એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મુલાકાતઃ સાદગીના વૈભવના સાક્ષી

Meeting APJ Abdul Kalam Chirag Thakkar Book Launch of Translation of 'Squaring The Circle' વિકસિત ભારતની ખોજ

જ્યારથી એવા સમાચાર મળ્યા કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એપીજે અબ્દુલ કલામને મળવા જવાનું છે ત્યારથી એ દિવસથી રાહ જોતો હતો. ઘરમાં કે મિત્રવર્તુળમાં કોઈને વાત પણ નહોતી કરી કારણ કે આવી ઘટનાઓમાં ઘણાં ‘જો’ અને ‘તો’ હોય છે અને છેલ્લી ઘડીએ કંઇક લોચો તો પડશે જ એમ મનથી થતું હતું.

પણ છેવટે એ દિવસ આવી પહોંચ્યો હતો. (03/01/2014) એકબાજુ અમદાવાદના કનોરિયા સેન્ટરમાં શરૂ થઈ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)માં હાજર રહેવાની તાલાવેલી હતી તો બીજી બાજુ કલામ સાહેબને મળવાની અદમ્ય ઝંખના હતી. તો પણ જીએલએફના ઉદ્દઘાટનમાં તો પહોંચી જ ગયો અને એ સાહિત્યોત્સવ માણતો રહ્યો. જોકે ત્યાં મારા પ્રકાશક રોનક શાહ (નવભારત સાહિત્ય મંદિર) મળી ગયા અને મને તેમણે યાદ અપાવ્યું કે મારે શાહીબાગ સમયસર હાજર રહેવું જરૂરી છે. એટલે ઉદ્દઘાટન સમારોહ પત્યા પછી મારે નીકળી જવું પડ્યું.

ઉત્તેજના એટલી હતી કે બધા કરતા સૌથી પહેલા હું જ ત્યાં પહોંચી ગયો. આમ તો રાહ જોવામાં કંટાળો આવત પણ શાહીબાગના એ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણવમાં અને ખાસ તો મુક્ત મને વિહરતા મોર જોવામાં સમય વીતી ગયો. સાડા ત્રણ વાગે મુલાકાતનો સમયે હતો ત્યારે અમારી ટીમના એક સિવાય બધા જ આવી ગયા હતા. એ એક વ્યક્તિની રાહમાં અમારે દસ મિનિટ રોકાવું પડ્યું થયું અને એ દરમિયાન કલામ સાહેબને લંચ માટે બેસાડી દેવામાં આવ્યા. એટલે અમારે થોડીક વધારે રાહ જોવી પડી.

પહેલાં એનેક્સી હાઉસની લાઉન્જમાં, ત્યાર પછી ગેસ્ટ હાઉસના કોઈ રૂમમાં રાહ જોવામાં અમે લગભગ ચાલીસેક મિનિટ વીતાવી એ સમયે જાતજાતના વિચારો આવતા રહ્યા. કલામ સાહેબની ‘વિંગ્સ ઑફ ફાયર’ વાંચતી વખતે સહેજે તેમનાથી પ્રભાવિત થઈ જવાયું હતું. એ પુસ્તકનાં પ્રસંગોને હું યાદ કરતો હતો. ઇસરોના કોઇ સમારંભમાં કલામ સાહેબ યુનિવર્સિટી કન્વેશન હોલમાં દર્શક તરીકે આવ્યા. ત્યારે તેઓ રાષ્ટ્રપતિ તો નહોતા પરંતુ ‘ભારતના મિસાઇલ મેન’ તરીકે તો અવશ્ય જગવિખ્યાત હતા. તેમ છતાં બધી જગ્યાઓ ભરાઇ ગઇ હોવાથી કોઇને ખલેલ પહોંચાડ્યા વિના તેઓ એક પગથિયા પર બેસી ગયા હતા, એ તસવીરનું અને તેમની વિનમ્રતાનું સ્મરણ પણ થઇ આવ્યું. શિક્ષક તરીકેની કારકિર્દીમાં ક્યારેક કલામ સાહેબ વિષેના નિબંધો લખ્યા-લખાવ્યાનું અને એક પ્રિય વિદ્યાર્થીને વકતૃત્વ સ્પર્ધામાં સાહેબનું જીવનચરિત્ર ગોખાવડાવ્યાની ઘટનાઓ પણ યાદ આવી ગઇ. પુસ્તકોનું કોઇ પાત્ર જીવંત સ્વરૂપે મળવાનું હોય, તેવો રોમાંચ હતો.

દરમિયાન કલામ સાહેબના પી.એ. આવીને મળી ગયા અને ત્યાર બાદ ‘વિંગ્સ ઑફ ફાયર’ અને મેં અનૂદિત કરેલાં પુસ્તક ‘વિકસિત ભારતની ખોજ’નાં સહલેખક ડૉ. અરુણ તિવારી પણ આવીને મળી ગયા એટલે થોડીક ધરપત થઈ કે સાહેબ મળશે તો ખરા.

Meeting APJ Abdul Kalam Chirag Thakkar Book Title વિકસિત ભારતની ખોજ
એપીજે અબ્દુલ કલામે અરુણ તિવારી સાથે લખેલા ‘Squaring the Circle’નો મેં કરેલો ભાવાનુવાદ

ચાલીસ મિનિટના અંતે છેવટે અમને સાહેબને મળવા જવાની મંજૂરી મળી. કલામ સાહેબના રૂમમાં પ્રવેશતા જ ઘણી બધી કલ્પનાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ. તેમને વાંચીને એટલો ખ્યાલ તો જરૂર હતો કે કલામ સાહેબ ભપકાવાળા બ્યુરોક્રેટ તો નથી જ પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેઓ આટલા ‘ડાઉન ટુ અર્થ’ હશે તેવી કલ્પના નહોતી. કોઇ જ ભપકા વિના, એકદમ અનૌપચારિક વસ્ત્રોમાં તેઓ ખૂબ જ સરળતાથી, ‘કમ્ફર્ટિંગ’ સ્મિત સાથે ઊભા હતા. અને એ અમને આવકારવા ઊભા હતા! વળી મનમાં બીજી કલ્પના એમ પણ હતી કે જેમની સિક્યુરિટીમાં આટઆટલા સુરક્ષાકર્મીઓ હાજર રહેતા હોય છે તેમના રૂમમાં તેમનો અંગત મદદનીશ અને અન્ય એકાદ-બે વ્યક્તિઓ બગલમાં કોઈ કામના-નકામા ફોલ્ડર લઈને હાજર હશે જ. તેના બદલે કલામ સાહેબ એકલા જ હતા.

અંદર જઈને અમારા સૌ વતી રોનકભાઈ શાહે કલામ સાહેબનું અભિવાદન કર્યું અને તેમના હાથમાં મેં અનૂદિત કરેલું પુસ્તક મૂક્યું. એ પુસ્તકનાંં ટાઇટલ પર તેમની સુંદર સ્મિત વાળી તસવીર છે. તેવા જ સ્મિત સાથે તેમણે એ પુસ્તક હાથમાં લીધું. કોઈ મોટો માણસ કે મોટા ગજાનો લેખક આવા સમયે પ્રોત્સાહક પ્રતિભાવ આપે કે “વેરી ગુડ…અચ્છા કિયા હૈ…કીપ ઇટ અપ…” અથવા શાબાશી આપે, પીઠ થાબડે. પરંતુ કલામ સાહેબે એવી કોઈ જ મોટપ દાખવ્યા વિના એકદમ સરળ માણસની જેમ મુદ્દાનો જ સવાલ પૂછ્યો, “કૈસા જા રહા હૈ યે?” તેમનો મતલબ હતો કે આ પુસ્તકનું વેચાણ અને પ્રતિભાવ કેવો છે? રોનકભાઈએ તેનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો.

સિદ્ધાર્થ રામાનુજ આ પુસ્તકનાં ટાઇટલ ડિઝાઇનર હતા અને એ કલામ સાહેબ માટે વી. રામાનુજ સાહેબે દોરેલા એક રેખાચિત્રને મઢાવીને લાવ્યા હતા. તેમણે એ રેખાચિત્ર કલામ સાહેબને ભેટમાં આપ્યું ત્યારે પણ એજ સહજતાથી તેમણે પૂછ્યું, “યે કહાં કા ડ્રોઇંગ હૈ?” મૂળે એ ચિત્ર પોરબંદરની કોઈ વેસ્ટલેન્ડનું હતું કે જે જમીન માફિયાઓના કબજામાં હતી. ગામના લોકોએ સામૂહિક પ્રયત્નોથી તેને મુક્ત કરાવીને મીઠા પાણીની મદદથી પડતરમાંથી ઉપજાઉ બનાવી દીધી હતી. આટલી જ વાત હતી પણ સિદ્ધાર્થભાઈએ પણ કદાચ મારી જેમ જ કલામ સાહેબ વિશે બહુ મોટા અને ખોટા ખ્યાલ બાંધ્યા હશે. તેમને એમ હશે કે કલામ સાહેબ પાસે આવું બધું પૂછવા-સાંભળવાનો સમય ક્યાં હશે? માટે તેમણે એવા કોઈ જ સવાલની તૈયારી નહીં રાખી હોય. જ્યારે કલામ સાહેબે ખરેખર તેમને એ પૂછ્યું ત્યારે એ નાનકડી વાત પણ તેમણે એકદમ લંબાણથી સમજાવી. (તૈયાર કરેલી સમજૂતી ટૂંકી અને મુદ્દાસર હોય ને!)

ત્યાર બાદ તેમની સાથે મારી ઓળખાણ અનુવાદક તરીકે કરાવવામાં આવી. એક ક્ષણ સુધી મને ઉપરથી નીચે સુધી જોઇને કલામ સાહેબે મારી સાથે હાથ મિલાવ્યા. મને કહ્યું, “અચ્છા કિયા હૈ!” અને ફરી પાછું એક અદના આદમીની જેમ જ મને પૂછ્યું કે મને પુસ્તક કેવું લાગ્યું. પુસ્તક વિષે અમુક વાતો કરીને મેં કહ્યું કે, “આઇ હોપ ઑલ ધ પીપલ ઑફ અવર નેશન શેર્સ યોર ડ્રીમ.” (હું આશા રાખું કે આપના સ્વપ્નમાં આપણા રાષ્ટ્રના તમામ લોકો સહભાગી બને.) તેમણે એ સાંભળીને પુનઃ સ્મિત આપ્યું.

તેમનાં પુસ્તકો પરથી તરત જ ખ્યાલ આવી જાય છે કે તેઓ એક બાબત દ્રઢપણે માને છે કે ભારતનો વિકાસ ભારતનું યુવાધન જ કરી શકશે. માટે તેમનાં અનૂદિત પુસ્તકના પ્રકાશક, ડિઝાઇનર અને અનુવાદક તરીકે યુવાનોને હાજર જોઈને તે અત્યંત ખુશી અનુભવતા હતા. અત્યાર સુધી તો તેઓ તેમના રૂમમાં અમારાથી જ ઘેરાયેલા હતા. પણ હવે તેમની સાથે મારી ઓળખાણ કરાવવામાં આવ્યા પછી તેમના સહલેખક ડૉ. અરુણ તિવારી પ્રવેશ્યા. તેમને જોઈને કલામ સાહેબે મારી તરફ આંગળી ચીંધીને કહ્યું, “મીટ ધી યંગ ટ્રાન્સલેટર. ઇન્હોને યે ટ્રાન્સલેશન કિયા હૈ!” એમણે મારા વિષે બે-ચાર વાતો ડૉ. તિવારીને કહી. પ્રશસ્તિ તો કોને ન ગમે? અને એ પણ ભારતના રાષ્ટ્રપતિના મુખેથી. એ ક્ષણ મેં માણી લીધી. ભારતનું યુવાધન સરસ કામ કરી રહ્યું છે એ વાતનો આનંદ કલામ સાહેબને હતો, તે વારે-વારે દેખાઇ આવતું હતું.

Meeting APJ Abdul Kalam Chirag Thakkar Book Launching of Translation of 'Squaring the Circle' વિકસિત ભારતની ખોજ
પુસ્તક વિમોચનની એ અવિસ્મરણીય ક્ષણ
Meeting APJ Abdul Kalam Chirag Thakkar Augtograph of APJ Abdul Kalam
કલામસાહેબના હસ્તાક્ષર

પછી ડૉ. તિવારીએ મને એક અપ્રકાશિત પુસ્તકની માહિતી આપી અને તેની મેન્યુસ્ક્રીપ્ટ મોકલી આપવાનું વચન આપ્યું. તેમણે પણ સરળતાથી કહ્યું, “દેખ કે બતાના કી ટ્રાન્સલેશન કરને જૈસી બુક હૈ કી નહીં?” એ દરમિયાન રોનકભાઇએ સાથે લાવેલાં પુસ્તકો બેગમાંથી કાઢી રાખ્યા હતા. એનેક્સી હાઉસના એ ઓરડામાં અનૌપચારિક રીતે કલામ સાહેબે મારા (અમારા) પુસ્તકનું અંગત વિમોચન કર્યું.

તેમને મળવા માટે મુલાકાતીઓની કતાર લાગેલી જ હતી એટલે અમારે અનિચ્છાએ પણ એ કક્ષની બહાર નીકળવું જ પડશે એની તો અમને જાણ હતી જ. પણ જતાં-જતાં મારે અનૂદિત પુસ્તક પર તેમના હસ્તાક્ષર લેવા હતા એટલે મેં ‘વિકસિત ભારતની ખોજ’નું પહેલું પાનું ખોલીને તેમની સામે ધર્યું. તેમણે એકદમ સૂચક નજરે મારી સામે જોઈને સમજાવી દીધું કે તેમને હસ્તાક્ષર આપવામાં કોઈ જ વાંધો નથી પરંતુ તેમની પાસે પેન નથી. (આવા સરળ માણસ હસ્તાક્ષર આપવા ખિસ્સામાં પેન લઈને તો ન જ ફરતા હોય.) એટલે મેં મારા ખિસ્સામાં રહેલી પેન તેમને આપી. તેમણે હસ્તાક્ષર કરી આપ્યા. સિદ્ધાર્થ ભાઈ તેમનું એક કેરીકેચર પણ ઘરેથી બનાવી લાવેલા જેની પર તેમણે પણ હસ્તાક્ષર લીધા. હસ્તાક્ષર કરીને યાદ રાખીને તેમણે એ પેન મને પાછી પણ આપી. (જે મેં હજું પણ સાચવી રાખી છે!)

અમે બધા સરળ માનવની સાદગીથી અંજાઈને એ રૂમમાંથી બહાર નીકળ્યા હતા. રૂપિયાનો સિક્કો ખખડાટ કરતો હશે, હજારની નોટ નહીં, ખરૂને?

(અનુવાદની યાત્રા ક્યાં લઇ જશે એની જરા પણ કલ્પના વિના તેમાં જોડાયો હતો. એ યાત્રામાં આવા મીઠા વીરડા મળતા ગયા છે અને યાત્રા હજું આગળ ધપી જ રહી છે. 2014માં બનેલી એ ઘટનાની ગુજરાતના પ્રમુખ વર્તમાનપત્રોમાં પણ નોંધ લેવાઇ હતી જે નીચે મૂકી છે.)

Meeting APJ Abdul Kalam Chirag Thakkar News Paper Citations

8 thoughts on “એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મુલાકાતઃ સાદગીના વૈભવના સાક્ષી

  1. આ એક મોટી ઉપલબ્ધિ
    છે. યાદગાર સંભારણું રહેશે.

    Liked by 1 person

  2. You are really lucky to meet our late President APJ Abdul Kalam…Also, you gave complete picture of your meeting whereby we also felt like being present with you…Wish you could have many such honors in your plate in future…Wishing you all the best, Mr. Chirag Thakkar ‘Jay’…

    Liked by 1 person

  3. અત્યંત રોચક શૈલીમાં લખાયેલું વ્યવસ્થિત મુલાકાત વર્ણન.કલામ સાહેબની સાદગીની છબી બરાબર ઉપસે છે.વાર્તા વાંચ્યાનો સ્વાદ આપે છે,. અભિનંદન

    Liked by 1 person

આપની ટિપ્પણી (ગુજરાતીમાં કહીએ તો ટિપ્પણી)