યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત

Reasons For Returning From UK To India

(Repost: આ 2020ની જૂની પોસ્ટ છે. ગૂગલે કોઈ પણ ચોક્કસ કારણ આપ્યા વિના અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાખ્યું હતું તેથી જૂનો બ્લોગ તો બંધ થઈ ગયો હતો. આજની તારીખે, એ નિર્ણયના 11 વર્ષ થયા છે એમ યાદ આવ્યું ત્યારે વેબ આર્કાઇવ્ઝ પરથી શોધીને આ જૂનું લખાણ પાછું પોસ્ટ કર્યું છે.)

વિદેશથી પાછા નહીં ફરવાના ભારતીય યુવાનોના મુખ્ય આટલાં કારણો હોય છેઃ

કાયદેસર ગયા હોય અને વિઝા પૂરા થઈ જવાના હોય જે રિન્યૂ થઈ શકે એમ ન હોય કે ગેરકાયદેસર રહેવાની ગણતરી ન હોય

મારી પાસે રેસિડેન્ટ પરમિટ હતી અને બીજા 2 વર્ષ રોકાયો હોત, તો બ્રિટિશ પાસપોર્ટ મળે તેમ હતો, એટલે એ કારણ નહોતું.

પાછા ફર્યા પછી ઘર-પરિવાર-સમાજનો ચંચૂપાત સહન કરવાની તૈયારી કે તેવડ ન હોય

50%થી વધારે કિસ્સામાં ભારત પાછા નહીં ફરવા માટે આ કારણ જ મુખ્ય હોય છે. ભારતમાં યુવાધનને સુખેથી જીવવા દેવામાં જ નથી આવતું. તેમને દરેક વાત પર હુકમ, પરંપરા, સલાહ કે શિખામણ આપવામાં આવે છે, માત્ર સ્વાતંત્ર્ય જ નથી અપાતું.

જોકે એ બાબતે મેં પૂરતી તૈયારી રાખી હતી. એક ઘાને બે કટકા કરતા મને કેવા સરસ આવડે છે, એ મને ઓળખતા તમામ સ્નેહીજનો-મિત્રો જાણે જ છે. મારો તો સીધો જ હિસાબ કે હું મારા સ્થાને યોગ્ય છું, તો સામે ભીષ્મ પિતામહ લડવા ઉભા હોય, તો પણ લડી લેવાનું.

સન્માન આપવું અને ગુલામી કરવી એ બે અલગ વસ્તુ છે, એમ હું દ્રઢ પણે માનું છું અને મનાવું પણ છું. પછી જેને ખોટું લાગવું હોય, તેને લાગે. એના કારણે ઘણાના મુવાડા બળી ગયા છે પણ હું મારા અંતરાત્માને વફાદાર છું માટે ખુશ રહી શકું છું. સાથે જ પેલી આફ્રિકન કહેવત પણ યાદ રાખી છે, “Beware of the naked man who offers you his shirt!”

ત્યાં જઇને શું કરીશું?

આ અત્યંત મહત્વનો પ્રશ્ન છે. પણ તમારી પાસે કોઇ એક કૌશલ્ય હોય (ગુજરાતીમાં કહીએ તો સ્કીલ!), થોડી-ઘણી આત્મવિશ્વાસની મૂડી હોય અને મહેનત કરવાની દાનત હોય, તો દુનિયાના કોઈ પણ ખૂણે તમે તમારા પરિવાર પૂરતું તો કમાઈ જ શકશો. અને સંતોષથી મોટી મૂડી તો કઇ હોય? એટલે સદ્ભાગ્યે મને આ પ્રશ્ન પણ નડ્યો નથી.

પાઉન્ડ અને ડૉલરનું ચુંબકત્વ

આ અત્યંત પ્રબળ કારણ છે પરંતુ લક્ષ્મીદેવી કરતા સરસ્વતીદેવીની દિશામાં ગતિ હંમેશા વધારે રહી છે એટલે ન તો હું લોઢાનો થઈ શક્યો છું કે ન તો એ ચુંબકત્વ મને આકર્ષી શક્યું છે.

મારા માટે પાછા ફરવાના બે કારણો છો અને બંને અંગત છેઃ

(1) મારું બાળપણ મહ્દઅંશે માતા-પિતા વિના જ વીત્યું છે.

મમ્મી સરકારી કર્મચારી એટલે જ્યાં એનું પોસ્ટિંગ હોય, તેને ત્યાં જ રહેવું પડે. એ પોસ્ટિંગ ગામડાઓમાં જ મળતું. અમને ભણવાની તેમજ અન્ય સુવિધાઓ સારી મળી રહે, તે માટે પપ્પાએ અમને અમદાવાદમાં જ રાખ્યા. એ પોતે પોતાના કામમાં વ્યસ્ત હોય અને પાછા ઓછાબોલા. એટલે એમનો ખૌફ જરૂર વર્તાય પણ હાજરી નહીં.

આમ તો એ સમયે તોફાન-મસ્તી કરવાની મજા આવી જ હશે પણ અત્યારે એમ અવશ્ય લાગે છે કે માતા-પિતાની અનુપસ્થિતિવાળું બાળપણ વાસ્તવમાં તો અભિશાપ જ કહેવાય. એ તમને જવાબદારીઓનું ભાન ઘણું વહેલું કરાવી દે છે અને બાળપણ પૂરતું માણી શકાતું નથી. ઉપરાંત, એ કાચી ઉંમરે માર્ગદર્શકની સતત અનુપસ્થિતિમાં ઘણા માર્ગોની માહિતી મળતી નથી તેમજ ઘણા ન મળવા જેવા માર્ગોની માહિતી વહેલી પણ મળી જાય છે. અને હા, Social Quotientની દ્રષ્ટીએ મને ઘણા ઓછા પોઇન્ટ્સ મળે, એ તો નફામાં.

હું એમ નહોતો ઇચ્છતો કે એ અભિશાપ મારી પુત્રીના જીવનમાં પણ પ્રસરે. જો અમે યુકે રહ્યા હોત, તો ત્યાં પોતાના મૂળ રોપવા માટે મારે અને શ્રીમતીજીએ, એટલે કે બંને જણે નોકરી-ધંધો કરવો જ પડે. પુત્રીનું ધ્યાન રાખી શકે એવું અંગત કહી શકાય તેવું ત્યાં કોઈ નહોતું (અને જે અમુક લોકો અંગત થયા, તેમના માટે આ જવાબદારી યોગ્ય ન કહેવાય.) છેવટે પુત્રીનું બાળપણ મારી જેમ માતાપિતાની અનુપસ્થિતિમાં જ વીતે. મારા માતાપિતાએ એમના સંજોગો અનુસાર એમને જે શ્રેષ્ઠ લાગ્યો એ નિર્ણય લીધો અને મેં મારા સંજોગો અનુસાર મને જે શ્રેષ્ઠ લાગે એ નિર્ણય લીધો. અર્થાત્ પુત્રીને પૂરતો સમય આપવા અને માતા-પિતાના એકના એક પુત્ર તરીકેની જવાબદારી નિભાવવા માટે હું સ્વેચ્છાએ જ પાછો ફર્યો છું.

હા, સન્માનના નામે કોઇની (એટલે કે કોઇની પણ) ગુલામી ન કરવી પડે એ માટે મેં મારું પોતાનું ઘર બનાવ્યું છે, જે મારું અંગત અભ્યારણ્ય છે અને પાછલા 8 વર્ષથી હું ચુસ્તપણે એવા લોકોથી Social Distancing જાળવું છું, જે આ કોરોના જેવા જ છે. મારા અભ્યારણ્યમાં મારી મંજૂરી વિના કોઈ વ્યક્તિ કે તેમના અભિપ્રાયો પ્રવેશી ન શકે, એટલે હું અહીં પણ યુકેની જેમ સંપૂર્ણ સ્વાતંત્ર્યથી જીવી શકું છું અને કોઈ શું કહેશેની જરા પણ પરવા મારે કરવી પડતી નથી.

ઉપરાંત, યુકે જવાનો નિર્ણય પણ મારો એકલાનો જ હતો અને શ્રીમતીજીએ સાથ આપ્યો હતો, એમ પાછા ફરવાનો નિર્ણય પણ મારો એકલાનો જ હતો અને તેમાં પણ શ્રીમતીજીએ ખચકાટ-સહ સાથ આપ્યો છે.

(2) ઉર્ધ્વમૂલ હોવાની લાગણી

બીજું કારણ તો કોઈ પણ સમજી શકે તેમ છે. દેશ તો એ પણ સારો છે અને આ પણ સારો જ છે. પણ માણસનો જન્મ, અને ખાસ કરીને ઉછેર, જ્યાં થયો હોય ત્યાં તેના મનને જે શાંતિ મળે અને જે પોતીકાપણાનો અનુભવ થાય, તેવો અન્ય ક્યાંય ન થાય. બીજે બધે તો યાયાવર હોવાની લાગણી પ્રચ્છન્ન કે પ્રગટ પણે સતત અનુભવાતી જ રહે છે. બીજે મૂળ રોપ્યા છતાં ઉર્ધ્વમૂલ હોવાની લાગણી ભૂંસાતી નથી. એટલે એ યાયાવરીમાંથી મુક્તિ મેળવવા માટે, હિજરતીની છાપ ભૂંસીને મનને પાછું વતનના રંગે રંગવું મારા માટે અનિવાર્ય થઇ પડ્યું હતું.

ત્યાં મળેલા અણમોલ મિત્રો અને ત્યાંની નિયમપાલનની આગ્રહી પ્રજાને હું સૌથી વધારે સ્મરું છું. કંઇક મૂકીને આવ્યાનો તલસાટ તો ત્યારે પણ હતો અને હજું પણ છે, છતાં પુત્રીને ઉછરતી જોવાનો અને તેના ઘડતરમાં યથાશક્તિ ફાળો આપવાનો અનહ્દ સંતોષ છે.

(પ્રિય મિત્ર તાહા મન્સુરીએ આજે સ્ટેટસમાં મૂકેલો ઉપરનો ફોટો જોયો અને એમ પ્રશ્ન કર્યો કે “UK છોડવાનું કોઈ કારણ દાદા?? મોટેભાગે ત્યાં જનારા પાછા આવતાં નથી હોતા એટલે પૂછ્યું.” તેને જવાબ આપવા માટે WhatsAppમાં જ કંઇક લખવા બેઠો અને પછી દિલનો ઉભરો એટલો લાંબો થઈ ગયો કે એમ થયું કે એને બ્લોગ પર મૂકી દેવો યોગ્ય રહેશે. એટલે એવો ધક્કો મારવા માટે તાહાનો આભાર.)

6 thoughts on “યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત

  1. હું નવો બ્લોગ ચાલુ કરી રહ્યો છું. મને તમારો અનુભવ નો લાભ આપવા વિનંતી. 8905983196

    Like

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)