મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

Nagarik-Dharma-Mahamari-Civilian-Duty-Pandemic-Chirag-Thakkar-Jay

હવે તો આંખો સ્વજનો, સ્નેહીજનો અને પરિચિતોની અંતિમ તસવીરો જોઈને થાકી ગઈ છે અને આંગળીઓ ‘ઓમ શાંતિ!’ લખી લખીને! દરરોજ અશુભ સમાચાર જ આવી રહ્યા છે.

પ્રશાસન આંકડાની રમત રમી રહી છે અને પ્રતિબદ્ધતા નથી બતાવી શકી એ તો ‘ઓપન સિક્રેટ’ છે. તેનાથી વિપરિત આપણી મેડિકલ સિસ્ટમ તો પોતાનું એડીચોટીનું જોર લગાવીને કામ કરી જ રહી છે. આપણે જાણીએ જ છીએ કે પૂરતી વ્યવસ્થાઓ અને સાધન-સરંજામ નથી તેમ છતાં એ તંત્ર તો પોતાનું 110% આપી રહ્યું છે.

પણ જનતા તરીકે આપણે શું કર્યું છે એનો હિસાબ લીધો છે? આપણે આ મહામારીમાં માનવતા તો દાખવી શક્યા છીએ પણ નાગરિકધર્મ અવશ્ય ચૂક્યા છીએ.

મહામારીનું જોર જરા હળવું થયું એટલે બિનધાસ્ત બનીને ફરવા, ચરવા ને હળવા-મળવા નીકળી પડીએ છીએ. પ્રસંગો અને સંમેલનો ગોઠવવા માંડીએ છીએ. મહેફિલો જમાવવા માંડીએ છીએ. થોડો સમય તહેવારો ઉજવ્યા વિના તો આપણી સાંસ્કૃતિક ધરોહર નંદવાઈ જવાની છે જાણે! આદત મુજબ તમામ નિયમોમાંથી છીંડા શોધી કાઢીએ છીએ અને એ છીંડામાંથી જ આ મહામારી પ્રસરતી રહે છે.

પ્રશાસન જે ચૂંટણીઓ યોજે છે તે અનિવાર્ય છે કે નહીં એ વાતની તો ચર્ચા થવી જ જોઈએ. પણ આપણે શું કામ રેલીઓમાં, સભાઓમાં કે મંડપો પર નાસ્તો કરવા જઈએ છીએ? આપણું કામ તો માત્ર એક મત આપવાનું નથી? અને આવા સમયમાં તો એ મત પણ ન આપીએ તો ચાલી જાય એમ જ છે. એમાં ક્યાં દંડની જોગવાઈ છે!

પ્રશાસન કુંભનું આયોજન કરે, એ તેની દુર્બુદ્ધિ જ છે પણ આપણે ત્યાં ત્રીસ લાખની સંખ્યામાં શું કરવા ભેગા થઇએ? ભગવાન માત્ર કુંભથી જ મળશે એવું તો છે નહીં? પ્રશાસને ક્રિકેટ મેચ રમાડી એ તો ખોટું જ થયું પણ આપણે બ્લેકમાં ટિકિટો લઈને પણ મેચ જોવા ગયા ને?

આવા મહામારીના સમયમાં આપણે આત્મસંયમ કેમ ન રાખી શકીએ? આપણે નાગરિક છીએ, રૈયત નથી અને લોકશાહીમાં પ્રશાસન કરતાં વધારે જવાબદારી નાગરિકો ઉપર છે. પ્રશાસન આપણને નથી ગમતું તો આપણે તેને બદલી શકીશું, પણ આપણને કોણ બદલશે? આપણે ક્યાં સુધી તારણહારની રાહ જોતાં બેસી રહીશું?

આ મહામારી હવે આપણને જાણે કે કોઠે પડી ગઈ છે. દાઢી પર માસ્ક પહેરવો અને પોલીસ દેખાય તો ઉપર કરી દેવો અને દલીલ કરવી કે “આનાથી શું ફેર પડે છે?” ફલાણા કે ઢીંકણા રાજકારણીને ગાળ દઈને કહીશું કે આ તો બધા એમના ખેલ છે. “અમારા એક સગાને તો થયું ને મટી ગયું. કાંય ખબરે નો પડી. આનાથી કાંય થતું નથી…” કહીને પાન-મસાલાની પિચકારી મારનારા સજ્જનોએ એક વાર કોઇ પણ એવી હોસ્પિટલની મુલાકાત લેવી જ્યાં આ મહામારીના દર્દીઓની સારવાર થઈ રહી છે.

આવા નાનાં નાનાં પગલાંથી ઘણું થાય છે અને ઘણો ફેર પડે છે. સૌથી મોટો ફેર તો એ પડે છે કે આપણે આપણી મેડિકલ સિસ્ટમ પર એક માણસનો ભાર ઓછો કરી શકીશું તો જેને સાચે જ જરૂર હશે તેવી વ્યક્તિનો વારો વહેલો આવી શકશે અને શક્ય છે કે એ પાંચ મિનિટના કારણે આપણે કોઈની તસવીર નીચે ‘ઓમ શાંતિ!’ નહીં લખવું પડે.

આપણને ખબર નહીં હોય છતાં આપણે કોઈનું જીવન બચાવવામાં પાંચ મિનિટનો ફાળો આપી શકીશું તો એનું પુણ્ય કુંભસ્નાન કરતાં તો વધારે જ હશે.

બાકી અત્યારે તો એક જ વિચાર આવે છે કે,

બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ,
હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે-ગુલિસ્તાં ક્યા હોગા?

9 thoughts on “મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)