સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા

Creative-Translation-Problems-Darshand-Dholakia-Chirag-Thakkar-Jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. શ્રીમતી દર્શના ધોળકિયાએ આપેલું વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. દર્શનાબહેને અનુવાદ અંગે વિગતવાર અને અઢળક ઉદાહરણો સહિત એવી માંડીને વાત કરી છે કે તેમનું વક્તવ્ય સાંભળવામાં પણ મજા આવી હતી અને આ લેખ પણ સાદ્યંત વાંચી જવા જેવો છે.)

સર્જન અને અનુવાદ

સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; ૨સાનુભવ અને આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫) આવો ૨સાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.

સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્ત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ ‘…ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે…’

ભાષાન્ત૨ અને અનુવાદ

કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છેઃ ભાષાન્ત૨ અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સ૨ણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા, ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉ૫૨ ભા૨ મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે, કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી. મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ. દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.

અનુવાદની અશક્યતા

કલાતત્ત્વજ્ઞ ક્રોચે સિદ્ધાન્તદષ્ટિએ ‘અનુવાદની અશક્યતા’ (‘impossibility of translation’- Aesthetic .૬૮) ની વાત કરે છે. પ્રત્યેક અભિવ્યક્તિને પોતાનું નોખું વ્યક્તિત્વ હોય છે, કલાકારને હાથે એને મળેલા વિશિષ્ટ ભાષાઘાટમાં એનું જેવું વ્યક્તિત્વ છે તેવું ને તેવું બીજા કોઈ ઘટમાં પણ શી રીતે પ્રગટ થાય? શબ્દને બદલે શબ્દ મૂકવામાં આવે છે તો અસુંદર ખોખું માત્ર નીપજે છે. સુંદર કલાકૃતિ બનાવવા પ્રયત્ન થાય છે તો મૂળ પ્રત્યેની વફાદારીમાં શિથિલતા આવે છે – મૂળ કૃતિની મદદથી લાધેલું નવું જ દર્શન અનુવાદક પાસેથી મળે છે. મૂળ કૃતિ મળવી અશક્ય છે. ‘વફાદારીપૂર્વકની અસુંદરતા અથવા બિનવફાદાર સુંદરતાએ બે વચ્ચે જાણે કે અનુવાદકે પસંદગી ક૨વાની રહે છે! તેમ છતાં કલાકૃતિઓને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લેખનાર ક્રોચે તેઓની વચ્ચે ઐતિહાસિક આદિ કા૨ણે કૌટુમ્બિક સરખાપણું (family likeness) સ્વીકારે છે અને તેના અનુસંધાનમાં અનુવાદોની સાપેક્ષ શકયતા (‘relative possibility of translations’)નો નિર્દેશ કરે છે. મૂળ અભિવ્યક્તિના પુનઃનિર્માણરૂપ અનુવાદ અજમાવવા વ્યર્થ છે પણ મૂળને થોડીવત્તી લગભગ – મળતી – આવતી સાદૃશ્ય (સ૨ખાપણા) વાળી (Similar) અભિવ્યક્તિઓ નિપજાવી શકાય. ક્રોચે ઉમેરે છે કે સારો લેખાતો અનુવાદ તે આવું લગોલગ સરખાપણું ધરાવનારી – અને જેને કલાકૃતિ તરીકે મૌલિક મૂલ્ય હોય અને જે પોતાની મેળે ઊભી રહી શકે એમ હોય એવી – કૃતિ હોય છે.

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો - દર્શના ધોળકિયા | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન | Creative Translation Problems - Darshana Dholakia | Chirag Thakkar 'Jay' | Abhinna
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.

આ સંદર્ભમાં પોતાના અનુભવને ટાંકતા ઉદાહરણ સાથે ઉમાશંક૨ એમણે કરેલા ‘ઉત્તરામચરિતમ’ના સમશ્લોકી અનુવાદની વિગત ટાંકતા નોંધે છે કયારેક મૂળ ૨વાનુકારી શબ્દનો તે ને તે રૂપે આપણી ભાષામાં ઉપયોગ ન થઈ શકવાને કારણે પણ મુશ્કેલી ઊભી થાય છે. ઉત૨રામચરિતનાં બીજા અંકના છેલ્લા શ્લોકની પંકિતમાં ધસારાભેર વહેતાં સરિદ્વારીનો ઘોષ સંભળાય છે, પણ તેમાં મુખ્ય ફાળો આપનાર શબ્દ ‘ગદગદ’ ગુજરાતીમાં ‘ગળગળું’ અર્થ સૂચવી ન બેસે એનું ધ્યાન રાખવાનું રહે.

સર્જનાત્મક કૃતિઓના અનુવાદના ઉદાહ૨ણો

સર્જનાત્મક કૃતિઓના થયેલા અનુવાદનો આવા ઉદાહ૨ણોને ક્રમશઃ તપાસી છે તો ગુજરાતીના સમર્થ અનુવાદકાર અને સ્વાનુભવના બળે અનુવાદ સિદ્ધાંતના ઉત્તમ વિવેચક અને વિચારક એવા શ્રી નગીનદાસ પારેખ. એમણે કરેલા અનુવાદો અંગે સદ્રષ્ટાંત ચર્ચા કરતાં પોતાના અનુભવને આમ વર્ણવે છેઃ ઘણી વાર લેખક જે વિષયની ચર્ચા કરતો હોય છે તેને વિશેના પોતાના મનોભાવ પણ પોતે યોજેલા શબ્દો દ્વારા વ્યક્ત કરતો હોય છે, એટલે પોતાની ભાષામાં શબ્દ પસંદ કરતી વખતે અનુવાદકે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડે છે. ‘કલ્કી’ના મારા અનુવાદમાં એક ઠેકાણે trial marriage માટે મેં ‘જાંગડ લગ્ન’ શબ્દ વાપરેલો છે. તે વિષે સ્વ. મુ. શ્રી નરહરિભાઈ પરીખે મને કહ્યું હતું કે એ પ્રયોગમાં મૂળમાં નથી એવો એ વસ્તુ પ્રત્યેની સહેજ નાપસંદગીનો ભાવ આવે છે તે બરાબર નથી. ખરેખર એમ થાય છે કે નહિ એ વાત બાજુએ રાખીએ તો, એમણે ઉઠાવેલો આ મુદ્દો ખરેખર મહત્ત્વનો છે, મૂળમાં ન હોય એવી અર્થછટા અનુવાદમાં વ્યક્ત થાય એ પણ દોષ ગણાય. પણ કેટલીક છટાઓ બીજી ભાષામાં દર્શાવી શકાતી જ નથી, અને ત્યાં મૂળની ભૂમિકા સમજી લઈ અર્થગ્રહણ ક૨વાનું રહે છે. આપણે એક સામાન્ય દાખલો લઈએ. બંગાળમાં પુત્રી, પૌત્રી કે પુત્રવધુને ‘મા’ કહીને સંબોધવામાં આવે છે. એ દેશમાં બહુ પ્રચલિત દેવીપૂજા અને એવાં બીજાં કારણોને લીધે સ્ત્રીજાતિ પ્રત્યે જે એક પ્રકારનો મનોભાવ સેંકડો વર્ષોની પરંપરાથી અસ્તિત્વમાં આવેલો છે તેની ભૂમિકા ઉ૫૨ એ એક નાનકડા સંબોધન દ્વારા વ્યક્ત થતો આદર, હેત, લાડ વગેરેનો સંમિશ્ર ભાવ બીજી ભાષામાં કોઈ એક શબ્દ દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી. આપણે ગુજરાતીમાં ‘મા’ સંબોધન રાખીએ છીએ તો બંગાળ જેવી ભૂમિકા આપણે ત્યાં ન હોવાથી તે વિચિત્ર લાગે છે આપણે ત્યાં પ્રચલિત ‘બહેન’, ‘બેટા’ વગેરે સંબોધનો વાપરીએ છીએ તો મૂળની છટા આવતી નથી. આવે સ્થળે મૂળ સંબોધન કાયમ રાખી તેની સામાજિક ભૂમિકા ટીપમાં સમજાવવી એ જ ઉપાય ઠીક લાગે છે. કેટલીક વાર આવી મુશ્કેલી ટાળવા રૂપાંતરનો માર્ગ લેવામાં આવે છે, પણ તેમ કરવા જતાં મૂળનું ઘણું સૌંદર્ય જતું કરવું પડે છે અને કરેલા ફેરફારથી મૂળ કૃતિને ઘણું સોસવું પડે છે. આપણે ત્યાં પશ્ચિમની અનેક કૃતિઓનાં રૂપાંતરો કે વેશાંતરો થયેલાં છે. તેને મૂળ સાથે સરખાવી જોવાથી આ વાતની ખાતરી થશે.

આવા કોઈ અનિવાર્ય અપવાદો બાદ કરતાં અનુવાદની ભાષા રૂઢ ગુજરાતી રહેવી જોઈએ, બીજી ભાષાના રૂઢિપ્રયોગોનો અનુવાદ ક૨વો ન જોઈએ, જોકે આપણાં દેશની ભાષાઓમાંથી અનુવાદ કરવામાં કોઈ વા૨ આ૫ણે રૂઢિપ્રયોગોનો અનુવાદ કરીએ તોયે અર્થ સમજાય એવો ૨હે એમ બનવા સંભવ છે, પણ એની ગણના અપવાદમાં થવી જોઈએ. મૂળની વાક્યરચના વગેરેને ખૂબ વફાદાર રહેવા જતાં અનુવાદ સમજાય એવો જ ન રહે તો અનુવાદનું પ્રયોજન જ માર્યું જાય. આથી અનુવાદમાં ભાષાની સ્વાભાવિકતા અને અર્થની વિશદતા અથવા પ્રાસાદિકતા સચવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વાર્તા કે નાટકમાંના સંવાદોના અનુવાદ

વાર્તા કે નાટકમાંના સંવાદોના અનુવાદમાં વિશેષ કાળજી રાખવી પડે છે. એવે પ્રસંગે ભાષા વધારે ઘરગથ્થુ, સંક્ષિપ્ત, વેગવતી અને ચોટદાર હોય છે. એને બીજી ભાષામાં ઉતારતા વાક્યો અરૂઢ, કઢંગાં કે અસંબંદ્ધ ન લાગે એ જોવાનું હોય છે. સંવાદમાં શબ્દોના ક્રમ ઉ૫૨, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેનાં સ્થાન ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર સહેજ અમથા ફે૨ફા૨થી આનો અર્થ માર્યો જાય છે અથવા ચોટ રહેતી નથી. ઉપરાંત, સંવાદમાં પાત્રોનો સામાજિક દરજજો તેમની ઉક્તિઓમાં પ્રતિબિંબિત થતો હોય છે. એ સમજીને જાળવવો જોઈએ.

મંદબુદ્ધિ અનુવાદ જ શ્રેષ્ઠ અનુવાદ

અનુવાદ એ બરાબર બંધબેસતો થાય એવો શબ્દ શોધી કાઢવાની કળા છે અને એવો બરાબર બંધબેસતો શબ્દ મળી જાય છે, ત્યારે અનેક શબ્દો વાપરવાના દોષમાંથી ઊગરી જવાય છે અને શૈલી સચવાય છે. વળી, અનુવાદ માટે બુદ્ધિની અમુક મંદતા પણ જરૂ૨ની હોય છે, અને ‘બુદ્ધિના ચમકારાભર્યા’ અર્થઘટનો માટે જે આડે રસ્તે ફંટાતો નથી એવો મંદબુદ્ધિ અનુવાદ જ શ્રેષ્ઠ અનુવાદ હોય…કારણ મંદબુદ્ધિ માણસમાં જ વફાદારી હોય છે.(પૃ.૨૭)

પંચતંત્રના અનુવાદ

પંચતંત્રના અનુવાદના એક શ્લોકનો થયેલો અનુવાદ આ પ્રમાણે છે ‘વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે, અંધારા પખવાડિયામાં, જેમાં મુશ્કેલીથી ફરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જયારે વિદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણી સ્ત્રીને પરમ સુખ થાય છે.’ (પૃ.૪૦)

અહીં અર્થ કંઈક આમ ક૨વો જોઈતો હતો એમ લાગે છેઃ

‘વાદળોથી ઘેરાયેલો દિવસ હોય, અંધારિયું પખવાડિયું હોય, નગરની ગલીઓ મુશ્કેલીથી ફરી શકાય એવી થઈ ગઈ હોય, અને પતિ વિદેશ ગયો હોય ત્યારે…’

કાલીદાસના ‘શાકુન્તલ’નો અનુવાદ

કાલીદાસ કૃત ‘શાકુન્તલ’ના શ્રી કે. કા. શાસ્ત્રીએ કરેલા અનુવાદનું ટીપ્પણ કરતા નગીનદાસે નિરૂપ્યું છે તેમ પ્રિયંવદા જ્યારે એમ કહે છે કે શકુંતલા વનજ્યોત્સ્નાને ધારી ધારીને જોઈ રહી છે તેનું કારણ એ છે કે એના મનમાં એમ છે કે ‘વનજ્યોત્સ્ના જેમ પોતાને અનુરૂપ વૃક્ષની સાથે જોડાઈ તેમ હું પણ મને અનુરૂપ વરને મળું ત્યારે શકુંતલા કહે છે; એનો અનુવાદ આ પ્રમાણે કર્યો છેઃ एष नूनं तवात्मगतो मनोरथः । ‘એ તો તારા મનમાંથી ઊભા કરેલા ઘોડા છે.’ એ બરાબર નથી. એનો અનુવાદ ‘એ તો તારા પોતાના મનોરથ છે’ કે એવો કંઈક થવો જોઈએ. (પૂ.૪૩)’

સર્વોન્તેસની દોન કિહોતેના બે જુદા જુદા અનુવાદો

શ્રી સર્વોન્તેસની સ્પેનીશ નવલકથા દોન કિહોતેના બે જુદા જુદા અનુવાદોને (શ્રી ચંદ્રવદન મહેતા અને એક અનામી પા૨સી લેખકે કરેલા અનુવાદો) સાથે સાથે મૂકી આપીને શ્રી જયંત મેઘાણીએ એનું રસપ્રદ તારણ આપવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.

“આવી બધી તૈયારીઓ કર્યા પછી હવે આપણા વીર બહાદુરને થયું, કે આ દુઃખોથી ભરેલી દુનિયામાં, જો પોતે હવે કમર કસીને મેદાને નહીં પડે તો એક ભારે ગુનો કર્યો ગણાશે. આજે દુનિયા બચાવવા આવા વીર પુરુષોની જ જરૂર છે. કેટલાય અન્યાયોને પોતે દૂર કરી શકશે; ત્રાસ, અપમાન, પાપ, અનીતિથી ખદબદતી દુનિયાને પોતે એકલા જ તારી શકશે; કેટલી મહાન અને પવિત્ર ફ૨જ પોતે બજાવી શકશે, એનો જયારે એમણે મન સાથે તાળો મેળવી લીધો, ત્યારે પોતાના મનસૂબાને અમલમાં મૂકવાનો સમય હવે પાકી ચૂક્યો છે એમ એમણે ઠરાવ્યું. એટલે જયારે જુલાઈ મહિનાનો તાપ બરાબર પડવા માંડ્યો હતો ત્યારે, હજી તો પ્હો ફૂટ્યો નથી તે પહેલાં, સવારે, એકાદ ચલીઆચક્કુને પણ કહ્યા વિના, કોઈ કલ્પી પણ ન શકે એટલી ચુપકીદીથી પગથી માથા સુધી પોતાની જાતને બખ્તરમાં મઢી લઈ, પોતાના કનોરા કોઠાને હેલમેટમાં જડી, ઢાલ અને ભાલો સજી રોઝીનાન્ટ ઘોડા ઉપર સવાર થઈ, ઘરના વાડાના પાછલા દરવાજા આગળથી આપણા વી૨ અસવાર, મેદાને જંગમાં જંગ જીતવા સરકી પડ્યા. કેવું સુંદર મંગળાચરણ થયું છે એમ એક બાજુએ વિચાર કરે છે, ત્યાં એમની ખોપરીમાં એક બીજો જ વિચાર ખટક્યો. હજી તો ચાર ચરણ મંડાયાં નથી એ પહેલાં એ આ વિચારના દાવાનળમાં સીઝી ગયા અને ઘડીભર તો માથે લીધેલા આ સાહસને પડતું મુકવાનું પણ એને મન થઈ ગયું.”

“……..જેવી એ સઘળી ગોઠવણો તમામ થઈ તેવો જ તેને પોતાનો ઈરાદો અમલમાં લાવવાનો વખત લગાડ્યો નહીં, ઉલટો તે તેની ઉતાવળમાં પડ્યો. તેને વિચાર આવ્યો કે જગતમાં એટલા તો શીતમોના તેને ઉપાયો કરવાના હતા, એટલાં તો નુકશાનોના તેને બદલા આપવાના હતા, એટલી તો ભુલો તેને સુધારવી હતી, એટલી તો ખરાબ રીતો તેને સારી ક૨વાની હતી, અને એટલાં તો ક૨જ તેને ફીટાડવાનાં હતાં કે તેની ઢીલથી આખી આલમને કોણ જાણે કેટલાં દુઃખો વેઠવાં પડતાં હશે! તેથી હવે પોતાની ધારણા જોઈનેબી જણાવ્યા વગર, અને કોઈબી તેને જોય નહીં તેમ જુલાઈ મહીનાના એક ઘણા જ ગ૨મ દીવશે શાહવારનાં માથાથી તે પગ સુધી હથિયારબંધ બની પેલી જંજીરી ટોપ માથે બેસાડી, ઢાલને ગળે ઓલવી, હાથમાં ભાલો પકડી અને ‘રોઝીનાંત’ ઉ૫૨ સવા૨ બની વાડીને પછવાડે ને રસ્તે એક ગુપ્ત દરવાજેથી બાહે૨ નીકલી ખોલ્લાં મેદાનમાં તેને પોતાની શવારી ચલાવી, અને તેવી એવા જ હરખના ઉછાળા સાથે કે એવા માન ભરેલ તેમજ જોખમ ભરેલાં તેને ઉઠાવેલાં કામની શરૂઆતમાં કસીબી તરેહની અડચણો તેને નડી નથી પણ તે મેદાનમાં થોડેક તે આગલ વધ્યો નહીં એટલામાં તો એક એવી ભયભરેલી યાદ તેને આવી કે તેથી પોતાનો ઈરાદો માંડી વાળી પાછો ઘ૨ ત૨ફ ફ૨વાની અણી ઉપરબી તે લગભગ આવી ગયો.”

કવિતાનો મિજાજ અન્ય ભાષામાં કેવી રીતે ઊતરી શકે?

શ્રી હિમાંશી શેલત એમના એક અભ્યાસ લેખમાં કવિતાનો મિજાજ અન્ય ભાષામાં કેવી રીતે ઊતરી શકે એની ચર્ચા કરતા કહે છે ‘મૂળના ભાવપ્રસારને અનુસરતો લય પોતાની ભાષામાં પ્રગટાવવાના આદર્શ અંગે તો કંઈ કહેવાપણું ન હોય પણ પોતાની ભાષામાં જયારે અનુવાદકે ‘સમાન્ત૨ ભાવસ્થિતિની શોધ કરી’ હોય ત્યારે લય પણ એ સમાન્તર ભાવસ્થિતિને કેમ ન અનુસરે દા.ત. કેથેલીન રેઈની ‘થે હાઉસ’ કાવ્યની આ પંક્તિઓ –

In My loves house,
There are hills and pastures
Covered with flowers…

કેથેલીન રેઈ

મકરંદ દવેમાં આવું અનુવાદરૂપ ધરીને આવે –

મારા પ્રીતમના ઓ૨ડા ઊંચા,
કે ઓરડો ઓહો
કર્યા રે લોલ,
હરિયાળા ડુંગર ને ગોચરમાં પાથરી
ફૂલ ભરી જાજમની ભાત.

મકરંદ દવે

‘He has married me with a ring’ માટે અહીં ‘મારા પ્રીતમનો હા૨ મારે કંઠે’ જ થયું છે. પશ્ચિમમાં અદ્વૈતની ધન્ય પળના પ્રતીક સમી વીંટી, તો આપણે ત્યાં હાર-મંગલસૂત્ર આટલી છૂટ તો મૂળ કાવ્યના પ્રાણને રક્ષવા માટેય લેવી પડે. આવા જ એક સુંદર તેલુગુ દીર્ઘ કાવ્ય ‘જલગીત’નો હિંદીમાંથી અનુવાદ કરતાં. કવિશ્રી ૨મણીક સોમેશ્વરની આ મથામણ આજના વિષય સંદર્ભમાં જોવા જેવી છેઃ

किन ब्राहमाण्ड के अन्तराल से
ठुलक आया पानी,
कल्पनामें न समाने वाली
किन विशालताओं से
इनका यह चिरन्तन प्रयाण है ।
किन विश्तान्तरालों से
इनका वह चिरन्तन प्रयाण है ।
किन विश्तान्तरालों से
प्रादिम – ध्वनि ये ढोकर लाये है ।

જલગીત (પેજ નં.૭૩)

આદિકાળના
કયા બ્રહ્મ – અંડને ભેદી
દડી પડ્યું આ પાણી!
કલ્પી પણ ના શકાય એવી –
કઈ વિરાટ ધારાથી એનું
છે આ નિત્ય પ્રયાણ !
કયા અગમ ઊંડાણેથી એ
વહન કરી લાવ્યું
આ આદિમ ધ્વનિ!

રમણીક સોમેશ્વર

जल का मातृ हृदय
द्रवण शीजता का निलय है ना ।
मेघों को उंचाईयों तक फेंक दिया तो
निश्चल पर्वतशिखरों पर
बदलियाँ पगड़ियों जैसी बैठ गयीं ।

જલગીત

જળનું તો કોમળ માતૃ હૃદય
આલય કરુણાનું!
એણે ગગન ઉછાળ્યા મેઘ
બની વાદળના સાફા
અચલ ઊભા પર્વતના –
મસ્તક ઉપ૨ સોહે.

રમણીક સોમેશ્વર

અનુવાદ અવઢવનું કાવ્યશાસ્ત્ર

અનુવાદને અવઢવનું કાવ્યશાસ્ત્ર ગણાવતાં શ્રી હરીશ મીનાશ્રુ આ મથામણને દીર્ઘ ચર્ચા ઉદાહ૨ણ સાથે નોંધે છે, ‘પરકીયા’માં જયંત પારેખનું એક માર્મિક વિધાન છે. મૂળ ભાષામાં થતો કાવ્યનો પરિચય એ એક પ્રકારનું ‘approximation’ જ હોય, તો બીજી ભાષામાં થતો એનો પરિચય છે પણ એક પ્રકારનું approximation જ હોઈ શકે ને? હવે જો આ સુવર્ણતુલામાં પરભાષાના approximationની સામેના પક્ષે સ્વભાષાનું approximation મૂકવાનું છે એ વાતનો મર્મ સમજાઈ જાય તો કામ જરા આસાન બની જાય છે. અનુવાદકની ભીતિ પ્રમાણમાં ઘટી જાય છે ને પરભાષાની કવિતામાંથી પોતાની ભાષામાં કવિતાનું approximation શોધી લેવાનો નિજધર્મ તે કેવળ પ્રીતિપૂર્વક બજાવી શકે છે.

અનુવાદના નિયમોનો ભંગ

ઉપ૨ કહ્યા તેવા, ગળે ઊતરે તેવા નીતિ-નિયમો હોવા છતાંય દુનિયાભરનાં અનુવાદકો એનો કયારેક ‘સવિનય’ તો ક્યારેક ‘ધૃષ્ટતાપૂર્વક’ ભંગ કરતાં રહેતાં હોય છે. ટાગોર પોતાની કૃતિઓના અંગ્રેજી અનુવાદ કરતી વખતે એમાંથી ખાસા ખંડો ક્રૂ૨૫ણે કાઢી નાખતા એ વાતનો ઉલ્લેખ કરીને ઉમાશંકર કહે છે, ‘પૌરસ્ય રચનાઓની ઘેઘૂર પલ્લવિતતા તે વળી અસ્થાને લાગે છે જયારે અલ્પકથનની ફૂલતીફાલતી અંગ્રેજી જેવી ભાષામાં એને એ જ રૂપે રજૂ ક૨વામાં આવે’. અહીં હું મૂંઝવણ અનુભવું છું. કોઈ બીજા અનુવાદકે આવું કર્યું હોત તો ટાગોરને ગમ્યું હોત? આવા hypothetical પ્રશ્નો અનુત્ત૨ ૨હેવા માટે જ સર્જાયા હોય છે. આવું શાથી? ઘેઘૂર પલ્લવિતતા જો સંસ્કૃત ભાષાની લાક્ષણિકતા હોય તો એનો અનુવાદ પણ એવી સમજણ સાથે જ સ્વીકા૨વો ઘટે ને! એ લાક્ષણિકતાને ગાળી નાખવાની શી જરૂ૨? આપણે જયારે ચીની કે જાપાની કવિતા પાસે જઈએ છીએ ત્યારે એની મિતકલ્પનભાષિતા, ભાષાની નીરવતી અને નિસર્ગના આલંબને હૃદયને વ્યક્ત કરવાની રચનારીતિ આદિની – જે એ ભાષાની કવિતાનાં લક્ષણવિશેષ છે તેની પૂરી સમજ સ્વીકૃતિ અને પ્રતીતિ સાથે, એને માણીએ – પ્રમાણીએ છીએ. અંગ્રેજી કવિતાનું અલ્પકથન પણ આપણને વ્યવધાન બનતું નથી. એવી કવિતાનો અનુવાદ કરતી વખતે પૂર્વના વાચકને અનુકૂળ પડે તેમ કશી ‘પલ્લવિત ઘેઘૂરતા રચવાની, કહો કે ઉમે૨વાની ચેષ્ટા આપણે તો કરતા નથી, તો પૂર્વની કવિતાને પશ્ચિમભોગ્ય બનાવવા પેલા નીતિનિયમોનો ભંગ કરવાની શી જરૂ૨?’ એ. કે. રામાનુજને સદીઓ જૂની કન્નડ કવિતાઓ સફળતાપૂર્વક અંગ્રેજીમાં મૂકી કેવી રીતે? કદાચ પુરાણી કન્નડ કવિતાના આધારે નવી અંગ્રેજી કવિતા રચીને, ભારે કાપકૂપ કરીને – પશ્ચિમને અનુકૂળ રીતિએ. એક અંગત દાખલો આપું : મારાં ‘નારંગીગાથા’નાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ બ્રિટીશ કવિઓ – જુલી બોડને બ્રાયન લૂઈશે તપાસ્યાં ત્યારે એમનો અભિગમ પણ આવો જ રહ્યો હતો. આ પદ્ધતિથી, બને કે કવિતાની સામે સારી કવિતા મળે, પણ અનુવાદવિદ્યા અંગે ઘણા બધા એવા ઝીણા પ્રશ્નો પણ ઉભા થાય કે જેના પ્રતીતિકર ખુલાસા ન મળે.

રવીન્દ્રનાથના કાવ્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ

શ્રી જયંત મેઘાણીએ ‘અનુકૃતિ’માં રવીન્દ્રનાથના કાવ્યો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બંનેને સામસામે મૂકીને ઉતાર્યા છે. એમાં એમણે કરેલી શબ્દ પસંદગી, ભાવને, લયને ગુજરાતીમાં ઉતા૨વાની કરેલી મથામણને, એમાં પ્રાપ્ત કરેલી ક્ષમતા એમની અનુવાદ સજ્જતાની પરિચાયક બને છે.

It was growing dark when I asked her,
What strange land have I come to?

Rabindranath Tagore

તિમિર ઘેરતું હતું,
મેં પૂછ્યું ‘કયા અજાણ્યા મુલકમાં હું આવી ચડ્યો?

જયંત મેઘાણી

Let me seek rest in this strange land, dimly lying under the stars,
Where darkness tringles with
the tinkle of a wristlet knocking against a water-jar.

Rabindranath Tagore

ઝાંખા તા૨ક – ચંદ૨વાની છાયામાં મારો વિશ્રામ છે;
કા૨ણ, તિમિ૨સ્પર્શે પેલા ઘડૂલિયે કંકણ- ઝણકાર ગુંજ્યા કરે છે;

જયંત મેઘાણી

કોંકણી નોવેલ ‘કાર્મેલીન’નો અનુવાદ

આ વિષયની ચર્ચા કરતાં કરતાં સ્વાનુભવની વાત ઉમેરે તો દામોદર માવઝોકૃત મૂળ કોંકણી નોવેલ ‘કાર્મેલીન’નો અનુવાદ કરતાં કરતાં આવી જ મથામણ અનુભવાતી રહી.

કૃતિ ગોવાના વાતાવ૨ણથી રસાયેલી હોવાથી વ્યક્તિનામો પણ જાણે રૂપાંતરિત કરતી હોઉં એવું લાગતું હતું. કાર્મેલીનનો પતિ જૂજે, જેઠ બત્સ્યાંવ, જેઠાણી ઈજાબેલ – જેવાં નામો સાથે વિભક્તિ પ્રત્યયો ગોઠવતી વેળા વાક્યરચનાની રીતસરની ગોઠવણી કરવાની આવતી રહી. શબ્દપસંદગીમાં ભાવાનુસાર પર્યાય પસંદ કરવા માટે મથામણ કરવાનું બનતું રહ્યું શબ્દપસંદગી કરતીવેળા બંને ભાષાની ક્ષમતાનો એની અનોખી મુદ્રાનો જાણે નવી રીતે સાક્ષાત્કાર થતો રહ્યો. કેટલાક વાક્યપ્રયોગોનું ભાષાન્તર બંને ભાષાના આગવાપણાને ધ્યાનમાં લઈને આ રીતે અવતર્યું. કેટલાંક દ્રષ્ટાંતો નોંધું:

‘ગલતી સે કલ તક રહ જાતી તો આજ ચિઠ્ઠી ન મિલને સે સારી મજા કિરકિરા હો જાતા! જી ઉચાટ રહ જાતા!’ (પૃ. ૧, હિન્દી કૃતિ).

જેનો અનુવાદ આમ અવતર્યો,

‘ભૂલથીય જો પત્ર કાલ સુધી પડ્યો રહેત તો આજે એ ન મળવાથી બધી મજા મારી જાત, ને જીવ ઊંચો જ રહેત.’ (પૃ. ૧)

‘આંદ્રિતા કી સલાહ સુન કાર્મેલીન જલભુન ક૨ ૨હ ગઈ!’ (પૃ.૧૬, હિન્દી કૃતિ)

‘આંદ્રિતાની સલાહ સાંભળીને કાર્મેલીન બળું બળું થઈ ગઈ.’ (પૃ.૧૬)

‘લંબી પેન્ટ પહના કરતા ઔર ‘યેસ ફૈસ’ કરતા વહ અંગ્રેજી કી ધજ્જિયા ઉડા દેતા થા.’ (પૃ. ૩૪, હિન્દી કૃતિ)

‘પ્રકૃતિ કા નિતાન્ત રમણીય દ્રશ્ય ઉસકો મોહિત કર રહા થા. યહાં સે વહાં તક છોટી-બડી હરી-ભરી-નીલી પહાડિયાં બિખરી થી. દૂર તક ફૈલે સુપારી કે વન, લહલહાતે હરેભરે ધાન કે ખેત, સબ કુછ અસ્તગામી સૂર્ય કી સુનહરી-કિ૨ણોં મેં ચમક ક૨ અદભુત દ્રશ્ય પૈદા ક૨ ૨હે થે. કાર્મેલીન મુગ્ધ – સી રહ ગઈ. ઉસ શોભા કો વહ આંખો મેં સંજોના ચાહતી થી. ઇસ સૌંદર્ય કા પાન કરકે વહ તૃપ્તિ કા અનુભવ કર રહી થી. જૂજે સે બાતે કરતે સમય વહ ઘાયલ – સી હો જાતી થી, બેલિંદા કો સંભાલતે સંભાલતે વહ બેદમ હો રહી થી. પ્રકૃતિ કી, સુંદરતા ને ઉસ ૫૨ મિહિની સી ડાલ દી થી. યહ ચિર યૌવના ધરતી ઉસકા હાથ પકડ અપની ઓર ખીચ રહી થી. રાહ કે નારિયલ કે પૌંધો કે પત્તે આગે બઢ ઉસકે સાથ ખિલવાડ સે ક૨ ૨હે થે સીને એ લગ-લગ કર..!’ (પૃ.૧૦૦, હિન્દી કૃતિ)

‘નિતાંત રમણીય પ્રકૃતિ એને મોહ પમાડી રહી હતી. બંને બાજુ નાની મોટી, હરીભરી નીલ પર્વતમાળા વિખરાયેલી હતી. દૂર સુધી ફેલાયેલાં સોપારીનાં વન, હર્યાભર્યા ધાન્યથી લહેરાતાં ખેતરો, સઘળું કંઈ અસ્તાચળે જઈ રહેલા સૂર્યનાં કિરણોમાં સ્નાન કરીને અદ્ભુત દ્રશ્યાવલિ સર્જતું હતું. કાર્મેલીન મુગ્ધ થઈ ગઈ. આ શોભાને એ આંખમાં આંજી દેવા માંગતી હતી. કુદરતના આ સૌંદર્યનું પાન કરીને એ તૃપ્તિનો અનુભવ કરી રહી હતી. જૂજેની સાથે વાતચીત કરતી વખતે એ પ્રભાવિત થઇ જતી હતી, તો બેલિંદાને સાંભળતાં- સાંભળતાં એ ખૂબ થાકી જતી હતી. પ્રકૃતિના સૌંદર્યે એના પર મોહજાળ પાથરી દીધી હતી. આ ચિરયૌવના ધરતી કાર્મેલીનનો હાથ પકડીને એને પોતાના તરફ ખેંચી રહી હતી. રસ્તામાં આવતાં નાળિયે૨નાં વૃક્ષોના પાન આગળ વધીને એની સાથે ૨મત કરી રહ્યાં હતાં…’ (પૃ. ૧૦૨)

અનુવાદના અન્ય ઉદાહરણો

આ મુદ્દાને ચર્ચતા કેટકેટલા દ્રષ્ટાંતો યાદ આવે છે! તારાશંક૨ કૃત ‘આરોગ્ય નિકેતન’, વિભૂતિભૂષણ કૃત ‘આદર્શ હિન્દુ હોટલ’ જેવી નવલકથાઓ; ‘અંતરનાદ’ જેવી આત્મકથા જેવું કંઈ કેટલુંય જેના અનુવાદકોએ આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓના અનુવાદના પ્રશ્નો અનુભવ્યા છે ને એનો ઉત્તમ અનુવાદ આપવા મથામણ કરી છે.

ડૉ. યોગેન્દ્ર વ્યાસ જેવા સમર્થ ભાષાવિદ પોતાનો આ અંગેનો અનુભવ જે રીતે નોંધે છે તેમાં સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો અંગેની મથામણ ને તેનો ઉપાય બંને સાંપડી ૨હે છે.

એક જ કૃતિ, એક જ અનુવાદક, અલગ અલગ સમયે કરેલા બે અનુવાદ

હમણાં બારમા ધો૨ણની ગુજરાતીના એક પાઠ્યપુસ્તકમાં ‘મારે ચાંદો જોઈએ’ એ અનુવાદના બીજા પ્રકરણ ‘સપ્તરંગી ઇન્દ્રધનુષ’નો સમાવેશ ક૨વામાં આવ્યો. વસ્તુની રીતે સત્તર – અઢાર વરસની રૂઢિચુસ્ત પરિવારના સંઘર્ષો અને સામાજિક રૂઢિઓનો સામનો કરતી, ઘ૨માં તિરસ્કૃત અને બીકણ-સંકોચનશીલ છોકરી પોતે કંઈક કરી શકે એમ છે એવો આત્મવિશ્વાસ જાગતાં (એ આત્મવિશ્વાસ આ પ્રકરણમાં જાગે છે) પોતાનો કેવો વિકાસ કરે છે તેની કથા છે. અનુવાદને મૂળ સાથે સરખાવતાં ઘણું બદલવા જેવું લાગ્યું તેથી અનુવાદકને ફરીથી એ પ્રક૨ણનો અનુવાદ કરી આપવાની વિનંતી કરી છે આખી પ્રક્રિયા અહીં ૨જૂ ક૨વી શક્ય નથી પણ અનુવાદની પ્રક્રિયામાં ભાષાકીય સજજતા (અને ૨૦૦૩માં અનુવાદકની બંને ભાષાની સૂઝ અને ૨૦૧૬માં એ જ અનુવાદકની બંને ભાષાની સૂઝમાં પડેલો ફર્ક) કેવી ભૂમિકા ભજવે છે તે થોડો ઉદાહરણોથી સમજીએ.

  1. ‘કિશોર ગર્મ કોટ કે લિયે ચૌખાને કા મન પસંદ કપડે કા આગ્રહ કરતે હુએ દિનભર સિસકતા રહા થા!’

‘કિશો૨ ગ૨મ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માગણી કરતાં કરતાં આખો દિવસ ડૂસકાં ભરતો રહ્યો.’ (૨૦૦૩માં થયેલો અનુવાદ)

‘કિશો૨ ગ૨મ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માંગણી કરતાં કરતાં દિવસભર ડૂસકે ચડેલો રહ્યો.’ (૨૦૧૬માં થયેલો અનુવાદ)

ઉપરછલ્લી રીતે તેર વરસના ગાળા પછી થયેલા અનુવાદમાં કંઈ બહુ મોટો ફરક જણાતો નથી. પણ જરા ઝીણવટથી એ ફરકને સમજવા જેવો છે.

‘ચોકડીવાળા મનપસંદ કાપડ’ (૨૦૦૩)ની જગ્યાએ ‘મનપસંદ ચોકડીવાળા કાપડ’ (૨૦૧૬) અનુવાદે ધ્યાન ખેંચ્યું? મૂળ હિન્દીમાં ‘ચોખાને કા મનપસંદ કપડા’ – છે તેથી ૨૦૦૩માં ‘ચોકડીવાળા મનપસંદ કાપડ’ એવો બેઠો અનુવાદ – ચૌખાનેકાનું ચોકડીવાળા, મનપસંદનું મનપસંદ અને કપડાનું કાપડ થયો છે. ૨૦૧૬માં મનપસંદ વિશેષણ સૌથી આગળ આવી ગયું અને ‘ચોકડીવાળા કાપડ’ એમ ‘ચોકડીવાળું’ એ સંબંધક વિશેષણ વિશેષ્યની તરત પહેલાં આવી ગયું. ગુજરાતી ભાષામાં વિશેષણોનો જે ક્રમ હોય છે તે વિશેની અનુવાદકની સૂઝ કેળવાઈ કાપડ મનપસંદ નથી, ‘ચોકડીવાળું કાપડ’ જ મનપસંદ છે.

‘આગ્રહ કરતે હૂએ’નું ‘માગણી કરતાં કરતાં(૨૦૦૩)ની જગ્યાએ ‘હઠ પકડીને’ (૨૦૧૬) થયું. હિન્દીના ‘આગ્રહ’ શબ્દનો ‘હઠ અને જીદ’ એવા અર્થ પણ થાય છે. અહીં જીદને બદલે હઠ એટલા માટે પસંદ થયો કે ‘જીદ’ શબ્દ ક્યારેક સમજપૂર્વકના આગ્રહ માટે પણ વપરાય જયારે આ તો ‘બાળહઠ’ જ છે.

હવે જો એ ‘હઠ’ છે (એમાં કોઈ તર્ક નથી) તો ‘ડૂસકાં ભરતો રહ્યો’ને બદલે ‘ડૂસકે ચડેલો રહ્યો’ – સહજ રીતે, સ્વાભાવિક રીતે એવું સૂચવવું વધુ યોગ્ય છે. ડૂસકાં ભરવામાં તો કર્તૃત્વની થોડી પણ શંકા જાય પણ ડૂસકે ચડેલો રહ્યોમાં સહજ રીતે હકને કારણે અવશ રીતે એવો અર્થ પણ સૂચવાય.

‘દિનભર’નું તો આખો દિવસ’ (૨૦૦૩) બરાબર ન જ હતું. ‘દિવસ આખો’ અથવા ‘આખો દિવસ’ અથવા હિન્દીની અસર સ્વીકારીને ‘દિવસભર’ યોગ્ય ગણાય એ તો સાવ ચોખ્ખું છે.

  1. ‘યહ અવાંતર હૈ કિ અસ્સી રુપયે કી યહ ગગનચુંબી માંગ ફિર ભી પૂરી નહીં હો પાઈ!’

‘મોટામાં મોટી મુશ્કેલી એ હતી કે એંશી રૂપિયાની આ ગગનચુંબી માંગ તોય પૂરી તો ના જ થઈ શકી.’ (૨૦૦૩માં થયેલો અનુવાદ)

‘એ વાત જુદી છે કે તોપણ એંશી રૂપિયાની આ આભઊંચી માગ પૂરી તો ન જ થઈ શકી.’ (૨૦૧૬માં થયેલો અનુવાદ)

નોંધી શકાય એમ છે કે ‘મોટામાં મોટી મુશ્કેલી એ હતી’ એવો અનુવાદ ઈ.સ. ૨૦૦૩માં સાવ અડસટ્ટે થયેલો છે. મૂળમાં કે મૂળ લેખકના મનમાં એવું તો કશું છે જ નહીં. ‘યહ અવાંતર હૈ’ – એમ લખવા પાછળ મૂળ લેખકના મનમાં ‘એ વાત જુદી છે કે’નો ખ્યાલ છે એમ માનવું વધારે તર્કપૂર્ણ છે ‘ફિર ભી’ તો સાવ ગાયબ જ થઈ ગયેલું તે ૨૦૧૬ના અનુવાદમાં ‘તોપણ’ને મુખ્ય વાક્યની આગળ ગોઠવવામાં આવ્યું. ‘ગગનચુંબી’નું ‘ગગનચુંબી’ કંઈ અયોગ્ય ન હતું છતાં ‘આભઊંચી’ એવા વિશેષણનું ગુજરાતીપણું વધુ મેળ ખાય તેવું છે.

  1. ‘શામ ઢલે વર્ષા કો હી દુહા૨ કે સાથ કિશોર કો ચૂપ કરાના પડા થા!’

‘સાંજ પડ્યે વર્ષાએ જ કિશોરને વહાલથી છાનો રાખવો પડ્યો હતો…’ (૨૦૦૩નો અનુવાદ)

‘ઢળતી સાંજે વર્ષાએ જ હેત વરસાવી કિશોરને છાનો રાખવો પડેલો.’ (૨૦૧૬નો અનુવાદ)

‘શામ ઢલે’નું સાંજ પડ્યે કરવું એ અસલ અનુવાદ જ લાગે પણ ‘ઢળતી સાંજે (કારણ હિન્દીમાં પણ ‘ઢલે’ તો છે જ) એવું કરવાથી એ મૂળની સાવ નજીક પહોંચી જાય છે .વળી ‘દુલાર કે સાથ’નું ‘વહાલથી’ અથવા લાડપૂર્વક એવું ગુજરાતી ક૨વું અત્યંત સ્વાભાવિક લાગે. પણ પાત્રનું નામ વર્ષા છે, ‘ઢળતી સાંજનો સંદર્ભ છે તો ‘હેત વ૨સાવી’ કરીએ એમાં બહુ મોટી છૂટ લેતા નથી. અનુવાદમાં સાહિત્યિકતા સહજ ભળતી રહે એ પણ બિનજરૂરી નથી.

  1. ‘જો કામ ઘરવાલે, દિનભર મેં નહીં કર પાયે, વહ વર્ષાને એક મિનિટ મેં સંપન્ન કર દિયા!’

‘જે કામ ઘ૨વાળા આખા દિવસમાં ન કરી શકયા તે વર્ષાએ એક જ મિનિટમાં પતાવ્યું.’ (2003નો અનુવાદ)

‘જે કામ પરિવા૨જનો દિવસ આખામાં નહોતા કરી શક્યાં એ વર્ષાએ એક મિનિટમાં જ સંપૂર્ણ કરી લીધું.’ (૨૦૧૬નો અનુવાદ)

‘ઘરવાલે’નો અનુવાદ ‘ઘરવાળા’ ઉચિત છે? ગુજરાતીમાં ‘ઘરવાળા’નો સંદર્ભ જ જુદો છે. એ શબ્દ અનુવાદ વાંચનારના મનમાં ગે૨સમજ ઊભી કરી પણ શકે. મૂળ લેખકના મનમાં ‘પરિવારજનો’ છે જ અને અનુવાદમાં ઔપચારિક શબ્દપ્રયોગો ઘણી વાર વધુ પ્રભાવી સાબિત જ થાય.

‘સંપન્ન કર લિયા’ અને ‘પતાવી દીધું’ને સાથે સાથે મૂકો તો સમજાશે કે ગુજરાતીમાં પતાવી દીધું – જેમતેમ પૂરું કર્યું, કદાચ કમને અથવા અણગમાથી પૂરું કર્યું એવા અર્થો ત૨ફ દોરી જાય છે. ‘સંપન્ન કર લિયા’માં જે grace છે, જે ઉમળકો છે તેની નજીક પહોંચવામાં કદાચ ‘સંપૂર્ણ કરી લીધું એ અનુવાદ વધુ સફળ થાય. ‘સંપૂર્ણ કરી દીધું’ને બદલે ‘સંપૂર્ણ કરી લીધું’ એમ વાપરવાથી એ ઉમળકો, એ કામમાંથી મળેલો (લીધું) સંતોષ અને સમાધાન સરળતાથી સમજાય.

અંતે…

આમ, સર્જનાત્મક કૃતિના અનુવાદને આ રીતે સમજવામાં આવે અને ડૉ. વ્યાસ નોંધે છે તેમ અનુવાદક આવી ઝીણી ચીવટ રાખે તો આવી ઉત્તમ કૃતિઓને માણતો આસ્વાદ તો એ પોતાના આનંદને પોતાના અનુવાદના અનુસર્જન કે પુનઃ સર્જન જેટલો જ માણી શકે.

One thought on “સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)