તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

Tamil Movie 96 - A Lovestory of 90s

દરેક જનરેશન એટલે કે પેઢીની એક તાસીર હોય છે, ખાસિયત હોય છે, લાક્ષણિકતા હોય છે. તે ઘડાતી હોય છે તે સમયના પ્રવાહો ઝીલવાથી અને તેમાં જોડાવાથી. કોઈ પેઢી બીજી પેઢીથી સારી કે ખરાબ નથી હોતી, તેમ છતાં દરેક પેઢીને પોતાનો સમય, પોતાની પેઢી જ સર્વોત્તમ લાગતી હોય છે. અને એમાં ખોટું પણ શું છે? ચાલો, વાત કરીએ 90ના દસકમાં કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં આવેલી એ પેઢીની, એટલે કે 90ના દસકની પેઢીની, જે જન્મી હતી 80ના દસકમાં અને અત્યારે પોતાની ચાલીસીમાં છે. હું પણ એમાંનો જ એક.

90ના દસકાનો માહોલ ઘણો અલગ હતો. બાળકો સાઈકલ પર સ્કૂલે જવામાં ગર્વ અનુભવતા હતા, મિત્રો સાથે અને મિત્રો માટે રખડપટ્ટી કરવામાં થાકતા નહોતા, મા-બાપ તેમને ઘરની અંદર રાખવા માટે સતત મથતાં રહેતાં, ટીવીમાં જોડીને રમી શકાય તેવી વિડિયો ગેમ તેમનું સપનું હતું, લેન્ડલાઈન ફોન ઘરની લક્ઝરી હતી, ઉનાળામાં રાત્રે પચાસ પૈસા કે રૂપિયાનો બરફ લાવીને પાણી ઠંડુ કરીને પીવામાં તેમને આનંદ આવતો હતો અને મૂક-અવ્યક્ત-ઉત્કટ પ્રેમ એ પેઢીની આગવી લાક્ષણિકતા હતી.

એ પેઢી DDLJના મદમાં મસ્ત થનારી પેઢી હતી. તેઓ પ્રેમ કરતા પણ હતા અને તેને વ્યક્ત પણ નહોતા કરતા. તેમને પ્રેમલગ્ન કરવા પણ હતા અને મા-બાપને મનાવવા પણ હતા. તેમને પરિવાર માટે જીવવું પણ હતું અને કોઈના પર મરવું પણ હતું. ટૂંકમાં, એ Future Impossibe Tesneમાં જીવનારી પેઢી હતી. તેઓ કિનારા સુધી વહાણ લાવીને પાછા મધદરિયે જતા રહેનારા હતા.

ચારુ ગુપ્ત અને પ્રેમ કુમાર પણ સંભવતઃ આ પેઢીના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ. માટે જ તેમણે એક અદ્ભુત સ્ક્રીપ્ટ લખી, સ્વયં પ્રેમ કુમારે જ તેને ડિરેક્ટ કરી અને વિજય સેતુપતિ તેમજ ત્રિશા ક્રિષ્નનના ઊડીને આંખે વળગે તેવા સંકોચશીલ, બારીક અભિનય સાથે એક ફિલ્મ બનાવી જેનું નામ છે ’96’. (મૂળે 2018માં તમિળમાં બનેલી આ ફિલ્મ 2019માં હિન્દીમાં પણ ડબ થઈ છે.)

’96’ ફિલ્મનું હિન્દી ટ્રેલર!

આ ફિલ્મની વાર્તા એ પેઢીની જ વાર્તા છે. શાળાજીવનમાં શરૂ થયેલો અવ્યક્ત પ્રેમ ક્યાં અને કેવી રીતે પહોંચ્યો તેની વાર્તા તેમાં ઓછામાં ઓછા સંવાદો અને ઓછામાં ઓછા મેલોડ્રામા થકી દર્શાવાઈ છે. જે પણ વ્યક્ત થયું છે તેમાંથી વધુ તો માત્ર આંખો અને હાવભાવથી જ વ્યક્ત થયું છે અને છતાં આપણે વાર્તા સમજી જઈએ છીએ કારણ કે આપણે તો એ વાર્તા જીવી ગયા છીએ.

Continue reading “તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી”

‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન

sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.

“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.

Continue reading “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન”

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા

Dhruv-Bhatt-Gujarati-Novel-Karnlok-Book-Review-Chirag-Thakkar-Jay

[8 મે, 2021 ના દિવસે ધ્રુવ ભટ્ટે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે]

કર્ણ અને કુંતી – ભારતીય સમાજના અનાથ બાળક અને મજબૂર માતાનાં પ્રતીક. પણ કર્ણના જીવનનું કારુણ્ય તેની અનાથતાથી પણ ઘણું વધારે છે જે દિશામાં આપણે વિચાર નથી કરતા. પરંતુ શ્રી ધ્રુવ ભટ્ટ જુદી માટીમાંથી ઘડાયેલા માનવ છે, એવું તમે તેમનું કોઈ પણ પુસ્તક વાંચીને કહી શકશો. માટે સામાન્ય માનવીના જીવનમાં પણ કર્ણના જીવનનું કારુણ્ય રહેલું છે તેમ ધુવ ભટ્ટની ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ વાંચીને અનુભવી શકાય છે.

Dhruv Bhatt Gujarati Novel Karnlok Book Review Chirag Thakkar Jay
ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ના લેખક ધ્રુવ ભટ્ટ જીવનસાથી સાથે
(તસવીરઃ મેઘા જોષી)

સામાન્યતઃ પોતાના લેખન માટે ધ્રુવ ભટ્ટ લખાણ શબ્દ વાપરે છે, પણ ‘કર્ણલોક’ને નવલકથા ગણવામાં આવી છે. તેમ છતાં વાંચતાં-વાંચતાં પ્રતિત તો એમ જ થાય કે ધ્રુવ ભટ્ટ તો એ જ છે, જે આપણને તેમના અન્ય પુસ્તકોમાં જોવા મળે છે. તેમની આગવી શૈલી મુજબ તેમણે પુસ્તક અર્પણ કર્યું છે ‘માનવજાતની પ્રથમ માતાને’. પ્રસ્તાવના પણ માત્ર એક જ લીટીની છેઃ ‘આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવાનું નથી.’ સાચી વાત છે. પુસ્તકમાં જ તેમણે ઘણું બધું કહ્યું છે, પછી પ્રસ્તાવનામાં કહેવાની શું જરૂર હોય? જોકે પ્રસ્તાવનાનાં પાના પર જમીનમાં ખૂંપી ગયેલાં રથનાં પૈડાનું રેખાંકન પ્રતિકાત્મક છે. આ નવલકથા 24 પ્રકરણ અને 252 પાનામાં આલેખાયેલી છે. ધ્રુવ ભટ્ટ આમ પણ લાંબુ નહી, ઊંડુ લખે છે અને ઘણીવાર તમારે વાચન અટકાવીને જે વાંચ્યું તેની પર બે ક્ષણ વિચારવું પડે છે માટે આ નવલકથાનું કદ વધારે તો લાગતું જ નથી.

Continue reading “ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા”

ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’નું ‘તણખા મંડળ’

Gaurishankar Joshi Dhoomketu Tankhamandal Short Story Chirag Thakkar ગૌરી શંકર જોશી 'ધૂમકેતુ' તણખા મંડળ ટૂંકી વાર્તા ચિરાગ ઠક્કર 'જય'

ઘણા મિત્રો કદાચ તેમનાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા હશે માટે તેના લેખકના નામ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’થી તો જરૂર પરિચિત હશે. સતત સર્જનશીલ રહેલા સાહિત્યકાર શ્રી ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ને કયો સાહિત્યપ્રેમી ગુજરાતી નહીં ઓળખતો હોય? કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’થી જન્મેલી ગુજરાતી ટૂંકીવાર્તાને ઉછેરીને યુવાનીના ઉંબરા સુધી લઇ આવનારા ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું અત્યંત મહત્વનું સીમાચિહ્ન છે.

શ્રી ઉમાશંકર જોશીએ એકવાર તેમના વિષે લખ્યું હતું,

ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢમૂલ થયો…ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતાં એ વખતે હિંદમાં પાંચ-છ વાર્તાલેખકો હોય તો પણ મોટી વાત છે.

તેમણે કુલ અગિયાર ખંડમાં પથરાયેલી તેમની નવલિકાઓ દ્વારા વાચકોને મહાલવા માટે એક રસપ્રચુર સંસારનું નિર્માણ કરી આપ્યું છે. આ ઉપરાંત ચૌલુક્ય યુગની સોળ, ગુપ્ત યુગની તેર અને સાત સામાજિક નવલકથાઓ તથા સાત જીવનલક્ષી કૃતિઓ, નવ ચિંતનાત્મક કૃતિઓ અને બાલસાહિત્યના બાંસઠ જેટલાં પુસ્તકો પણ આપ્યા છે. તેમના વિષે અને તેમના સર્જનો વિષે ઘણું બધું લખાયું છે માટે મારા જેવાની વાત તો નગારખાનામાં તતૂડીના અવાજ જેવી જ લાગે તેમ છતાં અહીં તેમણે ટૂંકી વાર્તા વિષે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેની વાત કરવી છે.

Continue reading “ગુજરાતી ટૂંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’નું ‘તણખા મંડળ’”

Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ

Super Deluxe Vijay Sethupathi Movie Review Chirag Thakkar

ખાંટુ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ

વર્ષ 2001માં જ્યારે આ યુગના સૌથી પ્રભાવક ફિલ્મ દિગ્દર્શકોમાંના એક એવા સ્ટીવન સ્પીલબર્ગ ‘A.I. Artificial Intelligence‘ ફિલ્મ લઇને આવ્યા, ત્યારે દર્શકો અને વિવેચકોને તે બહુ જ ગમી હતી. સાયન્સ ફિક્શન સ્વરૂપે રજૂ થયેલી એ ફિલ્મના અંતમાં બહુ જ ખૂબીથી માનવતા વ્યાખ્યાયિત થતી હતી. એ સમયે એમ લાગતું હતું કે માનવતાની આનાથી વધારે સારી અને પ્રેરણાત્મક વ્યાખ્યા કોઈ આપી શકશે નહીં.

A.I. Artificial Intelligence

Super Deluxe Vijay Sethupathi-Movie Review Chirag Thakkar AI Artificial Intelligence Steven Spielberg Movie
સ્ટીવન સ્પીલબર્ગની A.I. Artificial Intelligence ફિલ્મનું પોસ્ટર

એ ફિલ્મની વાર્તા ટૂંકમાં કંઇક આવી હતી. બહુ દૂરના નહીં એવા ભવિષ્યમાં એક દંપતીનું બાળક અસાધ્ય રોગથી પીડાતું હોવાથી તેને ઘણા સમયથી મૂર્છિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. સંતાનની ખોટ પૂરવા એ દંપતી ડેવિડ નામના એક રોબોટિક બાળકને દત્તક લે છે. આ રોબોટ દેખાવમાં તમામ રીતે સામાન્ય બાળક જેવો જ છે. થોડાક સમય પછી દંપતીના બાળકના રોગની સારવાર શોધાઇ જાય છે અને તે સાજો થઇને પાછો આવે છે. એ પછી સાચા બાળક અને આ રોબોટિક બાળક વચ્ચે માતાનો પ્રેમ પામવાની જે સ્પર્ધા થાય છે તે ડેવિડને એવી યાત્રાએ લઈ જાય છે જે અંતમાં માનવ હોવાની વ્યાખ્યા સુધી પહોંચે છે.

Continue reading “Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ”

સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી

Stieg Larsson The Girl Millennium Trilogy Book Review Chirag Thakkar Jay

જેમણે અશ્વિની ભટ્ટની ‘કટિબંધ’ વાંચી હશે તેમને એક વિચાર તો આવ્યો જ હશે કે ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા ત્રણ અલગ-અલગ નવલકથા તરીકે પણ અવશ્ય વાચકોને જકડી રાખત અને તેમ છતાં લેખકે તેમને બખૂબી એક તાંતણે બાંધીને વધારે મજબૂત નવલકથા આપી છે.

આવી જ રસપ્રચુર નવલકથાત્રયી (ટ્રિલોજી) છે સ્ટીગ લાર્સન (Stieg Larsson) કૃત ‘મિલેનિયમ ટ્રિલોજી’. જ્યારે સ્ટીગ લાર્સનની ‘મિલેનિયમ ટ્રિલોજી’ વાંચવા હાથમાં લીધી ત્યારે એવો કોઈ જ અણસાર નહોતો કે તેઓ આટલા પ્રિય થઈ પડશે. પણ તેમની ત્રણેય નવલક્થાઓ વાંચીને અનાયાસે એક હાયકારો નીકળી ગયો, “બસ, આટલું જ? હજી લખો…” પણ તેમની ‘મિલેનિયમ ટ્રિલોજી’ તો મરણોત્તર પ્રગટ થઈ હતી! જેમને કદી જોયા નહોતા કે જાણ્યા નહોતા, માત્ર વાંચ્યા જ હતાં તેમના ન હોવાથી કેમ આટલો અફસોસ થતો હશે?

આની પહેલા આવું બન્યું હતું 1998માં. એક સાંજે હરકિસન મહેતાની ‘જડ-ચેતન’નો પહેલો ભાગ હાથમાં હતો અને એક મિત્રનો ફોન આવ્યો. જેવો ફોન ઉપાડ્યો કે તેણે કહ્યું, “તારા વાળા પેલા હરકિસન મહેતા તો ગયા.” મને ધ્રાસ્કો પડ્યો. મેં જે સાંભળ્યું અને હું જે સમજ્યો તે સાચું કે ખોટું તેની ખાતરી કરવા મે પૂછ્યું, “ફરીથી કહે તો?” મિત્રએ કહ્યું, “પેલા લેખક…એ તો ગયા હવે ભગવાનના ઘરે.” અને મારાથી ‘જડ-ચેતન’ના પાછલાં પૂઠાં પર તેમનો ફોટો જોવાઈ ગયો. દિલમાં ડૂમો ભરાઈ ગયો. કોઈની નજરે ન પડે એટલે ઘરના ઉપરના માળે જઈને છાનું-છાનું રડી પણ લીધું.

Continue reading “સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી”

‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા

Harkisan Mehta Pila Rumalni Ganth Gujarti Novel Book Review Chirag Thakkar

શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતાં તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાના તાણાવાણાથી ગૂંથાયેલી હોય? અને તમને એમ કહેવામાં આવે કે આવા ‘બોલ્ડ’ વિષય પર ઈ.સ. 1968માં નવલકથા લખાયેલી હતી અને એ નવલક્થામાં ઓગણીસમી સદીની શરૂઆતના સમયનું આલેખન છે, તો તમે માનશો? એ નવલકથા એટલે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને એ સાહસિક નવલકથાકાર એ બીજા કોઈ નહિ પણ શ્રી હરકિસન મહેતા.

સુરેશ દલાલે એક વાર કહ્યું હતું કે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ એ ગુજરાતી સાહિત્યના બે લોચન સમા નવલક્થાકાર છે. આ બંને નવલકથાકારો પાસે વાચકની નાડ પારખવાની અદ્દભુત સૂઝ છે. નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. જોકે બંનેની શૈલીમાં એક પાયાનો તફાવત છે જે કોઈની પણ આંખે ઊડીને વળગે અને તે છે તેમણે વાપરેલી ભાષા. સાતમા ધોરણમાં ભણતા કિશોર માટે અશ્વિની ભટ્ટને વાંચવા દુષ્કર તો નહિ પણ મુશ્કેલ જરૂર છે જ્યારે એ જ કિશોર હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. અશ્વિની ભટ્ટ પાસે પોતાનો એક આગવો શબ્દકોષ છે અને યોગ્ય જગ્યાએ જરૂરિયાત અનુસાર ગુજરાતી ભાષા સિવાયના શબ્દો વાપરતા તેઓ બિલકુલ અચકાતા નહીં. જ્યારે હરકિસન મહેતા મોટાભાગે લોકકોષ વડે જ કામ ચલાવી લેતા અને છતાં પણ પોતાની વાતને તેઓ બખૂબી રજૂ કરી દેતા.

આજ કારણે અશ્વિની ભટ્ટથી પહેલાં હરકિસન મહેતાની લેખનીનો પરિચય થયો હતો. પહેલાં તેમની નવલકથા ‘ભેદ-ભરમ’ વાંચી અને ત્યાર બાદ એક પછી એક બધી જ નવલકથાઓ વાંચી નાખી. તેમની તમામ નવલકથાઓમાં સૌથી વધુ ગમે ‘જડ-ચેતન’ કારણ કે તેના જેવી પ્રણયકથા આજ સુધી બહુ જ ઓછી લખાઇ છે. અદ્ભુત! (પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ અને ભગવતીકુમાર શર્માની ‘અસૂર્યલોક’ પણ એટલી જ ગમે છે.) બીજા ક્રમે આવે ‘લય-પ્રલય’ અને ‘વંશ વારસ’. બાળપણમાં આર. એલ. સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઈલેન્ડ’નો અનુવાદ વાંચ્યો ત્યારથી દરિયાઇ કથાઓનું આકર્ષણ હતું. ત્યાર બાદ ગુણવંતરાય આચાર્યના ઘણા પુસ્તકો વાંચ્યા. એ પુરાતન સમયની કથાઓ જેટલી જ આધુનિક સમયમાં સર્જાયેલી ‘લય-પ્રલય’ પણ સ્પર્શી ગઈ અને પ્રિન્ટ મિડિયાનું આકર્ષણ (તથા ઇરવિંગ વૉલેસની ‘ધી ઑલમાઈટી’નો ઉપયોગ) ‘વંશ વારસ’ પ્રતિ આકર્ષિત રાખે છે. ત્રીજા ક્રમે પણ બે નવલકથાઓ મૂકું છું કારણ કે બંનેમાં ઘણી સામ્યતાઓ છે. બંનેના નાયક ખરેખર પ્રતિનાયક છે, બંને કાલ્પનિક નહિ પરંતુ સાચા પાત્રો છે અને બંને નવલકથાઓ ત્રણ ભાગમાં વહેચાયેલી છેઃ ‘જગ્ગાડાકુનાં વેરનાં વળામણાં’ અને ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’.

Continue reading “‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’: હરકિસન મહેતાની નવલકથાઓની અર્ધી સદીની લોકપ્રિયતા”

ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

Dhruv Bhatt Samudrantike Book Review Chirag Thakkar Jay

પુસ્તકની શરૂઆતમાં જ વાંચ્યુંઃ “અર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણને” અને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે આ કોઈ બીબાંઢાળ પુસ્તક નથી.

પછી ધ્રુવ ભટ્ટનું નિવેદન વાંચ્યુઃ “સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના આ વાત મેં લખી છે…મેં આ લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. આ શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી જ તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે આ લખાણ માણી શકો છો.” કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતા નથી અને માત્ર ‘લખાણ’ શબ્દ વાપરી બધુ આપણી પર જ છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.

પારંપરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના આ ‘લખાણ’નું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તારેખા છે પણ તે ખૂબ જ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પાના નંબર 25 પર નાયક કહે છે કે “આ નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.” ત્યારે આપણને આ નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રનાં હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલાં-જાણેલાં જગતને આ જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે આ બધાં પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ આ બધાના પ્રેમમાં પડતો જાય છે.

શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, “ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.” (પાના નં. 21) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, “હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.” (પાના નં. 32) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે, “આ અવલ જે હોય તે; પણ આ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.” (પાના નં. 28)

Continue reading “ધ્રુવ ભટ્ટની જડથી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’”

શું પાર્ટી, ઓળખાણ પડી?

Facial Recognition Hasyalekh Chirag Thakkar Jay

સામાજિક પ્રસંગમાં કે જાહેર સ્થળે અચાનક કોઈ આવીને ખભે હાથ મૂકીને અસલ અમદાવાદી સ્ટાઇલમાં પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે ટોપલેસ બારમાં જઈ ચડેલા અંડર-એજ કિશોર જેવી મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા થાય છે. કહેવું હોય કે “પડે જ ને…કેમ ઓળખાણ ન પડે?” પણ જો ઓળખાણ ન પડી હોય તો મારા જેવાની શું હાલત થાય?

ચહેરાઓ યાદ રાખવા બાબતે મારી પરિસ્થિતિ એટલી આદર્શ છે કે જો મારી સામે માધુરી દીક્ષિતની દસ અલગ-અલગ તસવીરો મૂકવામાં આવે અને એવો પડકાર ફેંકવામાં આવે કે “આમાંથી માધુરી ઓળખી બતાવ તો જરા…” તો એવા સમયે હું અચૂક મૂંઝાઈ જાઉં. વધુમાં વધુ સારું પરિણામ એ મળી શકે કે હું કોઈ ત્રણ તસવીરો પસંદ કરીને એમ કહું, “આ ત્રણમાંથી એક માધુરી હોવી જોઇએ.”

પૂછનારા રસિકજનો પાછા એમ પણ પૂછશે કે ‘લગભગ’ નિવૃત્ત થઈ ગયેલી માધુરીના બદલે કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ કે પ્રિયંકા ચોપરા જેવી હિરોઇન કે પૂનમ પાંડે, સની લિઓની જેવી સમાજ સેવિકાઓનું ઉદાહરણ આજના સમયમાં વધારે યોગ્ય ન ગણાત? પણ એનો જવાબ એમ છે કે આ લેખ ચહેરાઓની સ્મૃતિ વિષે છે અને આ સન્નારીઓ ચહેરાને બતાવવા જેવું અંગ જ ક્યાં માને છે?! એમના ચહેરા સામે જોવા જતા આડેપાટે ચડી જવાનો ભય વધારે હોય છે. જોયું, આ નાનકડા લેખનો એક આખો ફકરો પણ આડેપાટે ચડી ગયોને!

હા, તો મૂળ વાત છે ચહેરા યાદ રાખવાની અને આપણી (એટલે કે મારી) એ બાબતની શક્તિ એકદમ ઓછી છે. ફેસિયલ રિકોગ્નિશનના સોફ્ટવેરમાં જ ખામી હશે. એમાંય કેટલાંક વર્ષો ભારત બહાર રહ્યા પછી સમયની જંગી સોયે કેટલીય સ્મૃતિઓને ગ્રામોફોન રેકર્ડની જેમ ઘસી નાખી છે. એમાં પણ જ્યારે કોઇ સામાજિક પ્રસંગે ભરપેટ પકવાનો ખાઇને આઇસ્ક્રીમ ખાતા હોઇએ ત્યારે તો શરીરના તમામ અંગો ‘હાઇબરનેટ’ થવાની તૈયારીમાં લાગી ગયા હોય છે. શીતનિંદ્રાના પૂર્વાલાપ જેવી એ પરિસ્થિતિમાં કોઇ ચહેરો અચાનક આપણા ચહેરાની બરોબર સામે ઝળૂંબતા ઝળૂંબતા એમ પૂછે, “શું પાર્ટી, ઓળખાણ પડી?” ત્યારે વાસ્તવમાં ધર્મસંકટ જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે.

Continue reading “શું પાર્ટી, ઓળખાણ પડી?”

“ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો

Chirag Thakkar Jay - Translation - Amish Tripathi - Sita Warrior of Mithila

ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’

વકીલ કહે, ‘ના…’

હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’

વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”

મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”

થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.

Continue reading ““ચિરાગ ઠક્કર હાજર થાય….”: સીતાની સાહેદમાં અદાલતનો મજકૂર કિસ્સો”