વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay

[શ્રી વિપુલ કલ્યાણીના તંત્રીપદ હેઠળ યુકેથી પ્રગટ થતાં સામાયિક ‘ઓપિનિયન’ના 25 વર્ષ પૂર્ણ થતાં ‘રજત રાણ પડાવે ઓપિનિયન’ નામે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની છઠ્ઠી બેઠકની વાચકસભામાં મને ઉપરોક્ત વિષય પર મારા વિચારો રજૂ કરવાનું બહુમાન આપવામાં આવ્યું હતું. તે પ્રસંગે કરેલી ટૂંકી વાત, જેને ‘ઓપિનિયન‘માં પણ પ્રગટ કરવામાં આવી છે.]

પ્રસ્તાવના

આમ તો ‘જય જગત’ વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં ‘ઓપિનિયન’ સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. ‘ઓપિનિયન’ મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay
છઠ્ઠી બેઠકનો સ્ક્રીન શોટઃ (પહેલી કતાર ડાબેથી) ચિરાગ ઠક્કર ‘જય’, રોહિત બારોટ, નટવર ગાંધી અને શ્રીમતી નટવર ગાંધી; (બીજી કતાર ડાબેથી) લોર્ડ ભીખુ પારેખ, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા; (ત્રીજી કતાર) અશોક કરણિયા, પંચમ શુક્લ (જેમણે આ સ્ક્રીન શોટ લીધો છે.)

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું ‘જય’નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુકે નિવાસ દરમિયાન, ‘ઓપિનિયન’ સામાયિક અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના સંસર્ગથી.

વાંચન અને લેખન તો બાળપણથી હાડમાં ઉતરેલી આદત હતી. જ્યારે 2006માં યુકે આવવાનું બન્યું ત્યારે વધારે સમય મળતાં એ પ્રવૃત્તિ પણ વધી. 2008માં બ્લોગિંગ શરૂ કર્યું અને સોશિયલ મીડિયા થકી એ બ્લોગ પહોંચ્યો પંચમ શુક્લ પાસે. તેમણે સામેથી મારો સંપર્ક સાધ્યો, અનિલ જોષીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું અને હું ‘આ શું હશે?’ તેમ વિચારતો વિચારતો પહેલી વાર તે કાર્યક્રમમાં ગયો. એ કાર્યક્રમ હ્દયને એટલો બધો સ્પર્શી ગયો કે તેના વિષે બ્લોગ ઉપર લખ્યું. અને વિપુલભાઈએ એ લેખ ‘ઓપિનિયન’ મેગેઝિનમાં લેવા માટે મંગાવ્યો.

મારા માટે એ અત્યંત નવાઈની વાત હતી. ગુજરાતમાં તો સાહિત્યિક સામાયિકોમાં કંઈક છપાય એ માટે કેવાં શામ-દામ-દંડ-ભેદ ચાલતાં હોય છે એના વિષે તો બધાં જાણે જ છે. ગુણવત્તા કરતાં ત્યાં ઓણખાણ મોટાભાગે વધારે મહત્વની બની રહે છે. માટે મેં એ લેખ સાદર મોકલાવ્યો અને આવી રીતે ‘ઓપિનિયન’ તેમજ GLA(UK) સાથે મારો પ્રેમસંબંધ શરૂ થયો.

એ પછી જેમ હેરી પોટરના મનોજગતને હોગવર્ટ સ્કૂલના આચાર્ય ડમ્બલડોર વિસ્તારે અને વિકસાવે છે એમ પ્રિય વિપુલ કલ્યાણીએ આ જયના જગતને વિસ્તારવા અને વિકસાવવા માંડ્યું. એમની શૈલી પાછી નિરાળી. એ સીધે-સીધું કશું જ કહે કે સૂચવે નહીં. બધાનો ઓપિનિયન પ્રગટ કરનારા એ પોતે સીધે-સીધો ક્યારેય પોતાનો ‘ઓપિનિયન’ રજૂ જ ન કરે. પણ કંઇક એવું વાંચવા તરફ આંગળી ચીંધે કે એવા કોઈ કામમાં સામેલ કરે કે આપણે આપોઆપ વિસ્તાર અને વિકાસની દિશામાં અગ્રેસર થઈએ.

હું બ્લોગ પર જે લખું તેને વિપુલભાઈ ‘ઓપિનિયન’ મેગેઝિનમાં શબ્દશઃ છાપે. તેમાંથી પાછું ક્યારેક પ્રકાશભાઈ ‘નિરીક્ષક’ના પાનાં પર પણ ઉતારે ને ક્યારેક કોઈ બીજા ગુજરાતી સામાયિકમાં પણ છપાય. આમ ‘ઓપિનિયન’ મેગેઝિન અને GLA (UK)ની ટીમે મારા અવાજને સ્પષ્ટ અને ઘેરો બનાવ્યો.

એ અવાજ લઈને હું સાતેક વર્ષ ડાયસ્પોરાની ભૂમિમાં વીતાવીને વારસાની ભૂમિ પર પાછો ફર્યો. અહીંયા એ સફર ચાલુ રાખી છે અને તેના પાયામાં ‘ઓપિનિયન’ રહેલું છે તેનો ઋણસ્વીકાર કરું છું.

Reverse Racism

આરાધના બહેન ભટ્ટે જે રેસિઝમ અને રિવર્સ રેસિઝમની વાતની માંડણી કરી, તે વાત ખૂબ મહત્વની છે. મને જીવનના થોડા-ઘણા અનુભવે એમ શીખવ્યું છે કે સામેવાળું આપણાથી કોઈક રીતે અલગ છે એમ દર્શાવવું એ રેસિઝમનો સૂક્ષ્મ પ્રકાર જ છે. અને એ સૂક્ષ્મ રેસિઝમ ડાયસ્પોરા વિશ્વના આપણા ગુજરાતીઓમાં અને ભારતીયોમાં અવશ્ય જોવા મળે છે. બે અજાણ્યા ગુજરાતીઓ મળે ત્યારે ‘તમે કયાં ગામના?’ અને ‘તમે કેવા?’ એવી પૃચ્છા કરવી હજું પણ ત્યાં એકદમ સામાન્ય છે. આપણે આ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને માનવમાંથી વિશ્વમાનવ બનવા તરફ આગળ વધી શકીશું એમ લાગે છે. આ દિશામાં પણ ‘ઓપિનિયન’ પોતાનો નક્કર અભિપ્રાય રજૂં કરતું રહેશે એવી અપેક્ષા છે.

રતિલાલ ચંદેરિયાનું સ્મરણ

શ્રી રોહિત બારોટે રતિલાલ ચંદેરિયાનું સ્મરણ કર્યું છે. તેમને મારા વંદન. એ વ્યક્તિત્વનો પરિચય તો નહોતો થયો પરંતુ ઓળખાણ ‘ઓપિનિયન’ થકી જ થઈ હતી અને અત્યારે તેમના દ્વારા સર્જાયેલી ગુજરાતીલેક્ષિકોન.કોમનો મારા જેટલો નિયમિત ઉપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે કારણ કે આખો દિવસ હું અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ કરતો હોંઉ ત્યારે જે શબ્દકોષ નિયમિત વપરાય છે, તેમાં તે વેબસાઈટ પણ આવી ગઈ.

સૂચક વાત

શ્રી નટવર ગાંધીએ ડાસ્પોરા વિશ્વની બીજી અને ત્રીજી પેઢી વિષે એમ સૂચક વિધાન કર્યું કે એ પેઢીએ “અમેરિકામાં ઉછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું [તે] પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.” આ પ્રાસ્તાવિક વાતને વારસાની ભૂમિના સંદર્ભે પણ મૂકી શકાય છેઃ “21મી સદીમાં ઉછરીને 21મી સદીના વૈશ્વિક ભારતીય ન થવું અને 19મી કે 20મી સદીનાં ભારતીય બની રહેવું, તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.”

‘ડાયસ્પોરા’ શબ્દ

આ બેઠકમાં લોર્ડ ભીખુ પારેખે ડાયસ્પોરા શબ્દ સામે વાંધો નોંધાવીને કહ્યું કે તેમના અનુસાર ડાસ્પોરા શબ્દમાં અત્યંત લઘુમતીમાં હોવાની અને વતનમાં પાછા ફરવાની ઝંખના હોવી જોઈએ. 42 દેશોમાં વિખરાયેલો ભારતીય સમાજ 22 દેશોમાં નોંધપાત્ર સંખ્યા ધરાવે છે અને મહદઅંશે કોઈ પાછા ફરવાની ઝંખના સેવતું નથી. માટે એ સમાજ માટે ‘ડાયસ્પોરા’ શબ્દ વાપરવો કેટલો યોગ્ય છે અને તે ન વાપરી શકાય તો ગુજરાતીમાં કયો શબ્દ યોગ્ય રહેશે તેમ પણ તેમણે પૂછ્યું હતું. જેમ અંગ્રેજી ભાષા વિદેશી શબ્દો યથાતથ સ્વીકારે છે કે તેમાં નવી અર્થછાયા ઉમેરે છે, તેમ ગુજરાતીએ પણ પોતાના યાયાવર સંતાનો માટે ‘ડાયસ્પોરા’ શબ્દનો બહુધા સ્વીકાર કર્યો છે અને ધીમે-ધીમે તેની અર્થછાય પણ વધારે સ્પષ્ટ બનતી જશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay
લંડનની એક લાઇબ્રેરીમાં ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ની 4 ફેબ્રુઆરી 2012ની કાવ્ય ચર્ચાની બેઠકઃ હાથમાં કાગળ લઈને બેઠકને સંબોધી રહેલા અનિલ વ્યાસ, તેમની જમણી બાજુ ભદ્રા વડગામા, વિપુલ કલ્યાણી, ચિરાગ ઠક્કર ‘જય’, ધ્વનિ ભટ્ટ, અને જમણી બાજુ છેલ્લેથી ત્રીજા ધવલ વ્યાસ. (બાકીના રસિકજનોના નામનું સ્મરણ નથી)

સમાપન

બેઠકમાં હાજર વિપુલ કલ્યાણી, પંચમ શુક્લ, નીરજ શાહ, અશોક કરનિયા, ભદ્રા વડગામા ઉપરાંત અનિલ વ્યાસ, વલ્લભ નાંઢા, મારા પ્રિય અદમ ટંકારવી, ધવલ વ્યાસ, ધ્વનિ ભટ્ટ એ સૌનાં મધુર સ્મરણ સાથે વિરમું છે.

તા. ક.: આ પ્રસંગનો વીડિયો આ લિંક પરથી માણી શકાશે.

તા.ક. 2: ‘રજત રાણ’ એટલે શું અને આ પ્રસંગની ઉજવણીનું કારણ વિપુલ કલ્યાણીના શબ્દોમાંઃ

‘ઓપિનિયન’ મત, વલણ, વિચાર, અભિપ્રાય ઇ.ઇ. માટે ય ચાલે. ખરું ને? રજત તો silverનો એક શબ્દાર્થ પણ છે. પચ્ચીસી લઈ શકાયું હોત; પણ ટાળ્યું. યુવાનીને આપણો સમાજ ક્યાં સાંભળે છે? તે તો મનમાની જ કરે છે! તેથી રજત અને તેમાં જોડ્યું ‘રાણ’. તેનો એક અર્થ રાજા કે રાણા પણ થાય છે. અને બીજો અર્થ રાણનું વૃક્ષ. અને આ વૃક્ષ તો રાયણ જેવું મજેદાર ફળ પણ આપે જ છે. તેથી રજત રાણ. અને તેને પડાવે, તેને છાંયડે પડાવ. એવા એવા એવા પડાવે આ ઓપિનિયન…બોલો, કંઈ કહેવું છે??

વારુ, કાકાસાહેબ કાલેલકરે (‘કાલેલકર ગ્રંથાવલિ ૬ [સમાજ અને સંસ્કૃતિ]; પૃ.06) કહ્યું છે તેમ, ‘…કલ્પના પ્રમાણે તહેવારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે. તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ.’

વિપુલ કલ્યાણી

3 thoughts on “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)