તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

Tamil Movie 96 - A Lovestory of 90s

દરેક જનરેશન એટલે કે પેઢીની એક તાસીર હોય છે, ખાસિયત હોય છે, લાક્ષણિકતા હોય છે. તે ઘડાતી હોય છે તે સમયના પ્રવાહો ઝીલવાથી અને તેમાં જોડાવાથી. કોઈ પેઢી બીજી પેઢીથી સારી કે ખરાબ નથી હોતી, તેમ છતાં દરેક પેઢીને પોતાનો સમય, પોતાની પેઢી જ સર્વોત્તમ લાગતી હોય છે. અને એમાં ખોટું પણ શું છે? ચાલો, વાત કરીએ 90ના દસકમાં કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં આવેલી એ પેઢીની, એટલે કે 90ના દસકની પેઢીની, જે જન્મી હતી 80ના દસકમાં અને અત્યારે પોતાની ચાલીસીમાં છે. હું પણ એમાંનો જ એક.

90ના દસકાનો માહોલ ઘણો અલગ હતો. બાળકો સાઈકલ પર સ્કૂલે જવામાં ગર્વ અનુભવતા હતા, મિત્રો સાથે અને મિત્રો માટે રખડપટ્ટી કરવામાં થાકતા નહોતા, મા-બાપ તેમને ઘરની અંદર રાખવા માટે સતત મથતાં રહેતાં, ટીવીમાં જોડીને રમી શકાય તેવી વિડિયો ગેમ તેમનું સપનું હતું, લેન્ડલાઈન ફોન ઘરની લક્ઝરી હતી, ઉનાળામાં રાત્રે પચાસ પૈસા કે રૂપિયાનો બરફ લાવીને પાણી ઠંડુ કરીને પીવામાં તેમને આનંદ આવતો હતો અને મૂક-અવ્યક્ત-ઉત્કટ પ્રેમ એ પેઢીની આગવી લાક્ષણિકતા હતી.

એ પેઢી DDLJના મદમાં મસ્ત થનારી પેઢી હતી. તેઓ પ્રેમ કરતા પણ હતા અને તેને વ્યક્ત પણ નહોતા કરતા. તેમને પ્રેમલગ્ન કરવા પણ હતા અને મા-બાપને મનાવવા પણ હતા. તેમને પરિવાર માટે જીવવું પણ હતું અને કોઈના પર મરવું પણ હતું. ટૂંકમાં, એ Future Impossibe Tesneમાં જીવનારી પેઢી હતી. તેઓ કિનારા સુધી વહાણ લાવીને પાછા મધદરિયે જતા રહેનારા હતા.

ચારુ ગુપ્ત અને પ્રેમ કુમાર પણ સંભવતઃ આ પેઢીના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ. માટે જ તેમણે એક અદ્ભુત સ્ક્રીપ્ટ લખી, સ્વયં પ્રેમ કુમારે જ તેને ડિરેક્ટ કરી અને વિજય સેતુપતિ તેમજ ત્રિશા ક્રિષ્નનના ઊડીને આંખે વળગે તેવા સંકોચશીલ, બારીક અભિનય સાથે એક ફિલ્મ બનાવી જેનું નામ છે ’96’. (મૂળે 2018માં તમિળમાં બનેલી આ ફિલ્મ 2019માં હિન્દીમાં પણ ડબ થઈ છે.)

’96’ ફિલ્મનું હિન્દી ટ્રેલર!

આ ફિલ્મની વાર્તા એ પેઢીની જ વાર્તા છે. શાળાજીવનમાં શરૂ થયેલો અવ્યક્ત પ્રેમ ક્યાં અને કેવી રીતે પહોંચ્યો તેની વાર્તા તેમાં ઓછામાં ઓછા સંવાદો અને ઓછામાં ઓછા મેલોડ્રામા થકી દર્શાવાઈ છે. જે પણ વ્યક્ત થયું છે તેમાંથી વધુ તો માત્ર આંખો અને હાવભાવથી જ વ્યક્ત થયું છે અને છતાં આપણે વાર્તા સમજી જઈએ છીએ કારણ કે આપણે તો એ વાર્તા જીવી ગયા છીએ.

અત્યારે ધસમસતા નાયગરા ધોધ જેવા કથાપ્રવાહમાં ફટાફટ ભાગતી વેબ સીરિઝનો જમાનો છે જેમાં આપણને સાથે બેસીને જોનારા સાથે તો શું, આપણા મન સાથે પણ સંવાદ કરવાનો સમય નથી મળતો. તેનાથી વિપરિત, આ ફિલ્મની વાર્તા એટલી શાંતિથી કોઈ ઝરણાના મંથર પ્રવાહની જેમ કહેવાઈ છે કે આપણને એ ઝરણાના ટીંપેટીંપાને જોવા-માણવાની તક મળી રહે છે અને સતત આપણા મનમાં સંવાદ થતો રહે છેઃ ‘અરે! અમે પણ અસલ આવું જ કરતા હતા! ઓહ, આમ તો પેલાએ કર્યું હતું! પેલી તો અસલ જાનુ જેવી જ હતી, નહીં? આપણે પણ આવું એક રિયુનિયન કરવું જોઈએ? આ બોલતો કેમ નથી?’ આવા તો કેટકેટલા વિચારો આપણા મનમાં આવતાજતા રહે છે અને આપણે જાણે આપણા જીવનની ફિલ્મ જોતા હોઈએ એમ લાગે છે.

Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ

ઈન્ટરવલ સુધી નાયિકા જાનુ (એટલે કે જાનકી) સમક્ષ નાયક રામના સંવાદો એટલા ઓછા છે કે આપણે ગૂંગળાઈ જઈએ છીએ કે આ કંઈ બોલતો કેમ નથી? ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’ની નાયિકાની જેમ આ નાયક વિચારે છે ઘણું પણ બોલતો કંઈ નથી. (છે ને 1996ની પેઢીની લાક્ષણિકતા!) અને પછી ધીમેધીમે સંવાદ રચાય છે ત્યારે ઘણી બધી વાતો ખુલે છે. નાયક જ્યારે નાયિકા સમક્ષ વ્યક્ત થાય છે ત્યારે આપણે પણ ગૂંગળામણમાંથી મુક્તિ અનુભવીએ છીએ.

વોટ્સએપ ગ્રુપના પ્રતાપે શક્ય બનેલા ક્લાસના રિયુનિયન વખતે રામ અને જાનુ 22 વર્ષ પછી મળે છે. પ્રારંભનો સંકોચ છૂટ્યા પછી સંજોગોવશાત્ સર્જાયેલી ગેરસમજો દૂર થાય છે અને એક રાતમાં તેઓ પોતાનો પ્રેમ જીવી લેવા માંગે છે. એ એક રાતના સમયગાળામાં જે નાનીનાની પણ હૃદયસ્પર્શી ઘટનાઓ રચાય છે, તેમાંથી કોઈને કોઈ ઘટના સાથે ક્યાંકને ક્યાંક આપણે મનસા-વાચા-કર્મણા જોડાઈ જઈએ છીએ.

આપણે આપણા પ્રિય પાત્ર સાથે આંટો મારવા નીકળીએ, કોઈ ભૂલભૂલમાં આપણી જોડીને પતિપત્નિ સમજી લે અને આપણું પ્રિય પાત્ર પણ થોડોક સમય એ ભ્રમ નિભાવી લે, તો જે મજા આવે તેનો ક્યારેય અનુભવ લીધો છે? તમે ક્યારેય કોઈને એમ કહ્યું હશે કે પ્રિયતમ માટે લખેલી (ગાંડાઘેલા જોડકણાં જેવી) કવિતા તેને સંભળાવવા મળી જાય તો કેવી મજા આવે? તમે ક્યારેક ભૂલથી પ્રિયતમનો સ્પર્શ કરી લીધો હોય અને એ સંવેદન આખું જીવન મનમાં સાચવી રાખ્યું હોય એવું નથી બન્યું? એ પ્રિય પાત્રના બાળકોને પોતાના બાળકો સમજીને રમાડવાની ઝંખના ક્યારેય નથી જાગી? એ બાળકોમાં પ્રિયતમના બાળસ્વરૂપની ઝાંખી પામવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે? પ્રિયતમના કંઠે કોઈ ગીત સાંભળવાની ઝંખના રાખી છે? તેનો રૂમાલ કે દુપટ્ટો કે કોઈ યાદગીરી સાચવીને નથી રાખી? અને આ બધું વિચાર્યા-કર્યા છતાં એ સામે આવી જાય ત્યારે ફરી પેલા સ્કૂલ સમયના મૂંગામંતર રામ જેવા બની જવાની દુર્ઘટના તમારી સાથે બની છે?

જો આમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર તમે ‘હા’માં આપ્યો છે, તો આ ફિલ્મ તમારે જોવી જ રહી. 1996નું એ જીવન ફરી એકવાર જીવી લેવા માટે, જે ન કહી શક્યા એ પડદાં પર તાદૃશ્ય થતું જોવા માટે, તમારે ’96’ ફિલ્મ અવશ્ય અનુભવવી જ રહી!

ફિલ્મ જોઈને, અનુભવીને તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. મારો પ્રતિભાવ એટલે આ લેખ!

2 thoughts on “તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

  1. પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો I love this one

    Liked by 1 person

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s