ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’
વકીલ કહે, ‘ના…’
હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’
વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”
મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”
થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.

હવે તમે વિચારશો કે ચિરાગ ઠક્કરે એવા કયાં કાંડ કર્યાં કે બિચારા એક શબ્દસેવીને અદાલતમાં હાજર થવું પડ્યું અને સામેથી પોતાના નામની છડી પોકારાવડાવી પડી? ચલો, પહેલેથી વાત કરું.
વાત એમ હતી કે આ ઘટનાના ત્રણેક મહિના પહેલા અચાનક ઘરેથી ફોન આવ્યો.
“તારાં નામની પૂછપરછ કરતાં બે કોન્સટેબલ આવ્યા છે અને તને મળવા બોલાવે છે.” મારા જેવા સામાન્ય માણસને તો પોલીસના નામથી જ પરસેવો વળવા માંડે. મેં પૂછ્યું કે વાત શું છે તો જવાબ મળ્યો, “કશું કહેતા નથી. રૂબરુ આવી જા, એવો આગ્રહ રાખે છે.” પોલીસનો આગ્રહ એટલે હુકમ એ તો આ દેશની રાંક રૈયત સમજે જ છે!
એટલે તમામ કુકર્મોની મનોમન યાદી બનાવતાં બનાવતાં હું મારતાં ઘોડે એટલે કે અઢાર વર્ષના પ્રાચીન બાઇક પર ઘરે પહોંચ્યો. સાદા કપડામાં આવેલા બંને ભારેખમ અને મૂછાળા પુરુષોને જોઇને જ વિશ્વાસ થઇ ગયો કે આજે તો આપણા દિવસો ભરાઇ ગયા છે. શ્રીમતીજીને ઇશારો કરી દીધો કે ટિફિન આપવા આવતી રહેજે. જેલનું ખાવાનું પચે પણ ખરું અને ન પણ પચે.
બંનેમાંથી કોઇ ઊભું તો ન થયું પણ એકે હાથ લંબાવ્યો. હજું કોરોના શબ્દ સાંભળ્યો નહોતો. એટલે નમસ્કાર નહીં પર હાથ મેળવવાનું જ ચલણ હતું. મેં હાથ મિલાવ્યો પણ ખરો અને એમની મજબૂતી અનુભવી પણ લીધી. મનોમન વિચાર પણ આવ્યો કે આ બંને જણા ઉંચકીને લઇ જાય, તો આપણું ગજું નહીં કે છૂટી શકીએ.
જોકે એમનો ઇરાદો એવો લાગ્યો નહીં. હાથ મિલાવ્યો હતો તે કોન્સ્ટેબલે પોતાનો ટૂંકો પરિચય આપીને એક કાગળ બતાવ્યું અને જણાવ્યું કે મારા નામના (અન્ય આઠ જણ સાથે) સાહેદના સમન્સ નીકળ્યા છે અને ફલાણી તારીખે ઢીંકણા સમયે મારે અદાલતમાં અચૂક હાજર રહેવું. જો હું હાજર ન રહું તો મારી અથવા તો એ સમન્સ પર સહી કરનારા પિતાજીની ધરપકડ થઇ શકે છે.
આમ તો વધારે માહિતી નહીં પરંતુ હાઇકોર્ટના એક સન્માનનીય વકીલના ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ અને અંગ્રેજીથી ગુજરાતી અનુવાદના કામ કર્યા હતા માટે એટલી માહિતી અવશ્ય હતી કે સીધા આવા ધરપકડપાત્ર સમન્સ પાઠવી શકાય નહીં. એ પહેલાં બે વાર હાજર થવાની નોટિસ મળતી હોય છે. પરંતુ આ કિસ્સામાં એવું કશું બન્યું નહોતું. ઉપરાંત મારી સાથે જે અન્ય આઠ જણાના સમન્સ હતા, એ બધાં અમારી સોસાયટીના જ રહેવાસીઓ હતા એટલે મુદ્દો કંઇક સોસાયટીને લગતો જ હશે, એમ લાગ્યું. તેમાંથી અમુક જણાંને તો ઘર બદલે પણ વર્ષો થઇ ગયાં હતાં એટલે એ મુદ્દો પણ વર્ષા જૂનો જ હશે, એમ પણ લાગ્યું. વધારે વાત કરતાં કોન્સ્ટેબલે એમ જણાવ્યું કે કંઇક રેશનિંગકાર્ડની દુકાનના કાળાબજારને લગતી વાત હતી. એ સમયે બે દસક પહેલાંનો કિસ્સો મારા મગજમાં ઝબકી ગયો. સોસાયટીની બહાર આવેલી રેશનિંગની દુકાનમાં દરોડા પડ્યા હતા અને કાળાબજારને લગતો કેસ પણ થયો હતો. જોકે તેને મારી સાથે શું લેવા-દેવા તે ખબર ન પડી. પણ હાજર થઇ જઇશ એમ કહ્યું એટલે કોન્સ્ટેબલો તો જતા રહ્યા. જોકે ‘હજી પણ એમને ખાનાખરાબીની ખબર ક્યાં છે?’
પરિવારમાં બધાને આ મુદ્દે ચિંતા થવા માંડી અને ક્યારેક-ક્યારેક એ સમન્સ હસી-મજાકનો મુદ્દો પણ બન્યા. ‘ચક્કી પિસિંગ એન્ડ પિસિંગ એન્ડ પિસિંગ’ વાળો સંવાદ અભિનય સાથે બે-ચાર વાર ઘરમાં ભજવાઇ ગયો. કંઇ અણધાર્યું બને તો કેટલો ખર્ચ થઇ શકે અને પોષાઇ શકે એમ પણ ચર્ચા ચાલી. ઇમર્જન્સીમાં કોણ આવી શકશે અને કોણ નહીં, એ વિષે પણ મતમતાંતરો ઊભા થયા. સલાહ-સૂચનો પણ મળવા માંડ્યા. કોને-કોને કોની-કોની ઓળખાણ છે, એ પણ જાણવા મળવા માંડ્યું. છેવટે એવા તારણ પર પહોંચ્યા કે આસપાસના તમામ લોકોના સંબંધ કોઇને કોઇ રીતે મોદીજી જોડે તો છે જ કારણ કે મોદીજી મત આપવા તો અમારે ત્યાં જ આવે છે! અફસોસ એટલો થયો કે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કોઇનો સીધો સંપર્ક નથી. ત્યાં માત્ર વાયા-વાયા જ પરિચય છે. એટલે ફાંસી થાય તો માફી મળવાની શક્યતાઓ ઓછી છે! શું થાય હવે? જેવું અમારું નસીબ!
નિયત દિવસે ‘કર ચલે હમ ફિદા જાનોતન સાથિયો’ ગણગણતા સજળ આંખો વાળા પરિવારના સભ્યોની વિદાય લઇને હું અદાલતમાં હાજર થયો. સાથે પિતાજી પણ પધાર્યા હતા. એમને એમ હશે કે એમનો પોયરો અધરસ્તે બીજે વળી જાય અને હાજર ન થાય, તો એમની ધરપકડ થાય. અમે બંને અદાલતમાં પહોંચી ગયા પણ એ દિવસે યુદ્ધ થયું નહીં.બે માંથી એક પક્ષના વકીલશ્રી હાજર રહી શકે એમ ન હોવાથી, ‘તારીખ પે તારીખ’ આપવામાં આવી.
એટલે ‘હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો’ કહેવતને સાર્થક કરીને હું ધોયેલા મૂળાની માફક પાછો ફર્યો. પુનઃ પ્રતિક્ષારત રહેવાનું હોવાથી ઘરનું વાતાવરણ વધારે ગમગીન બન્યું. નવી તારીખની રાહ જોવાવા માંડી. ‘દિન પર દિન બીત ગયે’ અને બીજી તારીખ પણ આવી ગઇ.
આ વખતે હું એકલો જ જવાનો હતો એટલે ઘરના બધાને ‘વિદાય વેળાએ’ સ્નેહ કરીને અદાલત પહોંચી ગયો. આ વખતે બધું બરાબર હતું.
અદાલત જોકે ફિલ્મો અને સીરિયલોમાં બતાવવામાં આવે છે, તેવી કેમેરા ફ્રેન્ડલી નથી હોતી. આ અદાલત તો નહોતી જ. પ્રમાણમાં ઘણો નાનો ખંડ, ભીડ અને શાકમાર્કેટ જેવો અવાજ. જજની વિશાળ, ઊંચી બેઠકની બરોબર સામે, એ રૂમના સામા છેડે, અમુક કબાટો અને ઘોડા પર ફાઇલોના થપ્પા અને પોટલાં હતાં. તેની બરાબર આગળ ખુલ્લી ઓફિસ જેવી રચના હતી અને અમુક કર્મચારીઓ બે ટેબલ ખુરશી લઇને ગોઠવાયેલા હતા. એ ખુલ્લી ઓફિસથી જ માર્ક ઝકરબર્ગને પોતાનું ફેસબુકનું વડું મથક આવી ખુલ્લી ઓફિસ વાળું બનાવાના પ્રેરણા મળી હોય, તો કહેવાય નહીં! જજના વિશાળ ટેબલની વચ્ચેની જગ્યામાં રાંક રૈયત માટે પચીસેક ખુરશીઓ મૂકવામાં આવી હતી. અમુક ખુરશીને ચાર પાયા પણ હતાં અને મને જે ખુરશી પર બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું ત્યાંથી બરાબર ત્રીજી ખુરશીને તો બંને બાજુ હાથા પણ હતાં. આજું-બાજું ઉભેલા લોકો તે સાજી ખુરશી પર બિરાજમાન સજ્જનના નસીબની ઇર્ષા કરતા ધરાતા નહોતા.
જજના વિશાળ અને ઊંચા ટેબલ(પીઠ)ની બરોબર આગળ, તેને અડીને જ બંને પક્ષના વકીલોનું અને અન્ય કર્મચારીઓ માટેનું એક સંયુક્ત ટેબલ હતું. જોકે તેની પહોળાઇ અમારી શાળાની પાટલીઓથી થોડીક જ વધારે હતી એટલે તેને ટેબલ કહેવાય કે કેમ એ અંગે પણ મેં વિચાર કરી જોયો. જજના ટેબલના એક ખૂણે આવવા-જવાની જગ્યા હતી જેને એક ઝાંપલી વડે બંધ રાખવામાં આવતી. વકીલો માટેના ટેબલ અને આવવા-જવાની જગ્યાની વચ્ચે બાજુ જે 2 X 3 ફૂટની જગ્યા પડતી હતી. એટલી જગ્યામાં એક બાજુ, જજના ટેબલના ટેકે જ કઠેડો બનાવવામાં આવ્યા હતા.
અને હા, ફિલ્મોમાં કઠેડા અને જજના ટેબલ વચ્ચે જેટલું અંતર બતાવવામાં આવે છે, તેટલા અંતરમાં તો આ આખો કોર્ટરૂમ સમાઇ જાય. જો કઠેડા અને જજ વચ્ચે ફિલ્મોમાં બતાવે છે તેટલું અંતર હોત, તો કઠેડામાં ઊભા રહેનારે જજ અને વકીલોને કોન્ફરન્સ કોલ લગાડીને જ જુબાની આપવી પડત એટલો શોરબકોર હતો. કદાચ એટલે જ કઠેડાને જજ અને વકીલોના ટેબલને અડીને જ બનાવવામાં આવ્યો હશે કે જેથી એ લોકોને તો સંભળાય.
છેવટે છડી પોકારવામાં આવી. બધા ઊભા થયા અને તેની જ રાહ જોતા હોય તેમ માનનીય ન્યાયાધીશ સાહેબની પધરામણી થઇ. અમને આવી જાણ હોત તો અમે કલાક પહેલા ઊભા થઇ ગયા હોત!
પછી બેઠક લઇને, ચશ્મા પહેરીને તેમણે ચશ્માની ઉપરની બાજુથી અમારી દિશામાં જોઇ લીધું. જો ચશ્મામાંથી જોવું જ નહોતું, તો પહેર્યાં શું કામ એવો વિચાર પણ મને આવી ગયો. પણ એમ તો પાલન ન કરવું હોય, તો પણ ભારતમાં કાયદા ક્યાં નથી બનતા? એક પછી એક સુનાવણીઓ થવા માંડી. દસ વાગ્યાનો હું અદાલતનું અવલોકન કરી રહ્યો હતો અને હવે તો લંચ ટાઇમ થવા આવ્યો હતો.
છેવટે મને જે કેસમાં સાહેદ તરીકે એટલે કે સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો હતો, તે હાથ પર લેવામાં આવ્યો. એક પછી એક પરિચિતોને કઠેડામાં ઊભા રાખીને સવાલ-જવાબ કરવામાં આવ્યા. અંતે ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’
વકીલ કહે, ‘ના…’
હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી તૈયારી નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, “હું બાકી છું…”
વકીલોએ પહેલા મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”
મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”
થોડીવાર પાના ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. ખાત્રી થઇ એ પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.
ન્યાયાધીશની અમીદ્રષ્ટી અમો પર પડે તેવી અમોની આશા ઠગારી નીવડી કારણ કે તેઓ કોઇ કાગળો વાંચવામાં મશગૂલ હતાં. મારી નજર તેમની દિશામાં હતી ત્યાં તો મારા પેટે કંઇક અડ્યું હોય એમ લાગ્યું. એ દિશામાં નજર કરતા સમજાયું કે વકીલ શ્રીએ એક ફાઇલ ખોલી હતી અને તેમાંથી કોઇ કાગળ મને બતાવી રહ્યા હતા.
“આ સ્ટેટમેન્ટ તમે આપ્યું છે?” વકીલે સાહેબે પૂછ્યું. મેં ફાઇલ હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો કે જેથી હું સ્ટેટમેન્ટ જોઇ શકું. પણ હું કદાચ ફાઇલ લઇને દોડી જઇશ કે સ્ટેટમેન્ટનું કાગળ ખાઇ જઇશ એવી ભીતિ હશે, તેથી વકીલે ફાઇલ મને હાથમાં લેવા દીધી નહીં. છેવટે મારે નીચા નમીને જોવું પડ્યું કે સ્ટેટમેન્ટમાં શું લખ્યું છે. જનતાને તો આમ પણ અદાલતમાં નમવું જ પડે. આખું સ્ટેટમેન્ટ વાંચ્યું અને નીચે મારી સહી જોઇ. સહી તો મારી જ હતી, એમાં મને શંકા નહોતી. એટલે મેં જવાબ આપ્યો,
“આ સહી તો મારી જ છે પણ આવું કોઇ સ્ટેટમેન્ટ આપ્યાની મને સ્મૃતિ નથી!”
અચાનક માનનીય ન્યાયાધીશ સાહેબને કોઇ દસ્તાવેજમાંથી ટાંકણી વાગી હોય, તેમ ચમકીને તેમણે મારી સામે જોયું. પછી તેમણે વકીલ શ્રી સામે જોયું. બીજા પક્ષના વકીલ, જે અત્યાર સુધી આ અદાલતમાં જલકમલવત્ બેઠા હતા, તેમણે પણ એ બંને સામે જોયું. બાજુંમાં બેઠેલા સ્ટેનેગ્રાફર અને અન્ય કર્મચારીઓ પણ અટકી ગયા. એક સેકન્ડ જાણે સમય અટકી ગયો હોય એમ બધાં જડવત્ બની ગયા. પછી ન્યાયાધીશ હસ્યા. ગબ્બર હશે એટલે આખી ટોળી હસે એમ બધાં ખડખડાટ હસવા માંડ્યા. હું વિચારવા માંડ્યો કે મારી વાતમાં હસવા જેવું શું હતું એ મને સમજાય તો હું પણ હસી લઉં.
જોકે જજસાહેબ મારી મૂંઝવણ સમજી ગયા. એમણે કહ્યું, “અહીંયા બધાં ‘યાદ નથી’ એવું બોલે…તમે કહ્યુંને કે ‘સ્મૃતિ’ નથી એટલે મજા પડી ગઇ.”
ઓહો! મારી પ્રિય ગુજરાતી ભાષાએ ગુજરાતમાં બધાને ચમકાવી દીધા હતા એ જાણીને મને પણ મજા પડી.
મેં કહ્યું, “તો બરોબર! જેમ તમારી ભાષામાં ‘મજકૂર’ ને ‘સદરહુ’ ને ‘સાહેદ’ જેવા શબ્દો આવી જાય એમ અમારી ભાષામાં આ ‘સ્મૃતિ’, ‘સ્મરણ’, ‘ઝાંઝવા’ ને ‘રણ’ જેવાં શબ્દો સ્વાભાવિક રીતે જ આવી જાય.” મારા મનમાં ગઝલોના રદીફ-કાફિયા પડઘાવા માંડ્યા હતા.
“અચ્છા?” જજ સાહેબે પૂછ્યું. “શું કરો છો તમે?” પ્રશ્નો પૂછવાનું કામ જજસાહેબ કરી રહ્યા હતા, તે વકીલને ગમ્યું નહીં હોય એમ લાગ્યું કારણ કે તેમના મુખારવિંદ પર કબજિયાતના દર્દીને પેટમાં દુઃખાવો થતાં જેવા હાવભાવ આવે, તેવા હાવભાવ આવી ગયા હતા.
“જ્યારે આ સ્ટેટમેન્ટ અપાયું હશે, ત્યારે તો હું કૉલેજમાં હતો.” મેં કહ્યું. “પછી ભણાવતો હતો. પછી દેશ-વિદેશના અનુભવો લીધા અને હવે, આ સ્ટેટમેન્ટ આપ્યાના વીસ વર્ષ પછી લેખન-અનુવાદનું કામ કરું છું.”
“નાઇસ…” જજસાહેબે પૂછ્યું. “શેનો અનુવાદ કરો છો?”
“આમ તો ઘણા બધા પ્રકારના…જેમાં લિગલ ટ્રાન્સલેશન પણ આવી ગયું…પણ મુખ્યત્વે ફિક્શન-નોન ફિક્શન પુસ્તકોનાં…” જાહેરાતની એક પણ તક છોડે એ વેપારી નકામો. આપણને એમ કે એક નવો ગ્રાહક બંધાય, તો આ ધક્કો લેખે લાગે. એટલે લિગલ ટ્રાન્સલેશન પર મેં વિશેષ ભાર મૂક્યો.
“નામ શું કહ્યું તમારું?” જજસાહેબે પૂછ્યું.
“ચિરાગ ઠક્કર…” આ વખતે મારો જવાબ જજસાહેબે સાંભળ્યો પણ ખરો.
પછી તેઓ એક ક્ષણ વિચારમાં પડ્યા. પછી તેમણે ઇશારો કરીને ટેબલના એક ખૂણે, નીચે ક્યાંક પડેલો પોર્ટફોલિયો મંગાવ્યો. તેમાંથી એક પુસ્તક કાઢીને પહેલું પાનું જોયું. પછી મને બતાવ્યું, “આ….”
અરે! કેવું આશ્ચર્ય! જજસાહેબ મારા દ્વારા અનૂદિત અમીશ ત્રિપાઠીનું પુસ્તક ‘સીતાઃ મિથિલાની વીરાંગના’ વાંચી રહ્યા હતા. મને આનંદ થયો કે આપણું કામ સારી જગ્યાએ પહોંચે છે.
“હા….એ મારો જ અનુવાદ છે….”
“વાહ…” જજસાહેબે કહ્યું. “હવે લંચ લઇએ…” તેમણે વકીલોને કહ્યું. “આવો મારી ચેમ્બરમાં…” તેમણે મારી સામે જોઇને ઇશારો કર્યો.
અદાલતમાં લંચબ્રેક પડ્યાંની જાહેરાત થઇ. જજ સાહેબ ઊભા થઇને પાછળ પડતા દરવાજાથી તેમની ચેમ્બરમાં ગયા અને હું તેમને અનુસર્યો. દરવાજા પર લાગેલી નેમ પ્લેટથી ખ્યાલ આવ્યો કે તેઓ ‘કુરેશી સાહેબ’ હતા. જજસાહેબ તેમની ખુરશી પર બેઠા હતા.
“આખો દિવસ કાયદાના કાગળિયા વાંચીને કંટાળી જઉં ને એટલે મગજ ફ્રેશ કરવા માટે હું આવું કંઇક વાંચતો હોઉં છું…” એમણે કહ્યું. અને પછી એ પુસ્તકની, અન્ય પુસ્તકની અને સાહિત્યની ઘણી વાતો થઇ. સાહેબે ઇડલી-સંભાર પણ ખવડાવ્યાં. લંચબ્રેક પૂરો થયો એટલે સાહેબ ઊભા થયા.
“આવતા રહેજો ઠક્કરસાહેબ…” જજસાહેબ કહ્યું.
હું ચમકી ગયો. “મુદતમાં નહીં…જસ્ટ મળવા માટે…”
“ચોક્કસ સાહેબ!” મેં હાશકારો અનુભવતા કહ્યું. જોકે અદાલતમાં પાછું જવું ન પડે તો સારું એમ તો ક્યારનું થતું હતું. હું સડસડાટ એ બહુમાળી ઇમારતના પગથિયાં ઉતરી ગયો.
Nicely written article. Enjoyed reading .
LikeLiked by 1 person
આભાર મિહિરભાઈ.
LikeLike
Amazing..I really enjoyed …
LikeLiked by 1 person
આભાર દીપ્તિજી.
LikeLike
બાપ રે! ‘અદાલત’ શબ્દ વાંચીને પહેલાં તો બીક લાગી. આખો બ્લોગ બીજી વખત વાંચ્યો ત્યારે એમાં રહેલાં હાસ્યને માણી શકાયું.
જજસાહેબનાં શબ્દોને માન આપીને એમને મળતાં રહેવું…🤠
LikeLiked by 1 person
પહેલીવારમાં તો મને પણ બીક જ લાગી હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી જજસાહેબની હવે બદલી થઈ ગઇ છે. 🙂
LikeLike
😁😁
૧૮ વરસનું પ્રાચીન બાઈક…
કેટલીક ખુરશી ને ચાર પાયા પણ હતા..
મજા પડી ગઈ😁
LikeLiked by 1 person
આભાર દોસ્ત.
LikeLike
અલંકાર થી ભરપૂર…અનુભવ ની કથા…તમારા જેવો અનુભવ અમે રોજ માણીયે છીએ પણ આવું શાબ્દિક વર્ણન…😀😀😀😀
LikeLike
આભાર અલ્પેશભાઇ. અમને તો આ અલંકાર જ પોષાય! 🙂
LikeLike
ખુબ સરસ, સર મઝા આવી ગઈ. બહુ સમય થી મલ્યા નથી આજે રબરુ મલ્યા હોય એવો આનંદ થયો છે. 🙏🙏
LikeLiked by 1 person
આભાર બેટા. વર્ષો થઈ ગયા મળે. આવ ઘરે અને વાંચતી રહેજે.
LikeLike
પોલિસ, વકીલ, અદાલત અને ચિરાગ ઠક્કર ..
હા હા હા હા…. ભય કથા , રહસ્ય કથા અને સાથે હાસ્ય કથા , મજા પડી વાંચવા ની
LikeLiked by 1 person
આભાર મિત્ર.
LikeLike
હા..હા..હા..જમાવટ ભાઈ …જમાવટ…
*આમ તો અમે આનંદ લીધો વર્ણન નો પણ પેલી કહેવત ” કાગડાભાઈ નું હસવું ને દેડકાભાઈ નો પ્રાણ જાય” મુજબ તમારી મનોસ્થિતિ હશે ..
LikeLiked by 1 person
એ તમે બરાબર પકડ્યું. જોકે ઘરવાળાને વધારે ચિંતા હતી.
LikeLike
અદાલતનો ડર, પરિવારની રમૂજ મિશ્રિત ફિકર, અદાલતનું વર્ણન – બધું વાંચ્યું, મઝા આવી પણ સત્યનારાયણની કથામાં જેમ સત્યનારાયની કથા જ નથી એમ આખી વાતમાં કોર્ટમાં જવાનુ કારણ જ ન મળ્યું. એ વિશે અલગથી આર્ટિકલ લખવા વિચાર છે કે?!😊😅
LikeLiked by 1 person
ધ્યાનથી વાંચો નેહામેડમ. ઘર નજીકની રેશનિંગની દુકાનના કાળાબજારના સંદર્ભે સાક્ષી (સાહેદ) તરીકે જવાનું હતું એમ લખ્યું જ છે. 😀
LikeLike
Waaha bhai, Superb…
LikeLiked by 1 person
આભાર મિત્ર.
LikeLike
રસપ્રદ આલેખન 👍
LikeLiked by 1 person
આભાર.
LikeLike