ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન

Wastage of Youth in India Due To Social System Chirag Thakkar

(આ લેખ સૌ પ્રથમ પ્રિય વિપુલ કલ્યાણીએ ‘ઓપિનિયન‘ના જાન્યુઆરી 2012ના અંકમાં પ્રસિદ્ધ કર્યો. પછી શ્રી પ્રકાશ ન. શાહે 1-2-2012ના ‘નિરીક્ષક’માં તેનું પુનર્મુદ્રણ કર્યું અને જૂન 2012માં ‘નવનીત સમર્પણ‘માં પણ તેને સ્થાન મળ્યું. એટલે આજની ભાષામાં કહીએ તો આ લેખ એ સમયે વાઇરલ થયો હતો. આ વર્ષે જ્યારે ‘ઓપિનિયન’ મેગેઝિન રજત જયંતીની ઉજવણી કરવા જઇ રહ્યું છે, ત્યારે આ લેખ અહીંયા રજૂ કરીને એ સામાયિકનું અને તેમાં સૌના અભિપ્રાયોને મળેલા નિષ્પક્ષ સ્થાનનું સાદર સ્મરણ કરું છું.)

યુ.કે.ના 6 વર્ષના નિવાસ દરમિયાન અહીં વસેલા ભારતીય સમુદાયનો બહોળો પરિચય થયો. અને તેમાં પણ એવા લોકો કે જે હજારો પાઉન્ડ ખર્ચીને વિઝા એક્સ્ટેન્શન કે રિન્યુઅલ કરાવતાં રહીને આ દેશમાં ટકી રહેવાની મથામણ કરતાં રહે છે, એ વર્ગનો પ્રગાઢ પરિચય પામ્યો છું કારણ કે હું પણ એમાંથી જ એક છું. જ્યારે-જ્યારે પણ એ સંબંધ ઓળખાણથી એક ડગલું આગળ વધ્યો છે, ત્યારે-ત્યારે એ દરેક વ્યક્તિની આંખમાં આંખ મેળવીને એક પ્રશ્ન અવશ્ય કર્યો છે, “યુ.કે. કેમ આવવું પડ્યું?” અને જેમ-જેમ જવાબો મળતા ગયા, તેમ-તેમ ભારતીય સમાજમાં અને ખાસ કરીને નવી પેઢીમાં જે દાહક સમસ્યા છે, તેનો પરિચય પામતો ગયો.

મૌલિન પટેલ ગર્ભશ્રીમંત સંતાન અને ખૂબ જ સંસ્કારી. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે “ભાઈ, તારે તો બધી રીતે સારું છે, તો ભારતથી અહીં કેમ આવવું પડ્યું?”, ત્યારે તેના ચહેરા પર એવા હાવભાવ આવી ગયા જાણે કે લબકારા મારતા ઘા પર બીજો ઘા પડ્યો હોય! તેનો જવાબ પણ રસપ્રદ હતો. તેણે કહ્યું કે તે બી.એસ.સી. કરતો હતો, તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તે છોકરી પણ પટેલ હતી અને છોકરો પણ પટેલ હતો માટે બંનેના મમ્મી-પપ્પા થોડીક આનાકાની બાદ આ સંબંધ સ્વીકારવા તૈયાર થઈ ગયાં પણ મૌલિનની મોટીબહેનની સાસુને આ વાત પસંદ ન પડી. એ અડિયલ સાસુનું એવું કહેવું હતું કે છોકરી લેઉવા પટેલ છે અને છોકરો કડવા પટેલ છે માટે જો આ લગ્ન થાય, તો જ્ઞાતિમાં બદનામી થાય. એ સાસુમાએ એવી આડકતરી ધમકી પણ આપી કે જો મૌલિનને એ છોકરી સાથે પરણાવવામાં આવશે તો તેને કારણે મૌલિનની બહેનને ઘણું દુઃખ વેઠવું પડશે. માટે મૌલિનના લગ્ન થઈ શક્યા નહી. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતાં મૌલિન અને તે છોકરીએ વિદેશ, એટલે કે યુ.કે.નો રસ્તો પકડ્યો અને હવે તેઓ યુ.કે.માં લગ્નની ગાંઠે બંધાઈ ગયા છે અને ભારત દેશમાં મળેલી તાલીમનો ઉપયોગ અહી યુ.કે.માં કરી રહ્યાં છે.

વિજય વ્યાસના તો લગ્ન થઈ ગયેલા અને તે પણ અરેંજ્ડ એટલે કે માતા-પિતાના ગોઠવ્યા મુજબ જ. પોતાના ફાર્મસીના વ્યવસાયમાં તે ઠીક-ઠીક કમાઈ લેતો હતો અને તેને ભવિષ્યની કંઈ વધારે ચિંતા કરવા જેવું નહોતું કારણ કે માતા-પિતાએ તેના ભવિષ્ય માટે સારું આયોજન કરી રાખ્યું હતું. છતાં તેને યુ.કે. આવવું પડ્યું. કારણ સમજવું તો સરળ, પણ તેનો ઉકેલ સરળતાથી નીકળે તેમ નહોતો, ભારતની સામાજિક વ્યવસ્થામાં તો નહીં જ. કારણ એટલું જ કે તેના લગ્ન બાદ તેની પત્નિ અને મમ્મીને બન્યું નહી. આમ તો સાસુ-વહુના ઝઘડામાં કંઈ નવું નથી પણ વિજયની સમસ્યા એ હતી કે તે મા-બાપનો એકનો એક છોકરો હતો અને જો તે મા-બાપથી અલગ રહેવા જાય, તો તેમાં સામાજિક બદનામી થાય એમ હતી જે તેના માતા-પિતાને મંજૂર નહોતી. માટે રોજના કંકાસથી કંટાળીને એ સમસ્યાનો ઉકેલ લાવવા તે યુ.કે. આવી ગયો. ભારતનો એ ફાર્માસિસ્ટ હવે પોતાની તાલીમનો ઉપયોગ એક સુપર-સ્ટોરમાં કરે છે.

જ્યારે આર્કિટેક્ટ આફરીન નૂરાની વાત બીજા છેડેથી શરૂ થાય છે. મુંબઈની એ છોકરીના વિઝા પંદરેક મહિના બાદ પૂરા થઈ જાય છે અને યુ.કે. પ્રશાસનની નવી નીતિ મુજબ હવે તેના વિઝા રિન્યુ થાય તેમ નથી. માટે તે કેનેડા જવાની તૈયારીઓ કરે છે. તે કહે છે, “પાઉન્ડ-ડોલર કે લાઈફ સ્ટાઈલ તો ઠીક છે, પણ મારાથી મારા જીવનમાં લોકોની દખલગીરી સહન નથી થતી. મા-બાપ કશુંક કહે તો સમજી શકાય પણ સગાવહાલા અને પડોશીઓ પણ જીવવું હરામ કરી નાખે તેટલા બધા ‘નોઝી’ હોય છે. ‘વ્યક્તિગત સ્વાતંત્ર્ય’ એટલે શું તેની જ આ લોકોને ખબર નથી હોતી.”

Wastage of Youth in India Due To Social System Chirag Thakkar

આ જે ત્રણ કિસ્સા વર્ણવ્યા એ કંઈ અપવાદ નથી. પાછલા દસ-પંદર વર્ષમાં ભારતથી યુ.કે. આવનારામાં માત્ર દસેક ટકા જ એવા હશે કે જેમને સારી નોકરીની ઓફર હોવાના કારણે અથવા ભારતમાં ન થઈ શકે તેવો કોઈ ઉચ્ચ અભ્યાસ કરવા અહીં આવ્યા હોય. બીજા ત્રીસ-ચાલીસ ટકામાં એવા લોકો છે કે જેમનું ધ્યેય માત્ર અને માત્ર પૈસા છે. તેમ છતાં બાકીના પચાસ ટકા લોકો અહીં આવ્યા તેનું કારણ આવી કોઈને કોઈ સામાજિક સમસ્યા જ છે.

આપણે એક બાજુ આપણી સામાજિક વ્યવસ્થા પર ગર્વ લઈએ છીએ. બધાને કહેતા ફરીએ છીએ કે બાળપણ અને વૃદ્ધાવસ્થા ભારતમાં સચવાય છે તેવી ક્યાંય નથી સચવાતી. સાચી વાત હશે, પણ યુવાવસ્થાનું શું? બાળપણ એ દેશનું ભવિષ્ય છે અને વૃદ્ધાવસ્થા એ દેશનો ભૂતકાળ છે, પણ જે આ દેશનો વર્તમાન છે તેવા યુવાધનનું શું? જો કોઈ યુરોપિયન યુવાનને એમ કહેવામાં આવે કે “તારી બહેનની સાસુને તારા લગ્ન મંજૂર નથી, માટે તારે તારી પસંદગીની છોકરી સાથે પરણવું નહી.” અથવા “ભલે તું ભણી-ગણીને ગમે તેટલો હોશિયાર થયો હોય, પગભર થયો હોય, પણ માતા-પિતાથી અલગ આત્મનિર્ભરતાપૂર્વક રહેવા જઈશ તો તારી બદનામી થશે.” તો એ યુવાનનો પ્રતિભાવ શું હોય, તે મેં જાણ્યું છે અને તે અહીં લખાય એમ નથી પણ કલ્પી શકાય એમ છે.

ભારતમાં યુવાધનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સવલતો આપીને તેને એટલું વિચક્ષણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે, પોતાની ભૂલો સમજીને સુધારી શકે અને આત્મનિર્ભર બની જીવન વ્યતિત કરી શકે. પણ જ્યારે એજ યુવાધન કોઈ નિર્ણય લે, ત્યારે તેની સામે પરિસ્થિતિઓના જાત-ભાતના નિરર્થક કોયડા ઊભા કરીને તેને પીછેહઠ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. પહેલા પાંખો આપીને ઊડતા શીખવવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે એ પાંખો તો પીંજરાની શોભા માટે જ છે, ઊડવા નહિ! ત્યારે એ પંખી શું કરશે? એ પીંજરુ છોડીને જવામાં જ તેને શ્રેય લાગશેને?

એકલા હાથે બીજા દેશમાં સંઘર્ષ કરી ટકવું એ રમત વાત નથી માટે વિશેષતઃ એવા યુવક-યુવતીઓ વિદેશગમન પસંદ કરશે કે જેમનામાં ‘પોટેન્શિઅલ’ છે. માટે સરવાળે નુકસાન એ દેશનું જ થશે જેણે તેમને તાલીમ આપીને તૈયાર કર્યા છે.

ભારતની સામાજિક પરિસ્થિતિનો જેને પ્રત્યક્ષ પરિચય નહી હોય તેને એમ લાગશે કે આ બધા પાત્રો પરિસ્થિતિનો સામનો કરવાને બદલે ભાગી રહ્યા છે પરંતુ સાવ એવું પણ નથી. હું એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યો કે જે લંડનની એક ફૂડ ફેક્ટરીમાં સેન્ડવિચ બનાવવાનું કામ કરે છે અને અઠવાડિયાના ૬૦-૭૦ કલાક કામ કરી પાઉન્ડ બચાવે રાખે છે. એ મિત્ર ભારતમાં હતા ત્યારે એક કૉલેજમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર લેક્ચરર હતાં. મે તેમને પૂછ્યું કે “આમ કેમ?” તો કહે કે “ઑપન કેટેગરીમાં છું એટલે લેક્ચરરની પરમેનન્ટ પોસ્ટની તક શૂન્યવત હતી. મારા પગારમાં ઘરનું સરસ રીતે પૂરું થતું પણ હજી તો ત્રણેય બહેનોના લગ્ન કરાવવાના બાકી છે અને મારી પાસે બહુ સમય પણ નથી.”

બહેનોના લગ્ન માટે પોતાનું ભવિષ્ય કુરબાન કરી દેનાર ભાઈને માનની નજરે જોવા આપણી આંખો ટેવાયેલી છે પણ આજ પરિસ્થિતિને એક બીજી દ્રષ્ટિથી પણ જોઈ શકાય છે. લગ્ન નામક અંગત પ્રસંગને ખર્ચાળ સામાજિક તમાશો બનાવવાની પ્રથાને કારણે આપણા દેશનો એક આશાસ્પદ વિદ્યાભ્યાસુ પોતાની તમામ ટેલેન્ટ વેડફીને સેન્ડવિચ બનાવે છે. આ પરિસ્થિતિથી ભાગવાની નહી, પરંતુ એ પરિસ્થિતિમાં, એ વ્યવસ્થામાં પીસાવાની વાત છે.

ભારતમાં તૈયાર થયેલ સ્નાતક (મૌલિન પટેલ), ફાર્માસિસ્ટ (વિજય વ્યાસ), આર્કિટેક્ટ (આફરીન નૂરા) કે સેન્ડવિચ બનાવનારા ભૂતપૂર્વ લેક્ચરરની પોતાની આગવી આવડત છે જે માત્ર અને માત્ર સામાજિક વ્યવસ્થાના દોષે જ વિદેશમાં વેડફાઈ રહી છે. હવે મૌલિનને પસંદગીને અધિકાર મળે કે વિજયની પત્નિ અને સાસુનું સમાધાન થાય કે આફરીનના સગાવહાલા વ્યક્તિ સ્વાતંત્ર્યની જરૂરિયાત સમજે કે લેક્ચરરની બહેનોના લગ્ન સાદગીથી થાય, તો પણ તેમની વેડફાયેલી આવડત કે સમય દેશમાં પાછા આવવાના નથી. ઊલટું આટલાં સ્વાતંત્ર્યથી રહ્યા બાદ હવે મોટાભાગનાને મનમાં એવી શંકા થતી હોય છે કે “પાછા ભારત જઈશું તો ફાવશે?”

વિદેશ ગયેલા સો યુવાનોમાંથી જો સિત્તેર વહેલા-મોડા પાછા આવતા રહે તો પણ દેશના સરવૈયામાં ત્રીસની ખોટ જ બોલશે. જોકે વાસ્તવિક આંકડા તો તેનાથી ઊલટા જ છે. માટે જો આ Brain Drain (બુદ્ધિધનનો અપવ્યય) લાંબો સમય ચાલ્યું તો દેશને કેટલું નુકસાન થશે તે કલ્પનાતીત છે.

સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘सा विद्या या विमुक्तये।’ (મુક્તિ અપાવે એ જ વિદ્યા) અને આજનો યુવાન એજ આશા રાખે છે કે તેને વિદ્યા મળે પછી તે મુક્તિ તરફ દોડે, બંધન તરફ નહી. શું આપણા સમાજમાં એ વિચારધારાને સ્થાન છે?

(લેખમાં આવેલ પાત્રોના નામ સકારણ બદલ્યા છે અથવા અજ્ઞાત રાખ્યા છે. જોકે આજે 9 વર્ષ પછી ગુજરાતના શહેરી સમાજનું વિહંગાવલોકન કરતા એમ અવશ્ય લાગે છે કે મિલેનિયલ્સ આવી પરિસ્થિતિ સામે સરળતાથી શરણાગતિ નથી સ્વીકારતા અને તેમની પર આવી પરિસ્થિતિઓ ઠોકી બેસાડવાનું પ્રમાણ પણ ઘટ્યું છે.)

7 thoughts on “ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન

  1. આવી સામાજિક સમસ્યાઓથી છૂટવા માટે આર્થિક કારણો મજબૂત હોવા જોઈએ. મને એવો વિચાર આવે કે મિત્ર આવાં ક્ષૂલ્લક કારણે યુવાધન વિદેશ ભાગતું હોય તો એને સમાજે ત્યાં કાયમી થઈ જવા દેવામાં સહયોગ આપવો જોઈએ.

    Liked by 1 person

    1. પરિસ્થિતિની ક્ષુલ્લુકતા કે વિકરાળતાનો પ્રશ્ન દ્વિતીય ક્રમે છે. અહીં પરિસ્થિતિના નિર્માણ થવાના કારણોની વાત છે.

      Like

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s