લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?

Civilian Duty Democracy Pandemic Chirag Thakkar Jay

(કોરોનાકાળમાં સરકારની કામગીરી અને વ્યવસ્થાપન વિષે કશું જ કહેવા જેવું નથી. એને આપણે બધાએ સામૂહિકપણે વખોડવા જ રહ્યા અને હવે પછીની ચૂંટણીમાં આપણે યથામતિ આ કામનો હિસાબ પણ માંગીશું અને સરકાર પણ બદલીશું. એટલે આ વાતને સરકારનો પક્ષ લેવાના કે વિરોધ કરવાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સરકાર ચૂંટનારાના નાગરિકોના દ્રષ્ટિકોણથી વાંચવી.)

જ્યારે રાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ જે કરે કે કહે એ નિયમ અને પ્રજાએ તેમનું કહ્યું કરવું પડતું. એ રાજાશાહી હતી માટે ‘યથા રાજા, તથા પ્રજા’ સૂત્ર યથાર્થ હતું કારણ કે ત્યારે આપણે ‘પ્રજા’ હતા.

લોકશાહીમાં તેનાથી તદ્દન અવળી ગંગા વહેતી હોય છે. અહીં પ્રજા નહીં પરંતુ ‘નાગરિક‘ હોય છે અને રાજા નહીં પરંતુ ‘જન પ્રતિનિધિ’ હોય છે. લોકશાહીમાં આપણે સર્વેએ બલિદાનો આપીને બંધારણ ઘડ્યું છે. એ બંધારણમાં આપણા હકની સાથે સાથે આપણી ફરજો પણ લખાઈ છે. આપણે ફરજો નિભાવવી નથી, માત્ર હક જ માંગવો છે. એટલે ચૂંટણી સમયે આપણને થોડાંક લાભ મળે છે અને બાકીનો સમય ઠેંગો. સરવાળો કરતા જવાબ એમ જ આવે છે કે આપણે ફરજો નથી નિભાવતા માટે હક મેળવવા લડવું પડે છે. જ્યાં બધા પોતાની ફરજ નિભાવતા હોય, ત્યાં કોઈએ પોતાના હક માટે લડવું પડતું નથી.

હક અને ફરજને લગતું એક ઉદાહરણ. મારા યુકે નિવાસ દરમિયાન બનેલી આ ઘટના છે. જેકી સ્મિથ નામની એક એમપીએ પોતાને મળતાં ભથ્થાંના ખર્ચનો હિસાબ રજૂ કરતી વખતે 67 પાઉન્ડનો ખર્ચ પોર્ન ફિલ્મ માટે પણ ઉમેર્યો. આમ તો તે ખર્ચ પણ તે દર્શાવી શકે પણ નાગરિકોને તે ખર્ચ અયોગ્ય લાગ્યો. નાગરિકોનો મત એવો હતો કે અમે તમને ટીવીનો ખર્ચ એટલે આપીએ છીએ કે જેથી તમે સમાચાર જોઈ શકો અને દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી માહિતગાર રહીને યોગ્ય નિર્ણય લઈ શકો. પોર્ન જોવું (અપરાધ નથી પણ) અંગત શોખ છે માટે તેનો ખર્ચ ‘ટેક્ષ પેયર્સ’ નહીં ભોગવે. એમ.પી.એ એ વાત સ્વીકારવી પડી, માફી માંગવી પડી અને રાજીનામું પણ આપવું પડ્યું.

નાગરિકો 67 પાઉન્ડનો હિસાબ માંગી શક્યા કારણકે નાગરિકોના ખાતામાં પડેલા પાઉન્ડનું જો 5 પેન્સ વ્યાજ આવતું હોય તો તેમાંથી પણ 1 પેન્સ ટેક્ષ કપાઈને આવતો હોય છે. ત્યાં 50%થી વધારે લોકો સીધો કર ભરે છે. અને કમાણી કરનારા દરેકના પગારમાંથી ટેક્ષ ઉપરાંત 2થી 12% સુધી નેશનલ ઇન્સ્યોરન્સ (NI) પણ ભરવો પડે છે. ઉપરાંત કાન્સિલ ટેક્ષ (એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન)નો ટેક્ષ એટલો હોય છે કે સરેરાશ આવક ધરાવનારા માણસનો એક મહિનાનો પગાર તો તેમાં જ જતો રહે છે. અને હા, ઘરમાં ટીવી રાખવું હોય તો ટીવી લાઇસન્સ પણ લેવું પડે છે, જેનો ખર્ચ પણ કેબલ કનેક્શનના 50% જેટલો આવતો હોય છે. એ બધું ચૂકવનારા નાગરિકો આટલા ટેક્ષ ચૂકવીને ‘ટેક્સ પેયર’ તરીકે 67 પાઉન્ડનો હિસાબ માંગી શકે છે.

આપણે ત્યાં પ્રત્યક્ષ કર ભરનારાની સંખ્યા 5 ટકાથી પણ ઓછી છે. અપ્રત્યક્ષ કર હેઠળ બધાને આવરી લેવાના પ્રયત્નો તો થતા જ રહે છે પણ તેમાં પણ ચોરી કરવામાં આપણે સંકોચ અનુભવતા નથી. વેપારી જ્યારે એમ વિકલ્પ આપે કે બિલ સાથે આટલા અને બિલ વિના તેટલા, ત્યારે આપણે બિલ વિના ખરીદી કરતા જરા પણ અચકાતા નથી. પછી આપણી 10 રૂપિયાથી શરૂ થયેલી ભ્રષ્ટાચારની ગંગોત્રી આગળ જઈને ગંગા બને તેમાં નવાઈ શું?

માની લો કે આપણે ઘર બનાવડાવી રહ્યા છીએ કે તેમાં સુધારા-વધારા કરાવી રહ્યા છીએ. તેમાં જે માલસામાનની જરૂર પડે છે, તેમાંથી ભાગ્યે જ કશાયનું પાકું બિલ લેવાનો આગ્રહ આપણે રાખતા હોઈએ છીએ. અરે, માલસામાનની હેરફેરમાં પણ કોઈ નિયમોનું પાલન નથી થતું. વાહનની બહાર લટકે એવી રીતે માલસામાન કે મુસાફરોની હેરફેર ન થઈ શકે પણ આપણે બધાએ જોયું છે કે સળિયા તો વાહનની બહાર લટકીને જ આવતા હોય છે. નિયમ પાલન કરવું હોય, તો આપણે મોટું વાહન મંગાવવું પડે અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જાય. આપણે એમ વિચારીએ છીએ કે પોલીસ પકડશે તો સો-બસોમાં મામલો પતાવી દઈશું તો પણ સરવાળે આપણને નિયમભંગ કરવો સસ્તો પડશે. પછી એ બહાર લટકતા સળિયાને કારણે કોઈનો જીવ જાય ત્યારે બેદરકારી કોની માનવી?

પ્રશાસન તો માત્ર નિયમ બનાવી શકે પણ ઘરે ઘરે જઈને જબરદસ્તીથી એનું પાલન ન કરાવી શકે. એ તો આપણે જ કરવાનું છે. હજું હોસ્પિટલના બેડ અને ઓક્સિજનની અછતની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, તેને એક મહિનો પણ નથી થયો છતાં જેવો વરસાદ પડ્યો કે દેડકાંની જેમ આપણે બહાર નીકળ્યા અને દાળવડાની દુકાને તદ્દન બેદરકારીથી લાઈનો લગાવવા માંડ્યા. અને આ માત્ર એક ફોટા કે એક ઘટનાની વાત નથી. એ તો વરસાદ પડ્યો એટલે દાળવડાની દુકાને લાઈન લાગી. બાકી ફાસ્ટફૂડની દુકાને એ પહેલાં અને એ પછી પણ લાઈનો લાગવી શરૂ જ છે, એ વાત આપણે બધા જોઈએ જ છીએ. સરકારના કટ્ટર વિરોધી બ્લેકમાં ટિકિટ લઈને મેચ જોવા ગયાની ઘટનાનો હું સાક્ષી છું અને તેમને કોરોનાની બીજી લહેરમાં બેડ મેળવવા માટે દોડવું પડ્યું તેનો પણ હું સાક્ષી છું. બોલો, હવે કોને દોષ દેવો?

આપણે પોતે પ્રશાસન પાસે આપણી જરૂરિયાત અનુસાર નિયમો બનાવડાવી શકીએ છીએ. ઉદાહરણ લઈ લો, તાજેતરના પાટીદાર આંદોલનનું. પ્રશાસને બનાવેલા નિયમો આપણને મંજૂર નથી તો તેને આપણે બદલાવી/અટકાવી શકીએ છીએ. ઉદાહરણ લઈ લો, તાજેતરના ખેડૂત આંદોલનનું. જો સરકાર જ નથી ગમતી તો આપણે સરકાર પણ બદલાવી શકીએ છીએ. ઉદાહરણ લઈ લો, 1974ના નવનિર્માણ આંદોલનનું. પણ જો આપણે સામૂહિક રીતે નિયમ બનાવડાવતા કે બદલાવતા નથી કે સરકાર પણ બદલતા નથી તો આપણે સામૂહિક રીતે બહુમતીથી ચૂંટેલી સરકાર દ્વારા બનાવેલા નિયમોનું પાલન તો કરવું જ પડે ને? એ આપણો નાગરિક ધર્મ છે પણ આપણે તેવું ક્યારેય કરતા નથી. 100 મીટર આગળ જઈને યુ-ટર્ન લેવાને બદલે રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું આપણે વધારે પસંદ કરીએ છીએ.

યુકેમાં નાગરિકો 16 વર્ષથી 65 વર્ષ સુધી (એટલે કે 50 વર્ષ) પોતાના પગારમાંથી ટેક્સ ઉપરાંત 2થી 12% નેશનલ ઇન્સ્યોરન્સ ભરે છે એટલે તેમને મોટાભાગની (બધી નહીં) મેડિકલ સુવિધાઓ વિનામૂલ્યે કે નજીવા દરે મળે છે (અને બેકારી ભથ્થું, મેટરનિટી ભથ્થું, વિકલાંગતા ભથ્થું અને 65 વર્ષ પછી પેન્શન પણ એમાંથી જ મળે છે.) આપણે એવું કશું ભરવું નથી અને મફત સુવિધાઓ જોઈએ છે માટે તે વ્યવહારિક રીતે શક્ય બનતું નથી. અમેરિકામાં માત્ર ટેક્સ લેવાય છે, તો ત્યાં પણ મેડિકલ સુવિધાઓ મફત નથી. આપણી જેમ વિસ્તાર દીઠ સરકારી હોસ્પિટલો હોય છે ખરી પરંતુ તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ તો લેવો જ પડે છે. યાદ કરો દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ યુકે જેવી હેલ્થ સિસ્ટમ લાવવા માટે ‘ઓબામા કેર’ જેવો ખરડો પસાર કરાવ્યો હતો. તેમ છતાં એ વસ્તુ ત્યાં શક્ય બની નથી.

આપણે તો સરકાર કોઈ યોજના લાવે તો પણ ભ્રષ્ટાચાર કરીને તેનો ગેરલાભ લેવામાં પણ સંકોચ નથી અનુભવતા. અમુક યોજનાઓમાં પરિવારની આવક 1 લાખ કે 2 લાખ કે 4 લાખ કરતા ઓછી હોય તો જ ફોર્મ ભરવાના હોય છે. કોઈ પરિવારમાં માત્ર એક માણસની આવક જ 4 લાખ કરતાં વધુ હોય અને આખો પરિવાર એનાથી બમણી આવક ધરાવતો હોય, તેમ છતાં ઓછી આવકનું પ્રમાણપત્ર ખોટી રીતે મેળવીને એ યોજનાનો ગેરલાભ ઊઠાવવામાં આવે છે. આ આપણે બધાએ આપણી આસપાસમાં જોયું જ છે.

શાસકો મંગળ ગ્રહ પરથી તો આવતા નથી. તે પણ આપણામાંથી જ આવે છે. નાગરિક તરીકે આપણું નૈતિક પોત જ નબળું છે. આપણે કામ અને કુશળતા જોવાને બદલે જ્ઞાતિ, જાતિ, અને ધર્મને આધારે મત આપીએ છીએ. બદલામાં આપણને પણ કામ નહીં જ્ઞાતિ, જાતિ અને ધર્મ જ મળવાના છે. આપણે આપણી જાતને પ્રજા માનીએ છીએ તો આપણને રાજા જ મળવાના છે. આપણે નાગરિક બનીશું તો આપણને જન પ્રતિનિધિ મળશે. અને જ્યારે આપણે જવાબદાર નાગરિક બનીશું, ત્યારે આપણને જવાબદાર જન પ્રતિનિધિ પણ મળશે.

સરકાર ચૂંટવી નાગરિક ધર્મનો એક હિસ્સો છે પણ માત્ર એ કામથી એ ધર્મ પૂરો નથી થઈ જતો. માની લો કે આપણે રાતોરાત બધી સરકારો બદલી નાખી, પછી શું? પછી નાગરિકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માંડશે? બધા ટેક્ષ ભરવા માંડશે? ટ્રાફિકના નિયમો અનુસરવા માંડશે? બધા કર્મચારીઓ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માંડશે? ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે? જ્ઞાતિ-જાતિ-ધર્મના ભેદભાવ ભુલાઈ જશે?

જેમ આપણે કોઈ પણ સમસ્યા માટે નેહરુને જવાબદાર ઠેરવવાની વાતને મૂર્ખામીપૂર્ણ માનીએ છીએ, તેવું જ અન્ય કોઈ પણ સમસ્યા અને અન્ય કોઈ પણ પ્રશાસન માટે માની શકીએ કારણકે અંતે તો સરકાર આપણે જ ચૂંટી છે. મૂળ મુદ્દો એ છે કે લોકશાહીમાં નાગરિકો સરકારને બદલી શકશે પણ સરકાર નાગરિકોને બદલી નહીં શકે. નાગરિકોએ પોતાની જાત, વિચારધારા અને જીવનશૈલીને જાતે જ બદલવી રહી કારણ કે લોકશાહી એટલે “Government of the people, by the people, for the people”! જ્યાં સુધી એ સમજ આપણાં DNAમાં નહીં ઉતરે ત્યાં સુધી આપણે માત્ર પ્રજા જ રહીશું, નાગરિક નહીં બની શકીએ.

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)