સામાજિક પ્રસંગમાં કે જાહેર સ્થળે અચાનક કોઈ આવીને ખભે હાથ મૂકીને અસલ અમદાવાદી સ્ટાઇલમાં પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે ટોપલેસ બારમાં જઈ ચડેલા અંડર-એજ કિશોર જેવી મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા થાય છે. કહેવું હોય કે “પડે જ ને…કેમ ઓળખાણ ન પડે?” પણ જો ઓળખાણ ન પડી હોય તો મારા જેવાની શું હાલત થાય?
ચહેરાઓ યાદ રાખવા બાબતે મારી પરિસ્થિતિ એટલી આદર્શ છે કે જો મારી સામે માધુરી દીક્ષિતની દસ અલગ-અલગ તસવીરો મૂકવામાં આવે અને એવો પડકાર ફેંકવામાં આવે કે “આમાંથી માધુરી ઓળખી બતાવ તો જરા…” તો એવા સમયે હું અચૂક મૂંઝાઈ જાઉં. વધુમાં વધુ સારું પરિણામ એ મળી શકે કે હું કોઈ ત્રણ તસવીરો પસંદ કરીને એમ કહું, “આ ત્રણમાંથી એક માધુરી હોવી જોઇએ.”
પૂછનારા રસિકજનો પાછા એમ પણ પૂછશે કે ‘લગભગ’ નિવૃત્ત થઈ ગયેલી માધુરીના બદલે કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ કે પ્રિયંકા ચોપરા જેવી હિરોઇન કે પૂનમ પાંડે, સની લિઓની જેવી સમાજ સેવિકાઓનું ઉદાહરણ આજના સમયમાં વધારે યોગ્ય ન ગણાત? પણ એનો જવાબ એમ છે કે આ લેખ ચહેરાઓની સ્મૃતિ વિષે છે અને આ સન્નારીઓ ચહેરાને બતાવવા જેવું અંગ જ ક્યાં માને છે?! એમના ચહેરા સામે જોવા જતા આડેપાટે ચડી જવાનો ભય વધારે હોય છે. જોયું, આ નાનકડા લેખનો એક આખો ફકરો પણ આડેપાટે ચડી ગયોને!
હા, તો મૂળ વાત છે ચહેરા યાદ રાખવાની અને આપણી (એટલે કે મારી) એ બાબતની શક્તિ એકદમ ઓછી છે. ફેસિયલ રિકોગ્નિશનના સોફ્ટવેરમાં જ ખામી હશે. એમાંય કેટલાંક વર્ષો ભારત બહાર રહ્યા પછી સમયની જંગી સોયે કેટલીય સ્મૃતિઓને ગ્રામોફોન રેકર્ડની જેમ ઘસી નાખી છે. એમાં પણ જ્યારે કોઇ સામાજિક પ્રસંગે ભરપેટ પકવાનો ખાઇને આઇસ્ક્રીમ ખાતા હોઇએ ત્યારે તો શરીરના તમામ અંગો ‘હાઇબરનેટ’ થવાની તૈયારીમાં લાગી ગયા હોય છે. શીતનિંદ્રાના પૂર્વાલાપ જેવી એ પરિસ્થિતિમાં કોઇ ચહેરો અચાનક આપણા ચહેરાની બરોબર સામે ઝળૂંબતા ઝળૂંબતા એમ પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે વાસ્તવમાં ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે.
સૌ પ્રથમ તો માથું ઝટકાવીને શરીરના કોષોને ઝંકૃત કરીને સંપૂર્ણતઃ જાગૃત અવસ્થામાં ઘસડી લાવવા પડે છે. પછી પાર્લામેન્ટના વેલમાં ધસી આવેલા વિરોધપક્ષના નેતાઓ જેમ ધમાલ કરવા માંડે તેમ મગજ મધ્યે પ્રશ્નોનું ઘમાસાણ મચી જાય છે. પહેલો પ્રશ્ન તો એ થાય કે આ કઇ ‘પાર્ટી’ની વાત હશે? આપણે રિસેપ્શનમાં આવ્યા છીએ કે કોઇ ભળતી પાર્ટીમાં જ ઘૂસી ગયા છીએ? દંતકથા પાછી એવી પણ ખરી કે સાબરમતીનું પાણી પીનારા બધા પાર્ટી જ હોય! આસપાસ ફરી રહેલા અજાણ્યા ચહેરાઓના સમુદ્રમાં કોઇ ઓળખાણનો ટાપુ ન દેખાય એટલે મૂંઝવણ પાછી વધી જાય. એ પ્રશ્ન પર ગહન વિચાર કરવાની શરૂઆત કરીએ ત્યાંજ આગંતુક અધીરાઈથી પૂછી લે, “બસને પાર્ટી, ભૂલી ગયાને? ઓળખાણ જ ના પડીને યાર?”

હવે અહીં ગપ્પું મારવામાં પણ ફસાઈ ગયા જેવું થાય. એમ જવાબ આપું કે “હા…પડીને…” તો પાછા જાણે એ કોઈ ‘વૉન્ટેડ’ ગુનેગાર હોય અને આપણને તેમની ઓળખાણ ન જ પડવી જોઈએ એવી એમની ઇચ્છા હોય, એમ એ આપણી પરીક્ષા લેશે. “તો બોલો…હું કોણ?” અને જો એમ કહી દઉં કે “ના…ઓળખાણ ન પડી…” તો ખલાસ! સાળાના નવા ધંધામાં મદદ કરવાની ના પાડવાથી શ્રીમતીજીના ચહેરા પર ખોટું લાગી ગયાના જેવા હાવભાવ આવે છે, એવા જ હાવભાવ મારી સ્મૃતિ સાથે KBC રમી રહેલ એ વ્યક્તિના ચહેરા પર આવી જવાની પણ પૂરતી સંભાવના હોય છે.
જોકે ક્યારેક ‘સરફરોશીની તમન્ના’ દિલમાં આવી જતી હોય છે. એમ થાય કે એમને કહી દઉં કે “તમે એવા શું પરાક્રમ કર્યાં છે કે તમારો ચહેરો અમારા મગજમાં કાયમી ધોરણે સ્ટોર થઈ જાય? તમે અમદાવાદના ફાફડા અને રાજકોટના પાટા ગાંઠિયાના ભેદ પર પીએચડી કર્યું છે? કે તમારા કવિતાના પુસ્તકની પાંચ આવૃત્તિ થઇ છે? કે પછી તમે અકાદમી-પરિષદના વિખવાદનું મૂળ શોધી લાવ્યા છો?” પછી એમને ખોટું લાગવું હોય, તો લાગે. What is my father’s going? (દીવ-દમણથી વાયા પોર્ટુગલ લંડન આવેલા ગુજરાતીઓની અંગ્રેજી ભાષામાં ‘મારા બાપનું શું જાય છે?’!)
પણ છેવટે ડૉ. જેકિલ મિસ્ટર હાઇડ પર સવાર થઈ જાય છે અને શિયાળની ખાલમાં પ્રવેશીને વરુ બોલે છે, “તમારો ચહેરો તો ક્યાંથી ભૂલાય? ખાલી નામ ભૂલી ગયો છું…” આ ‘નરો વા કુંજરો વા’ જેવા જવાબથી બે વસ્તુ સિદ્ધ થઈ જાય છે. એક તો એ મિસ્ટર KBCનો અહમ થોડોક પોષાઈ જાય છે. એમને મનમાં થાય, “જોયું? આપણો ચહેરો જ એવો છે કે કોઈ ભૂલી જ ના શકે.” બીજો ફાયદો એ થાય કે એ વ્યક્તિ પછી વિના સંકોચે આપણને એમનું નામ યાદ અપાવી દે. “અરે, વર્ષાના બાપુજીના ત્રીજા છોકરાનો સાળો બકુલ, યાર!” ત્યાર બાદ આપણા મગજનું Intel પ્રોસેસર આ પ્રશ્નનો તાર્કિક જવાબ શોધવા માંડે છે.
પ્રોસેસરને પહેલો ઇનપુટ મળે છે ‘વર્ષા’. આ વર્ષા વળી કોણ હશે? ડાબા હાથની દર્શિકાને લમણાંની જમણી બાજુ પર ઉપસેલા નાનકડા ટાલ સમાન ટાપુ પર લઈ જઈને ખંજવાળતા-ખંજવાળતા નિસહાય બનીને હું ચારેકોર નજર ફેરવવા લાગું છું, તારણહારને શોધવા માટે. આવા સામાજિક ઉખાણાના જવાબ શ્રીમતીજી સિવાય તો કોણ ઉકેલી શકે? અને શ્રીમતીજીના વિચાર સાથે મનમાં ઝબકારો થાય છે કે જેને અમે બધા ‘કાજલ’ કહીએ છીએ (એવું કાજલ કે જેને આંખમાં લગાવતા જ આંસુ આવે!) એમનું પિયરનું હુલામણું નામ વર્ષા છે.
હાશ! ઉખાણાની પહેલી કડીનો જવાબ તો મળ્યો. પણ એ જવાબ સાથે જ બીજો પ્રશ્ન થાય છે કે વર્ષાના કયા બાપુજી? એ જમાનામાં તો એક ઘરમાંથી જ શાળાનો અડધો વર્ગ ભરાઈ જતો હતો. વર્ષાને ચાર બાપુજી છે. એમાંથી પહેલા નંબરના તો લગ્ન થયા પહેલા જ (સુખેથી) ગુજરી ગયા હતા. બીજા નંબરના બાપુજીને ત્રણ છોકરીઓ પર બોનસમાં એક જ છોકરો મળ્યો હતો. ત્રીજા બાપુજીના ઘરે ત્રણ અને ચોથા બાપુજીના ઘરે ચાર કુલદીપકો છે. માટે સંભવિત ઉમેદવારો તો એ બે ઘરમાંથી જ મળશે એમ નક્કી થયું.
પછી મગજ પર થોડુંક વધારે જોર લગાવતા એમ યાદ આવે છે કે ચોથા ભાઈનો ત્રીજો છોકરો તો IPL વખતે સટ્ટો રમાડતા ઝડપાયો હતો એટલે હજું સુધી તેને પરણવાની જરૂર નહોતી પડી. પ્રખ્યાત થઇ ગયોને! એટલે આ ચોથા નંબરના બાપુજીનો ત્રીજો છોકરો તો ન જ હોય. નક્કી એ ત્રીજા નંબર વાળા વડીલ તણો ખલીલ હશે એમ નક્કી થાય છે. પણ એનું નામ શું છે? અહીંયા આવીને અલગોરિધમ હેંગ થઈ જાય એટલે છેવટના ઉપાય તરીકે જેના અંતે ‘ઇશ’ આવતું હોય એવું કોઈ નામ છુટ્ટું મારી લઉં. “અચ્છા, અચ્છા…એટલે તમે જયેશના સાળા?”
અને અચાનક બકુલના મોઢા પર બકુલ ત્રિપાઠી જેવા આઘાતના હાવભાવ આવી જાય છે. “શું તમે પણ, યાર?” મારી સાથે KBC રમી રહેલા આ સજ્જનના મુખેથી વારંવાર નીકળતો ‘યાર’ શબ્દ મને ખૂંચે ખરો કારણ કે હું એમને ઓળખતો નથી અને હજું પણ સન્નારીઓમાં મારો રસ યથાવત્ છે એટલે એમને ‘યાર’ ગણવાનો તો પ્રશ્ન જ નથી. પણ અત્યારે એમને આ શબ્દાર્થ સમજાવવા બેસું એ પહેલા મારે એમણે આપેલી એક્સરસાઇઝ પૂરી કરવી પડે એમ હતી.
છેવટ હું ફરી વાર નજર ફેરવીને સંકટમોચનને શોધવાનો પ્રયત્ન કરું છું. ભામિની તો પાણીપુરીના કાઉન્ટરની આસપાસ જ ક્યાંક હોય એવી પૂર્વધારણાથી વિપરીત આવા સમયે બહુ મહેનતના અંતે તેઓ પોતાના ધણ સાથે આઇસ્ક્રીમના કાઉન્ટરની સામે ભેલાણમાં મગ્ન જોવા મળે છે. અત્યારે તેમનું ધ્યાન આવી તુચ્છ સમસ્યાઓ પ્રત્યે ખેંચવાનું ‘મુશ્કિલ હી નહિ, નામુમકીન હૈ.’
છેવટે હથિયાર હેઠા મૂકીને શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. પછી હું નકટો થઈને પૂછી લઉં છું, “તો પછી તમે કોના સાળા?” અને પછી કોથળામાં પાંચશેરી વાળો લમણાતોડ જવાબ મળે છેઃ “તમારા સસરાના માસીના દીકરા ખરાને રાજકોટમાં…” આમ ઉખાણામાં ઇતિહાસની સાથે ભૂગોળ પણ ઉમેરાઇ જાય છે. “…એમના ત્રીજા નંબરના છોકરા હિતેષનો સાળો.” આ ઉત્તરમાં ઘણા પ્રશ્નો અનુત્તર રહે છે, પણ આપણે કહી દેવાનું, “અચ્છા…અચ્છા…હિતેષનો સાળો. બરાબર, હવે ઓળખાણ પડી. કેમ છે હિતેષ? ઘણા સમયથી નથી મળ્યો.” એટલે એ માણસને ખ્યાલ આવી જાય છે કે આતો આંધળે બહેરું કૂટાય છે. (ચશ્માધારી ખરોને!) એ મોઢું મચકોડીને કહે છે, “શું તમે પણ, ‘યાર’? હિતેષકુમાર તો ત્રણ વર્ષ પહેલા જ કૅન્સરમાં ગયા.”
હાશ! હવે આ રમત બંધ થશે એમ લાગે છે. એ દૂ…રના સાળાભાઈ નિરાશ થઇને આઇસ્ક્રીમ ખાવા જતા રહે છે અને ત્યાં જ બીજો કોઈ ચહેરો સામે આવીને પૂછે છે, “શું પાર્ટી ઓળખાણ પડી?” અને The wheels of the bus go round and round, round and round, all day long!
લેખ બહુ ગમ્યો. વાસ્તવિક છે,
LikeLike
આભાર સાહેબ!
LikeLike
વાહ…. હાસ્યમેવ જયતે
LikeLiked by 1 person
આભાર કવિ!
LikeLike