‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર

આમ તો બધાના જીવન ઘડતરમાં વાંચન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શિક્ષકો અને લેખકો-પત્રકારો માટે તો તે અનિવાર્ય છે. દુર્ભાગ્યે એવા શિક્ષકો અને લેખકો-પત્રકારોની સંખ્યા હવે ઘટી રહી છે. ત્યારે લોકપ્રિય લેખિકા વર્ષા પાઠકે મારો લેખ ‘વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ‘ વાંચ્યો, ઇમેલ પર તેનો સુંદર પ્રતિભાવ આપ્યો અને પોતાની ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં ચાલતી કોલમ ‘આપણી વાત’ માં પણ તેના વિષે વાત કરી, તેનો ઋણસ્વીકાર!

Chirag Thakkar in Varsha Pathak's column 'Aapani Vat' in Wednesdays supplement 'Kalash' of 'Divay Bhaskar' daily! દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં બુધવારની 'કળશ' પૂર્તિમાં વર્ષા પાઠકની કોલમ 'આપણી વાત'માં ચિરાગ ઠક્કર

“ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો

Sita Warrior Of Mithila Chirag Thakkar In Court

ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’

વકીલ કહે, ‘ના…’

હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’

વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”

મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”

થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.

Sita Warrior Of Mithila Chirag Thakkar In Court
હું હાજર થયો હતો એ અદાલત!

હવે તમે વિચારશો કે ચિરાગ ઠક્કરે એવા કયાં કાંડ કર્યાં કે બિચારા એક શબ્દસેવીને અદાલતમાં હાજર થવું પડ્યું અને સામેથી પોતાના નામની છડી પોકારાવડાવી પડી? ચલો, પહેલેથી વાત કરું.

વાત એમ હતી કે આ ઘટનાના ત્રણેક મહિના પહેલા અચાનક ઘરેથી ફોન આવ્યો.

“તારાં નામની પૂછપરછ કરતાં બે કોન્સટેબલ આવ્યા છે અને તને મળવા બોલાવે છે.” મારા જેવા સામાન્ય માણસને તો પોલીસના નામથી જ પરસેવો વળવા માંડે. મેં પૂછ્યું કે વાત શું છે તો જવાબ મળ્યો, “કશું કહેતા નથી. રૂબરુ આવી જા, એવો આગ્રહ રાખે છે.” પોલીસનો આગ્રહ એટલે હુકમ એ તો આ દેશની રાંક રૈયત સમજે જ છે!

એટલે તમામ કુકર્મોની મનોમન યાદી બનાવતાં બનાવતાં હું મારતાં ઘોડે એટલે કે અઢાર વર્ષના પ્રાચીન બાઇક પર ઘરે પહોંચ્યો. સાદા કપડામાં આવેલા બંને ભારેખમ અને મૂછાળા પુરુષોને જોઇને જ વિશ્વાસ થઇ ગયો કે આજે તો આપણા દિવસો ભરાઇ ગયા છે. શ્રીમતીજીને ઇશારો કરી દીધો કે ટિફિન આપવા આવતી રહેજે. જેલનું ખાવાનું પચે પણ ખરું અને ન પણ પચે.

Continue reading ““ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો”

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

Gujarati To English Translation Chirag Thakkar Jay

પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!

કાયમ પૂછાતો પ્રશ્ન

Gujarati To English Translation Chirag Thakkar Jay

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય જ પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.

ભારતદેશનું બહુભાષીય પોત

ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની ચલણી નોટ પર 15 ભાષા છાપવી પડે છે. વસતીની સરખામણીએ વિશ્વના બીજા સૌથી વિશાળ રાષ્ટ્રને એકસૂત્રે બાંધે એવી સ્વીકૃતિ કોઈ એક ભારતીય ભાષાને મળી નથી. દક્ષિણ ભારતમાં હિન્દી સ્વીકાર્ય નથી અને બાકીના ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓને ‘જલેબી જેવી’ કહીને ઉતારી પાડવાનું ચલણ છે.

સર્વસ્વીકૃત ભાષા તરીકે અંગ્રેજીને દક્ષિણ ભારતમાં ઘણી વહેલી સ્વીકારાઇ હતી. તેમ કરવાથી તેમની માતૃભાષાઓ અને સંસ્કૃતિનો વિનાશ થયો નથી. આપણે ગુજરાતમાં માતૃભાષા અને સંસ્કૃતિના વિનાશની ભળતી વાતો કરીને અંગ્રેજીનો સ્વીકાર બહુ મોડો કર્યો છે. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના શિક્ષણનો મુદ્દો ઉખેળતા વાત આડા પાટે ફંટાઈ જશે, એટલે એ બાજુએ રાખાને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે, તેની જ વાત કરીએ.

અંગ્રેજી એટલે કૌશલ્ય નહીં પરંતુ ચલણી નાણું

2006માં હું વિદેશ ગયો ત્યાં સુધી અભ્યાસમાં ગુજરાતી માધ્યમનું જ પ્રભુત્વ હતું અને અંગ્રેજી વિષયના ઉત્તમ શિક્ષકોની ખોટ ત્યારે પણ હતી (અને આજે તો ઘણી વધારે છે). એટલે એ સમયે જે ગણી-ગાંઠી અંગ્રેજી માધ્યમની શાળાઓ હતી, તેમાં દક્ષિણ ભારતના શિક્ષકોનું વર્ચસ્વ રહેતું હતું અને હજું પણ તેમની માંગ તો વધારે જ છે. આમ પુરવઠા કરતાં માંગ વધારે હોવાથી જે પણ ગુજરાતી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં કુશળ બને, તેમને અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે તક મળી રહેતી હતી અને આજે પણ મળી રહે છે. એટલે સારું અંગ્રેજી જાણતા લોકો શિક્ષણના વ્યવસાય કરતાં ઘણું વધારે રળી આપતી જગ્યાઓએ ગોઠવાય, એ સ્વાભાવિક છે. શિક્ષક કે અધ્યાપક તરીકેની કારકિર્દી તેમને ઓછી ફળદાયી અને વધુ જવાબદારીવાળી લાગતી હોય છે. આમ, ગુજરાતમાં અંગ્રેજીના તજજ્ઞોની અછતને કારણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન સીધું જ વધારે આવક સાથે જોડાઇ ગયું છે.

ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ

અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ કરનારા અનુવાદકો તો તેમ છતાં ગુજરાતમાં મળી રહે છે પરંતુ જ્યારે ગુજરાતીથી અંગ્રેજી અનુવાદની વાત આવે, ત્યારે એવા માણસોની જ જરૂર પડે કે જેમનું અંગ્રેજી પર પ્રભુત્વ હોય. અને એવું પ્રભુત્વ ધરાવનારા લોકો નવરા તો બેઠા હોય નહીં. એ લોકો કોઇને કોઇ સારી જગ્યાએ સારા પદ પર બેઠા હોય, કે વ્યવસ્થિત આવક ધરાવતા હોય, એ નક્કી માનવું. એમને તમે ચણા-મમરાના ભાવે અનુવાદનું કામ કરવાનું કહો, તો એ નથી જ કરવાના. અને શું કામ કરે?

પ્રાચીન માન્યતાઓનું ભારણ

હવે જ્યારે હું એમ પ્રશ્ન પૂછું કે ‘શું કામ કરે?’ ત્યારે ઘણા લોકોના મનમાં એમ જવાબ ઉગશે કે સાહિત્યની સેવા કરવા માટે. અને એવો જવાબ ઉગવા પાછળનું કારણ છે પેલી પ્રાચીન અને પારંપરિક માન્યતાઓ જેમાં વૈદ્ય, ગુરુ અને કલાકાર પોતાની આવડત વેચે, તે યોગ્ય મનાતું નહીં. ત્યારથી આપણે એ ત્રણેય વ્યવસાયોને સામાજિક સેવા ગણી લીધા છે અને તેમાં વળતરની અપેક્ષા રાખનારને કનિષ્ઠ માનવામાં આવે છે.

એટલે જ જો કોઇ MD ડૉકટર 30 થી 32 વર્ષની ઉંમર સુધી તમામ અગવડો વેઠીને ભણે અને પછી પોતાના કન્સલ્ટેશન માટે ₹ 500 લે, તો બધા કહેતા હોય છે કે ‘બે મિનિટ જોવાના ₹ 500 લઈ લીધા’. અત્યારે શાળાની ફી અને શિક્ષકના પગાર પર એટલે જ વિવાદ થઇ રહ્યા છે. બાકી ગુરુકુળમાં વિનામૂલ્યે શિક્ષા આપનારા ગુરુઓ આખાં રાજ્યો કે અંગૂઠાઓ ગુરુદક્ષિણા સ્વરૂપે ક્યાં નહોતા લેતા? તમામ ઉત્તમ કલાકારો પણ પ્રાચીન સમયમાં રાજ્યાશ્રય પામતા અને તેમને જીવનનિર્વાહની ચિંતા નહોતી રહેતી, એટલે તેઓ પોતાની કલા વેચતા નહોતા. હવે કલાકારો માટે રાજ્યાશ્રયનો વિકલ્પ નથી, તો એ લોકો પોતાનો જીવનનિર્વાહ ક્યાંથી કરશે?

અનુવાદ એટલે પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ

હા, એ કલાકારોએ પોતાની કલાની અવેજીમાં રૂપિયા લેવા જ પડશે અને જો અન્ય જગ્યાએ ઓછી મહેનતમાં વધારે વળતર મળતું હોય, તો કોઇ અનુવાદ જેવા પારાવાર ખંત, પરિશ્રમ અને ધીરજ માંગી લેતા કામમાં શા માટે જોડાય? સાહિત્ય માટે પ્રીતિ હોવી આવશ્યક છે પરંતુ જેને પોતાના પરિવારનો નિર્વાહ કરવાનો છે, તે મા સરસ્વતીના ખોળે મસ્તક મૂકીને કેટલો સમય ટકી શકશે? આજના સમયમાં તે ખૂબ અઘરું છે. હા, અમુક અધ્યાપકો, શિક્ષકો અને રસિક જીવો પોતપોતાની રીતે આ કામ કરે છે ખરા, પણ એ લોકો છે કેટલા? ગુજરાતી સાહિત્યમાં અસંખ્ય ઉત્તમ પુસ્તકો છે અને તે તમામને અંગ્રેજી અને અન્ય ભાષામાં લઇ જવા હોય, તો એ ભગીરથ કાર્ય માટે તો એ સંખ્યા એકદમ ઓછી છે.

અંગત અનુભવો

હવે અમુક અંગત અનુભવો વર્ણવું છું. અંગ્રેજી ભાષા આવડતી હોય અને શબ્દસેવી હોય તેમને ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાંથી કામ મળી રહે છે અને તે કામની આવક પણ ડોલરમાં હોય છે. તેનાથી સારી રીતે જીવનનિર્વાહ થઇ શકે છે. સામા પક્ષે ગુજરાતીથી અંગ્રેજી અનુવાદના કામમાં કેવા અનુભવ થતા હોય છે, જાણો છો?

ચણા-મમરાનો ભાવ

અહીં ગુજરાતમાં એક વડીલ લેખક શ્રીએ મને તેમની લઘુનવલના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ સોંપ્યું. તેમની એ લઘુનવલની ઓછામાં ઓછી 15 આવૃત્તિ તો થઇ જ છે. અર્થાત્ લેખક શ્રી પોતે તો તેમાંથી ઘણું રળ્યા છે. પણ અનુવાદ માટે તેમણે જે ભાવ સૂચવ્યો, એ ભાવમાં તો અત્યારે કોઇ હિન્દીથી ગુજરાતી અનુવાદ માટે પણ માત્ર મજબૂરીથી જ તૈયાર થાય. એટલે મારે એ કામનો પરાણે અસ્વીકાર કરવો પડ્યો. પાછલા 4 વર્ષથી એ પુસ્તકના અંગ્રેજી અનુવાદના પ્રયત્નો થતા રહે છે, પણ હજું કોઈ તૈયાર નથી થયું. ક્યાંથી થાય અને કેમ થાય?

બીજો અનુભવ

અનુવાદક તરીકે ઘણી વાર સાહિત્ય સિવાયના ક્ષેત્રમાં પણ સંકળાવાનું બને છે. એક વાર ગુજરાતના સર્વાધિક લોકપ્રિય યુવા કવિઓમાંના એકના સંદર્ભથી મારી પર ફોન આવ્યો. એ કવિ મારા અત્યંત પ્રિય મિત્ર એટલે તેમના નામનું માન રાખીને હું જે તે વ્યક્તિને મળવા ગયો. એ વ્યક્તિનું કામ બધાને વાસ્તુશાસ્ત્રને લગતી સલાહ આપવાનું હતું, અને તેમની ઓછામાં ઓછી ફી ₹ 51,000 હતી. તેમને કામ સર્વોત્તમ જોઇતું હતું, તેમના પોતાના કામની જેમ જ! પણ તેમને મારો ભાવ વધારે લાગ્યો, બોલો.

ચોક્કસ અનુવાદનો હઠાગ્રહ

બીજો મુદ્દો છે જે તે લેખકના હઠાગ્રહનો. અનુવાદ એટલે અત્તરને એક શીશીમાંથી બીજી શીશીમાં ભરવાની કલા. થોડીક સુગંધ તો ઘટવાની જ. ઉપરાંત, એક જ લખાણનો જો દસ અલગ અલગ અનુવાદકો અનુવાદ કરે, તો દસેય ડ્રાફ્ટ અલગ અલગ જ હોવાના, એ તો કોઇ પણ સમજી શકે એવી વાત છે. પણ જો એ લખાણ કોઇ એવા માણસનું હોય, જેમણે ભણીને જ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હોય, તો આ વાત મોટાભાગે તેમનાં સમજણ ક્ષેત્રની બહાર હોય છે.

અમદાવાદના પ્રખ્યાત આંખના ડૉકટરોમાંના એકના આંખને લગતા પુસ્તકના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદનું કામ આવી પડ્યું. કર્યું પણ ખરું. પણ એમને એમ કે એમને ડૉકટરની ડીગ્રી મળી ગઇ માટે એ અંગ્રેજીના પણ વિશેષજ્ઞ થઇ ગયા. એક જગ્યાએ ગુજરાતીમાં વાક્ય હતું ‘જીવનના વિવિધ ક્ષેત્રનાં લોકો’, જેનું અંગ્રેજી મેં એમ કર્યું ‘People from all walks of life’ જે તેમને સદંતર ખોટું લાગ્યું. એમના મતે ‘People from different fields of life’ જ સાચું કહેવાય. મારાથી સમજાવાય એટલું સમજાવ્યું પણ એમનો ચંચૂપાત એટલો વધી ગયો કે મારે એ કામ છોડવું જ પડ્યું.

આમ તો ઘણા ડૉકટર મારા અંગત મિત્રો છે અને મને પોતાને તમામ ડૉકટરો માટે અહોભાવ જ છે, તેમ છતાં વિવિધ ડૉકટરોના અલગ અલગ કામમાં વારંવાર આમ જ બનતું અનુભવ્યા પછી મેં એ દિશાના દ્વાર તો બંધ જ કરી નાખ્યા. એકવાર ગુજરાતના એક IAS અધિકારી સાથે પણ એમ જ બન્યું. ગુજરાતી તેમની પ્રથમ, દ્વિતીય કે તૃતીય ભાષા પણ નહીં. તેમ છતાં અંગ્રેજીથી ગુજરાતી અનુવાદમાં તેમનો ચંચૂપાત એટલો બધો કે કામ પૂરુ કર્યાં પછી મેં મારું નામ પાછું ખેંચી લીધું હતું.

મારી તો એ તમામ ગુણીજનોને એક જ વિનંતી છે કે જો તેમને એમ લાગતું હોય કે તેઓ પોતે જ જે તે ભાષા સારી જાણે છે, તો સમયના અભાવનું બહાનું કાઢ્યા વિના તેમણે એ કામ જાતે જ કરવું જોઇએ.મારી તો એ તમામ ગુણીજનોને એક જ વિનંતી છે કે જો તેમને એમ લાગતું હોય કે તેઓ પોતે જ જે તે ભાષા સારી જાણે છે, તો સમયના અભાવનું બહાનું કાઢ્યા વિના તેમણે એ કામ જાતે જ કરવું જોઇએ.

પ્રિય મફતિયાઓ

આપણે કોઇ રેસ્ટોરામાં જઇને એમ નથી કહેતા કે ‘એક ડીશ મફતમાં ચાખવા આપો. ભાવશે તો બીજાના પૈસા ચૂકવીશું.’ આપણને શંકા હોય, તો આપણે સાવ નાનકડો ઓર્ડર આપીને સ્વાદની ખાત્રી કરી લઈએ છીએ, પણ મફત તો નથી જ માંગતા. પણ સાહિત્યના ક્ષેત્રમાં એ અત્યંત સામાન્ય ઘટના છે. ‘તમે પહેલા પાંચ પેજ કરો, પછી જોઇએ!’, ‘ફર્સ્ટ ચેપ્ટર આપો પછી ભાવ ડિસાઇડ કરીશું…’, ‘અરે યાર એક જ પાનું છે!’ આ અને આવા સંવાદો હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1000 પાના તો વિનામૂલ્યે જ અનૂદિત કર્યા હશે. એટલે અનુવાદના ક્ષેત્રમાં શરૂઆત કરનારા મિત્રોમાંથી ઘણાને તો આ પ્રિય મફતિયાઓએ જ ભગાડી મૂક્યા છે.

પ્રાદેશિક પ્રકાશકોની મર્યાદા

અમુક વાર અમુક પ્રકાશકો પણ ખેલ પાડી દેતા હોય છે. કોઇ નવોદિત લેખક કે કવિને પોતાનું પુસ્તક પ્રકાશિત કરાવવું હોય, તો પહેલા તેમની પાસે એક-બે પુસ્તકોનો અનુવાદ કરાવશે. પછી તેમનું પુસ્તક પ્રકાશિત કરી આપશે જેની અમુક નકલો તો એ લેખકે કે કવિએ ફરજીયાત ખરીદવાની! (Vanity Publishing) બોલો, આમ કે આમ, ગુટલીઓ કે ભી દામ! આમાં અમારા જેવા ફુલ-ટાઇમ અનુવાદ કરનારાનો વારો ક્યાંથી આવે?

જોકે ગુજરાતના પ્રકાશકો માટે પણ ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ કરાવવો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પ્રકાશનની પ્રક્રિયામાં અનુવાદકની સાથે સાથે મૂળ લેખક, તેની પાસેથી અનુવાદના અધિકારો પ્રાપ્ત કરવા માટેના વકીલ અને/અથવા મધ્યસ્થી, સંપાદક, પ્રૂફ રીડર, ડિઝાઇનર, પ્રિન્ટર અને બાઇન્ડર સાથે લમણાં લેવાનાં. આ બધું કર્યાં પછી પણ તેમના દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો ગુજરાત બહાર વેચવાં અઘરાં થઇ પડે છે. (અને ગુજરાતમાં તો આમ પણ પુસ્તકો વેચવાં અઘરાં જ છે!) પ્રાદેશિક પ્રકાશનગૃહો અને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રકાશનગૃહોનું રાજકારણ આખો અલગ મુદ્દો છે, પણ એ કારણે ગુજરાતી પ્રકાશકો અંગ્રેજીમાં પુસ્તક પ્રકાશનનું સાહસ નથી કરતા. જે વસ્તુ વેચાય જ નહીં, તેનું ઉત્પાદન કરીને શું કરવાનું?

ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ

હવે બાકી રહી સાહિત્યિક સંસ્થાઓ. એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીમાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ માટે એક સમિતિ બની હતી (જેમાં હું પણ એક અદનો સભ્ય હતો) પણ તેમાં એક મીટિંગથી આગળ કશું થયું નહીં. (જોકે અત્યારે તેમનું જ એક અંગ્રેજીથી ગુજરાતી અનુવાદનું કામ હું કરી રહ્યો છું, પણ એ પૂરું થવાનું શુભ મૂર્હૂત હજું આવ્યું નથી એ માટે હું એમનો ક્ષમાપ્રાર્થી છું.) ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એક સમયે અનુવાદ કલાને લગતા વર્ગો ચાલતા હતા, ત્યારે આવું કંઇક કામ થશે એવી આશા બંધાઇ હતી. પરંતુ હવે તો ત્યાં પણ આ દિશામાં નોંધપાત્ર કામ કરવાની ધગશ કોઇને હોય, એમ જણાતું નથી. દિલ્હી વાળી અકાદમી સ્થાનિક સંસ્થાઓની સહાય અને/અથવા માર્ગદર્શન વિના શું કરી શકે? અને ગુજરાતની અન્ય સાહિત્યિક સંસ્થાઓની તો પહોંચ કેટલી?

અંતે…

આવી પરિસ્થિતિમાં અનુવાદકોનો જીવન નિર્વાહ ઘણો અઘરો થઇ જાય છે. એટલે તમને ગુજરાતમાં કોઇ પણ સંસ્થામાં નોકરિયાત તરીકે જોડાયા વિના ફુલ ટાઇમ અનુવાદનું કામ કરનારા આંગળીના વેઢે નહીં પણ ટેરવે ગણાય એટલાં જ મળશે. બાકી બધા માટે અનુવાદ પાર્ટ ટાઇમ કે શોખ કે વધારાની આવક જ છે.

ભારતનું પ્રથમ નોબલ પારિતોષિક લાવનાર રવિન્દ્રનાથ ટાગોરનાં ‘ગીતાંજલિ’નો અંગ્રેજીમાં અનુવાદ જ ન થયો હોત તો? આમ પણ સમાજ જેને પોષે છે, એજ વસ્તુ સમાજને મળે છે. જો ગુજરાતી સાહિત્યને વૈશ્વિક ઓળખ પામવા વિશ્વભાષામાં અવતરવું હશે, તો એ સેતુ બાંધનાર અનુવાદકોને ગુજરાતી સમાજે જ પોષવા પડશે અને તેમની ક્ષમતા અનુસાર વળતર પણ આપવું પડશે. માત્ર પ્રશ્નો પૂછવાથી કે ફરિયાદ કરતા રહેવાથી તો આજ સુધી શું સિદ્ધ થયું છે?

વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!

International Mother Language Day Gujarati

સમગ્ર વિશ્વમાં આજે 21મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાય છે અને નિયમાનુસાર ફોરવર્ડોત્સવ પણ ઉજવાઇ જાય છે. તેમાં જાતભાતના મૂર્ખતાપ્રચુર અને અજ્ઞાનસભર સંદેશાઓ જ હોય છે. ગુજરાતી ભાષાને લગતી કે અન્ય અર્થસભર વાત તો એવા સંદેશાઓમાં, રાબેતા મુજબ, ભાગ્યે જ જોવા મળે છે. જુઓ, આ રહ્યાં તેનાં અમુક ઉદાહરણોઃ

ફોરવર્ડોત્સવ

  • ગુજરાતીમાં વરસાદ (કે ફલાણા-ઢીંકણા) માટે આટલા શબ્દો છે (પછી એ શબ્દોની યાદી હોય), અંગ્રેજી (અથવા અન્ય કોઇ ભાષા)માં આવી સમૃદ્ધિ છે? એમ તો એસ્કિમોની ભાષામાં બરફના 100થી વધારે પર્યાય છે અને એ દરેકનો ચોક્કસ અર્થ પણ થતો હોય છે. અરેબિક ભાષામાં ઊંટ માટે એક હજાર જેટલા પર્યાય છે અને તે પણ ચોક્કસ અર્થ ધરાવતા હોય છે. તો શું એસ્કિમોને કે અરબસ્તાની લોકોને ગુજરાતીઓને ઉતારી પાડવાનો અધિકાર મળી જશે? એ તો જે તે પ્રદેશની સંસ્કૃતિ અનુસાર ત્યાં ભાષા વિકસી હોય. એ વિકાસમાં ભાષા સમૃદ્ધિ તો પરિણામ સ્વરૂપ હોય છે, કારણ તો જરૂરિયાત જ હોવાની. આવા કારણે એક ભાષા મહાન અને બીજી તુચ્છ એવી સરખામણી કોઇ કરી જ કેવી રીતે શકે?
  • જલેબી (અથવા તો ભજીયાં જેવી ખાવાની વાનગીના નામ)નું અંગ્રેજી કરી બતાવો વાળો સંદેશો ફોરવર્ડ કરીને મૂછો આમળતો વર્ગ પણ ઘણો મોટો છે. પંજાબી ભટૂરાને આપણે ભટૂરા જ કહીએ છીએ અને બંગાળી સોંદેશનું આપણે વધુમાં વધુ સંદેશ જ કર્યું છે ને? મંચુરિયન, મોમો કે સેન્ડવીચ, સિઝલર્સના સ્વાદનું ગુજરાતીકરણ કર્યું હશે પણ નામનું ગુજરાતીકરણ કર્યું છે?
  • “ગુજરાતી દરવાજો છે. અંગ્રેજી તો માત્ર બારી છે.” આ વિધાન પણ ફોરવર્ડોત્સવમાં કાયમ હાજર હોય છે. અત્યારે 21મી સદીમાં તમે જેટલી પણ ટેક્નોલોજી વાપરો છો, તેના ગુજરાતી પર્યાય છે? અને છે તો વાપરો છો? ભારતમાં પ્રાચીન સમયમાં પુષ્પક વિમાન હશે, પણ આપણે તો બોઇંગમાં જ બેસીએ છીએને? આપણે ત્યાં ઋષિઓ ટેલિપથીનું જ્ઞાન ધરાવતા હશે પણ અત્યારે તો આપણે મોબાઇલ ફોન (ચલાયમાન દૂરભાષયંત્ર!) જ વાપરીએ છીએને? કોઇની લીટી નાની કરવાથી આપણી લીટી મોટી થતી હશે, ભલા માણસ!

મૂળ મુદ્દો મિથ્યાભિમાન

International Mother Language Day Gujarati

મૂળ મુદ્દો એ છે કે આપણી મમ્મીનો જન્મદિવસ હોય (ગુજરાતીમાં બર્થ ડે, યુ નો!) તો આપણે બીજાની મમ્મીઓની ખામીઓ શું કામ શોધવા જવું પડે, એ કોઇ મને સમજાવો. આમ પણ આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, ‘વિશ્વ ગુજરાતી દિવસ’ નથી. દરેક ભાષા કોઇકની માતૃભાષા તો અવશ્ય હશે જ. તો ‘વિશ્વ માતૃભાષા દિવસે’ સન્માન દરેક ભાષાનું થવું જોઇએ. માત્ર એક ભાષા મહાન છે, એવા મિથ્યાભિમાનમાં રાચવાનું શું કારણ હોઇ શકે?

ગુજરાતી બોલી તો ટકવાની જ છે કારણ કે હજું પણ દરેક ગુજરાતી ઘરમાં બોલાય છે તો ગુજરાતી જ. નવી પેઢી ગુજરાતીમાં બોલવા-વિચારવાની સાથે-સાથે વાંચતી-લખતી પણ થાય અને રહે, એ માટે ખરેખર કરવા જેવા કામ હોય તો તે આ મુજબ છેઃ

શાળાનું શિક્ષણ

ધોરણ 12 સુધી તમામ પ્રવાહોમાં ગુજરાતી ભાષા અને ભાષા શુદ્ધિ અત્યંત આગ્રહપૂર્વક શીખવવી જોઇએ. વિષય તરીકે ગુજરાતી ફરજિયાત કરવામાં આવી તે પગલું આવકારદાયક છે, પણ એ સ્તરે સારી રીતે ભાષા શીખવી શકાય એવું માળખું પણ ગોઠવાવું જોઇએ. એ માળખામાં સૌથી મહત્વના છે ‘સક્ષમ’ શિક્ષકો. ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસમાં પણ ગુજરાતી વિષય હોય, તો એ ઉપકારક જ નીવડશે.

શાળા પછીનું શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ એટલે કે ધોરણ 12 પછી થતાં તમામ અભ્યાસક્રમો જેવા કે MBBS, BE, MBA, MCA, CA, CS અને અન્ય તમામ ક્ષેત્રોનાં બધાં જ પાઠ્યપુસ્તકો સમજાય એવી અને શુદ્ધ ગુજરાતીમાં હોવા જોઇએ. જે બાળક બારમા ધોરણ સુધી ગુજરાતીમાં ભણ્યું હોય, તેના માથે અચાનક જ અંગ્રેજી થોથાં મારવામાં આવે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગોખણપટ્ટી સિવાય કોઇ જ ઉપાય રહેતો નથી. અને એ કષ્ટ ભોગવનારા બાળકો જ્યારે પોતે મા-બાપ બને છે, ત્યારે આ કારણસર જ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું વધારે પસંદ કરતા હોય છે.

21મી સદીનું બાળ-સાહિત્ય

બાળકોને ભાષા શીખવાડવા માટે પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો ગુજરાતીમાં 19મી સદીમાં જ અટકી ગયા છે જ્યારે બાળકો તો 21મી સદીમાં જન્મી રહ્યાં છે. બાળકોને વાંચવા જેવા પુસ્તકોની વાત આવે ત્યારે ગિજુભાઇ બધેકા નામનો ચલણી સિક્કો વાપરવામાં આવે છે. એક ડગલું આગળ વધતાં જીવરામ જોષી યાદ આવે છે. કોઇ બડભાગીને વળી બકોર પટેલ યાદ હોય છે, પણ તેના સર્જક હરિપ્રસાદ વ્યાસ ખાતે તો ‘હરિ હરિ’ જ ભજવાનું આવે છે.

તમે ક્યારેક 21મી સદીમાં જન્મેલાં બાળકો સામે એ પુસ્તકોમાંથી એકાદી વાર્તા વાંચી સંભળાવજો. તમારે તેમને કેટલા શબ્દો સમજાવવા પડશે, એ તો બીજી સમસ્યા છે. પહેલી સમસ્યા તો એ છે કે તમારે પોતે પણ ઘણાં શબ્દોના અર્થ શોધવા પડશે. જેમના નામ નોંધ્યા એમાંથી કોઇ પણ લેખકોની લેખની, વાર્તારસ કે તેમનાં પ્રદાન વિષે જરા પણ શંકા ઊભી ન કરી શકાય. હું તો તે સાહિત્યની પ્રસ્તુતતાની વાત કરી રહ્યો છું. આજે જ્યારે ઘરમાં ગીઝર વપરાતાં હોય, ત્યારે છોકરાને ભંભોટિયું ક્યાંથી લાવી બતાવવું કે સમજાવવું? (એ સમયની મૂળ વાર્તાઓમાં અમુક જ્ઞાતિ-જાતિ સંદર્ભની જે વાતો આવે છે, તે તો અત્યારે એટ્રોસિટી એક્ટ હેઠળ સજા પાત્ર ગુનો છે, એ પાછો અલગ જ મુદ્દો છે.)

જો બાળક ગિજુભાઇ બધેકા અને જીવરામ જોષીથી જ અટકી જશે, તો તે યશવંત મહેતા અને હરીશ નાયક સુધી તો પહોંચવાના જ નથી. માટે ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશીથી માંડીને હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ સુધી જવાનું તો તેમને સપનું પણ આવશે નહીં. 21મી સદીમાં ગુજરાતમાં જન્મતા બાળક માટેના બાળ સાહિત્ય સર્જકે પણ 21મી સદીમાં આવવું પડશે. કોઇ ગુજરાતી સર્જકે હેરી પોટરની સર્જક જે. કે. રોલિંગની જેમ નવી પેઢીને એમની ભાષામાં, આધુનિક રસ-રુચિ વાળા પુસ્તકો સર્જીને વાંચનની લત લગાવવી પડશે. બાકી છોટા ભીમ અને ડોરેમોન વાળી શહેરી પેઢીને છકો-મકો અને અડૂકિયો-દડૂકિયો આકર્ષી શકે એવું બનાવાની સંભાવના અત્યંત ઓછી છે.

21મી સદીની ફિલ્મો અને કાર્ટૂન શ્રેણીઓ

બાળ પુસ્તકોની વાત તો ખાસ એટલે કરી કે મને (અને મારા જેવા લઘુમતિમાં આવતાં મા-બાપને) બાળઉછેરમાં એમની ખોટ વર્તાય છે. બાકી અત્યારના મોટાભાગના ગુજરાતી પરિવારમાં પુસ્તકો એટલે માત્ર ભણવાનાં પુસ્તકો. એવાં બાળકો સુધી પહોંચવા માટે ગુજરાતીમાં બનેલી બાળ-ફિલ્મો, શક્તિમાન કે બાલવીર જેવી ધારાવાહિક શ્રેણીઓ અને ખાસ તો છોટા ભીમ અને ડોરેમોન જેવી એનિમેટેડ શ્રેણીઓ અને પાત્રો જોઇશે. બાળકોને પુસ્તકો કરતાં પણ કાર્ટૂન વધારે આકર્ષે છે, એ તો નક્કર વાસ્તવિકતા છે. આપણી પાસે આમાંનું કશું છે, જે આપણે 21મી સદીનાં બાળકોના મનોરંજનથાળમાં ધરી શકીએ?

21મી સદીનું સરકારી તંત્ર

છેલ્લે સરકારી તંત્રની પણ વાત કરીએ. સરકારી વિભાગોમાં વપરાતી પ્રશાસનિક ગુજરાતીના ‘મજકૂર’ શબ્દપ્રયોગો બંધ થવા જોઇએ. ‘સદરહુ’ પ્રશાસનિક ભાષાને કારણે તંત્ર અને પ્રજા વચ્ચેનું અંતર વધે છે, વચેટિયાને ઘૂસ મારવાની તક મળે છે અને એ બધા માટે નિમિત્ત બનનારી ગુજરાતી ભાષા પ્રત્યે મનમાં એક ખટકો પણ ઊભો થાય છે કે “મારી માતૃભાષા ગુજરાતી છે, હું ભણ્યો પણ ગુજરાતી માધ્યમમાં જ. તેમ છતાં આ સરકારી ભાષા મને કેમ સાવ અજાણી લાગે છે?”

જોકે દરેક વાતમાં સરકાર પર દોષનો ટોપલો ઢોળી દેવાથી તો કશું થયું પણ નથી અને થવાનું પણ નથી. છેવટે “લોકશાહી એટલે એવું શાસન જે લોકોનું હોય છે, લોકો દ્વારા હોય છે અને લોકો માટે હોય છે.”

હું મારી મમ્મીને ‘બા’ નથી કહેતો

અને છેલ્લે પેલી વિપિન પરીખની પંક્તિ ટાંક્યા વિના તો માતૃભાષાનું મહિમામંડન અધૂરું ગણાશેઃ

‘મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.’

– વિપિન પરીખ

કવિ અને એમના કવિત્વ પ્રત્યે પૂરતાં સન્માન સાથે કહીશ કે આ પંક્તિ પાછલી સદીમાં રહી ગયેલા ગુજરાતીઓનું તેમજ ગુજરાતી ભાષાના અધઃપતનના મુખ્ય કારણનું પ્રતિનિધિત્વ કરતી પંક્તિઓ છે. હું વીસમી સદીના ઉત્તરાર્ધમાં અમદાવાદમાં જન્મ્યો છે અને આ શહેરમાં વિશાળ મિત્ર વર્તુળ ધરાવું છું. મને આજ સુધી એવો એક પણ હમઉમ્ર કે મારાથી નાનો મિત્ર કે પરિચિત નથી મળ્યો કે જે આ શહેરમાં ઉછર્યો હોય અને પોતાની ‘મા’ કે ‘મમ્મી’ને ‘બા’ કહેતો હોય.

ગુજરાતી ભાષાને આપણે જો 21મી સદી જીવંત રાખીને આવનારી સદીઓમાં લઈ જવી હશે, તો સ્વીકારવું પડશે કે ભાષા સતત પરિવર્તન પામતી રહે છે અને એ પરિવર્તનના સાક્ષી જ નહીં, સહભાગી પણ બનવું પડશે.

ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા

જ્યારે મારાં ગમતાં પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ જાઉં છુ. એકાદ હજાર પુસ્તકો તો ગમે જ છે. એ બધાની યાદી કેવી રીતે બનાવવી? જોકે તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ થતી નથી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા એ યાદીમાં પ્રથમ ક્રમે જ આવે છે.

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા 001
The Ashwinee Bhatt એટલે કે આપણા પ્રિય અશ્વિની દાદા

પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું, “અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.” ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી સતત આકર્ષાયેલો રહ્યો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.

અશ્વિની ભટ્ટની નવલકથાઓ

તેમની નવલકથાઓની યાદી જોઈએ તો બહુ લાંબી નથી, પણ તેમાંની ઘણી નવલકથાઓ બહુ લાંબી છે. ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’, ‘આશકા માંડલ’, ‘ફાંસલો’, ‘અંગાર’, ‘ઓથાર’, ‘આખેટ’, ‘કટિબંધ’, ‘આયનો’, ‘ધ ગેઈમ ઈઝ અપ’, ‘કસબ’, ‘કરામત’ અને ‘કમઠાણ’ તેમની નવલકથાઓ છે. આ ઉપરાંત ‘ફ્રીડમ એટ મીડનાઈટ’નો ગુજરાતી અનુવાદ, એલિસ્ટર મેકલિનના ઘણા અનુવાદો, ‘રમણ-ભમણ’ નામક નાટક અને ગોધરાકાંડ પછીના ગુજરાતની એક ‘તળ-અમદાવાદી’ના દ્રષ્ટિકોણથી માહિતી આપતું પુસ્તક ‘આકાંક્ષા અને આક્રોશ’ પણ તેમના ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં છે. અને તેમણે કુલ ૮૦થી પણ વધુ પુસ્તકો નો અનુવાદ કર્યો છે જે હાલમાં સંગ્રાહકો પાસે જ હશે. નવલકથાઓનું લંબાણ જ નહીં, વિસ્તાર પણ ઘણો છે અને આટલાં દળદાર પુસ્તકો હોવા છતાં વાચકો ક્યારેય થાકતા નથી, એ તેમની ઉપલબ્ધિ છે.
‘ઓથાર’ પહેલી વાર મે ૧૯૯૭માં વાંચી હતી અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૨૫ વાર તો વાંચી જ હશે. તે મને ગમવાના ઘણાં કારણો હશે પણ અશ્વિનીજીને ગમાડવા માટે તો આ એક જ પુસ્તક પૂરતું છે.

ઓથાર

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા 002
Title of ‘Othar’ by Ashwinee Bhatt (1997 Edition) અશ્વિની ભટ્ટની ‘ઓથાર’ (1997ની આવૃત્તિ)

આઝાદીના 6 દસક બાદ આપણે ભારતને પ્રગતિના પંથે અગ્રેસર જોઈને રાજીપો અનુભવીએ છીએ અને સાથે-સાથે મનમાં એક વસવસો પણ ઊભરી આવે છે કે જો ઈ.સ. 1857નો બળવો સફળ રહ્યો હોત, તો અત્યારે ભારત ક્યાં પહોચ્યું હોત! આ વસવસાને અશ્વિનીજીએ ‘ઓથાર’ના પાત્રોમાં જીવંત કર્યો છે અને પ્રસ્તાવનામાં ડો. કાન્તિ રામીએ લખ્યું છે, “લોકો પોતાની યાતનાઓને જેટલી ઉત્કટતાથી યાદ રાખે છે, એથી વિશેષ એમને બીજું કશુંયે યાદ રહેતું નથી.” આપણામાં પણ ક્યાંક ને ક્યાંક એ વસવસો અને એ યાતનાઓના ઘાવ છુપાયેલાં જ છે. માટે જ જ્યારે તેને કોઇ પાત્રમાં સજીવન થતાં અનુભવી, ત્યારે અચાનક જ કથાનો નાયક સેજલસિંહ મને મારા મિત્ર જેવો લાગવા માંડ્યો. જોકે, આ ઇતિહાસના વર્ણનથી ભરપૂર પણ બગાસા ખવડાવતી નવલકથા નથી. ઇતિહાસ તો અહીં એક પશ્ચાદભૂમિકામાં જ છે અને વાર્તા તેના દ્વારા આગળ ધપતી નથી. ક્યાંક અને કવચિત ઇતિહાસનો ઉલ્લેખ થાય છે પણ એવી રીતે નહીં કે તે કથાના પ્રવાહને અવરોધે.

બળવાની નિષ્ફળતાનો ઓથાર, નાયક સેજલસિંહનો તેના પિતા વિષેના અજ્ઞાનનો ઓથાર તથા સેના અને ગ્રેઈસ વચ્ચેની વિકટ પસંદગીનો ઓથાર- એમ નવલકથામાં ઓથાર ત્રિસ્તરીય પરિમાણ ધરે છે અને શિર્ષકને સાર્થક કરે છે. આટલા વિશાળ ફ્લક પર આલેખાયેલી નવલકથામાં ‘મેટર’ અને ‘મેનર’ એમ બંને જગ્યાએ અશ્વિનીજીએ અચૂક નિશાન સાધ્યાં છે. આ ઉપરાંત ખાધું-પીધું ને રાજ કર્યું વાળો નહીં પણ એક વાસ્તવિક અંત આપવામાં પણ તેમણે કમાલ કરી છે. નવલકથાના છેલ્લાં પચાસેક પાનાં અતિ વેદનામય છે તેમ છતાં કથામાં ક્યાંય નાનકડું છિદ્ર પણ ન રહી જાય તેના માટે અશ્વિનીજીએ તેનો બખૂબી ઉપયોગ કર્યો છે.

ઓથારના પાત્રો

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા
પ્રિય અશ્વિનીદાદા

વાર્તા હંમેશા પાત્રો દ્વારા આગળ વધે છે અને નબળું પાત્રાલેખન કોઇ પણ રીતે આ ધસમસતા કથા પ્રવાહને ઝીલી શક્યું ન હોત. પણ વાર્તારસની ભાગીરથીને માટે તેમણે પાત્રો પણ ઉત્કૃષ્ટ સર્જ્યાં છે. આપણને તે લેખકની કલ્પનાના બોદાં હાડપિંજર લાગતા નથી પણ આપણે તેમને બંધ આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને તેમને કથાના એક પાત્રની જેમ જ ચાહી કે ધિક્કારી શકીએ છીએ. કથાનાયક તો નિઃશંક સેજલસિહ જ છે પણ કથામાં આવતી ત્રણ મુખ્ય સ્ત્રીઓના પાત્રાલેખનમાં પણ લેખક શ્રી એ એવો કસબ દાખવ્યો છે કે વાચકને એ નિર્ણય કરવામાં મુશ્કેલી થઇ પડે કે ખરેખર નાયિકા કોણ છે? રાજેશ્વરીદેવીની કુશળતા અને ધ્યેયનિષ્ઠા, સેના બારનીશની મોહકતા અને અલ્લડપણું તથા ગ્રેઇસ કેમ્પબેલનું આત્મસમર્પણ અને પ્રેમાતુરતા બહુ જ ઉત્કૃષ્ટ રીતે નિરૂપાયાં છે. તેમાંય રાજેશ્વરીદેવી જેવું જાજરમાન નારીપાત્ર ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ સર્જાયું છે. પાત્રાલેખનની ખૂબી એ છે કે સેજલસિહ, સેના બારનીશ, રાજેશ્વરીદેવી, ગ્રેઇસ કેમ્પબેલ, બાલીરામજી, ભુવનસિંહ, સંતોજી બારનીશ, આજો, ખેરા, ભવાનીસિંહ, કર્નલ મેલેટ, જીના પોવેલ, જેક મેકગ્રેગર કે સર પોવેલ જેવા મહત્વના પાત્રો જેટલા બારીકાઇથી આલેખાયાં છે તેટલા જ ખંતપૂર્વક કથામાં આવતા ધાનોજી, સૂબેદાર ખંડેરાવ, જેડો રાઉટીયો, જેલર જો ગિબ્સન, રામસતીયો, રામચરણ અને રામશરણ જેવા દ્વિતીય કક્ષાના પાત્રો પણ આલેખાયાં છે. કથાકાળની શરૂઆત પહેલા મૃત્યું પામનાર સેજલસિહના પિતા વિક્રમસિહ, આયા કન્ની, ફાંસીએ ચડાવેલ રાણોજી અને તુરક ને તોકલ નામના ઘોડા પણ આપણી સામે જીવંત થઈ જાય છે, તે કંઈ નાનીસૂની વાત નથી!

ઓથારમાં પ્રસંગો અને સ્થળોનું વર્ણન

પાત્રાલેખનની સાથે-સાથે પ્રસંગોનું આલેખન પણ બખૂબી અને ઝીણવટથી કરવામાં આવ્યું છે. સેજલસિહે મશાલના અજવાળે સેના બારનીશનું કરેલું પ્રથમ દર્શન, પીંઢારી મીરખાનનો અંગેજ ટુકડી પરનો હલ્લો, જેલમાં જો ગિબ્સન સાથેની લડાઇ, સેજલસિંહની ઇન્કવાયરી અને જેકે મેકગ્રેગરે સર્જેલું ફારસ, રાજા ગોવિંદદાસની કોઠી પર કર્નલ મેલેટે કરેલો હુમલો, ખેરાસિંહનુ જાનોર પર આક્રમણ અને આગમાંથી બચવાના સેજલસિહના પ્રયત્નો ખૂબ નજાકતથી અને કુશળતાપૂર્વક આલેખન પામ્યાં છે.
પાત્રો અને પ્રસંગો ઉપરાંત એ સમયનો સમાજ, વિવિધ સ્થળો અને ઈમારતો પણ નજર સામે તાદ્રશ્ય કરવામાં લેખકે પોતાના પ્રાણ રેડ્યા છે. આ નવલકથા વાંચ્યા પછી કોઇ કહી શકે નહિ કે જાનોર એક કલ્પિત રજવાડું હશે. ગોલકી મઠ અને ભેડાઘાટનું પણ સવિસ્તર અને રોચક વર્ણન છે. જાનોરનો રાજ મહેલ કે કેન્ટનું તો કોઇ સ્થપતિની કુશળતાથી આલેખન કરવામાં આવ્યું છે.
લેખકે પ્રસંગની જરૂરિયાત મુજબ ક્યારેક તદ્દન અંગ્રેજી તો ક્યારેક સાવ તળપદા શબ્દો વાપર્યા છે પણ દરેક વખતે સંવાદ ચોટદાર, પ્રસંગ માણવાલાયક અને સ્થળને જાણવાલાયક બનાવ્યાં છે. મારા અમુક મિત્રો આ નવલકથા વાંચ્યા પછી ભેડાઘાટની મુલાકાત લેવા પ્રેરાયાં હતાં.

અંતે…

છેલ્લે ડો. કાન્તિ રામીના શબ્દોને આપની સમક્ષ મૂક્યા વિના નથી રહી શકતો કારણ કે હું પણ એ વાત સાથે મક્કમતાથી સહમત છું – “રાષ્ટ્રભાષા હિન્દી કે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં જો આ કથા આલેખાઇ હોત તો કથાને જંગી આવકાર અને લેખકને દિગંતવ્યાપી યશ મળ્યા હોત તે નિઃશંક છે.”

બ્લોગજગતમાં અશ્વિની ભટ્ટ અને તેમના પુસ્તકો વિષેના લેખોની લિંક્સઃ

‘અભિન્ન’ : જૂનાં સરનામે નવું ઘર

Chirag Thakkar Jay Writer Translator New Blog Old Address

‘અભિન્ન’ પર આપ સર્વેનું પુનઃ સ્વાગત છે! સરનામું જૂનું જ છે પરંતુ અહીં ઘરનું બાંધકામ નવેસરથી થઈ રહ્યું છે.

‘Your Google Account Disabled’થી સર્જાયેલી ડિજિટલ સમસ્યા

29/1/21ની સવારે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે મારું 2004થી કાર્યરત એવું જીમેલ અકાઉન્ટ chiragthakkar.jay@gmail.com બંધ કરવામાં આવ્યું છે અને તેને રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરવાની લિંક પણ સાથે હતી. ચેક કર્યું, તો સાચે જ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે અકાઉન્ટ રિસ્ટોર કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. સૌથી જૂનું ગૂગલ અકાઉન્ટ હોવાને કારણે તેમાં ફોટોઝ, વિડિયોઝ, કોન્ટેક્સ, ડોક્યુમેન્ટ્સ, બ્લોગ બધું જ સચવાયેલું હતું. કુલ 4 વાર પ્રયત્ન કર્યો પરંતુ 3 વાર એમ જ જવાબ આવ્યો કે (કોઇ અગમ્ય) ‘Policy Violation’ ને કારણે મારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોથીવાર તો જવાબ આપવાની તસદી પણ લેવામાં આવી નહીં. એ પહેલા કોઇ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી. એટલે કઈ પોલિસીનું વાયોલેશન થયું છે, એ પણ હું જાણી શક્યો નથી.

સદ્નસીબે, તમામ ડેટાનો બેકઅપ છે જ. એમાં માત્ર ગૂગલના ભરોસે ન રહ્યો, તે સારું થયું. મારો બ્લોગ www.chiragthakkar.me ગૂગલે ખરીદી લીધેલા પ્લેટફોર્મ બ્લોગર પર જ ચાલતો હતો (આમ જોવા જઇએ તો હમણાંથી તો દોડતો હતો!) અને એ આઈડીથી જ ચાલતો હતો, માટે એ બ્લોગ પણ ઓફલાઇન થઈ ગયો હતો.

હવે જાણકાર મિત્રોની સલાહ અનુસાર WordPress.com પર આવી ગયો છું અને ટૂંક સમયમાં આપ સર્વે સમક્ષ પાછો હાજર થઈશ. નવા લેખોની સાથે સાથે જૂના લેખો પણ મઠારીને અહીં પાછા મૂકવાની ગણતરી છે.
તો આવતા રહેજો અહીં!

સસ્નેહ,

ચિરાગ ઠક્કર ‘જય’

P.S. આમ તો “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ” માનીને ગૂગલ-મુક્ત ડિજિટલ જીવન શરૂ તો કર્યું છે પરંતુ ગૂગલ મહારાજથી સો ટકા મુક્તિ તો નહીં જ મળે એમ લાગી રહ્યું છે!

P.S.2 માત્ર એક સર્વિસના ભરોસે રહેવાને બદલે અલગ અલગ સર્વિસિઝ વાપરજો અને બેક-અપ નિયમિત લેતા રહેજો.