અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર

Translation-Playing-With-Languages-Joyfully-Ramanik-Someshwar-Chirag-Thakkar-Jay #chiragthakkar #chiragthakkarjay #Translation #RaagChirag #રાગચિરાગ #writer #translator #speaker #author #reader #RamanikSomeshwar

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં એ ત્રણેય પ્રસિદ્ધ થયાં હતાં. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. ત્રણેય વક્તવ્યો સાંભળવામાં પણ મજા આવી હતી માટે આપની સમક્ષ ગમતાનો ગુલાલ!)

ભાષા એટલે સૃષ્ટિનો અનુવાદ

કવિ બોદલેરે કવિઓને વૈશ્વિક ભાષાંતરકારો કહ્યા છે. એમના મતે કવિઓ સૃષ્ટિની ભાષા એટલે કે તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ, આદિનું મનુષ્યની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો પ્રત્યેક ભાષા પોતે જ એક અનુવાદ છે – સૃષ્ટિની ભાષાનો, પરિવેશનો અરે, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવ-ભાષામાં અનુવાદ.

અનુવાદની ઉત્કંઠાનું અવતરણ

હવે, ભાષાઓ તો અસંખ્ય અને પ્રત્યેક ભાષાનું આગવું વ્યક્તિત્વ. અનેક સ્તરો ભાષાના અને દરેક સ્તરના વિભિન્ન રંગો, વળી રંગે રંગે આગવી છટાઓ, ધ્વનિઓ, ભાવ સંદર્ભો. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ ‘કોઈપણ બે ભાષા બધી જ વસ્તુ એક જ રીતે કહેતી નથી. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટરીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.’ હવે જરા વિચાર કરીએ તો જણાશે કે ભાષાઓ તો અનેક પણ એના ભાષક એવા માણસનો માંહ્યલો બધે જ એક. એના સંવેદનના રણકા૨માં સંવાદી સૂરો સંભળાયા કરે. તેથી જ કદાચ પોતાની ભાષા સિવાયની ભાષાઓમાં પ્રકટ થતા સંવેદનના સૂરો ઝીલવાની ઉત્કંઠા માણસના મનમાં જાગતી હશે અને એમાંથી જ જન્મ્યો હશે અનુવાદનો વિચાર, એ રીતે અવતરી હશે અનુવાદની ભાષા.

અનુવાદની સ્રોત ભાષા અને લક્ષ્ય ભાષા

જુદીજુદી ભાષાઓની સર્જનાત્મક કૃતિઓ સ્રોત ભાષામાંથી અનુવાદ દ્વારા લક્ષ્યભાષામાં રૂપાંતરિત થાય છે ત્યારે સંવેદનના એ વણાટમાં લક્ષ્ય ભાષામાં કેવા આરોહ અવરોહ અને આકૃતિઓ રચાય છે એ વિસ્મયપૂર્વક જોવાની સાદી સમજ સાથે મારે અહીં અનુવાદની ભાષા વિશે થોડી વાત કરવી છે.

પ્રારંભે જ કબૂલી લઉં કે હું કોઈ ભાષાવિદ્ નથી. અનુવાદના શાસ્ત્રનો અભ્યાસી પણ નથી. દેશ-વિદેશની ભાષાઓમાં રચાતા સાહિત્ય વિશે જાણવાના કુતૂહલે અનુવાદો વાંચતો થયો. હિન્દી-અંગ્રેજીમાં વાંચતાં વાંચતાં મનોમન એને ગુજરાતીમાં સમજવાની ભાંજગડ ચાલે. એમ અનુવાદ સાથે જોડાયો અને યોગાનુયોગ થોડા અનુવાદો થયા, કાર્યશાળાઓમાં જોડાવાનું થયું, સંદર્ભો સામે આવતા થયા. આટલા અમથા અનુભવ અને પ્રાપ્ય સંદર્ભોને આધારે આ સુજ્ઞજનોની સભામાં આવડે એવી થોડી વાત કરી લઉં.

Translation-Playing-With-Languages-Joyfully-Ramanik-Someshwar-Chirag-Thakkar-Jay
#chiragthakkar #chiragthakkarjay #Translation #RaagChirag #રાગચિરાગ #writer #translator #speaker #author #reader #RamanikSomeshwar
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.

અનુવાદના સિદ્ધાંત

શું છે આ અનુવાદની ભાષા? કેવી રીતે બંધાય છે એનો પિંડ? કઈ રીતે એ વિકસે છે અને વિલસે છે! કેવી કેવી ગલી-કૂંચીઓ, કેવા કેવા અવરોધો વચ્ચેથી પસાર થવું પડે છે એને ? આવા કેટલાક પ્રશ્નો અનુવાદની ભાષા વિશે મારા મનમાં જાગે છે.

છેક 1791માં પ્રકાશિત એલેકઝાંડર ફ્રેસર ટાઇટલર (Alexander Fraser Titler)નું પુસ્તક ‘એસે ઑન ધ પ્રિન્સિપલ્સ ઑફ ટ્રાન્સલેશન’ (Essay on the principles of Trans lation’) પ્રકાશિત થયું જે અનુવાદના સિદ્ધાંત વિશેનું પ્રથમ પુસ્તક મનાય છે. એમાં એમણે ઉત્તમ અનુવાદ માટે મહત્ત્વના એવા ત્રણ સૂત્રો આપ્યાઃ

  1. અનુવાદમાં મૂળ રચનાનો ભાવ પૂરેપૂરો જળવાયો હોવો જોઈએ.
  2. અનુવાદની શૈલી મૂળ રચનાની શૈલીને અનુરૂપ હોવી જોઈએ.
  3. મૂળ કૃતિની સુબોધતા અનુવાદમાં પણ પ્રકટ થવી જોઈએ.

મહદ્ અંશે ટાઇટલરના આ સૂત્રોની ચર્ચા અદ્યાપિ પર્યંત એક યા બીજા રૂપે થતી રહી છે. પણ મારે અહીં સિદ્ધાંતોની વાત નથી ક૨વી, પરંતુ એ સિદ્ધાંતોમાંથી થોડું સારવીને વાત ક૨વી છે અનુવાદની ભાષાની.

અનુવાદ એટલે કૃતિનો પુનર્જન્મ

કોઈ પણ સારો લેખક, સંનિષ્ઠ સર્જક કઈ રીતે કામ પાડે છે ભાષા સાથે? પ્રથમ તો એ પોતાની ભાષાને ભરપૂર ચાહે છે. ભાષા સાથે એ અનેકવિધ ક્રીડાઓ કરતો રહે છે, એના આંતર-બાહ્ય પ્રવાહોમાં તરતો-ડૂબતો, ખરબચડા ખડકોમાં ક્યારેક અથડાતો, ભાષાના લય લાસ્યમાં ચકરાવા લેતો એ ઘાટ ઘડતો રહે છે પોતાની કૃતિનો. ભાષાના અંગેઅંગને એનાં આભ૨ણો, આભૂષણો અને આઘાતો સહિત આત્મસાત્ કરવાની મથામણ એ ક૨તો રહે છે. એક સફળ અનુવાદક પાસેથી પણ અનુવાદ કરતી વખતે પોતાની ભાષા સાથેની આવી જ મથામણો અપેક્ષિત હોય છે. પ્રત્યેક અનુવાદ એક રીતે એક નવી ભાષામાં થતું નવસંસ્ક૨ણ છે. સ્રોત ભાષામાંથી લક્ષ્યભાષામાં કોઈ કૃતિનો થતો પુનર્જન્મ એટલે અનુવાદ. આમ મૂળ કૃતિના જેવી જ પીડા અને પ્રસન્નતા અનુવાદની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલી છે.

કૃતિએ કૃતિએ ભાષાનું પિંડ બદલાય. સમયે સમયે અને વ્યક્તિએ વ્યક્તિએ ભાષાનું પોત પરિવર્તન પામતું રહે. આ વાત જેટલી મૂળ કૃતિને લાગુ પડે એટલી જ અનુવાદની ભાષાને પણ લાગુ પડે.

અનુવાદ એટલે ભાષાની આનંદકીડા

અનુવાદ એટલે તો દ્વિજ સંસ્કાર. ભાષાની આનંદકીડા. ઉલ્લાસની સાથે સાથે વિષાદ અને વેદના પણ અહીં અંતે તો આનંદનાં જ ઉપકરણો બની જાય. – આપણી ભાષામાં બે રીતે અનુવાદો થાય છે. એક તો સીધા મૂળ ભાષામાંથી. પણ એ દરેક વખતે સંભવ ન બને. તેથી હિન્દી, અંગ્રેજી આદિના માધ્યમ દ્વારા અનુવાદના અનુવાદ થાય. બંને પ્રકારના અનુવાદો અનુવાદની ભાષાને આવાહન કરતા રહે. આવા આવાહનો વચ્ચે વિકસતી અને વિલસતી અનુવાદની ભાષાને આપણે થોડા ઉદાહરણો દ્વારા જોઈએ. કઈ રીતે ઘડાય છે અનુવાદની ભાષા? – એ જોવા આપણે આપણા કેટલાક પ્રથિતયશ અનુવાદકોની કૃતિઓ અને એમની અનુવાદ-પ્રક્રિયા તરફ નજ૨ માંડીએ.

અનુવાદની ભાષાના ઉદાહરણો

તોલ્સતોયની કીર્તિદા કૃતિ ‘વૉર ઍન્ડ પીસ’ – જયંતી દલાલનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ

આપણી ભાષામાં થયેલ કેટલાક ધ્યાનાકર્ષક અનુવાદોની વાત કરીએ તો રશિયન સર્જક તોલ્સતોયની કીર્તિદા કૃતિ ‘વોચના ઇ મીર’ (વૉર ઍન્ડ પીસ)ના દસથી વધુ અંગ્રેજી અનુવાદો થયા. શ્રી જયંત મેઘાણી નોંધે છે તેમ એ અનુવાદોમાંથી બે જાણીતા અનુવાદો લઈને શ્રી જયંતી દલાલે એ બેઉના ફકરે ફકરા સરખાવીને – સંયોજીને આપણને એનો ‘યુદ્ધ અને શાંતિ’ નામે બહુ મહત્ત્વનો અનુવાદ આપ્યો. આ રીતે અનુવાદકની કોઢમાં આકાર લે છે અનુવાદની ભાષા.

સર્વાન્તિસની સ્પેનિશ નવલકથા ‘દોન કિહોતે’ – ચન્દ્રવદન મહેતાનો ગુજરાતી અનુવાદ

સર્વાન્તિસની વિશ્વવિખ્યાત સ્પેનિશ નવલકથા ‘દોન કિહોતે’ વિશે તો જયંતભાઈ નોંધે છેઃ ‘ચારસો વરસ પહેલાં લખાયેલી આ હાસ્યકથાના કેટલાય અંગ્રેજી અનુવાદ થયા, તેમાંના એક ૫૨થી ગુજરાતીમાં ઊતરી આવેલી કૃતિને અનુવાદ નહીં કહીએ…સર્વાન્નિસના જ કુળબંધુ ગણાય એવા ચન્દ્રવદન મહેતા દોન કિહોતેના મુલકની માટી પણ સૂંઘી આવ્યા અને નવલકથાનું સોળે કળાએ ગુજરાતી નવસંસ્ક૨ણ કર્યું, તેને તાજગીભર્યો ભાષાકલાપ આપ્યો.’ – આવો તાજગીભર્યો ભાષાકલાપ એ જ અનુવાદની ભાષાની સિદ્ધિ. આવા અનુવાદોમાં પ્રવેશીને એમાં સોળે કળાએ ખિલતી ભાષાના રૂપો આપણે જોઈ શકીએ.

લક્ષ્મણ પાનેની આત્મકથા ‘ઉપરા’ – સંજય શ્રીપાદ ભાવે દ્વારા મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ

હવે વાત કરું સંજય શ્રીપાદ ભાવે દ્વારા મરાઠીમાં સુંદર રીતે અનુવાદ પામેલી લક્ષ્મણ પાનેની આત્મકથા ‘ઉપરા’ની. એ કૃતિની અનુવાદ પ્રક્રિયા વિશે વાત કરતાં તેઓ લખે છેઃ ‘ઉપરા’નો અનુવાદ પડકાર હતો. તેના અર્ધા હિસ્સામાં કૌકાકી નામની બોલીની છાંટ સાથેની ગ્રામીણ ભાષા હતી. તેના શબ્દોના અર્થ અને ગુજરાતી પ્રતિશબ્દો માટે મારે ઠીક શોધખોળ ક૨વી પડી. લેખકને તેના સાતારાના ઘરે જઈને મળવું પડ્યું. અનુવાદમાં ઉત્તર ગુજરાતની બોલીની છાંટ સાથેની ગુજરાતી ભાષા માટે મફત ઓઝાની ‘જાતર’, પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ તેમજ ‘વળામણા’ અને રઘુવીર ચૌધરીની ‘ઉપરવાસ’ નવલકથાઓ ઝીણવટથી વાંચી – મનને એ ભાષાપરિવેશમાં લઈ જવાનો બહુ આનંદ આવ્યો.’ સર્જનાત્મક ઉદ્યમ અને સંનિષ્ઠ સ્વાધ્યાયમાંથી નિપજે છે અનુવાદની ભાષા.

‘તોત્તોચાન’ – રમણ સોનીનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ

આ તો વાત થઈ આપણી જ એક પડોશી ભાષાની મૂળ કૃતિના અનુવાદની. હવે એક બે વિદેશી કૃતિઓના અનુવાદ તરફ નજ૨ કરીએ. મૂળ જાપાની કથા ‘તોત્તોચાન’નો રમણ સોનીએ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. એ – મૂળ કૃતિ અને અનુવાદ બંનેની સિદ્ધિ સૂચવે છે. અનુવાદની ભાષાને સહજ અને આસ્વાદ્ય બનાવવા અનુવાદકે કેવી કાળજી લેવી જોઈએ તેનાં એક-બે ઉદાહરણો ૨મણભાઈની કેફિયતમાંથી આપું. પ્રથમ સાંભળો વાત ‘તોત્તોચાન’ની.

કથાની બાળનાયિકા ‘તોત્તોચાનને વાડા નીચેથી સરકીને મેદાનોમાં જવામાં બહુ ૨સ પડતો હતો. પરિણામે એનાં કપડાં ક્યાંક ખેંચાતાં, ફાટતાં. એકવાર તો આમ ક૨તાં આખું ફ્રોક પીઠ પાછળથી ચિરાઈ જાય છે. હવે? માને શું કહેવું જેથી પોતાનો કોઈ વાંક ન નીકળે. એક ગપ્પુ ઉપજાવી કાઢે છેઃ – અંગ્રેજીમાં એ આ રીતે કહેવાયું છેઃ

As I was walking along the road, a lot of children I don’t know threw knives at my back. That’s why my dress got torn like this.

Totto-Chan

હું રસ્તા પર ચાલતી હતીને, ત્યારે છે ને, એકદમ બહુબધાં છોકરાં આવ્યાં. એમણે, ખબર નહીં કેમ, પણ છે ને, મારા ૫૨ બહુ બધી છરીઓ ફેંકી. તે એ છરીઓથી, જો આ ડ્રેસ, ફાટી ગયો!

તોત્તો-ચાન

છે ને અદ્દલ ગુજરાતી અનુવાદ! બાળભાષાની લઢણો અને છે ને, છે ને, ના લહેકા સાથે પેલી બાળકી જ જાણે પ્રત્યક્ષ થાય. તો, આ રીતે કેળવવી પડે અનુવાદની ભાષાને. શ્રી જહાગી૨ સંજાણાએ કહ્યું છે તેમ, ભાષાંતરે આપણી ભાષા બોલવી જોઈએઃ ‘ગુજરાતી’ બોલવી જોઈએ’ – તો, આ ગુજરાતી બોલતા અનુવાદનો નમૂનો.

જર્મન લેખક પીટર વિકરાલની બાળવાર્તાઓનો સંગ્રહ – ‘અમેરિકા છે ને, છે જ નહીં.’ નામે રમણ સોનીનો અનુવાદ

રમણભાઈએ તાજેતરમાં જ કરેલા બીજા એક અનુવાદમાંથી પણ એક ઉદાહરણ આપું. પુસ્તકનું નામ ‘અમેરિકા છે ને, છે જ નહીં.’ જર્મન લેખક પીટર વિકરાલની મોટારાંઓને પણ લક્ષતી બાળવાર્તાઓ’નો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ. વાત ઘણી થઈ શકે, પણ ‘પૃથ્વી ગોળ છે’ નામની વાર્તામાંથી આ નાનકડો ફકરો. પ્રથમ અંગ્રેજી જોઈએઃ

A man who had nothing else to do, was no longer married, no longer any children or job, spent his time thinking over once more all the things he know.

Original Text

– હવે વાંચો ગુજરાતી:

“એક ભાઈ, સાવ નવરાધૂપ. ન પરણેલા, ન છૈયાંછોકરાં. ન કોઈ નોકરી ધંધો. એટલે એમનો બધો જ વખત, એ પોતે જે કંઈ જાણતા હતા એ સઘળું ફરીથી વિચારી લેવામાં જ પસાર થતો.

અનુવાદ

મૂળ કૃતિ જો ચિત્તમાં બરાબ૨ ૨સાઈ હોય તો જ આવી સહજતા અને સુઘડતા અનુવાદની ભાષામાં આવે.

શરીફા વીજળીવાળાના ગુજરાતી અનુવાદ

શરીફા વીજળીવાળા પાસેથી આપણને અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાંથી દેશ-વિદેશની અનેક કૃતિઓના ધ્યાનકર્ષક અનુવાદ સાંપડ્યા છે. અનુવાદની ભાષાને સાર્થક ક૨વા એક એક શબ્દ પાછળ અનુવાદકે કેવું મનોમંથન કરવું પડે છે એનું ઉદાહ૨ણ એમની કેફિયતમાંથી આપું. તેઓ લખે છેઃ “સ્ટીફન સ્વાઇકની જાણીતી વાર્તા ‘Amok’નું સીધું ગુજરાતી તો ‘બેકાબૂ થઈ આમતેમ દોડવું’ એવું થાય પણ વાર્તાનાયક જે રીતે ઘેલો થઈ, ઘર-બાર, જવાબદારી બધું છોડીને નાયિકા પાછળ દોડ્યો તેનાથી પ્રેરાઈને મેં શીર્ષક આપ્યું ‘હડકાયો’. પણ મિત્ર રાજેશ પંડ્યા સાથે વાર્તાની ચર્ચા થઈ ત્યારે એમણે વધુ સારો પર્યાય સૂચવ્યો. અને હું ‘ભૂરાયો’ શીર્ષકથી વધુ રાજી થઈ. એટલે મૂળ ભાષાને લક્ષ્યભાષાનો કયો શબ્દ યોગ્ય રીતે વ્યક્ત કરી શકે છે તે માટે અનુવાદકે મથામણ કરવી જ પડે.” – તળભાષાના શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો આદિના યોગ્ય વિનિયોગ દ્વારા ઘડતર થાય છે અનુવાદની ભાષાનું.

અરુણાબેન જાડેજાના ગુજારાતી અનુવાદ

અરુણાબેન જાડેજાની અનુવાદ પ્રક્રિયામાંથી પણ આવા મનોમંથનનાં, કહો કે શબ્દમંથનના અનેક ઉદાહરણો મળશે. એમના મરાઠી, સંસ્કૃત આદિમાંથી થયેલા અનુવાદોથી આપણે પરિચિત છીએ. વાલ્મિકી રામાયણનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સંક્ષિપ્ત અનુવાદ કરતાં એમની સામે આવા વાક્યો આવે – ‘अंके भरतम् आरोप्य’ – ‘રામે ભરતને ખોળામાં બેસાડ્યો’, ‘अंकेन आदाय वैदेहिम्’ – ‘સીતાને ખોળામાં બેસાડીને’. હવે સંસ્કૃત શબ્દ ‘अंक’નો અર્થ ખોળો થાય એ સાચું પણ એમના ભારતીય સંસ્કારને આ ખોળામાં બેસાડવાની વાત ખૂંચે. અને એમણે શબ્દકોશોની મદદ અને હૈયાઉકલતથી ખોળી કાઢ્યું કે ‘अंक’નો અર્થ ‘પડખામાં લઈને’ કે ‘પડખે બેસાડીને’ પણ કરી શકાય. તો, આ વાત થઈ કોઠાસૂઝની. આવી કોઠાસૂઝથી નિર્માણ થાય નવા નવા પર્યાયોનું. વધુ ઉદાહરણોમાં ન જતાં અરુણાબેનની કેફિયતમાંથી જ થોડા શબ્દો ટાંકું :

ધીમે ધીમે એ સમજાતું ગયું કે અનુવાદમાં મૂળ શબ્દ એકલો હોતો નથી…એની ફરતે સંદર્ભોનાં કેટકેટલાં વલયો હોય છે. એ વલયો સહિત અનુવાદને ઉતારવાનો હોય છે. સાતપડી રોટલી કે લચ્છા પરાંઠાની જેમ એકેક પડ ખોલતા જઈને એનો સ્વાદ લેવાનો હોય છે. તો જ અનુવાદ વાચનક્ષમ અને પાચનક્ષમ બની શકે છે.

અરુણાબેન જાડેજા

તો આવું સંદર્ભો ઉકેલવાનું કૌશલ અને કોઠાસૂઝ એટલે અનુવાદની ભાષા.

કવિતાનો અનુવાદ

હવે થોડી વાત કવિતાની. કવિતાના અનુવાદ વિશે હરીશ મીનાશ્રુ કહે છેઃ ‘અનુવાદકે સૌ પ્રથમ તો અનુરાગી થવું પડે, કાવ્યાનુરાગી. એ અનુરાગ જ એને કૃતિ અને તે પછી અનુકૃતિની દિશા ચીંધતો હોય છે.’ વળી તેઓ એમ પણ લખે છે કે, ‘અંગત રીતે હું માનું છું કે અનુવાદક્રીડા એ સર્જકતાને ધા૨ કાઢવાની સરાણ છે. અનુવાદની ક્રિયા દરમિયાન અનુવાદક અન્ય કવિની સર્જકતાના ગુપ્ત ભંડકિયામાં ઘૂસવાના ખૂફિયા રસ્તાઓ શોધી કાઢતો હોય છે. સાચી ભાષાના મંત્ર સિદ્ધિઓને, એનાં વિધિવિધાનોને એ પામવા મથતો હોય છે અને તે આ ક્રિયા દરમિયાન સહજ રીતે જ એની સર્જકતાને ધાર કાઢતો હોય છે.’ તો આ વાત છે કવિતાના ગુપ્ત ભંડકિયામાં પ્રવેશી એની બારીકીઓને, એની મંત્રસિદ્ધિને પામી અનુકૃતિ રચવાની અને એ માટે અનુવાદકે કવિતાની ભાષાને, કવિતાની શરતે પૂરેપૂરી આત્મસાત્ કરવાની રહે છે.

કન્નડ કવિ ચન્દ્રશેખર કમ્બારની કવિતા – હરીશ મીનાશ્રુએ કરેલો ગુજરાતી અનુવાદ

કન્નડ કવિ ચન્દ્રશેખર કમ્બારની એક કવિતા ‘ચિત્રકારની સંગીતિકા’ના મીનાશ્રુએ કરેલા અનુવાદની થોડી પંક્તિઓ જોઈએઃ

એણે થડિયાં ચીતર્યાં ને ચીતર્યાં ડાળખાં
વળી ટગલી ડાળીની કૂણી રેખ જો
એણે મૂળિયાં ચીતર્યાં જે ખૂંપી જાય રે
સાવ સોંસરવા પૃથ્વીમાં ઠેઠ જો.

હરીશ મીનાશ્રુ

કેવો લયાત્મક અનુવાદ! કન્નડનું વાયા અંગ્રેજી જાણે પૂરેપૂરું ગુજરાતીક૨ણ.

મકરંદ દવેએ કરેલો ગુજરાતી અનુવાદ

અહીં મને મકરંદ દવેએ કરેલા કેથલીન રેઇનની એક કવિતાના આવા અનુવાદની થોડી પંક્તિઓ યાદ આવે છે.

અંગ્રેજી પંક્તિઓ આ પ્રમાણે છેઃ

In my loves house,
There are hills and pastures,
covered with flowers.

Kathleen Raine

હવે અનુવાદ સાંભળો :

મારા પ્રીતમના ઓ૨ડા ઊંચા
– કે ઓરડા ઓહો કર્યા રે લોલ
હરિયાળા ડુંગ૨ ને ગોચરમાં પાથરી
ફૂલભરી જાજમની ભાત.

મકરંદ દવે

આ અનુવાદ વિશે હિમાંશી શેલત લખે છેઃ

અહીં ‘રે લોલ’ની મધુર પરિચિતતા કાને પડતાં, હૃદયે ચડતાં Kathleen Raine નું ઉમંગી ગીત પારકું તોય પોતિકું બની રહે છે.

હિમાંશી શેલત

રમણીક સોમેશ્વરના ગુજરાતી અનુવાદ

અનેક ઉદાહરણો નજર સામે આવતા રહે છે. પણ મને લાગે છે કે મારા પોતાના અનુભવની થોડી વાત પણ અહીં મારે ક૨વી જોઈએ. યોગાનુયોગ સમયે સમયે અનુવાદો થતા રહ્યા છે. પણ અહીં કેવળ તેલુગુ ભાષાના વિખ્યાત કવિ એન. ગોપીના દીર્ઘ કાવ્ય ‘જલગીતમ્’નો અનુવાદ કરતાં થયેલા અનુભવોમાંથી થોડુંક કહું.

તેલુગુ દીર્ઘકાવ્ય ‘જળગીત’ – રમણીક સોમેશ્વરનો ગુજરાતી અનુવાદ

ભોપાલમાં એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં કવિ સાથે પરિચય થયો. પછી પત્રો. એમ મૈત્રી. અને મારી પાસે આવ્યા ‘જળગીત’ની તેલુગુ પ્રત અને હિન્દી-અંગ્રેજી અનુવાદો. તેલુગુભાષી સહકર્મી, હૈદરાબાદ યુનિ.ના તેલુગુ જાણતા ગુજરાતી પ્રાધ્યાપક, સ્વયં કવિ અને મિત્રોના સહયોગથી અનુવાદ ચાલ્યો, પ્રથમ અછાંદસમાં. પછી કવિ પાસેથી ટેલિફોન ૫૨ કાવ્યપાઠ સાંભળી લયાન્વીત અનુવાદ સુધારતાં-મઠારતાં ચારેક વર્ષ એ પ્રક્રિયા ચાલી. એની વાત લાંબી.. પણ અનુવાદની ભાષા સાથે કામ પાડતાં જે અનુભવો થયા એના થોડા દાખલા કહુંઃ

પંક્તિ 1

હિન્દી અનુવાદ વાંચતાં તેલુગુનો સંસ્કૃત સાથેનો અનુબંધ ઝીલાયો અને ટેબલ ૫૨ અન્ય શબ્દકોશોની સાથે સંસ્કૃત શબ્દકોશ પણ મૂકાયો. હિન્દી અનુવાદમાં એક શબ્દ આવે ‘अरिष्ट वर्ग’.

अरिष्ट वर्ग
किन्हीं द्रश्य अद्रश्य प्रक्रियांक्षों के
परिणामो का
चित्र – वर्ण – विन्यास नहीं है?

હિન્દી અનુવાદ

પ્રથમ ગુજરાતીમાં શબ્દ મળ્યો ‘અશુભ તત્ત્વો’, અંગ્રેજી અનુવાદ જોયો તો એમાં વાત આવે Six Passions ની. તેલુગુ જોતાં શબ્દ મળ્યો ‘षटारि’ અરે! षट-अरि એટલે તો ‘ષડૂ રિપુઓ’! પછી ગુજરાતી અનુવાદ આ રીતે થયોઃ

ને આ ષડ્ રિપુઓ તો
૨મતિયાળ છાયાઓ કેવળ
પરિણતી
દીઠી – અણદીઠી ઘટનાઓની.

ગુજરાતી અનુવાદ

પંક્તિ 2

કવિતામાં અન્ય એક સ્થળે વાદળની પાઘડી પહેરી ઊભેલા પર્વતનું મનોહ૨ ચિત્ર આવે. હિન્દીમાં શબ્દ पगडियां, અંગ્રેજીમાં ટર્બન. પણ મનોમંથન કરતાં કરતાં મારા મનમાં તો વ૨રાજાની જેમ વાદળનો સાફો બાંધી ઊભેલા પર્વતનું ચિત્ર ઝળક્યું અને અનુવાદ કંઈક આ રીતે થયોઃ

જળનું તો કોમળ માતૃહૃદય
આલય કરુણાનું
એણે ગગન ઉછાળ્યા મેઘ
બની વાદળના સાફા
અચલ ઊભા પર્વતના –
મસ્તક ઉપ૨ સોહે.

ગુજરાતી અનુવાદ

પંક્તિ 3

મૂળ તેલુગુ અંગે, કવિતામાં આવતા સંદર્ભો અંગે કવિ સાથે વાત થાય, હિન્દી-અંગ્રેજી અનુવાદો જોતા રહેવાય. એમ કામ આગળ ચાલે. હિન્દીમાં એક સ્થળે આવી પંક્તિઓ આવેઃ

कुम्भ और महाकुम्भ के मेलों के
नदी-सूत्र ने मनुष्यों को पिरोया

હિન્દી અનુવાદ

પ્રથમ તો અનુવાદમાં ‘કુમ્ભ અને મહાકુમ્ભ’ શબ્દો જ લખાયા. પછી મૂળ અંગે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તેલુગુમાં તો ‘તીર્થ’ અને ‘પુણ્યક્ષેત્ર’ એવા બે શબ્દો સહેતુક મૂકાયા છે. તીર્થ – એટલે જળસભર સ્થાનો અને પુણ્યક્ષેત્ર એટલે જળરહિત સ્થાનો. પછી મેં પણ અનુવાદમાં એ જ શબ્દો મૂક્યા.

તીર્થો અને પુણ્યક્ષેત્રોમાં
નદી-સૂત્ર ગૂંથાયાં
તેથી જોડાતો આવ્યો છે માણસ.

ગુજરાતી અનુવાદ

આમ, શબ્દે શબ્દે અનુવાદની ભાષા ઘૂંટાય અને કવિતામાં આવતા સ્થળ-કાળના સંદર્ભો, વ્યક્તિવિશેષના ઉલ્લેખો, સાહિત્યસંદર્ભોનું પગેરું, મેળવતાં મેળવતાં સાંસ્કૃતિક સેતુ રચાતો રહે અને અનુવાદમાં કવિતાનો પિંડ પણ બંધાતો રહે. વળી, આ કવિની મૂળભોમ અને અમારા કચ્છ-પ્રદેશના જળને લગતા પ્રશ્નોમાં પણ ઘણું સામ્ય – એ રીતે પણ કવિતા સાથે તા૨ જોડાયો. વધુ તો અહીં શું કહું!

એક કૃતિના અનેક અનુવાદ

ઘણીવા૨ કોઈ એક જ કૃતિ અનેક અનુવાદકો દ્વારા અનુવાદ પામતી હોય છે. આવે વખતે અનુવાદકે અનુવાદકે બદલાતું અનુવાદની ભાષાનું પોત જોવું એ એક રસપ્રદ ક્રીડા છે. થોડા ઉદાહ૨ણો જોઈએ. જેમ કે બંગાળી કવિ જીવનાનંદ દાસના કાવ્યોના મૂળ બંગાળીમાંથી પણ એકાધિક અનુવાદકો દ્વારા અનુવાદો થયા. ભોળાભાઈ પટેલ અને રાજેન્દ્ર શાહ દ્વારા તો પુસ્તકો પણ મળ્યા. તે સિવાય સુરેશ જોશી અને લાભશંક૨ ઠાક૨ના અનુવાદો પણ મારા ધ્યાનમાં આવ્યા. હવે ભોળાભાઈ પટેલનું અનુવાદનું પુસ્તક ‘નગ્ન નિર્જન હાથ’ એની અનિલાબેન દલાલે સટિક આલોચના કરી છે. (વાંચતાં થાય કે અનુવાદ સાહિત્યના આવાં અવલોકનો થતા રહેવા જોઈએ).

બંગાળી કવિ જીવનાનંદ દાસના કાવ્યોના ગુજરાતી અનુવાદ

જીવનાનંદ દાસની વિખ્યાત કવિતા ‘વનલતા સેન’માં આવી એક પંક્તિ આવેઃ

ચુલ તા૨ કબેકા૨ અંધકા૨ વિદિશ૨ નિશા

બંગાળી કવિતા

પંક્તિનો લય જ એવો મધુ૨ કે ભાષાના સીમાડા વળોટીને આપણા ભાવપ્રદેશને રણઝણાવે. ભોળાભાઈએ પણ એનો લયાત્મક અનુવાદ આ રીતે કર્યોઃ

કેશ તેના જુગ જૂનો અંધકાર વિદિશાની નિશા

ભોળાભાઈ પટેલનો અનુવાદ

અનિલાબેન લખે છેઃ ‘ગુજરાતી શબ્દ પસંદગીથી રસક્ષતિ થાય છે – ‘કબેકાર’નો પર્યાય ‘જુગ જૂનો’ માત્ર એનો શબ્દાર્થ બની રહે છે, કાવ્યગુણ આવતો નથી.’ – હવે આ જ પંક્તિનો કવિ રાજેન્દ્ર શાહે કરેલો અનુવાદ જુઓઃ

કાળને તિમિર લુપ્ત વિદિશાની રાત્રિ સમા શ્યામ એના કેશ

રાજેન્દ્રશાહનો અનુવાદ

‘જુગ જૂના’ ને સ્થાને ‘કાળને તિમિર લુપ્ત’ જેવો પ્રવાહી પર્યાય અને વહેતી કવિતામાં એક સઘન ચિત્ર આપણી સામે ખડું થાય. વધુ ઉદાહ૨ણોમાં અત્યારે નથી જતો.

રોબર્ટ ફ્રોસ્ટના ગુજરાતી અનુવાદ

અહીં મને યાદ આવે છે સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘કવિતા’ દ્વિમાસિકનો રોબર્ટ ફ્રોસ્ટ વિશેષાંક (‘કવિલોક’ના પણ આવા એકાધિક વિશેષાંકો થયા છે) ફ્રોસ્ટના કેટલાંક કાવ્યોના એકાધિક અનુવાદકો દ્વારા થયેલા અનુવાદો એમાં છે. અનુવાદકે અનુવાદકે બદલાતી અનુવાદની ભાષાની તાસીર આપણે એમાં જોઈ શકીએ. ફ્રોસ્ટની જાણીતી કવિતા ‘ફાય૨ ઍન્ડ આઇસ’ના અહીં સાત અનુવાદો મળે છે. વધુ વિગતોમાં ન જતાં ‘The Pasture’ કાવ્યની એક-બે પંક્તિઓ એના ત્રણ જુદા જુદા અનુવાદો સાથે જોઈએ.

અંગ્રેજી પંક્તિઓઃ

I am going out to clean the pasture spring
I’ll only stop to take the leaves away.

Robert Frost

મકરંદ દવે આ કાવ્યનો અનુવાદ ગીત રૂપે કરે છે અને મુખડું પોતાના તરફથી ઉમેરે છેઃ

અબઘડી આવું, ન આવું તો નંદલાલ
જોજે તું વાટ જરા થોડી
આટલુંક કામ મુને આઘી કરે છે, ન’કે
મૂકી તને શું થાઉં મોડી ?

મકરંદ દવે

અને હવે આ પંક્તિઓઃ

ધોરિયામાં ઢગલોક પાંદડાં પડ્યાં ને એને
ખંપાળી લઇ બા’૨ કાઢું…

મકરંદ દવેનો અનુવાદ

હવે જુઓ આ જ પંક્તિઓનો નિરંજન ભગતનો અનુવાદઃ

ગોચ૨ના વહેળાને હું સાફ ક૨વા જાઉં છું
પાંદડાંઓ બહાર કાઢું એટલું જ કામ છે.

નિરંજન ભગતનો અનુવાદ

અને આ ઉત્પલ ભાયાણીનો અનુવાદ

જઈ રહ્યો છું હું સ્વચ્છ ક૨વા ગોચ૨નો ઝરો
થોભીશ ફક્ત હું ખંપાળીથી પાંદડાં દૂર કરવા.

ઉત્પલ ભાયાણીનો અનુવાદ

અનુવાદની ભાષાની બદલાતા રૂપોને કેવા કેવા દૃષ્ટિબિંદુથી જોઈ શકાય તેના દૃષ્ટાંત રૂપે કશી જ ટીપ્પણ વિના આ પંક્તિઓ અહીં મૂકી છે.

અનુવાદમાં ઉમેરાતું સમયનું પરિબળ

એક વાત એ પણ મનમાં આવી કે કેટલીક પ્રશિષ્ટ કૃતિઓના, જેવી કે ‘મેઘદૂત’, ‘ગીતાંજલિ’ આદિના સમયાંતરે અનેક અનુવાદો થતા રહ્યા છે. અનુવાદની ભાષામાં અનુવાદકની સાથે સાથે સમયનું પરિબળ પણ કેવો ભાગ ભજવે છે એ માટે આ અનુવાદો જોવા રહ્યા. વળી, કોઈ એક જ કૃતિ એના એ અનુવાદક દ્વારા સમયાંતરે ફરી અનુવાદ પામે એવા દૃષ્ટાંતો પણ આપણે ત્યાં છે.

વિન્સેન્ટ વાનગોગની જીવની ‘લસ્ટ ફોર લાઇફ’ – વિનોદ મેઘાણીનો ગુજરાતી અનુવાદ ‘સળગતાં સૂર્યમુખી’

અમર ચિતારા વિન્સેન્ટ વાનગોગના જીવનને આલેખતી ઈરવિન્ગ સ્ટોનની કૃતિ ‘લસ્ટ ફોર લાઇફ’નો વિનોદ મેઘાણીએ ‘સળગતાં સૂર્યમુખી’ નામે 1972માં પ્રથમ અનુવાદ આપ્યો. બહુ લાંબા સમયને અંતરે એ અનુવાદ એમને તોષકર ન લાગ્યો અને પછી છેક 1994માં ‘સળગતાં સૂરજમુખી’ નામે આપણને નવો અનુવાદ મળ્યો. સમયના અભાવે વિગતોમાં નથી જતો, પણ નવા અનુવાદ વખતે અનુવાદનું મનોમંથન અને ભાષામાં આવેલા પરિવર્તનો ૨સપૂર્વક જોવા જેવા છે. એ જ રીતે જયન્ત પંડ્યાના પ્રથમ 1968 અને પછી 2002માં થયેલા ‘મેઘદૂત’ના અનુવાદો પણ જોવા જેવા છે.

‘શાકુન્તલના ગુજરાતી અનુવાદો’ અને ‘મેઘદૂતના ગુજરાતી અનુવાદો’

અહીં મને એ પણ યાદ આવે છે કે રાજેન્દ્ર નાણાવટીએ વર્ષ 2006 અને 2007માં મુંબઈ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાનમાળા નિમિત્તે ‘શાકુન્તલના ગુજરાતી અનુવાદો’ અને ‘મેઘદૂતના ગુજરાતી અનુવાદો’ એવાં બે વ્યાખ્યાનો આપેલાં. અનુવાદની બદલાતી ભાષાને તુલનાત્મક રીતે જોઈ જવા એ વ્યાખ્યાનો ઉપયોગી થાય એવાં છે. અહીં કેવળ એની નોંધ લઈ અટકું.

સમાપન

અનુવાદની ભાષાના બંધાતા આકાર અને બદલાતા રૂપોનું પગેરું મેળવવાનો એક નાનકડો પ્રયાસ અહીં મેં કર્યો છે. ઘણીવાર એવું લાગ્યું છે કે અનુવાદ કરતાં કરતાં ક્યારેક આપણી જ ભાષાને આપણે નવી રીતે પામીએ છીએ. આપણાથી સાવ અજાણ્યા રહી ગયેલા શબ્દો ક્યારેક અચાનક આપણી સામે ઊઘડે છે, કેટલાય શબ્દો એનાં નવા નવા કાકુઓ સાથે આપણે ફરી પામીએ છીએ. જુદા જુદા પર્યાયો અને નવી નવી લઢણોની શોધમાં આપણે જાણે દ્વિજ સંસ્કાર પામેલી એક ત્રીજી જ ભાષાને મળીએ છીએ. અનુવાદને આપણે એક સાંસ્કૃતિક પ્રક્રિયા કહીએ છીએ. સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ તો એ દ્વારા રચાય જ છે, પણ આ આખીય ક્રીડામાં લક્ષ્ય ભાષા એટલે કે આપણી ભાષા સમૃદ્ધ પણ થતી જાય છે. તેથી જ અનુવાદની આ સૌંદર્યમંડિત પ્રક્રિયા મને ભાષાની આનંદક્રીડા સમી લાગી છે. એની મારાથી થઈ શકી એવી વાત મેં યથાશક્તિ-મતિ તમારી સામે મૂકી.

આ નિમિત્તે અનુવાદની ભાષા સંદર્ભે સ્વાધ્યાય ક૨વાનો મને જે અવસર સાંપડ્યો એ માટે હું ગુજરાતી સાહિત્ય પરિષદ અને આ ઉપક્રમમાં સંલગ્ન સૌનો આભારી છું. આભાર.

સંદર્ભો

  1. અનુવાદ-વિચાર અને અનુવાદ-પ્રક્રિયાઃ સં. રમણ સોની – પ્રત્યક્ષ પ્રકાશન વડોદરા પ્ર. આ. 2018)
  2. અનુવાદ સિદ્ધાંત અને સમીક્ષાઃ સં. ૨મણ સોની
    સાહિત્ય અકાદેમી, દિલ્હી (પ્ર. આ. 2009)
  3. હમ્પીના ખડકોઃ અનુ. હરીશ મીનાશ્રુ
    સાહિત્ય અકાદેમી, દિલ્હી (પ્ર. આ. 2013)
  4. નગ્ન નિર્જન હાથઃ અનુ. ભોળાભાઈ પટેલ
    સાહિત્ય અકાદેમી, દિલ્લી (પ્ર. આ. 2005)
  5. સળગતાં સૂરજમુખીઃ અનુ. વિનોદ મેઘાણી
    પ્રસાર, ભાવનગ૨ (1994)
  6. ‘કવિતા’ દ્વિમાસિકઃ રોબર્ટ ફ્રોસ્ટ વિશષાંકઃ સં. સુરેશ દલાલ ડિસેમ્બર – 1974
  7. न सीमाएं न दूरियां (विश्व कविता से कुछ अनुवाद): – कुंवर नारायण, वाणी प्रकाशन, नयी दिल्ली (2017)
  • કેટલાંક સામયિકો અને નોંધો

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)