ઘણા મિત્રો કદાચ તેમનાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા હશે માટે તેના લેખકના નામ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’થી તો જરૂર પરિચિત હશે. સતત સર્જનશીલ રહેલા સાહિત્યકાર શ્રી ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ને કયો સાહિત્યપ્રેમી ગુજરાતી નહીં ઓળખતો હોય? કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’થી જન્મેલી ગુજરાતી ટૂંકીવાર્તાને ઉછેરીને યુવાનીના ઉંબરા સુધી લઇ આવનારા ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું અત્યંત મહત્વનું સીમાચિહ્ન છે.
શ્રી ઉમાશંકર જોશીએ એકવાર તેમના વિષે લખ્યું હતું,
ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢમૂલ થયો…ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતાં એ વખતે હિંદમાં પાંચ-છ વાર્તાલેખકો હોય તો પણ મોટી વાત છે.
તેમણે કુલ અગિયાર ખંડમાં પથરાયેલી તેમની નવલિકાઓ દ્વારા વાચકોને મહાલવા માટે એક રસપ્રચુર સંસારનું નિર્માણ કરી આપ્યું છે. આ ઉપરાંત ચૌલુક્ય યુગની સોળ, ગુપ્ત યુગની તેર અને સાત સામાજિક નવલકથાઓ તથા સાત જીવનલક્ષી કૃતિઓ, નવ ચિંતનાત્મક કૃતિઓ અને બાલસાહિત્યના બાંસઠ જેટલાં પુસ્તકો પણ આપ્યા છે. તેમના વિષે અને તેમના સર્જનો વિષે ઘણું બધું લખાયું છે માટે મારા જેવાની વાત તો નગારખાનામાં તતૂડીના અવાજ જેવી જ લાગે તેમ છતાં અહીં તેમણે ટૂંકી વાર્તા વિષે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેની વાત કરવી છે.
‘તણખા મંડળ’ના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ધૂમકેતુ ટૂંકી વાર્તાના સ્વરૂપ વિષે પોતાના વિચાર રજૂ કરે છે. આ વિચારો ઈ.સ. 1926માં રજૂ થયા છે અને ત્યાર બાદ અમુક સાહિત્યિક યુગ આવ્યા પણ ખરા અને ગયા પણ ખરા, તેમ છતાં તેમના વિચારો અત્યારે પણ કેટલા પ્રાસ્તાવિક છે તે નોંધતા રહેજો છે. તેઓ કહે છેઃ
ટૂંકી વાર્તાની કલા વિષે સર્વમાન્ય સિદ્ધાંતો હજી ઘડાયા નથી તે પહેલા બે-ત્રણ ભૂલ ભરેલા મતો પ્રચલિત થયા છે તે દૂર થવા જોઈએ. નવલકથાનું નાનું સ્વરૂપ તે ટૂંકી વાર્તા નથી; પણ ટૂંકી વાર્તાની કલા તદ્દન સ્વતંત્ર જ છે. તેમજ નવલકથાનો કોઈ પણ નિયમ ટૂંકી વાર્તાને ખાસ બંધનકર્તા પણ નથીઃ ટૂંકી વાર્તા માત્ર ‘રંજનાર્થ’ જ હોય તો જ તે સર્વોત્કૃષ્ટ ગણાય એ વિચાર પણ બરાબર નથી. કલાની કૃતિ રંજનાર્થ હોય છે, છતાં તેમાં ધ્વનિ ભર્યો જ હોય છે. એટલે વાર્તા હેતુપ્રધાન, ભાવપ્રધાન, કે રંજનપ્રધાન હોય એટલા એટલા ઉપરથી તે કલાત્મક છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. વાર્તા રજૂ કરવાની રીતમાં જે હથોટી જોઈએ, મર્યાદા જોઈએ તથા કલ્પના, લાગણી અને સિદ્ધાંતોને છૂટ આપવાની, ખેંચવાની, મર્યાદિત કરવાની અચ્છા સવારની જેવી તાલીમ જોઈએ. એ જ્યાં હોય ત્યાં કલાત્મક કૃતિ સરજાય છે તેમ કહી શકાય.

ટૂંકી વાર્તાના નાનકડા ફલકમાં પણ લાઘવ સ્વરૂપે ધૂમકેતુ વાર્તાને અનુરૂપ વાતાવરણ સફળતાથી સર્જી શકતા હતાં અને તેમના પાત્રો પણ સમાજનાં તમામ સ્તરનાં પ્રતિનિધિ પાત્રો તરીકે આવતાં. તેમની વાર્તાઓમાં મહદ્અંશે એક સ્પષ્ટ ધ્વનિ જરૂર હોય છે. અને તેમની ઘણી વાર્તાઓના અંત કરૂણ હોય છે માટે એવી છાપ ઊભી થઈ હોય કે ટૂંકી વાર્તાનો અંત કરૂણ હોવો જોઈએ, પણે તેમણે પોતે જ આ વાતને નકારી છે.
કરુણ અંતથી કલાનું સ્વરૂપ સચવાય છે, એ માન્યતા પણ અર્ધસત્ય કે અસત્ય જ રજૂ કરે છે. અંત કરુણ જ હોવો જોઈએ એવો અનિવાર્ય નિયમ નથી, કરુણ અંત કે સુખી અંત સાથે ટૂંકી વાર્તાની કલાને અગત્યનો સંબંધ પણ નથી. ટૂંકી વાર્તા ત્રણ હજાર કે બે હજાર શબ્દોની જ હોય, અને એક જ બેઠકમાં વંચાઈ જાય, એવું ગણિત પણ સાચું નથી ઠર્યું.
તેમના આ સંગ્રહનું નામ ‘તણખા મંડળ’ આપવાનું કારણ દર્શાવતા તેઓ કહે છેઃ
જે વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે, એ ટૂંકી વાર્તા. નવલક્થા જે કહેવાનું હોય તે કહી નાખે છે, ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ – તણખો જ – મૂકે છે.
બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેઓ આ જ ચર્ચા જરા આગળ ચલાવતાં કહે છેઃ
ટૂંકી વાર્તાઓનો સુંદરમાં સુંદર ફાલ ઊતરે ત્યારે પ્રજા જીવન પલટો લે છે એમ સમજવું…અતિશયોક્તિ વિના કહી શકાય કે ‘સીધું, સરળ ને સચોટ’ એવું ટૂંકી વાર્તાનું નાનું સરખું કલેવર, કદના પ્રમાણમાં વધારેમાં વધારે પ્રાણતત્વ સાચવી શકે તેમ છે.
‘તણખા મંડળ’ ના બીજા ભાગમાં ટૂંકી વાર્તા સ્વરૂપ વિષેના પોતાના વિચારો તેઓ આગળ વધારે છે અને આ સાહિત્ય સ્વરૂપના કાર્ય-કારણની ચર્ચા કરે છે. તેઓ કહે છેઃ
ટૂંકી વાર્તાને માત્ર મોજમજા કે આનંદના સાહિત્ય તરીકે ગણવાનો વખત હવે પૂરો થવો જોઈએ…[સાહિત્ય એટલે] જીવનને જે સ્વરૂપ આપવા માટે આત્મા અવાજ કરે છે, તે સ્વરૂપને બરાબર સમજવાનો પ્રયત્ન છે; તે સ્વરૂપ સિદ્ધ કરવાની માનસિક પ્રક્રિયા છે.
બદલાતા સમય સાથે ટૂંકી વાર્તાની લોકપ્રિયતા પણ વધશે એમ તેમને દેખાતું હતુંઃ
આજે જ્યારે સમય અને સ્થળની મર્યાદા સંકોચાતી જાય છે, ત્યારે તો સાહિત્યનું જે સ્વરૂપ થોડામાં થોડા શબ્દોમાં ઘણામાં ઘણું કહેવાની શક્તિ ધરાવશે, તે સ્વરૂપ લોકપ્રિય અને લોકોત્તર નીવડશે.
ટૂંકી વાર્તાના વિષય-વસ્તુ વિષે તેઓ કહે છેઃ
જીવનમાં જ્યાં રસ, સૌંદર્ય ને સાચો પ્રેમ દેખાય, ત્યાં સર્વ સ્થળમાં ને સર્વ સમયમાં, ટૂંકી વાર્તા માટે વિષય પડેલા છે…પોતે જે સમાજમાં રહે છે, તે સમાજને અસ્પર્શ્ય ગણીને કોઈ પણ સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે જ નહીં.
સમય સાથે સાહિત્યમાં પરિવર્તન આવશ્યક છે એ તો તેમણે એક સદી પહેલાં જ કહ્યું હતું.
જૂના વખતની ટૂંકી વાર્તાઓ હાલની વાર્તાઓથી અનેક રીતે જુદી પડે છે…જ્યારે છાપખાનાં નહોતાં, અને ઘણુંખરું કામ યાદશક્તિ ઉપર જ નભતું, ત્યારે વસ્તુ એ જ વાર્તાનો આત્મા હોય, એ તદ્દન સમજી શકાય તેવી વાત છે. તેમ જ આ વાર્તાઓ પણ ધ્વનિપ્રધાન હોવાને બદલે ઉપદેશપ્રધાન હોઈ શકે. આજે મનુષ્યનો બુદ્ધિવિકાસ થયો છે અને સીધા ઉપદેશ કરતાં એને ધ્વનિમાં વધારે આનંદ આવે છે, તેમ જ આજે એને વસ્તુની ખાસ અગત્ય નથી લાગતી, એટલા માટે જીવનમાં થયેલા ફેરફારને અનુરૂપ, સાહિત્યના રૂપમાં પણ ફેરફાર થયા છે.
વાર્તાતત્વ એટલે કે ‘વસ્તુ’ વિષે પણ તેમના વિચારો એકદમ સ્પષ્ટ છેઃ
“વસ્તુ’ વાર્તામાં જરૂરનું નથી, એવો અર્થ આમાંથી નીકળતો નથી. ‘વસ્તુ’ એ હાલની વાર્તાઓમાં ગૌણ સ્વરૂપ લીધું છે, અને એમ થવાનાં કારણ છે એટલું જ. બાકી સર્વોત્તમ વાર્તાઓ તો વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી – ત્રણેના સુંદર મેળમાંથી જ જન્મે.
છેલ્લે તેમણે ટૂંકી વાર્તા સ્વરૂપની શક્તિ વિષે જે ઉલ્લેખ કર્યો છે, તે આ મુજબ છેઃ
ટૂંકી વાર્તાને જીવનના પ્રશ્નો સાથે અતિ નિકટનો સંબંધ છે. જીવનના પ્રશ્નો તે જેવી રીતે છેડી શકે છે, એને જરાક ઇશારત કરી આખું સ્વરૂપ દેખાડી શકે, તેવી રીતે કદાચ સાહિત્યની બીજી કોઈ પણ કૃતિ નહીં કરી શકતી હોય.
તેમની બે નવલિકાઓ સાથે અંગત યાદો પણ જોડાયેલી છે. તેમની ‘જુમ્મો ભિસ્તી’ મારા ધોરણ દસના અભ્યાસક્રમમાં હતી અને મને તે બહુ જ ગમતી હતી. દસમું ધોરણ હોવાને કારણે જ્યારે જ્યારે ઘરમાંથી વાંચવા બેસવાની સૂચના મળે ત્યારે હું ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઇને આ બધી વાર્તાઓ જ વાંચે રાખતો. સાથે ભણતાં એક તંદુરસ્ત છોકરાનું નામ પણ અમે જુમ્મો ભિસ્તીના પાડા પરથી વેણુ જ પાડ્યું હતું અને આજે પણ તે એજ નામથી વોટ્સએપ ગ્રુપમાં ઓળખાય છે. જ્યારે તેમની બીજી પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટઑફિસ’નો કોઈ સબળ અનુવાદકે કરેલો ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ધોરણ બારના અંગેજી (એલ. એલ.)ના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ હતો અને તેને ઘણીવાર સાનંદ વિદ્યાર્થીઓને ભણાવ્યો છે માટે તે વાર્તા તો હાડમાં ઉતરી ગઈ છે એમ કહું તો પણ ખોટું નથી.
ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’એ યોગ્ય જ કહ્યું છે,
ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે.
એ તો ખરું જ પણ તેમણે ખંતપૂર્વક જે સર્જન કરે રાખ્યું છે તે કારણે તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ કહીએ તો પણ એ સાર્થક જ છે. ધૂમકેતુના ‘તણખા મંડળ’માંથી આંખે ચેડલા ઝબકારાઃ
ભાગઃ 1
- મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય. (પોસ્ટઑફિસ)
- વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા…વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે. (ભૈયાદાદા)
- સ્નેહ દોષને પી જાય છે. દોષ ન પીવાય તો સ્નેહ ન થાય. (હ્રદયદર્શન)
- જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં! (બીલીપત્ર – જુમો ભિસ્તી)
- સાવિત્રીના મોં પરનો નાનો સરખો તલ મારે મન કાલિદાસના કાવ્ય જેવો રસભર્યો હતો, ને મારી ઊગતી મૂછ સાવિત્રીને મન પ્રેમાનંદના ઓખાહરણ જેવી. (અખંડ જ્યોત)
- પ્રેમની સૃષ્ટિમાં કોઈ અસ્થાને કે કદરૂપું છે જ નહિ. (અખંડ જ્યોત)
- આદર્શ એટલે જ સાચા દિલથી કરેલી ખોટી અશક્ય કલ્પના! (કલ્પનાની મૂર્તિઓ)
- કોણ સમજે કે હું કલ્પનાનો-પ્રેરણાનો, પેલી કલાનો દાસ છું, મિત્ર નથી. સેવક છું, સ્વામી નથી. (કલ્પનાની મૂર્તિઓ)
- કલાના અનેક સ્વરૂપો છેઃ અનેક રીતે એ રૂપો મળે છે, પરંતુ કલા સાંગોપાંગ વરે છે માત્ર આજીવન અભ્યાસીને, એના ખરેખર ભક્તને. બીજા બધાને તો એ જરાજરા મીઠું હસાવી, ફોસલાવી, પટાવી રવાના કરી દે છે. (કલ્પનાની મૂર્તિઓ)
- ખરેખર કોઈ પ્રજા ગુલામ ને હતવીર્ય હોય એના કરતાં બળવાન ને જંગલી હોય તે વધારે સારું છે. (ગોવિંદનું ખેતર)
- પાપના મધુર લાગતા પ્યારા ફળને ઉચ્છેદ્યા પછી જ નવું જીવન શરૂ થાય. (તારણહાર)
- છેલ્લી ઘડીએ જ્યારે જીવન અંગેઅંગથી ખેંચાઈને માત્ર દ્રષ્ટિમાં આવી કેન્દ્રસ્થ થાય છે ત્યારે દ્રષ્ટિ આત્માની અકથ્ય ભાષા બોલે છે! ખરેખર, શબ્દ એ તો જંજાળ છે, દ્રષ્ટિ એ જ ભાષા છે. (તારણહાર)
- આનંદમોહનને કોઈ ચાહે એટલું કપટ એનામાં નથી! (મદભર નેનાં)
- શહેરના ડૉકટર એટલે જંગલના લૂંટારું. સામાન્ય રીતે ડૉકટર લાગણી વિનાનો પ્રાણ છે, અને પ્રાણ વિનાનું શરીર છે! એનામાં ચેતન નથી. ચૈતન્ય દેખાય છે. એનું શરીર જાડું હોય ત્યારે ધારવું કે એને હાથે ઘણાં મનુષ્યો મર્યા છે ને પાતળું હોય ત્યારે સમજવું કે માણસો ન મર્યાની એને ફિકર છે! એને રોગી પર જેટલો પ્યાર છે તે કરતાં રોગ પર વધારે પ્યાર છે! ને તેથી રોગ ફિટાડવા કરતાં રોગીને જ ફિટાડે છે!
- સૌંદર્ય એ ભાવના છે, કલ્પના છે, વસ્તુ નથી, માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે. (પૃથ્વી અને સ્વર્ગ)
- જો આનું નામ પ્રેમઃ જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં; સત્તા અને વૈભવથી ખરીદી શકે નહીં; જે અપ્રમેય છે ને અજેય છે. (પૃથ્વી અને સ્વર્ગ)
- જ્યાં કામ મપાય ત્યાંથી કલા જાય, વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. (પૃથ્વી અને સ્વર્ગ)
- યુદ્ધ પછી બંધુત્વની વાતોએ ચડવાની જગતની જૂની ટેવ છે. (કેસરી વાઘા)
- જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ છે, ત્યાં ઈશ્વર પોતે હાજરાહજૂર દેખાય છે. (હ્રદયપલટો)
ભાગઃ 2
- ઘણી વખત દુઃખને આવતું જોઈને, એ પાપનું પરિણામ છે એમ માનવાની બુદ્ધિ માણસમાં પ્રગટે છે. (દેવદૂત)
- જ્ઞાનના સમુદ્રમાં ચારિત્રનું મીઠું ઝરણું ક્યારેક સુકાઈ જાય છે. (ફિલસૂફનો ભ્રમ)
- પોતે એક વિષયમાં પારંગત છે એ દર્શાવવા બીજા વિષયમાં બાળક જેવી અજ્ઞાનતા દેખાડવી, એ વિદ્વાનોનો દંભ ક્યાં છાનો છે? (ફિલસૂફનો ભ્રમ)
- અભણ શબ્દ વિના લાગણી બોલે છે; ભણેલા લાગણી વિના શબ્દ બોલે છે. (ફિલસૂફનો ભ્રમ)
- તરંગે ચડેલા મનુષ્યના વિચારો સોનાની રજ જેવા છે. (સ્વપ્નસુંદરી)
- સ્ત્રી – ને માત્ર સ્ત્રી જ પુરુષને પરાધીન થતો બચાવી શકશે. (ચંપાનું ફૂલ – આશાનું બિંદુ)
- દરિયાને તોફાન કરતાં આવડે છે ને ભગવાનને બચાવતાં નથી આવડતું? (ચંપાનું ફૂલ – અવિરામ યુદ્ધ)
- દુનિયામાં સત્ય સૌ જાણે છે, પણ ચલાવી લેવાનું ડહાપણ એવું ઘર કરી ગયેલ છે કે કોઈ કોઈને અમસ્તું માઠું લગાડતું જ નથી. (હણમાનની દેરી)
- અતિશ્રદ્ધા એ એક પ્રકારનું ગાંડપણ હશે; અતિતર્ક એ બીજા પ્રકારનું ગાંડપણ છે. દુનિયામાં બેવકૂફાઈ બે જાતની છેઃ અતિશ્રદ્ધાની અને અતિતર્કની. (હણમાનની દેરી)
- કીર્તિ કેટલીક વખત મનુષ્યને વધારે ઉદાર અને વિશાળ દૃષ્ટિ આપે છે. (ત્રિશંકુ)
- જીવનના મર્મમાં પ્રવેશ કર્યા વિના પ્રેમ તો મળી શકે જ નહીં. (ત્રિશંકુ)
- પ્રેમને મેળવવા માટે દુનિયામાં પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. (ત્રિશંકુ)
- જીવનમાં જે મનુષ્ય દર પળે વિચાર કરવા થોભે છે તેને ક્યારેય અકસ્માતનો આનંદ આવતો નથી. (જીવનનું પ્રભાત)
- સ્નેહની ખરી હૂંફ વિના બાળકનાં સાચાં હ્રદય ક્યારેય મળતાં નથી. (સાચું દૃશ્ય)
- પુરુષનું હાસ્ય સ્ત્રીના રુદન કરતાં વધારે ભયંકર હોય છે. (‘ખાસદાર’ની શંકા)
- પ્રસંગ વિના તો સૌ કોઈ સદ્ગુણના જ ઉપાસક છે; પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીર પુરુષ; પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે એ એવો જ બીજો વીર પુરુષ; ને એમાં જીવન પસાર કરે તે જડ પદાર્થ. (દોસ્તી)
(ઇમેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ‘ધૂમકેતુ’ અંગેના એક સંપાદનમાંથી.)