ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા

Dhruv-Bhatt-Gujarati-Novel-Karnlok-Book-Review-Chirag-Thakkar-Jay

[8 મે, 2021 ના દિવસે ધ્રુવ ભટ્ટે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે]

કર્ણ અને કુંતી – ભારતીય સમાજના અનાથ બાળક અને મજબૂર માતાનાં પ્રતીક. પણ કર્ણના જીવનનું કારુણ્ય તેની અનાથતાથી પણ ઘણું વધારે છે જે દિશામાં આપણે વિચાર નથી કરતા. પરંતુ શ્રી ધ્રુવ ભટ્ટ જુદી માટીમાંથી ઘડાયેલા માનવ છે, એવું તમે તેમનું કોઈ પણ પુસ્તક વાંચીને કહી શકશો. માટે સામાન્ય માનવીના જીવનમાં પણ કર્ણના જીવનનું કારુણ્ય રહેલું છે તેમ ધુવ ભટ્ટની ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ વાંચીને અનુભવી શકાય છે.

Dhruv Bhatt Gujarati Novel Karnlok Book Review Chirag Thakkar Jay
ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ના લેખક ધ્રુવ ભટ્ટ જીવનસાથી સાથે
(તસવીરઃ મેઘા જોષી)

સામાન્યતઃ પોતાના લેખન માટે ધ્રુવ ભટ્ટ લખાણ શબ્દ વાપરે છે, પણ ‘કર્ણલોક’ને નવલકથા ગણવામાં આવી છે. તેમ છતાં વાંચતાં-વાંચતાં પ્રતિત તો એમ જ થાય કે ધ્રુવ ભટ્ટ તો એ જ છે, જે આપણને તેમના અન્ય પુસ્તકોમાં જોવા મળે છે. તેમની આગવી શૈલી મુજબ તેમણે પુસ્તક અર્પણ કર્યું છે ‘માનવજાતની પ્રથમ માતાને’. પ્રસ્તાવના પણ માત્ર એક જ લીટીની છેઃ ‘આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવાનું નથી.’ સાચી વાત છે. પુસ્તકમાં જ તેમણે ઘણું બધું કહ્યું છે, પછી પ્રસ્તાવનામાં કહેવાની શું જરૂર હોય? જોકે પ્રસ્તાવનાનાં પાના પર જમીનમાં ખૂંપી ગયેલાં રથનાં પૈડાનું રેખાંકન પ્રતિકાત્મક છે. આ નવલકથા 24 પ્રકરણ અને 252 પાનામાં આલેખાયેલી છે. ધ્રુવ ભટ્ટ આમ પણ લાંબુ નહી, ઊંડુ લખે છે અને ઘણીવાર તમારે વાચન અટકાવીને જે વાંચ્યું તેની પર બે ક્ષણ વિચારવું પડે છે માટે આ નવલકથાનું કદ વધારે તો લાગતું જ નથી.

Dhruv-Bhatt-Gujarati-Novel-Karnlok-Book-Review-Chirag-Thakkar-Jay
ધ્રુવ ભટ્ટની ‘કર્ણલોક’નું ક્રેડિટ પેજ અને પ્રસ્તાવનાનું પાનું

બીજા પ્રકરણથી નાયક પોતાની વાત માંડે છે અને આખી નવલકથા તેના જ મુખે કહેવાઈ છે. બીજા જ પ્રકરણમાં આ નવલકથાના ઘણાં પાત્રો આવી જાય છે શરૂઆતમાં આપણાં મનમાં કયું પાત્ર શું છે તેની ભાંજગડ થવી પણ શરૂ થઈ જાય છે. આ પ્રકરણમાં જ નંદુ નાયકને કહે છે, “માન કે કવચ-કુંડળ લઈને જન્મ્યો છે. નહીંતર નિમ્બેન ગાડીમાં ચડે એ સમયે તું શા કારણે બેઠો હોય!” (પેજ 19) ત્યારે આપણી નાયક વિશેની પૂર્વધારણાને સ્વીકૃતિની મહોર વાગે છે.

મામા-મામીના ઘરેથી બાર-તેર વર્ષની ઉંમરે “ભિનિષક્રમણ” કરવા નીકળેલા નાયકને પોતાના માતા-પિતા-કુળનું ગૌરવ છે અને સંજોગો તેને જ્યારે અનાથાલયના દ્વારે ઘસડી લાવે છે, ત્યારે તે વિચારે છેઃ “પાંચ વરસની ઉંમરથી જ સાત પેઢીના પૂર્વજોના નામ બોલતાં શીખેલો…ગૌરવશાળી પિતા અને જાજરમાન માતાનું સંતાન. મારે કદી પણ ન આવવાનું હોય તેવી જગ્યાએ આવીને ઊભો હતો. જે શબ્દથી દૂર ભાગવા નીકળેલો તે જ શબ્દ મારી સામે ભડકતા લાલ રંગે ચમકતો હતો…બાલાશ્રમ.” (પેજ 21) નાયક ત્યાંથી ભાગી જવાનું વિચારે છે, પણ દુર્ગાને જોઈને રોકાઈ જાય છે. નાયક પોતાની જાતને અનાથ ગણવા તૈયાર નથી. માટે તે અનાથાલયમાં રહેવા પણ તૈયાર નથી. “કોઈ મને અનાથ કહે તે મને કોઈ કાળે મંજૂર થવાનું નહોતું. અનાથ કહેવાતા માનવસંતાનો વિશે મારા મનમાં એક નક્કી છાપ હતી…મામીનું ઘર છોડવા પાછળનાં કારણોમાં મુખ્ય, અડોશ-પડોશમાંથી સાંભળવો પડતો આ ‘અનાથ’ શબ્દ જ હતો ને!” (પેજ 26) આ વાંચીને આપણે નાયકનું ઘર છોડવાના કારણ વિશે વિચારવા પ્રેરાઈએ છીએ. પણ સાચું કારણ જોકે આપણી કલ્પનાથી પણ આગળ વધી જાય તેવું છે, જે પાછળથી ખબર પડે છે. આત્મનિર્ભર થવા માટે નાયક સાઈકલ રિપેરિંગની દુકાન શરૂ કરે છે અને તેમાં આગળ વધતો રહે છે. અનિચ્છાએ પણ તે ‘પીળા મકાન’ એટલે કે ‘બાલાશ્રમ’ અને તેના રહેવાસીઓ તેમજ કર્મચારીઓ સાથે જોડાતો જાય છે.

રેખા નામની અનાથાલયમાં રહેતી છોકરી જન્મે અનાથ નહોતી પણ તેનો આખો પરિવાર એક દુર્ઘટનામાં બળી ગયો તેથી તેને અનાથાલયમાં રહેવું પડે છે, તેવી વાત જાણીને નાયકનો ‘બાલાશ્રમ’ પ્રત્યેનો ખ્યાલ પહેલી વાર બદલાય છે. તે વિચારે છે, “અત્યાર સુધી મને એમ હતું કે અનાથ આશ્રમમાં એવા બાળકો આવે જેના જન્મને દુનિયાથી છુપાવવાનો હોય.” (પેજ 46) દુર્ગા જ્યારે તેને પૂછે છે કે તારી પરિસ્થિતિ આવી સરસ હતી તો ઘર છોડીને ભાગ્યો શું કામ, ત્યારે નાયક છેડાઈ પડે છે. તે દુર્ગાને કહે છે, “પણ ઘર છોડીને ભાગવું તે એક વસ્તુ છે અને પોતાની ઇચ્છાથી ગૃહત્યાગ કરવો, પોતાની દુનિયા રચવા નીકળવું તે બીજી વાત છે.” (પેજ 71)

પછી નિમુબહેન, જી’ભાઈ અને તેમની વાડીની વાત આવે છે. ત્યાં દરેક વખતે નાયક કંઇક અલગ જ ભાવ અનુભવતો હોય છે અને દરેક વખતે ત્યાંથી કંઈકને કંઈક શીખીને આવતો હોય છે. નદીમાં નહાતી વખતે તેને પોતાનો ભૂતકાળ સાંભરી આવે છે અને પહેલી વાર આપણને તેના “ભિનિષક્રમણ”નું સાચું કારણ જાણવા મળે છે. “તે દિવસ સુધી હું બિચારો, અનાથ હતો. હવે શાપિત વંશનો પણ થયો.” (પેજ 65) અને આપણી સમજમાં આવે છે કે આ કર્ણની અનાથતાની પીડાની વાત નથી પણ તેનાથી કંઈક વિશેષ છે. અનાથ ઉપરાંત શાપિત ગણાવાને કારણે નાયક જે લઘુતા અનુભવે છે, તે કારણે તેણે મામાનું ઘર છોડીને જવાનો નિર્ણય કર્યો છે.

ખસથી સડી ગયેલા શરીર વાળા મુન્નાને નંદુ અને નાયક ભેગા થઈને દવાખાને લઈ જાય છે અને ત્યાર બાદ એ અનુભવનું વર્ણન નાયક પોતાની ડાયરીમાં ઉતારે છે. એ વર્ણન વાંચી નંદુ કહે છે,

“તું હજારવાર મથીશ તોયે પીડાની સીમાનું વર્ણન તારાથી થઈ શકવાનું નહીં. દરેકની કંઈક મર્યાદા હોય તેમ આ તારી મર્યાદા રહેવાની. રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણને જ નહીં, માણસમાત્રને માથે આ શાપ છે.”

(પેજ 150)

આ વાંચીને આપણને ધ્રુવ ભટ્ટની આ નવલકથા ‘કર્ણલોક’નું શીર્ષક સમજાવા માંડે છે. દરેક માણસના જીવનમાં કેટલીય વાર એવું બને છે કે દશેરાના દિવસે જ ઘોડો દોડતો હોતો નથી અને આપણને તેનું સમજાય એવું એક કારણ પણ મળતું હોતું નથી. કદાચ કર્ણને મળેલો શાપ માનવમાત્રની એ મૂંઝવણનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વખતે આ મર્ત્યલોક ‘કર્ણલોક’ બનીને રહી જાય છે. અનાથ શબ્દથી દૂર રહેવાનો પ્રયત્ન કરનારો નાયક તેમાં નિષ્ફળ નીવડે છે એવો તેને વર્ષો બાદ અહેસાસ થાય છે. તે કહે છે, “આટલાં વરસો પીળા મકાનની બહાર દીવાલે રહેવાની કોશિશમાં ખરેખર તો હું અંદરનો બનતો ગયો હોઉં તો એ મારી નબળાઈ છે.” (પેજ 194) અને ત્યારે આપણને આ શીર્ષક સાર્થક લાગે છે.
નવલકથાના ઘણા પાત્રોમાં આપણને આ શાપ જોવા મળે છે. ગોમતીના પતિનું છેલ્લી ઘડીએ મૃત્યું થવું, શેફાલીને દત્તક આપતી વખતે અંતમાં બનતી ઘટના, સૌમ્યા માટે ન્યાયાધીશે આપેલો ચુકાદો આપણને આ લોક ‘કર્ણલોક’ છે તેનો અહેસાસ કરાવતા રહે છે.

આગળ જતાં જાણે હજી કંઈક કહેવાનું રહી જતું હોય તેમ લેખક પોતે નાયકના વિચાર સ્વરૂપે નવલકથામાં પ્રવેશ કરે છે અને કહે છે,

“કર્ણ માત્ર સાહિત્યનું એક પાત્ર નથી. તે તો એક પ્રતીક છે. જીવનના સત્યનું પ્રતીક. એ પ્રતીક માનવજીવનના મહાપ્રશ્નનું. માતાની સંમતિ વગર, માતાની ઇચ્છા વગર તેના પર થોપી દેવાયેલા અસત્યનું. સર્જક પાસે કમને સર્જાવાયેલી કૃતિનું. તેથી જ આ દુઃખમય જગતમાં સર્વાધિક પીડા કર્ણને ભાગે આવી પડે છે. પોતાની ઓળખ તેણે રચવાની હોય છે. ભલે તે સ્વયં સૂર્યનું સંતાન ન હોય! આ નિષ્ઠુર જગતમાં તેણે એકલાં રહેવાનું છે, એકલાં જીતવાનું, એકલાં હારવાનું છે.”

(પેજ 210)

એક ઈન્ટર્વ્યૂ દરમિયાન ધ્રુવ ભટ્ટને પૂછવામાં આવ્યું કે તેમની લગભગ બધી જ નવલકથાનાં સ્ત્રી પાત્રો સમગ્ર કૃતિ પર છવાઈ જાય એટલા સક્ષમ અને લેખક જાતે મળ્યા હોય તેવા પોતીકા કેમ લાગે છે? ત્યારે લેખકે જવાબ આપ્યો હતો,

“હું પોતે માનું છું કે સ્ત્રી પોતે પુરુષની સરખામણીમાં વધુ શક્તિશાળી હોય છે. લાગણીશીલ હોય છે. જંગલમાં એકલી રહેતી સ્ત્રી મેં જોઈ છે. કુટુંબ માટે બધું જ ન્યોછાવર કરતી સ્ત્રી મેં જોઈ છે અને સ્ત્રી વગર ઓશિયાળો બનતો પુરુષ પણ મેં જોયો છે એટલે સ્ત્રી પાત્રના વર્ણન વખતે હું ખૂબ સભાનપણે એને એક ડગલું ઊંચે રાખું છું.”

(GMCC ના વાર્ષિક મેગેઝિનના તૃતિય અંકમાં મેઘા જોષી દ્વારા લેવાયેલો ઈન્ટર્વ્યૂ)

‘કર્ણલોક’માં નાયિકા દુર્ગાનું પાત્ર અત્યંત રસપ્રદ રીતે આલેખાયું છે. તેની નાની ઉંમર છતાં તેને ખૂબ જ પરિપક્વ બતાવવામાં આવી છે. પહેલા જ પ્રકરણમાં દુર્ગાના પરાક્રમની વાત આવે છે પણ શરૂઆતમાં આપણને દુર્ગા કોણ છે, તે ખબર જ નથી પડતી. ધ્રુવ ભટ્ટની બીજી નવલકથા ‘સમુદ્રાન્તિકે’ની નાયિકા અચલની જેમ છેક અંત સુધી દુર્ગાનું રહસ્ય જળવાઈ રહે છે અને કદાચ એ જ આ કથાનું ચાલકબળ બની રહે છે. ધીમે ધીમે દુર્ગાના વ્યક્તિત્વની પરતો ખુલતી જાય છે અને તેના માટે બીજા પાત્રો દ્વારા થયેલા ઉદ્ગારોથી દુર્ગા કોણ છે, એ આપણને ધીરે ધીરે જાણવા મળતું રહે છે. દુર્ગા પોતાના વિશે ક્યારેય કશું જ બોલતી નથી.

નંદુને દુર્ગા માટે અહોભાવ છે. પ્રથમ પ્રકરણના અંતમાં તે કહે છે, “આલતુંફાલતું લોકોએ શીખવેલું દુર્ગાઈ કદી પણ બોલવાની નહીં. એ કોણ છે તે જાણીશ ત્યારે સમજાશે.” (પેજ 13) અને આમ પ્રથમ પ્રકરણમાં જ આપણી જિજ્ઞાસા જાગૃત કરીને લેખક તેને છેક અંત સુધી લઈ જાય છે. દુર્ગા વિશે વિવિધ પાત્રોના ઉદ્ગારોઃ

 • “દુર્ગામાં સમય પારખવાની અને તેને અનુરૂપ નિર્ણયો લેવાની એક ખાસ સૂઝ દેખાઈ.” (પેજ 57)
 • “એ ઉમ્મરે પણ દુર્ગા સ્પષ્ટ અને પૂર્વગ્રહરહિત વિચારી શકતી તે મેં જોયું ન હોત તો હું માની પણ ન શકત.” (પેજ 112)
 • “કોણ જાણે કોના પેટની છે! મા ઉકરડે ફેંકી ગઈ ‘ને ત્યાંથી કૂતરાંએ તાણી તોય મરી નહીં.” (પેજ 133)
 • “તું તો આરાસુરથી આવી છે મા. તારે વળી જાત શી! જાત-પાત, મા-બાપ, બધાંની જરૂર તો અમને બુદ્ધિહીન માણસોને.” (પેજ 136)
 • “તો દુર્ગા રડે પણ છે.” (પેજ 175)

આમ ધીમે-ધીમે આપણાં મનમાં દુર્ગાનું પાત્ર અંકાતું જાય છે અને આપણને તે ગમવા માંડે છે.

આ નવલકથા દ્વારા ધ્રુવ ભટ્ટે ત્રણ પ્રકારની અનાથતા દર્શાવી છે. જન્મથી અનાથ થયેલ બાળક – દુર્ગા, અકસ્માતે અનાથ થયેલ બાળક – રેખા, અને સ્વેચ્છાએ અનાથતા સ્વીકારનાર બાળક – આ નવલકથાનો નાયક. તે આ નવલકથાનું સબળ પાસું છે જે કશું જ કહ્યા વિના ઘણું કહી જાય છે અને આપણને તે દિશામાં વિચારવા મજબૂર કરે છે.

સાથે સાથે બે ખટકતી વાતો પણ નોંધવી રહી. ડાયરો માંડીને બેઠેલો કલાકાર આમ તો ખૂબ માંડીને વાત કરે છે અને ડાયરો બરાબર જમાવે છે, પણ જ્યારે તેને અહેસાસ થાય છે કે હવે રાતના આખરી પ્રહરનો અંત આવી રહ્યો છે અને સૂર્યદેવ પ્રગટ થવાની તૈયારીમાં છે, ત્યારે તે પોતાની વાતની ઝડપ વધારી દે છે જેથી તેને જે કહેવાનું છે તેમાંથી કશું બાકી ન રહે. આ નવલકથાનાં પાછલાં પચાસેક પાનાંમાં (પ્રકરણ 19થી) ધુવ ભટ્ટે પણ એમ જ કર્યું હોય તેમ અનુભવાય છે. તેમાં નવલકથાની ઝડપ એકદમ વધી જાય છે અને ઘટનાક્રમ ત્વરાથી આગળ વધવા માંડે છે. જાણે કે પોતે સર્જેલા પાત્રોને વિદાય આપવામાં તકલીફ થતી હોય તેમ તેઓ પરાણે-પરાણે આ પાત્રોને વિદાય આપી શક્યાં છે.

ઉપરાંત, આ નવલકથાની બીજી નબળી બાજુ એ છે કે જ્યારે પણ કંઈક અગત્યનું બનવાનું હોય ત્યારે તે જગ્યાએ ગમે તે રીતે નાયકની હાજરી હોય જ છે. એ જરા વધારે પડતું લાગે છે. દરેક વખતે લેખકે તેનું યોગ્ય કારણ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ કારણ ગળે ઉતરે તેવું હોય છે અને ક્યારેક ‘વિલિંગ સસ્પેન્શન ઑફ ડિસબિલીફ’ વડે વાચકે કામ ચલાવવું પડે છે.

આર્થર હેઈલીની નવલકથાઓ વાંચનાર તેમની શૈલીથી પરિચિત જ હશે. તેમની શૈલી એવી હતી કે કોઈ એક ક્ષેત્રમાં ખૂબ ઊંડા ઉતરવું અને એમ કરતાં કરતાં ત્યાંથી જ કોઈ વાર્તા તેમને મળી આવતી. જેમ કે ‘હોટેલ’, ‘વ્હીલ્સ’, ‘હોસ્પિટલ’, ‘એરપોર્ટ’, ‘ધ મની ચેન્જર’. ધ્રુવ ભટ્ટે ‘કર્ણલોક’ નવલકથા લખવા માટે એમ જ કર્યું લાગે છે. કેટલીય વાર અનાથાલયોનું તેમનું ‘ઇનસાઈડર્સ નોલેજ’ આપણને ચમકાવી દે તેવું છે.

 • જેમકે અનાથાશ્રમમાં આવનારા મુલાકાતીઓ બધા બાળકોને કહેતા હોય કે હું તો તમારી મા ગણાઉં કે તમારો બાપ કહેવાઉં. તેના વિશે નાયક કહે છે, “બહારથી આવનારા મુલાકાતીઓ પણ એવું માનીને જ આવતાં કે અહીંના નિવાસીને સહુથી વધારે સ્પર્શતી બાબત માતા-પિતા છે…મહેમાનનો પરિચય પણ તે જો પુરુષ મહેમાન હોય તો ‘આપણા છત્ર’ કે ‘આપણા સહુના મોભી’ કહીને અને સ્ત્રી મહેમાન હોય તો ‘આપણા બધાની માતા’ કહીને અપાતો.” (પેજ 47)
 • નાના બાળકોની સફાઈ થતી જોઈને નાયક વિચારે છે, “બે દિવસથી માંડીને વરસ દિવસ સુધીનાં છોકરાં એઠાં કપ-રકાબીની જેમ સાફ થતાં જોયાં…” (પેજ 54)
 • ભેટમાં મળતાં રમકડા દરેક ઑડિટ વખતે ગણાવાં પડે. તે તૂટી ગયાં હોય તો તેને ચોપડેથી સરળતાથી કાઢી નથી શકાતાં માટે તેને તૂટે નહિ તેમ કબાટમાં મૂકી રખાય છે. તે જોઈને નાયક વિચારે છે, “વિચિત્રતા તો એ છે કે જે મકાનમાં ચીજ-વસ્તુ ચોપડેથી કમી કરવાની ન થાય તેની આટલી કાળજી લેવાય છે તે જ મકાનમાં રહેતાં બાળકોમાંથી કોઈનું પણ નામ ચોપડેથી કાઢી નાખવું સાવ સહેલું છે.” (પેજ 56)
 • “ત્યાં વસતાં કે કામ કરતાં, દરેકની ઇચ્છા હોય છે કે ભાંગી તૂટી લારીમાંથી ટ્રક કે બસમાં ચડીને દૂર નીકળી જતા સામાનની જેમ પોતે પણ કોઈ નવા માર્ગે જઈ શકે.” (પેજ 113)
 • અનાથાશ્રમમાં બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેની દત્તક લેવાવાની સંભાવનાઓ ઘટી જાય છે, એ જોઈને નાયક વિચારે છે, “મોટા થવાનું દુઃખ કેટલી નાની ઉમ્મરે શરૂ થઈ જાય છે,” (પેજ 115)
 • “પૃથ્વી પર કદાચ આ એક જ જગ્યા એવી છે જેને છોડી દીધા પછી યાદ કરવાની નથી. જ્યાં બાળપણ વીત્યું, ઊછર્યાં, જ્યાં રહીને ભણ્યાંગણ્યાં તે જ સ્થળને ભૂલવાની મથામણ કરવાની.” (પેજ 199)

આખી નવલકથાની સૌથી સૂચક વાત તો એ છે કે પહેલેથી છેલ્લે સુધી નાયકનું નામ ક્યાંય આવતું જ નથી. કદાચ લેખક દ્વારા વાચકોને આ એક પડકાર છે. આમ તો વાચકને કોઈ પણ કથાના નાયક બનવું ગમતું હોય છે. શું આ કથાના નાયક બનવું ગમશે? અથવા લેખક એમ કહેવા માંગે છે કે આ કોઈ વ્યક્તિ વિશેષની નહિ પણ દરેક માનવની વાત છે, તમને ગમે તે નામ રાખી લો!

(આ લેખમાં રેફરેન્સ માટે ધ્રુવ ભટ્ટની ‘કર્ણલોક‘ નવલકથાની 2005ની પ્રથમ આવૃત્તિ ઉપયોગમાં લીધી છે.)

4 thoughts on “ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા

Leave a Reply to ચિરાગ ઠક્કર 'જય' Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s