વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.
“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.
પુસ્તકમાં સમાવિષ્ટ વક્તવ્યો અને અનુવાદકોની વિગતો
નોબેલ પારિતોષિકનું વર્ષ | પારિતોષિક વિજેતા | ભાષા / દેશ | વક્તવ્ય | અનુવાદક |
1991 | નેડીન ગોર્ડીમર Nadine Gordimer | અંગ્રેજી દક્ષિણ આફ્રિકા | લેખન અને હોવાપણું | અશોક વિદ્વાંસ |
1992 | ડેરેક વોલકોટ Derek Walcott | અંગ્રેજી સેન્ટ લૂસિયા | ધ એન્ટિલીસઃ મહાન સ્મૃતિના ખંડિત અંશો | નીતા શૈલેષ |
1993 | ટોની મોરિસન Toni Morrison | અંગ્રેજી યુ.એસ.એ. | પારિતોષિક વિજેતાનું વક્તવ્ય | આશા બૂચ |
1994 | કેન્ઝાબૂરો ઓએ Kenzaburo Oe | જાપાનીઝ જાપાન | જાપાન, તેની સંદિગ્ધતા અને હું | રાજેન્દ્રસિંહ જાડેજા |
1995 | શેયમસ હિની Seamus Heaney | અંગ્રેજી આયર્લેન્ડ | કવિતાને શ્રેય | અહમદ ‘ગુલ’ |
1996 | વિસ્લાવા સિમ્બોર્સકા Wislawa Szymborska | પોલિશ પોલેન્ડ | કવિ અને વિશ્વ | પંચમ શુક્લ |
1997 | દારિયો ફો Dario Fo | ઈટાલિયન ઈટાલી | વિદૂષકો, કે જે ઠઠ્ઠા મશ્કરી અને અપમાન કરે છે, તેના વિરોધમાં | ડૉ. રજની પી. શાહ |
1998 | જોસે સરમાવો José Saramago | પોર્ટુગીઝ પોર્ટુગલ | પાત્રો કઈ રીતે બન્યાં શિક્ષક અને લેખક તેમનો વિદ્યાર્થી | ચિરંતના ભટ્ટ |
1999 | ગુન્ટર ગ્રાસ Günter Grass | જર્મન જર્મની | વધુ , હવે પછી (To Be Continued) | હરીશ મીનાશ્રુ |
2000 | ગાઓ શિન્ગજિયાન Gao Zingjian | ચીની ચીન, ફ્રાન્સ | વાત સાહિત્યની | દીપક ધોળકિયા |
2001 | વી. એસ. નાયપોલ V. S. Naipaul | અંગ્રેજી યુ.કે. | બે વિશ્વ | અવનીશ ભટ્ટ |
2002 | ઈમરે કરતેઝ Imre Kertész | હંગેરિયન હંગેરી | યુરેકા! | ભદ્રા વડગામા |
2003 | જ્હોન મેક્સવેલ કોત્ઝી John Maxwell Coetzee | અંગ્રેજી દક્ષિણ આફ્રિકા | તે અને તેનો માણસ | અદમ ટંકારવી |
2004 | એલફ્રિડ યેલિનેક Elfriede Jelinek | જર્મન ઓસ્ટ્રિયા | બાજુ પર | અદમ ટંકારવી |
2005 | હેરોલ્ડ પિન્ટર Harold Pinter | અંગ્રેજી યુ.કે. | પારિતોષિક વિજેતાનું વક્તવ્ય | અદમ ટંકારવી |
2006 | ઓરહાન પામુક | તુર્કી તુર્કી | મારા પિતાની સુટકેસ | પ્રતિષ્ઠા પંડ્યા |
2007 | ડોરિસ લેસિંગ Doris Lessing | અંગ્રેજી યુ.કે. | નોબેલ પારિતોષિક ન મળતા | આરાધના ભટ્ટ |
2008 | જૉં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો Jean-Marie Gustave Le Clézio | ફ્રેન્ચ ફ્રાન્સ, મોરેશિયસ | વિરોધાભાસના વનમાં | નંદિતા મુનિ |
2009 | હેરતા મ્યુલર Herta Müller | જર્મન જર્મની | પ્રત્યેક શબ્દ પોતાની અર્થછાયાના વિષચક્રથી અવગત હોય છે | રંજના હરીશ |
2010 | મારિયો વરગાસ લોસા Mario Vargas Llosa | સ્પેનિશ પેરુ | બિરદ ભોંય વાંચન અને સર્જનાત્મક સાહિત્યની | બકુલા ઘાસવાલા-દેસાઈ |
2011 | ટોમસ ટ્રાન્સ્ટ્રોમર Tomas Tranströmer | સ્વિડિશ સ્વિડન | ટોમસ ટ્રાન્સ્ટ્રોમર વતી એમનાં પત્ની મોનિકા ટ્રાન્સ્ટ્રોમરનું વક્તવ્ય | ઈમ્તિયાઝ પટેલ |
2012 | એ મો યાન Mo Yan (Pen-Name of Guan Moye) | ચીની ચીન | વાર્તાકારો | નીતા શૈલેષ |
2013 | એલિસ મુનરો Alice Munro | અંગ્રેજી કેનેડા | એલિસ મુનરોઃ એમના પોતાના શબ્દોમાં | નીતા શૈલેષ |
2014 | પેટ્રિક મોદિયાનો Patrick Modiano | ફ્રેન્ચ ફ્રાન્સ | પારિતોષિક વિજેતાનું વક્તવ્ય | પીયૂષ જોશી |
2015 | સ્વેતલાના એલેક્સિયેવીચ Svetlana Alexievich | રશિયન બેલારુસ | હારેલી લડાઈ વિશે | ભદ્રા વડગામા |
2016 | બોબ ડિલન Bob Dylan | અંગ્રેજી યુ.એસ.એ. | પારિતોષિક વિજેતાનું વક્તવ્ય | ચિરાગ ઠક્કર ‘જય’ |
પરિસંવાદનો આરંભ

આ સભાના સંચાલક કેતન રુપેરાએ પ્રારંભે જ સમાચાર આપ્યા કે પુસ્તકના કુલ 21 અનુવાદકો પૈકીના એક અને ફ્રેન્ચ સાહિત્યકાર પેટ્રિક મોદિયાનોના વક્તવ્યનો અનુવાદ કરનારા પીયૂષ જોશીએ આગલી સાંજે જ (23 ઓગસ્ટ, 2022) અનંત યાત્રાએ પ્રયાણ કર્યું હતું. અનુવાદકનું મૃત્યું એટલે એક પુલ તૂટી પડ્યાની ઘટના કહેવાય પરંતુ સખેદ નોંધવું રહ્યું કે ગુજરાતભરમાં એ ઘટનાની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઈ હતી!
વિપુલ કલ્યાણીનું સ્વાગત પ્રવચન
સૌ પ્રથમ, ગુસાઅ(યુકે)ના પ્રમુખ વિપુલ કલ્યાણીનું pre-recorded video સ્વરૂપે સ્વાગત પ્રવચન રજૂ થયું. With all due respect નોંધવું રહ્યું કે એ પ્રવચનનો ઓડિયો ગુજરાત વિદ્યાપીઠના દાયકાઓ જૂના સ્પીકર પરથી રજૂ થયો હોવાથી મોટાભાગનું પ્રવચન સ્પષ્ટ સંભળાયું નહોતું. આથી એ અંગે પ્રતિભાવ આપવો અયોગ્ય ગણાશે. જોકે વિપુલભાઈને સ્ક્રીન પર જોઈને આનંદ અવશ્ય થયો હતો. વિપુલ કલ્યાણીના તંત્રીપદ હેઠળ યુકેથી પ્રગટ થતાં સામાયિક ‘ઓપિનિયન’ના 25 વર્ષ પૂર્ણ થતાં એપ્રિલ 2021 દરમિયાન ‘રજત રાણ પડાવે ઓપિનિયન’ નામે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ડમ્બલડોર સ્વરૂપે જોયેલા વિપુલભાઈને તેમના પૂર્વવત્ સ્વરૂપે જોવા ગમ્યા.
અદમ ટંકારવીએ બાંધી આપેલી ભૂમિકા
એ પછી, ડાયસ્પોરાના ગુજરાતી સાહિત્યમાં ડાયસ્પોરા સમાજનું ઉર્ધ્વમૂલતાનું સંવેદન અને એ જીવનની મથામણોને સર્વોત્તમ રીતે વાચા આપનારા કવિઓમાંના એક એવા અદમ ટંકારવીનું pre-recorded video સ્વરૂપનું પ્રવચન રજૂ થયું જેમાં તેમણે ‘સાહિત્યત્વ’ પુસ્તક અને એ પરિસંવાદની ભૂમિકા બાંધી આપી. તેમણે એઝરા પાઉન્ડનું “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” વાક્ય ટાંક્યું હતું (જે ‘સાહિત્યત્વ’ પુસ્તકના પ્રકાશકીયમાં પણ લેવાયું છે). તેના દ્વારા તેમણે આ છવ્વીસ અનુવાદોનું પુસ્તક કેમ પ્રગટ કરવામાં આવ્યું તેની ભૂમિકા બાંધી આપી હતી.
રાજેન્દ્ર ખીમાણીનું પ્રાસંગિક પ્રવચન
ત્યાર બાદ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીએ યજમાનપદેથી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ‘સાહિત્યત્વ’ પુસ્તક હજુ તેઓ વાંચી નથી શક્યા એવા ખુલાસા સાથે તેમણે સાહિત્ય અને પુસ્તકોની વાત કરી હતી અને હાજર વિદ્યાર્થીગણને આવા પુસ્તકો વાંચતા રહેવાનો આગ્રહ કર્યો હતો. દર શનિવારે સવારે 8 થી 11 વિદ્યાપીઠ ખાતે યોજાતી વારસાયાત્રા અંગે વાત કરીને તેમણે બધાને એ યાત્રામાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મણિલાલ હ. પટેલ દ્વારા ‘સાહિત્યત્વ’ પુસ્તકનું વિહંગાવલોકન
પરિસંવાદની માંડણી થયા બાદ મણિલાલ હ. પટેલે ‘સાહિત્યત્વ’ પુસ્તકનું વિહંગાવલોકન કરાવ્યું હતું. ઊભા ઊભા જ વક્તવ્ય આપવાનું પસંદ કરતા મણિલાલે એ દિવસે પગની સમસ્યાને કારણે બેસીને પ્રવચન આપવાનું સ્વીકાર્યું હતું જે એકંદરે સારું જ થયું હતું. તેમણે પુસ્તકની એવી માંડીને વાત કરી હતી કે જો ઊભા ઊભા વક્તવ્ય આપ્યું હોત, તો પગની સમસ્યા વિના પણ પગ દુઃખી ગયા હોત. આ લાંબુ વક્તવ્ય જોકે અત્યંત રસપ્રદ અને પ્રસંગને અનુરૂપ હતું માટે એ લંબાણથી રસપાનમાં ખલેલ પહોંચી નહોતી. પોતાની જાતને ગુજરાતી સાહિત્યથી તૃપ્ત ગણાવી મણિલાલ હ. પટેલે ‘સાહિત્યત્વ’ પુસ્તકના સંદર્ભે વિશ્વસાહિત્ય કરતાં ગુજરાતી સાહિત્યની સવિશેષ વાત કરી હતી.
અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ અંગે હરીશ મીનાશ્રુ
ત્યાર પછી અનુવાદ વિશે હરીશ મીનાશ્રુએ પણ એટલું જ સુદીર્ઘ વક્તવ્ય આપ્યું હતું. પોતાના કવિત્વ અને અનુવાદના અનુભવો અંગે તેમણે કેટલાય રસપ્રદ કિસ્સા ટાંકીને આ વક્તવ્યને મારા જેવા અનુવાદક માટે બહુમૂલ્ય બનાવી દીધું હતું. અંગત રીતે મેં એ વક્તવ્યના શબ્દે શબ્દને માણ્યો અને હું તેમાંથી ઘણું પામ્યો પણ ખરો. વિશ્વસાહિત્ય એટલે જ અનુવાદિત સાહિત્ય કારણ કે વિશ્વભરની ભાષામાં સર્જાતા સાહિત્યને પામવા માટે અનુવાદ વિના કોઈ માર્ગ જ નથી એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
અનુવાદકોના અવમૂલ્યન અંગે
‘સાહિત્યત્વ’ પુસ્તકમાં અનુવાદકોના નામ અનુક્રમણિકામાં નથી છપાયાં પરંતુ એક અલગ પાના પર લેવાયા છે અને જે તે લેખમાં પણ પ્રારંભે નહીં પરંતુ લેખના અંતે મૂકાયા છે એ વાતની સખેદ નોંધ લેતા અનુવાદકોના સંદર્ભે હરીશ મીનાશ્રુએ કહ્યું હતું કે અનુવાદકનું નામ પુસ્તકના ટાઈટલ પર છાપવાને બદલે ઉઘડતા પાને છાપવામાં આવે છે એ બાબત પહેલા તો તેમણે નોંધી જ નહોતી પરંતુ કોઈએ ધ્યાન દોરતાં તેમણે એ વાત નોંધવી શરૂ કરી હતી. અનુવાદકોને સર્જકથી ઓછું સન્માન મળવાની ઘટનાને પણ તેમણે અયોગ્ય ગણાવી હતી. એક દાયકાથી ફુલ ટાઈમ અનુવાદ ક્ષેત્રમાં રમમાણ રહેનારા મારા જેવા અનુવાદકને એ વાત ન સ્પર્શે તો જ નવાઈ. હરીશભાઈ, ચિંતા ન કરશો. અમને તો આદત પડી ગઈ છે હવે! પતંગિયું બગીચાની ફરિયાદ કેવી રીતે કરી શકે? હું તો પુસ્તકો વચ્ચે રહીને ઘર ચલાવી શકું છું અને સાહિત્યને માણતાં માણતાં કામ કરી શકું છું એને જ ઉપલબ્ધિ માનું છું. અને અનુવાદકોને આમ પણ વધારે ચિંતા ટાઈટલ પર નહીં બેંક અકાઉન્ટમાં ક્રેડિટ મળવાની હોય છે! ઉપરાંત, ગુસાઅ(યુકે)એ તો તમામ અનુવાદકોને બંને પ્રકારની ક્રેડિટ સારી રીતે આપી છે એ વાતનો સ્વીકાર કરવો રહ્યો.

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો
હરીશ મીનાશ્રુએ આ ઉપરાંત વિશ્વસાહિત્ય સંદર્ભે બીજો પણ એક મહત્વનો મુદ્દો ઉપાડ્યો હતો કે ગુજરાતી ભાષામાં તો વિશ્વભરના પુસ્તકોના અનુવાદો પ્રગટ થયા છે અને થતા રહે છે. પણ એ પ્રોસેસ મોટાભાગે વન-વે બની રહે છે. ગુજરાતીમાંથી વિશ્વભાષાઓમાં, અને ખાસ કરીને અંગ્રેજીમાં, અનુવાદ બહુ જ ઓછા થાય છે, એ વાત પણ તેમણે કહી હતી. ‘પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો‘ ની ચર્ચા મેં આ પહેલા પણ ઘણીવાર કરી છે એટલે અહીં તેનું પુનરાવર્તન નથી કરતો પરંતુ મૂળે અર્થકારણ જ તેમાં સૌથી મોટો અવરોધ બની રહે છે તે નક્કી, એટલું અવશ્ય કહીશ.
ગદ્યાનુવાદ અને પદ્યાનુવાદ
હરીશ મીનાશ્રુએ અનુવાદની કલાની વાત એકદમ માંડીને કરી પણ એ વાત હતી કવિતાના અનુવાદની. ગદ્ય અને પદ્ય અનુવાદની વિધા ઘણી રીતે અલગ છે. ગદ્યમાં અનુવાદ દ્વારા મૂળ સુધી પહોંચવું પ્રમાણમાં સરળ અને વધુ શક્ય હોય છે. પદ્યમાં તો અનુવાદ મોટાભાગે નવસર્જન જેવી જ પ્રક્રિયા બની રહે છે અને જો સ્રોતભાષા અને લક્ષ્યભાષાના કુળ અલગ અલગ હોય તો મહ્દઅંશે અનુવાદ મૂળથી ઘણો અલગ હોય છે. આમ તો અનુવાદ એ અનુવાદ જ છે એટલે ક્યાંકને ક્યાંક તો બધું એકબીજાને સ્પર્શતું જ હતું પરંતુ આખી વાત ગદ્યના અને ‘સાહિત્યત્વ’ પુસ્તકના સંદર્ભમાં મૂકાઈ હોત, તો વધારે પ્રસ્તુત બની રહેત.
ચંદ્રકાન્ત ટોપીવાળાનું અધ્યક્ષીય ઉદબોધન
આ પરિસંવાદના અધ્યક્ષ હતા ચંદ્રકાન્ત ટોપીવાળા. નાદુરસ્ત તબિયત અને પ્રતિકૂળ વાતાવરણને કારણે પોતે આવી શક્યા નહોતા પરંતુ તેમણે પોતાનું વક્તવ્ય મોકલી આપ્યું હતું. એ વક્તવ્ય ગુસાઅ(યુકે)ના મહામંત્રી અને કવિ પંચમ શુક્લએ વાંચી સંભળાવ્યું. ટોપીવાળાસાહેબે પુસ્તકના સંપાદકીયની ખૂબ પ્રશંસા કરી હતી. સમગ્ર પુસ્તકનો સાર એમાં આવી જાય છે એમ તેમણે કહ્યું હતું. તેમણે પણ અનુવાદકોને હાંસિયામાં ધકેલી દેવાયાની વાત નોંધી હતી. અનુવાદમાં અનુવાદકોએ કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે એ વાત તેમણે ચીંધી બતાવી હતી અને પીયૂષ જોશીના અનુવાદને આ પુસ્તકનો સર્વોત્તમ અનુવાદ ગણાવ્યો હતો. માણસના ગયા પછી પણ તેનો અક્ષરદેહ કેવો જીવંત રહે છે, તે વાત અનુભવીને બધાએ મનોમન પીયૂષભાઈને વંદી લીધા હશે એ નક્કી!
પંચમ શુક્લ દ્વારા આભારદર્શન
કાર્યક્રમના અંતમાં ગુસાઅ(યુકે) વતી પંચમ શુક્લએ આભારદર્શન કર્યું હતું. તેમણે સદેહે, અક્ષરદેહે અને ડિજિટલદેહે હાજર સર્વેનો આભાર માન્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘ગ્રંથવિહાર’ ચલાવતા હંસાબેન આ પ્રસંગે પણ પોતાની સેવા આપવા પુસ્તકો સાથે હાજર હતા માટે તેમનો સવિશેષ આભાર માનવામાં આવ્યો હતો. શ્રોતાગણમાં જાહેર જનતા અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની સાથે સાથે કવિ રાજેન્દ્ર શુક્લ, કૃષ્ણ દવે, ઉષાબેન ઉપાધ્યાય, સંજય ભાવે, અજયસિંહ ચૌહાણ જેવા ઘણા સાહિત્યકારો અને રસિકજનો પણ હાજર હતા. તે સર્વેનો આભાર પણ પંચમભાઈએ માન્યો હતો.
ઉષા ઉપાધ્યાય અને સંજય ભાવે દ્વારા પ્રતિભાવ
કાર્યક્રમ સમય મર્યાદા કરતા ઘણો વધારે ચાલ્યો હતો માટે કાર્યક્રમ પત્યા પછી સમયના બંધનને ધ્યાનમાં રાખીને ઉષાબેન ઉપાધ્યાયે એકદમ ટૂંકો અને પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો. જોકે સંજય ભાવેને સમયનું બંધન નહોતું નડ્યું અને તેમણે અધ્યક્ષીય ઉદબોધનથી પણ ઘણો દીર્ઘ અને સવિસ્તાર પ્રતિભાવ આપ્યો હતો. તેમને ‘સાહિત્યત્વ’ શબ્દ અને પુસ્તક બંને ગમ્યા હતા અને તેમણે પણ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો.
અંતે…
2016માં બોબ ડિલનને સાહિત્યનું પારિતોષિક જાહેર થયું તેને સ્વીકારતી વખતે તેમણે જે વક્તવ્ય આપ્યું હતું તેનો અનુવાદ કરવાનો મોકો મને આપ્યો તે માટે વિપુલભાઈ કલ્યાણી, પંચમ શુક્લ, અદમ ટંકારવી અને સમગ્ર ગુસાઅ(યુકે) ટીમનો આભાર માનું છું. નોબેલ પારિતોષિક તો એક સદી કરતાં પણ વધારે સમયથી અપાય છે તો અન્ય વક્તવ્યોનો અનુવાદ ક્યારે કરીશું એવા પ્રશ્ન સાથે વિરમું છું.
(આ પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘ગ્રંથવિહાર’ (ફોનઃ +91-79-26587949) દ્વારા તેમજ બુકપ્રથા પરથી ઓનલાઈન મંગાવી શકાશે.)