વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!

International Mother Language Day Gujarati

સમગ્ર વિશ્વમાં આજે 21મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાય છે અને નિયમાનુસાર ફોરવર્ડોત્સવ પણ ઉજવાઇ જાય છે. તેમાં જાતભાતના મૂર્ખતાપ્રચુર અને અજ્ઞાનસભર સંદેશાઓ જ હોય છે. ગુજરાતી ભાષાને લગતી કે અન્ય અર્થસભર વાત તો એવા સંદેશાઓમાં, રાબેતા મુજબ, ભાગ્યે જ જોવા મળે છે. જુઓ, આ રહ્યાં તેનાં અમુક ઉદાહરણોઃ

ફોરવર્ડોત્સવ

  • ગુજરાતીમાં વરસાદ (કે ફલાણા-ઢીંકણા) માટે આટલા શબ્દો છે (પછી એ શબ્દોની યાદી હોય), અંગ્રેજી (અથવા અન્ય કોઇ ભાષા)માં આવી સમૃદ્ધિ છે? એમ તો એસ્કિમોની ભાષામાં બરફના 100થી વધારે પર્યાય છે અને એ દરેકનો ચોક્કસ અર્થ પણ થતો હોય છે. અરેબિક ભાષામાં ઊંટ માટે એક હજાર જેટલા પર્યાય છે અને તે પણ ચોક્કસ અર્થ ધરાવતા હોય છે. તો શું એસ્કિમોને કે અરબસ્તાની લોકોને ગુજરાતીઓને ઉતારી પાડવાનો અધિકાર મળી જશે? એ તો જે તે પ્રદેશની સંસ્કૃતિ અનુસાર ત્યાં ભાષા વિકસી હોય. એ વિકાસમાં ભાષા સમૃદ્ધિ તો પરિણામ સ્વરૂપ હોય છે, કારણ તો જરૂરિયાત જ હોવાની. આવા કારણે એક ભાષા મહાન અને બીજી તુચ્છ એવી સરખામણી કોઇ કરી જ કેવી રીતે શકે?
  • જલેબી (અથવા તો ભજીયાં જેવી ખાવાની વાનગીના નામ)નું અંગ્રેજી કરી બતાવો વાળો સંદેશો ફોરવર્ડ કરીને મૂછો આમળતો વર્ગ પણ ઘણો મોટો છે. પંજાબી ભટૂરાને આપણે ભટૂરા જ કહીએ છીએ અને બંગાળી સોંદેશનું આપણે વધુમાં વધુ સંદેશ જ કર્યું છે ને? મંચુરિયન, મોમો કે સેન્ડવીચ, સિઝલર્સના સ્વાદનું ગુજરાતીકરણ કર્યું હશે પણ નામનું ગુજરાતીકરણ કર્યું છે?

“ગુજરાતી દરવાજો છે. અંગ્રેજી તો માત્ર બારી છે.” આ વિધાન પણ ફોરવર્ડોત્સવમાં કાયમ હાજર હોય છે. અત્યારે 21મી સદીમાં તમે જેટલી પણ ટેક્નોલોજી વાપરો છો, તેના ગુજરાતી પર્યાય છે? અને છે તો વાપરો છો? ભારતમાં પ્રાચીન સમયમાં પુષ્પક વિમાન હશે, પણ આપણે તો બોઇંગમાં જ બેસીએ છીએને? આપણે ત્યાં ઋષિઓ ટેલિપથીનું જ્ઞાન ધરાવતા હશે પણ અત્યારે તો આપણે મોબાઇલ ફોન (ચલાયમાન દૂરભાષયંત્ર!) જ વાપરીએ છીએને? કોઇની લીટી નાની કરવાથી આપણી લીટી મોટી થતી હશે, ભલા માણસ!

મૂળ મુદ્દો મિથ્યાભિમાન

International Mother Language Day Gujarati

મૂળ મુદ્દો એ છે કે આપણી મમ્મીનો જન્મદિવસ હોય (ગુજરાતીમાં બર્થ ડે, યુ નો!) તો આપણે બીજાની મમ્મીઓની ખામીઓ શું કામ શોધવા જવું પડે, એ કોઇ મને સમજાવો. આમ પણ આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, ‘વિશ્વ ગુજરાતી દિવસ’ નથી. દરેક ભાષા કોઇકની માતૃભાષા તો અવશ્ય હશે જ. તો ‘વિશ્વ માતૃભાષા દિવસે’ સન્માન દરેક ભાષાનું થવું જોઇએ. માત્ર એક ભાષા મહાન છે, એવા મિથ્યાભિમાનમાં રાચવાનું શું કારણ હોઇ શકે?

ગુજરાતી બોલી તો ટકવાની જ છે કારણ કે હજું પણ દરેક ગુજરાતી ઘરમાં બોલાય છે તો ગુજરાતી જ. નવી પેઢી ગુજરાતીમાં બોલવા-વિચારવાની સાથે-સાથે વાંચતી-લખતી પણ થાય અને રહે, એ માટે ખરેખર કરવા જેવા કામ હોય તો તે આ મુજબ છેઃ

શાળાનું શિક્ષણ

ધોરણ 12 સુધી તમામ પ્રવાહોમાં ગુજરાતી ભાષા અને ભાષા શુદ્ધિ અત્યંત આગ્રહપૂર્વક શીખવવી જોઇએ. વિષય તરીકે ગુજરાતી ફરજિયાત કરવામાં આવી તે પગલું આવકારદાયક છે, પણ એ સ્તરે સારી રીતે ભાષા શીખવી શકાય એવું માળખું પણ ગોઠવાવું જોઇએ. એ માળખામાં સૌથી મહત્વના છે ‘સક્ષમ’ શિક્ષકો. ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસમાં પણ ગુજરાતી વિષય હોય, તો એ ઉપકારક જ નીવડશે.

શાળા પછીનું શિક્ષણ

ઉચ્ચ અભ્યાસ એટલે કે ધોરણ 12 પછી થતાં તમામ અભ્યાસક્રમો જેવા કે MBBS, BE, MBA, MCA, CA, CS અને અન્ય તમામ ક્ષેત્રોનાં બધાં જ પાઠ્યપુસ્તકો સમજાય એવી અને શુદ્ધ ગુજરાતીમાં હોવા જોઇએ. જે બાળક બારમા ધોરણ સુધી ગુજરાતીમાં ભણ્યું હોય, તેના માથે અચાનક જ અંગ્રેજી થોથાં મારવામાં આવે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગોખણપટ્ટી સિવાય કોઇ જ ઉપાય રહેતો નથી. અને એ કષ્ટ ભોગવનારા બાળકો જ્યારે પોતે મા-બાપ બને છે, ત્યારે આ કારણસર જ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું વધારે પસંદ કરતા હોય છે.

21મી સદીનું બાળ-સાહિત્ય

બાળકોને ભાષા શીખવાડવા માટે પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો ગુજરાતીમાં 19મી સદીમાં જ અટકી ગયા છે જ્યારે બાળકો તો 21મી સદીમાં જન્મી રહ્યાં છે. બાળકોને વાંચવા જેવા પુસ્તકોની વાત આવે ત્યારે ગિજુભાઇ બધેકા નામનો ચલણી સિક્કો વાપરવામાં આવે છે. એક ડગલું આગળ વધતાં જીવરામ જોષી યાદ આવે છે. કોઇ બડભાગીને વળી બકોર પટેલ યાદ હોય છે, પણ તેના સર્જક હરિપ્રસાદ વ્યાસ ખાતે તો ‘હરિ હરિ’ જ ભજવાનું આવે છે.

તમે ક્યારેક 21મી સદીમાં જન્મેલાં બાળકો સામે એ પુસ્તકોમાંથી એકાદી વાર્તા વાંચી સંભળાવજો. તમારે તેમને કેટલા શબ્દો સમજાવવા પડશે, એ તો બીજી સમસ્યા છે. પહેલી સમસ્યા તો એ છે કે તમારે પોતે પણ ઘણાં શબ્દોના અર્થ શોધવા પડશે. જેમના નામ નોંધ્યા એમાંથી કોઇ પણ લેખકોની લેખની, વાર્તારસ કે તેમનાં પ્રદાન વિષે જરા પણ શંકા ઊભી ન કરી શકાય. હું તો તે સાહિત્યની પ્રસ્તુતતાની વાત કરી રહ્યો છું. આજે જ્યારે ઘરમાં ગીઝર વપરાતાં હોય, ત્યારે છોકરાને ભંભોટિયું ક્યાંથી લાવી બતાવવું કે સમજાવવું? (એ સમયની મૂળ વાર્તાઓમાં અમુક જ્ઞાતિ-જાતિ સંદર્ભની જે વાતો આવે છે, તે તો અત્યારે એટ્રોસિટી એક્ટ હેઠળ સજા પાત્ર ગુનો છે, એ પાછો અલગ જ મુદ્દો છે.)

જો બાળક ગિજુભાઇ બધેકા અને જીવરામ જોષીથી જ અટકી જશે, તો તે યશવંત મહેતા અને હરીશ નાયક સુધી તો પહોંચવાના જ નથી. માટે ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશીથી માંડીને હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ સુધી જવાનું તો તેમને સપનું પણ આવશે નહીં. 21મી સદીમાં ગુજરાતમાં જન્મતા બાળક માટેના બાળ સાહિત્ય સર્જકે પણ 21મી સદીમાં આવવું પડશે. કોઇ ગુજરાતી સર્જકે હેરી પોટરની સર્જક જે. કે. રોલિંગની જેમ નવી પેઢીને એમની ભાષામાં, આધુનિક રસ-રુચિ વાળા પુસ્તકો સર્જીને વાંચનની લત લગાવવી પડશે. બાકી છોટા ભીમ અને ડોરેમોન વાળી શહેરી પેઢીને છકો-મકો અને અડૂકિયો-દડૂકિયો આકર્ષી શકે એવું બનાવાની સંભાવના અત્યંત ઓછી છે.

21મી સદીની ફિલ્મો અને કાર્ટૂન શ્રેણીઓ

બાળ પુસ્તકોની વાત તો ખાસ એટલે કરી કે મને (અને મારા જેવા લઘુમતિમાં આવતાં મા-બાપને) બાળઉછેરમાં એમની ખોટ વર્તાય છે. બાકી અત્યારના મોટાભાગના ગુજરાતી પરિવારમાં પુસ્તકો એટલે માત્ર ભણવાનાં પુસ્તકો. એવાં બાળકો સુધી પહોંચવા માટે ગુજરાતીમાં બનેલી બાળ-ફિલ્મો, શક્તિમાન કે બાલવીર જેવી ધારાવાહિક શ્રેણીઓ અને ખાસ તો છોટા ભીમ અને ડોરેમોન જેવી એનિમેટેડ શ્રેણીઓ અને પાત્રો જોઇશે. બાળકોને પુસ્તકો કરતાં પણ કાર્ટૂન વધારે આકર્ષે છે, એ તો નક્કર વાસ્તવિકતા છે. આપણી પાસે આમાંનું કશું છે, જે આપણે 21મી સદીનાં બાળકોના મનોરંજનથાળમાં ધરી શકીએ?

21મી સદીનું સરકારી તંત્ર

છેલ્લે સરકારી તંત્રની પણ વાત કરીએ. સરકારી વિભાગોમાં વપરાતી પ્રશાસનિક ગુજરાતીના ‘મજકૂર’ શબ્દપ્રયોગો બંધ થવા જોઇએ. ‘સદરહુ’ પ્રશાસનિક ભાષાને કારણે તંત્ર અને પ્રજા વચ્ચેનું અંતર વધે છે, વચેટિયાને ઘૂસ મારવાની તક મળે છે અને એ બધા માટે નિમિત્ત બનનારી ગુજરાતી ભાષા પ્રત્યે મનમાં એક ખટકો પણ ઊભો થાય છે કે “મારી માતૃભાષા ગુજરાતી છે, હું ભણ્યો પણ ગુજરાતી માધ્યમમાં જ. તેમ છતાં આ સરકારી ભાષા મને કેમ સાવ અજાણી લાગે છે?”

જોકે દરેક વાતમાં સરકાર પર દોષનો ટોપલો ઢોળી દેવાથી તો કશું થયું પણ નથી અને થવાનું પણ નથી. છેવટે “લોકશાહી એટલે એવું શાસન જે લોકોનું હોય છે, લોકો દ્વારા હોય છે અને લોકો માટે હોય છે.”

હું મારી મમ્મીને ‘બા’ નથી કહેતો

અને છેલ્લે પેલી વિપિન પરીખની પંક્તિ ટાંક્યા વિના તો માતૃભાષાનું મહિમામંડન અધૂરું ગણાશેઃ

‘મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.’

– વિપિન પરીખ

કવિ અને એમના કવિત્વ પ્રત્યે પૂરતાં સન્માન સાથે કહીશ કે આ પંક્તિ પાછલી સદીમાં રહી ગયેલા ગુજરાતીઓનું તેમજ ગુજરાતી ભાષાના અધઃપતનના મુખ્ય કારણનું પ્રતિનિધિત્વ કરતી પંક્તિઓ છે. હું વીસમી સદીના ઉત્તરાર્ધમાં અમદાવાદમાં જન્મ્યો છે અને આ શહેરમાં વિશાળ મિત્ર વર્તુળ ધરાવું છું. મને આજ સુધી એવો એક પણ હમઉમ્ર કે મારાથી નાનો મિત્ર કે પરિચિત નથી મળ્યો કે જે આ શહેરમાં ઉછર્યો હોય અને પોતાની ‘મા’ કે ‘મમ્મી’ને ‘બા’ કહેતો હોય.

ગુજરાતી ભાષાને આપણે જો 21મી સદી જીવંત રાખીને આવનારી સદીઓમાં લઈ જવી હશે, તો સ્વીકારવું પડશે કે ભાષા સતત પરિવર્તન પામતી રહે છે અને એ પરિવર્તનના સાક્ષી જ નહીં, સહભાગી પણ બનવું પડશે.

24 thoughts on “વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ : આપણી મમ્મીના જન્મ દિવસે બીજાની મમ્મીનું અપમાન? : હું મારી મમ્મીને બા નથી કહેતો, પ્લીઝ!

      1. અત્યાર સુધી ભાષાના માધ્યમ વિશે શિક્ષણ સંસ્થા ને સરકાર તરફથી કોઇ ગાઇડ લાઇન મળી ન હતી તેથી જે ભાષા થકી જીવન નહિ પણ ગજવું ઉજાળી શકે તે ભાષા અપનાવી.હવે સરકારે નવી નીતિ રજુ કરીને દરેક પ્રાદેશિક ભાષા ને હવે નવું બળ મળશે જે મૃતપ્રાય થતી ભાષા ને માટે સંજીવની બની રહેશે.
        પણ આ નવી નીતિ ને ઉત્સાહ થી વધાવી લીધી હોય તેવું દેખાતું નથી. સાહિત્યિક સંસ્થાઓ નો શો પ્રતિભાવ છે? તેઓ આ નવી નીતિ માટે શિક્ષણ સંસ્થા ને મદદ કરવા સક્ષમ છે ખરા ?. એકબીજાની પીઠ થાબડવામાં અને ચંદ્રકો વહેંચવા સિવાય અન્ય પ્રવૃત્તિ કરી છે ? એ સંસ્થાઓએ હવે નિવૃત્ત થવું જોઈએ, અને યુવાન વર્ગે જેઓ પાસે શક્તિ અને દૂર સુધી જોવાની ક્ષમતા છે તેઓએ આગળ આવીને નવી જ સંસ્થા શરુ કરવી જોઈએ, જે શિક્ષણ સંસ્થા સાથે બેસીને વિચાર વિમર્શ કરી નવું જ માળખું તૈયાર કરે , જેમાં અત્યારની જ ગુજરાતી ભાષામાં બાળકોને શિખવાડવા બાળ સાહિત્ય તૈયાર કરે અને ધીરે ધીરે તેમાં નવાં નવાં સોપાનો ચડતાં ચડતાં ભાષા સાહિત્ય રચતા જાય જે થકી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થી ને નવા નવા વિષયો શિખવા માં સહાયક બની રહે.બહુજ લાંબા ગાળાની યોજના વિચારવી પડશે, જે યુવા વર્ગ જ કરી શકે, કારણ કે તેઓ માં નવી નવી ઉભી થતી પરિસ્થિતિ ને પારખવાની અને તેને પહોંચી વળવા ની સૂઝ હોય છે. બાકી અમેા બુઢાઓ ( મને ૮૬ થયાં)પુરાણા સાહિત્ય માં જ પુરાઇ ગયેલા છીએ , અમે તો બગડતા જતા ગુજરાતી સાહિત્ય નાં રોદણાં રડી ને સાહિત્ય સેવા કર્યા નું અભિમાન લેતા હોઇએ છીએ,અમને નવા જગત ની અને તેને અનુરૂપ જોઈતા શિક્ષણ ની બિલકુલ સમજ જ નથી.

        Liked by 1 person

  1. તમારો બળાપો યોગ્ય જ છે પણ અહીં દેવતાય તિથિ અને વાર જોઈને પૂજાય છે.
    આજે બધે જ ઠેકાણે ગુજરાતીમાં સંદેશાઓ વાંચવા મળશે. આવતીકાલે મિયાં ઠેરના ઠેર હશે. જોજો.
    બાકી હું મારી માને બા અને પિતાને બાપુજીનું સંબોધન કરતી હતી.

    Liked by 1 person

  2. બધી વાતો સાચી છે. સાચા ગુજરાતીપ્રેમી અને રક્ષક બનવું સહેલું નથી.. ઘણાં અથાગ પ્રયત્ન જરૂરી છે.

    Liked by 1 person

  3. સુંદર છણાવટ સાથે વાસ્તવવાદી વાત કરી..
    લોકો એક દિવસ પૂરતું જ ફોરવર્ડ કરીને જાણે કે પોતાના ભાષા પ્રેમની પોતાના ભાગની જવાબદારી પુરી કરતા હોય તેવું થઈ ગયું છે.

    ને એમાં તો બસ વાહવાહી ને મોટી વાતો કરી ને મહાન બની જવાનું જ વિચારે..બીજાની લીટી નેની કરી ને.

    પછી બીજા દિવસે પોતાની લીટી ને જુવે પણ નહીં..

    Liked by 1 person

  4. સુંદર વાસ્તવવાદી વાત કરી..
    લોકો એક દિવસ પૂરતું જ ફોરવર્ડ કરીને જાણે કે પોતાના ભાષા પ્રેમની પોતાના ભાગની જવાબદારી પુરી કરતા હોય તેવું થઈ ગયું છે.

    ને એમાં તો બસ વાહવાહી ને મોટી વાતો કરી ને મહાન બની જવાનું જ વિચારે..બીજાની લીટી નેની કરી ને.

    પછી બીજા દિવસે પોતાની લીટી ને જુવે પણ નહીં..

    Liked by 1 person

  5. આપ નો લેખ ઘણો પસંદ પડ્યો. આવા સૂર સાથેનો એક લેખ મે પાંચેક વરસ અગાઉ સંદેશ માં લખ્યો હતો. પણ તે જુદા સંદર્ભમાંહતો. અભિનંદન.

    Liked by 1 person

  6. સાચે જ, એકદમ સચોટ વાત કરી.
    માતૃભાષાએ કોઈ પણ વ્યક્તિ માટે સૌથી અગત્યની ભાષા છે, માન્યું. ગુજરાતીના સંદર્ભમાં વાત કરીએ તો ઘણા કવિ-લેખકોએ ગુજરાતીને બિરદાવી છે.
    પણ શું માત્ર સોગિયા મોઢા લઈને કોઈ હોલમાં બેસીને મંથન કર્યે રાખે કોઈ ભાષા બચે?
    ઈઝરાયેલ સામે પણ હિબ્રુ ભાષાને લઈને આ જ પ્રશ્ન ઉભો થયો. પણ ઇઝરાયેલે તેને સેમિનાર પૂરતો સીમિત બનાવવાને બદલે દુનિયાભરના જ્ઞાનને હિબ્રુમાં ફેરવવાનો એક પ્રોજેકટ તૈયાર કર્યો. ભાષાનું બંધન જ્ઞાનપ્રાપ્તિ માટે અડચણ ન બનવું જોઈએ તે વાત સ્વીકારી અને લોકોને હિબ્રુ તરફ વાળવા માટે હિબ્રુને તૈયાર કરી.
    અને અહીં શુ સ્થિતિ છે?
    ગુજરાતી પ્રત્યેનો આપણો પ્રેમ એ અંગ્રેજી પર નફરતે આવીને અટકી જાય છે. દુનિયાની કોઈ ભાષા કોઈ અન્ય ભાષા પર આક્રમણ નથી કરતી. પણ જો આપણે આપણી ભાષામાં જ્ઞાનની ગંગોત્રી ઉત્પન્ન નહીં કરી શકીએ તો અન્ય ભાષાના ઓશિયાળા બનવું જ પડે.
    આ માતૃભાષા દિવસ પર અંગ્રેજીને કોસવાને બદલે, ગુજરાતીને હજી સશક્ત બનાવવા કંઈ કરીએ.

    Liked by 1 person

    1. મહત્વનો મુદ્દો છે જાનકી. આજ પહેલ સાઉથ કોરિયામાં કોરિયન ભાષા માટે પણ કરવામાં આવી માટે એ ભાષા અને દેશનો ઘણો વિકાસ થયો છે.
      અને હા, યુવા સાહિત્યકારો હવે સોગિયા નહીં પરંતુ મોહક મુખારવિંદમ સાથે સ્ટેજ પર બિરાજમાન થતા હોય છે. ધ્યાનથી જોજે. 🙂

      Like

  7. ભાઈ…
    આ લેખ વાંચતી વખતે મને દરેક લિટીએ એવો અનુભવ થયો કે હું જે વિચારું છું એ વાતને વાચા મળી છે.મને પણ દરેક વખતે એમ થાય કે ઘણા લોકો અન્ય ભાષાઓને અને એમાં પણ ખાસ કરીને અંગ્રેજી ભાષાને નીચી બતાવીને ખૂબ મોટી માતૃભાષાની સેવા કરતા હોય એવા વહેમ માં રાચતા હોય છે.આપણે અંગ્રેજીનો શબ્દકોશ ના જાણતા હોઈએ તો એવો દાવો ના કરી શકાય કે ભાષા સમૃદ્ધ નથી. આપની બાળ સાહિત્ય અંગેની વાત પણ સાચી જ છે.
    ધન્યવાદ

    Liked by 1 person

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)