એજ શોખ છે. પુસ્તકો મારા માટે પ્રિન્ટેડ ઓક્સિજન છે અને આઠેય પ્રહર તેમનાં સાનિધ્યમાં રહેવું ગમે છે. ચંદ્રાકાંત બક્ષીની ભાષામાં કહું તો, ‘મારી પાસે…કેટલાં પુસ્તકો હશેનો મારી પાસે એક જ ઉત્તર છેઃ મારા મૃતશરીરને જો લાકડાંને બદલે પુસ્તકો જલાવીને અગ્નિદાહ અપાય તો એ મૃતશરીર ભસ્મ થઈ જાય ત્યાં સુધી ચાલે એટલાં પુસ્તકો મેં જરૂર વસાવ્યાંછે..!’ (દર્શન વિશ્વ, પેજ 165)

સર્જનની વિગતો

Chirag Thakkar Jay Abhinn ચિરાગ ઠક્કર જય અભિન્ન Various Books Translated By Chirag Thakkar Jay
  • વીસથી વધારે ટૂંકી વાર્તાઓનું લેખન જે ‘ઓપિનિયન’, ‘નવચેતન’, ‘અખંડ આનંદ’ જેવા સામાયિકોમાં પ્રસિદ્ધ થઈ છે.
  • ‘કિરણે કિરણે વિશ્વાસ’ નામે પ્રેરણાત્મક લઘુકથાઓનો સંગ્રહ (2018) પ્રગટ થયો છે.
  • 300થી વધારે લેખો જે ‘ઓપિનિયન’, ‘નિરીક્ષક’, ‘નવનીત સમર્પણ’ જેવાં સામાયિકોમાં તેમજ બ્લોગ પર પ્રકાશિત થયા છે.
  • 100થી વધારે અનૂદિત પુસ્તકો પ્રગટ થયા છે, જેમાંના મોટાભાગના ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા જ પ્રકાશિત થયા છે.
  • એક ફિલ્મની વાર્તા લખી છે અને હવે બીજી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર છે.

સન્માન

  • ટૂંકી વાર્તા ‘હાઉ ઇઝ લાઇફ?’ માટે શાંતશીલા ગજ્જર સ્મારક પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે), 2013
  • શ્રેષ્ઠ અંગ્રેજીથી ગુજરાતી અનુવાદક તરીકે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)નો એવોર્ડ, 2017
  • રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા અનૂદિત પુસ્તકો માટે સન્માન
  • ‘Cultural Untranslatability‘ પર UGCમાં રજૂ કરેલું શોધપત્ર, 2015

લોકપ્રિય અનૂદિત પુસ્તકોની યાદી

  • અમીશઃ મેલુહાના અમર્ત્યો, નાગવંશનું રહસ્ય, રામઃ ઇક્ષ્વાકુના વંશજ, સીતાઃ મિથિલાની વીરાંગના (2017નો ‘શ્રેષ્ઠ અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ’નો GLF એવોર્ડ), રાવણઃ આર્યવર્તનો અરિ
  • અશ્વિન સાંઘીઃ ચાણક્ય મંત્ર, ધ રોઝેબલ લાઈન
  • શોભા ડેઃ શેઠજી
  • એ.પી.જે. અબ્દુલ કલામઃ વિકસિત ભારતની ખોજ, ફોર્જ યોર ફ્યૂચર
  • આનંદ નીલકંટનઃ શિવગામીનો ઉદય (બાહુબલી શ્રેણી)
  • હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસઃ ઇકિગાઇઃ લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય, ઇચિગો ઇકિઃ દરેક ક્ષણને સુખી અને સાર્થક બનાવવાની જાપાની કળા
  • ઉદય માહુરકરઃ ધ આર્ટ ઓફ ગવર્નન્સ, માર્ચિંગ વિથ અ બિલિયન
  • બામાઃ ઉજવણી (તમિલથી ગુજરાતી) સહઅનુવાદકઃ શ્રીમતી ઇન્દિરા નિત્યનંદમ, નિવૃત્ત પ્રિન્સિપાલ, નવગુજરાત આર્ટ્સ કોલેજ, પ્રકાશનઃ દલિત સાહિત્ય અકાદમી
  • દેવેન્દ્ર પટેલઃ The Prime Minister (ગુજરાતીથી અંગ્રેજી)

અને પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!

  • Meeting APJ Abdul Kalam Chirag Thakkar Book Launch of Translation of 'Squaring The Circle' વિકસિત ભારતની ખોજ

One thought on “મારા વિષે

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)