‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા

Harkisan Mehta Pila Rumalni Ganth Gujarti Novel Book Review Chirag Thakkar

શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતાં તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાના તાણાવાણાથી ગૂંથાયેલી હોય? અને તમને એમ કહેવામાં આવે કે આવા ‘બોલ્ડ’ વિષય પર ઈ.સ. 1968માં નવલકથા લખાયેલી હતી અને એ નવલક્થામાં ઓગણીસમી સદીની શરૂઆતના સમયનું આલેખન છે, તો તમે માનશો? એ નવલકથા એટલે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને એ સાહસિક નવલકથાકાર એ બીજા કોઈ નહિ પણ શ્રી હરકિસન મહેતા.

સુરેશ દલાલે એક વાર કહ્યું હતું કે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ એ ગુજરાતી સાહિત્યના બે લોચન સમા નવલક્થાકાર છે. આ બંને નવલકથાકારો પાસે વાચકની નાડ પારખવાની અદ્દભુત સૂઝ છે. નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. જોકે બંનેની શૈલીમાં એક પાયાનો તફાવત છે જે કોઈની પણ આંખે ઊડીને વળગે અને તે છે તેમણે વાપરેલી ભાષા. સાતમા ધોરણમાં ભણતા કિશોર માટે અશ્વિની ભટ્ટને વાંચવા દુષ્કર તો નહિ પણ મુશ્કેલ જરૂર છે જ્યારે એ જ કિશોર હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. અશ્વિની ભટ્ટ પાસે પોતાનો એક આગવો શબ્દકોષ છે અને યોગ્ય જગ્યાએ જરૂરિયાત અનુસાર ગુજરાતી ભાષા સિવાયના શબ્દો વાપરતા તેઓ બિલકુલ અચકાતા નહીં. જ્યારે હરકિસન મહેતા મોટાભાગે લોકકોષ વડે જ કામ ચલાવી લેતા અને છતાં પણ પોતાની વાતને તેઓ બખૂબી રજૂ કરી દેતા.

આજ કારણે અશ્વિની ભટ્ટથી પહેલાં હરકિસન મહેતાની લેખનીનો પરિચય થયો હતો. પહેલાં તેમની નવલકથા ‘ભેદ-ભરમ’ વાંચી અને ત્યાર બાદ એક પછી એક બધી જ નવલકથાઓ વાંચી નાખી. તેમની તમામ નવલકથાઓમાં સૌથી વધુ ગમે ‘જડ-ચેતન’ કારણ કે તેના જેવી પ્રણયકથા આજ સુધી બહુ જ ઓછી લખાઇ છે. અદ્ભુત! (પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ અને ભગવતીકુમાર શર્માની ‘અસૂર્યલોક’ પણ એટલી જ ગમે છે.) બીજા ક્રમે આવે ‘લય-પ્રલય’ અને ‘વંશ વારસ’. બાળપણમાં આર. એલ. સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઈલેન્ડ’નો અનુવાદ વાંચ્યો ત્યારથી દરિયાઇ કથાઓનું આકર્ષણ હતું. ત્યાર બાદ ગુણવંતરાય આચાર્યના ઘણા પુસ્તકો વાંચ્યા. એ પુરાતન સમયની કથાઓ જેટલી જ આધુનિક સમયમાં સર્જાયેલી ‘લય-પ્રલય’ પણ સ્પર્શી ગઈ અને પ્રિન્ટ મિડિયાનું આકર્ષણ (તથા ઇરવિંગ વૉલેસની ‘ધી ઑલમાઈટી’નો ઉપયોગ) ‘વંશ વારસ’ પ્રતિ આકર્ષિત રાખે છે. ત્રીજા ક્રમે પણ બે નવલકથાઓ મૂકું છું કારણ કે બંનેમાં ઘણી સામ્યતાઓ છે. બંનેના નાયક ખરેખર પ્રતિનાયક છે, બંને કાલ્પનિક નહિ પરંતુ સાચા પાત્રો છે અને બંને નવલકથાઓ ત્રણ ભાગમાં વહેચાયેલી છેઃ ‘જગ્ગાડાકુનાં વેરનાં વળામણાં’ અને ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’.

Continue reading “‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા”