મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

Beware Obituary Besanu Avasan Nondh Mobile No Chirag Thakkar Jay

અત્યારની પરિસ્થિતિમાં વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બન્યા. એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને બેસણાની જાહેરખબરમાં સંપર્ક નંબર પણ તેનો જ છપાવ્યો.

બેસણાની જાહેરખબર આવી એ દિવસે સવારે 6 વાગ્યાથી ‘માનવ સહાય મંડળ’ના ફોન આવવા માંડ્યાં. એ લોકોએ સવાર-સવારમાં જ કુલ 6થી 7 વાર ફોન કર્યાં. દરેક વખતે અલગ અલગ વ્યક્તિએ વાત કરી અને દરેક વખતે અલગ અલગ દાવા કર્યાં. જેમ કે, એ લોકો સ્વર્ગસ્થના નામની તકતી મૂકવાના છે કે પછી સ્વર્ગસ્થના નામે રામધૂન કરવાના છે કે બટુક ભોજન (આવા સમયમાં?!) કરાવવાના છે કે પછી અનાથ આશ્રમમાં સહાય કરવાના છે. પણ દરેક વખતે રૂપિયાની માંગણી અચૂક કરી.

આ બધાં તકવાદીઓને એટલું જ કહેવાનું કે અત્યારે જ્યારે સમગ્ર માનવજાત કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે તો મોતનો મલાજો જાળવો! કોઇની નબળી ક્ષણનો ગેરલાભ ઉઠાવતા જરા પણ સંકોચ નથી થતો? ‘માનવ સહાય મંડળ’માં માનવતા જ નથી?

આ ઘટના પરથી આપણે એટલો બોધપાઠ લેવાનો કે,

 • અવસાન નોંધ કે બેસણાની જાહેરખબરમાં તમારો ફોન નંબર આપવાની કોઇ જ જરૂર નથી. જે સંપર્કમાં હોય તે તમામ સગા, મિત્રો, પરિચિતો પાસે તો અવશ્ય કોઇને કોઇ સંપર્ક નંબર હોય જ. અને ન હોય તો પણ એ ગમે તેમ કરીને, બે-ચાર જણાને પૂછીને, મેળવી શકશે. બધું કરતા પણ ન મેળવી શકે તો છેવટે પોતાના ઘરે બેસીને આંખો મીંચીને 1 મિનિટ પ્રાર્થના તો કરી જ શકશે. એથી વિશેષ કશાયની જરૂર પણ નથી હોતી આવા સમયમાં.
 • સારી સંસ્થાઓને પોતાના કામના આધારે સહાય મળતી જ રહે છે. તેમને આવી રીતે ફોન નથી કરવા પડતા કે ઘરે ઘરે રજીસ્ટર લઇને ફરવું પણ નથી પડતું. માટે આવા ઠગભગતોથી ચેતો અને તમારા ફોનમાં ટ્રાઇની એપ ઇન્સ્ટોલ કરી આવા નંબરો એક ક્લિકમાં જ રિપોર્ટ કરો. એની પર વહેલા-મોડા પગલાં તો લેવાય જ છે.

હિંદુ ધર્મમાં તો એમ જ કહ્યું છે ને કે મૃત્યુ પછી માણસને પોતાના કર્મો અનુસાર જ ગતિ પ્રાપ્ત થતી હોય છે? અર્થાત્ પાછળ રહી ગયેલા લોકો જે પણ કરે તે પોતાના મનની શાંતિ માટે જ કરતા હોય છે. તો એવા માણસો શોધો જેમને સાચે જ મદદની જરૂર છે અને તેમની મદદ કરો તો સદ્ગતની આત્માને વધારે શાંતિ પ્રાપ્ત થશે. (જેમ કે, અત્યારે સ્કૂલની ફી ન ભરી શકતા વાલીઓ કે હોસ્પિટલાઇઝેશનના ખર્ચામાં ડૂબી ગયેલા માણસોની સંખ્યા નાની નથી.)

માણસ માણસની મદદ નહીં કરે, તો કોણ કરશે? અરે, મદદ ન કરે તો કંઇ નહીં, આમ હેરાન નહીં કરે તો એ પણ મોટી મદદ ગણાશે.

(જૂના બ્લોગ પર આ પોસ્ટ પ્રસિદ્ધ થયા પછી ઘણા મિત્રોએ વિવિધ માધ્યમો થકી જણાવ્યું હતું કે આ ખેલ તો બહુ વર્ષોથી ચાલી રહ્યો છે.)

8 thoughts on “મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

 1. આપની વાત સાચી છે પણ આ ખેલ તો ઘણા સમયથી ચાલ્યા કરે છે તમે ફોન નં. આપો એટલે ઉપરાઉપરી ફોન આવવા જ માંડે છે

  Liked by 1 person

 2. Very timely and true
  Even earlier there were always people waiting to pounce on the sorrows of others to nake a fast buck
  Keep writing
  You write well
  Whether literary or social topics

  Liked by 1 person

 3. ધંધો કરવામાં ગુજરાતીઓ ગુજરાતીઓને કોઈ ન પહોંચે. “કફન ખસોટ” શબ્દ યાદ આવી ગયો.

  Liked by 1 person

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s