International Women’s Dayના દિવસે આયેશાની વાતઃ નિષ્ફળતાઓથી ડરતો અને ડરાવતો સમાજ

International Women's Day Acceptance of Failure Chirag Thakkar

આવતીકાલે 8 માર્ચે International Women’s Day છે, ત્યારે અમદાવાદની એક યુવતીએ ઉઠાવેલા અંતિમ પગલાંની અને તેના પ્રત્યાઘાતોની ચર્ચા અસ્થાને નહીં ગણાય કારણ કે એ મુદ્દો આપણા સમાજ માટે તો મહત્વનો છે જ, પણ સ્ત્રીઓ માટે વિશેષ મહત્વનો છે.

અમદાવાદમાં બનેલી આયેશાની ઘટનાએ માત્ર અમદાવાદ કે ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને અને પડોશી દેશોને પણ વિચારે ચડાવી દીધાં છે. તેના વિષે ઘણી વાતો થઇ અને ઘણા યોગ્ય મુદ્દા પણ જાહેરમાં લખાયા અને ચર્ચાયા છે. જેમ કે,

(1) મોટાભાગે વાત થઇ દહેજપ્રથાની, જેને બધાએ વખોડી કાઢી. પણ જ્યારે એ વિચારને અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે શું થાય છે, એ પણ ટૂંકમાં નોંધવા જેવું છે. દહેજપ્રથાના દૂષણ અંગે ભણી ભણીને બે પેઢીઓ મોટી થઇ ગઇ છે એટલે સામેથી મોંઢું ફાડીને દહેજ માંગનારા લોકો તો ઘટ્યા છે પરંતુ દહેજપ્રથા છૂપા સ્વરૂપે તો ચાલું જ છે. એ છહ્મવેષ આવા સંવાદો હેઠળ રચાતો હોય છેઃ “અમે તો છોકરીવાળા પાસે કંઇ માંગ્યું નથી. એમણે રાજીખુશીથી જે આપવું હોય એ આપે.” અથવા “એ લોકો એમની છોકરીને આપે એમાં આપણાથી કંઈ ના થોડી પડાય? આપણે ક્યાં કંઇ કીધું છે?” તમે ભીખ માંગતા ન હોવ તેમ છતાં કોઇ તમારા હાથમાં રૂપિયા મૂકી જાય, તો તેને તમે સ્વીકારશો કે સ્વમાનભેર ના પાડશો?

બીજું, આવું કહ્યાં છતાં ઘણીવાર મોટાભાઇની કે સગા-વહાલાની વહુઓ શું-શું લઇને આવી હતી તેની માહિતી ગમે તે રીતે સામેવાળાને પહોંચી જ જાય છે. આમ સીધી નહીં પણ આડકતરી રીતે તો સૂચવી દેવામાં આવે જ છે કે વહુએ શું શું લઇને આવવું જોઇએ.

કોઇ બહારગામ જતું હોય ત્યારે એક બેગમાં જેટલાં વસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓ લઇ જતું હોય માત્ર એટલી વસ્તુઓ લઇને જ દીકરી સાસરે જાય ત્યારે જ દહેજપ્રથા બંધ થઇ ગણાય. જો વહુ આનાથી વધારે વસ્તુઓ લાવતી હોય, તો તેને વરપક્ષ તરફથી સ્પષ્ટ મનાઇ ફરમાવામાં આવે અને એમ કહેવામાં આવે કે ‘અમે અમારી હેસિયત મુજબ તને રાખીશું. એટલે બધું રહેવા દઇને માત્ર તું આવી જા.’ ત્યારે દહેજપ્રથા બંધ થઈ કહેવાય. (અને મને અંગત રીતે તો એમ પણ લાગે છે કે વરપક્ષની કંગાલિયતનું પ્રદર્શન કરવા માટે જ આણું પાથરવામાં આવતું હશે. ‘જોઇ લો એમના ઘરમાં જે જે નથી એ અમે મોકલાવી રહ્યા છીએ.’ નહીંતર ક્યારેય કોઇને ભેટમાં આપવાની વસ્તુઓનું પ્રદર્શન આપણે કરીએ છીએ? ઊલટાનું તેને છુપાવીને આશ્ચર્યનું તત્વ ઉમેરવા આપણે સરસ રીતે એ વસ્તુ પેક કરીને, રિબિન બાંધીને આપતા હોઇએ છીએ.)

(2) દરેક મા-બાપને પોતાની દીકરીનાં ભવિષ્યની ચિંતા હોય જ છે. જે મા-બાપ સાચા અર્થમાં પોતાની દીકરીને સલામત જીવન આપવા ઇચ્છતા હોય, તેમણે લગ્ન અને આણાંના નામે લાખોનો ખર્ચ કરવાને બદલે એ રકમ દીકરીના નામે યોગ્ય જગ્યાએ રોકવી જોઇએ અથવા તો એ રકમથી દીકરીના નામે કોઇ મિલકત ખરીદવી જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ એમ કહે કે “જતી રહે આ ઘરમાંથી…” તો એ દીકરી સ્વમાનભેર પોતાની રીતે જીવી શકે.

વારે-તહેવારે દીકરીઓને પ્રથા-રિવાજ-ધર્મના નામે સો-બસો રૂપિયા આપીને, રાજકીય ભાષામાં કહીએ તો, દીકરીનું તુષ્ટીકરણ કરવામાં આવે છે કે જેથી દીકરીને મિલકતમાંથી ભાગ આપવો ન પડે અને ફરિયાદ પણ ન થાય. કોઇ તહેવાર કે પ્રસંગે દીકરીને એક રૂપિયો પણ આપવાની જરૂર નથી. યોગ્ય સમયે મિલકતમાંથી બરાબર ભાગ મળવો જોઇએ. એ દીકરીનો કાયદેસરનો હક પણ છે અને તેના જીવનની સલામતી પણ.

(3) પેલા સદીઓ જૂના સંવાદો કે ‘દીકરી તો સાસરે જ શોભે’, ‘દીકરી તો પારકું ધન’, ‘એક ભવમાં બીજો ભવ ન થાય’ અને ‘સાત જન્મોનો સંબંધ’ વગેરે વગેરેને હવે તિલાંજલિ આપી દેવી જોઇએ. આ જન્મ સુખેથી અને સન્માનથી વીતે તો ઘણું, આવતા જન્મની વાત આવતા જન્મે.

આવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં અને સમાચારપત્રોમાં ચાલી. એ બધા જ મુદ્દા બરાબર છે પણ એક મહત્વનો મુદ્દો છૂટી જાય છે. જો તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો પણ નામ પૂરતો જ. એ મહત્વનો મુદ્દો એટલે નિષ્ફળતાના સ્વીકારની વાત અને આ કિસ્સામાં નિષ્ફળતા એટલે છૂટાછેડા, ડિવોર્સ. એને લગતા કાયદા, એ પ્રક્રિયાનું લંબાણ અને તેના દુરુપયોગ અંગે ઘણી વાતો થઇ છે. તેમ છતાં આજના જમાનામાં કે જ્યારે બે માણસો પોતાની મરજીથી પહેલાં કરતા ઘણી સરળતાથી લગ્ન કરી શકે છે ત્યારે પણ છૂટાછેડા અને ડિવોર્સને એક ‘ટેબુ’ જ માનવામાં આવે છે એ નવાઇ પમાડે એવી વાત છે. ઉપરાંત, આપણા સમાજને શાલીનતાથી છૂટા પડતા પણ નથી આવડતું એ પણ દેખાઇ આવે છે.

પહેલા વાત કરીએ કાયદાની. કાયદો તો મૂર્ખ છે જ. લગ્ન કરવા જાવ ત્યારે એમ નથી કહેતો કે ‘છ મહિના સાથે રહી જુઓ, ફાવે તો લગ્ન કરજો.’ (હવે ‘લિવ ઇન રિલેશનશિપ’ હેઠળ એ છૂટ છે, પણ કાયદા અનુસાર ફરજિયાત નથી અને તેની સામાજિક સ્વીકૃતિ પણ નગણ્ય છે.) પણ જ્યારે છૂટા પડવા જાવ ત્યારે કાયદો એમ કહે છે કે ‘છ મહિના સાથે રહી જુઓ, પછી આવજો.’ બીજા શબ્દોમાં એ સૂચવે છે કે મન મારીને રહેતા શીખી જાવ તો સારું. બાકી છ મહિના નહીં, ઘણીવાર તો છ વર્ષ પ્રયત્ન કરીને અંતિમ ઉપાય તરીકે એ યુગલ કાયદાના શરણે આવ્યું હોય છે અને કાયદો તેમના સંબંધની ફાટેલી પતંગ પર સમય નામની ગુંદરપટ્ટી ચોંટાડવાની સલાહ આપતો હોય છે. એ વાત થઇ કાયદાની જેના ફાયદા અને ગેરફાયદા બંને છે. પણ સમાજ તરીકે આપણે શું કરીએ છીએ?

International Women's Day Acceptance of Failure Chirag Thakkar

તમે નોંધજો કે છૂટા પડ્યા પછી બંને પક્ષ એકબીજાના ચારિત્ર્ય પર કાદવ ઉછાળે છે કે નહીં? સમાજમાં જે તે વ્યક્તિની પીઠ પાછળ કાનાફૂસી થતી હોય છે કે નહીં? છૂટાછેડા લઇને જાણે બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય એવું વર્તન થતું હોય છે કે નહીં? અપવાદરૂપ કિસ્સા મળી આવશે ખરા, પણ સામાન્યતઃ એ અંગત ઘટનાનો જાહેર પ્રત્યાઘાત તો એવો જ હોય છે કે ફલાણા કે ફલાણીને ઘર કરીને રહેતાં ન આવડ્યું.

મૂળ મુદ્દો એ છે કે સમાજ તરીકે આપણે નિષ્ફળતાઓથી ડરનારો સમાજ છીએ. આપણે તો જ સાહસ કરતા હોઇએ છીએ, જો સફળતા મળવાની ગેરંટી હોય. માટે જન્મથી લઇને મૃત્યુ સુધી માણસને નિષ્ફળતાઓનો ભય બતાવીને વ્યક્તિગત નિર્ણયો લેવા દેવામાં આવતા નથી કે સ્વતંત્ર પગલાં ભરવાં દેવામાં આવતાં નથી. બાળકને ગમતા વિષયો ભણવા ન દેવા, ગમતા ક્ષેત્રમાં આગળ ન વધવા દેવું, ગમતાં પાત્ર સાથે પરણવા ન દેવું, કે ગમતી કારકિર્દી અપનાવવા ન દેવી — આ બધા પ્રસંગો એ ‘તને ખબર ન પડે. અમે દુનિયા જોઇ છે’ એમ કહેવામાં આવે છે. તેની પાછળની શુભ લાગણી કે ગણતરી તો એજ હોય છે કે જે તે વ્યક્તિ અમારા અનુભવોના આધારે નિર્ણય લેશે તો તેની નિષ્ફળ થવાની સંભાવનાઓ ઘટશે.

પણ માણસને જાતે અનુભવ લઇને નિષ્ફળ થવા દેવાને બદલે બીજાની સફળતાની નકલ બનાવવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? શું નિષ્ફળતા એ જીવનનો અંત છે? નિષ્ફળ થયેલો માણસ સાવ નકામો થઇ જાય છે? એ જીવવાનો અધિકાર જ ગુમાવી દે છે?

દસમા કે બારમા ધોરણમાં નપાસ થયેલા છોકરાને એટલો શરમમાં મૂકવામાં આવે છે કે તે મહિના સુધી તો ઘરની બહાર નીકળવાની હિંમત જ નથી કરતો હોતો. ક્યારેક નિષ્ફળતાઓના ભારણ હેઠળ ન કરવા જેવું પણ કરી બેસતો હોય છે. કોઈ માણસ પોતાના એક ધંધામાં નિષ્ફળ થાય, તો તેને બીજીવાર ધંધો કરવાના બદલે નોકરી કરવાની સલાહ આપવામાં આવે છે.

સંભવતઃ આપણને સહુને સફળ લોકોને નાયક બનાવીને પૂજવા એટલા ગમતા હોય છે કે આપણે નિષ્ફળ માણસને સ્વીકારી નથી શકતા. કે પછી નિષ્ફળ માણસમાં આપણને આપણું પોતાનું એ પ્રતિબિંબ દેખાતું હોય છે જેને આપણે ક્યારેય જોવા ઇચ્છતા હોતા નથી. કે પછી આપણે સફળતાને જીવન જીવવાનો સૌથી મહત્વનો માપદંડ બનાવી દીધો છે માટે આપણે નિષ્ફળતાને સ્વીકારી જ નથી શકતા. નિષ્ફળતા જાણે કોઇ ચેપી રોગ હોય, તેમ તેનાથી દૂર ભાગતા રહીએ છીએ.

તમારી સાથે જે ભણતા હતા તેમને યાદ કરીને એક વાત પર વિચાર કરોઃ શું એકથી દસ નંબરમાં પાસ થનારા લોકો જ સુખી છે અને આનંદપૂર્વક જીવે છે? જે છેલ્લે આવતા હતા કે જે પાસ જ નહોતા થતા કે જે માર્ક્સની દ્રષ્ટિએ મધ્યમવર્ગમાં હતા, એ લોકો પોતાનો જીવનનિર્વાહ નથી કરી રહ્યા? શું એ બધાં દુઃખી જ છે? છૂટાછેડા લેનારી વ્યક્તિનું જીવન સમાપ્ત થઈ જાય છે?

હું અંગત રીતે એવા બે યુગલને ઓળખું છું, જે સાથે રહીને દુઃખી હતાં માટે તેમણે છૂટાછેડા લીધા. હવે ચારેય છૂટા પડીને ફરી વાર પરણી ગયા છે અને ચારેય પોતપોતાની રીતે આનંદમાં અથવા ઓછાં દુઃખી થઇને જીવે છે. એક એવી યુવતીને પણ ઓળખું છું જે એકલા હાથે, સન્માનપૂર્વક પોતાના બે પુત્રોને ઉછેરી રહી છે.

મારા મિત્રોમાંથી એક દસમા ધોરણમાં નપાસ થયો હતો. પછી એ પોતાની રીતે કામમાં લાગી ગયો અને અત્યારે એજ કામમાંથી છ આંકડાની આવક રળે છે. એવો પણ એક મિત્ર છે કે જે દર એક-બે વર્ષે પોતાનું ક્ષેત્ર છોડી દઈને નવા ક્ષેત્રમાં ઝંપલાવે છે અને એકસરખી નિષ્ફળતા પછી પાછો એટલા જ ઉત્સાહથી સાવ નવા ક્ષેત્રમાં પણ ઝંપલાવે છે.

તો આ બધા લોકો શું સુખી નથી? આનંદપૂર્વક નથી જીવતા? નિષ્ફળતા કે સફળતા તો જીવવના એવા અસ્થાયી તબક્કા છે જે આવશે અને જશે. It will pass! એ તબક્કાથી વધારે મહત્વનું છે જીવન. જો આટલી સમજ મા-બાપ પોતે કેળવશે અને પોતાના સંતાનોમાં પણ ઉતારશે, તો શક્ય છે કે આપણે આવી મીઠડી આયેશાને ફરી ગુમાવવી નહીં પડે.